Sun-Temple-Baanner

‘ક’ કરીનાનો ‘ક’


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


‘ક’ કરીનાનો ‘ક’


‘ક’ કરીનાનો ‘ક’

દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – 30 સપ્ટેમ્બર 2012

સ્લગ: મલ્ટિપ્લેક્સ

એક છેડે ‘જબ વી મેટ’ની જબરદસ્ત જીવંત પંજાબણ છે તો તદ્દન વિરુદ્ધ છેડે કોમ્પલેક્સ પર્સનાલિટી ધરાવતી ‘હિરોઈન’ની માહી અરોરા ઊભી છે. કરીના કપૂરની અભિનયક્ષમતાને ડિફાઈન કરવા માટે આ બે કિરદાર કાફી છે.

* * * * *

‘જબ વી મેટ’માં કરીના કપૂરની એન્ટ્રીને યાદ કરો. રેલવે પ્લેટફોર્મ પર એક કૂલી દોડતો દોડતો ડબ્બાના દરવાજા પાસે ઊભેલા માણસને એક પછી એક લગેજ પાસ-ઓન કરી રહ્યો છે. ટ્રેન ગતિ પકડી ચૂકી છે. ઢગલાબંધ બેગ-બિસ્તરાં અંદર આવી ગયાં છે, કૂલી હટી જાય છે અને એની પાછળ પાછળ દોડી રહેલી કરીના કપૂર ‘હાથ દો… હાથ દો…’ કરતી પ્રગટ થાય છે. એનો હાથ પકડીને માંડ માંડ અંદર ખેંચી લેવામાં આવે છે. આ તમાશો જોઈ રહેલા પેસેન્જર્સનો જીવ અધ્ધર થઈ ગયો છે. ડબ્બામાં ચડી ગયા પછી હાંફતી હાંફતી, હસતી હસતી કરીના બોલવા માંડે છે:

‘આજ તો હદ હી હો ગઈ. લાઈન ક્રોસ હો હી ગઈ થી આજ તો… પતા હૈ ક્યા, આજ તક લાઈફ મેં એક ટ્રેન નહીં છૂટી મેરી… (ઉપર જોઈને) થેન્ક્યુ બાબાજી, મેરા રેકોર્ડ તૂટને સે બચા લિયા…’

પેલો માણસ હજુય એનો હાથ પકડીને ઊભો છે. કરીના મુસ્કુરાતી એને કહે છે, ‘અંદર આ ગઈ હૂં મૈં… અબ તો મેરા હાથ છોડ દો! ઈતની ભી સુંદર નહીં હૂં મૈં…’

બસ, છ જ વાક્ય. કાબેલ પેઈન્ટર જે રીતે બે-ચાર લસરકામાં આખું ચિત્ર ઊભું કરી દે એ રીતે કરીના કપૂર આ છ જ વાક્ય અથવા 51 શબ્દોના ડાયલોગથી પોતાનાં પાત્ર ને સજ્જડ રીતે એસ્ટાબ્લિશ કરી દે છે. ગીત નામની છોકરી આવી જ હોય. અત્યંત જીવંત, ભયંકર બોલકી, બાલિશ લાગે એટલી હદે રમતિયાળ, વિચારવાની તસદી લીધા વિના બિન્દાસપણે ઝુકાવી દેનાર અને સામેના માણસને મૂંઝવી નાખે એવી એક્સ્ટ્રોવર્ટ પંજાબણ! રાઈટર-ડિરેક્ટર ઈમ્તિયાઝ ‘જબ વી મેટ’ની આ કિરદારને કરીના કપૂરના બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ વગર યાદગાર બનાવી શક્યા ન હોત.

એક છેડે ગીત નામની આ પંજાબણ છે તો તદ્દન વિરુદ્ધ છેડે ‘હિરોઈન’ની માહી અરોરા ઊભી છે. કરીના કપૂરની અભિનયક્ષમતાને ડિફાઈન કરવા માટે આ બે કિરદાર કાફી છે. માહી જોતાં જ પ્રેમમાં પડી જવાય એવી ચુલબુલી અને સાવ સરળ છે, જ્યારે બોલીવૂડની ગ્લેમરસ સ્ટાર માહી અરોરા કોમ્પલેક્સ સ્ત્રી છે. એની પર્સનાલિટી એવી છે કે કહેવાતા પ્રિયજનો એના પર આસાનીથી ઘા કરી શકે છે, એ પોતે પણ સમય આવ્યે ઘા મારી દે છે. એ મૂડી છે, ક્યારે શું કરશે એ કળી શકાતું નથી, પ્રેમ અને પ્રોફેશનમાં સતત અસલામતી અનુભવ્યા કરે છે.

યાદ રહે, સમગ્ર્ ફિલ્મ તરીકે ‘જબ વી મેટ’ અને ‘હિરોઈન’ની કોઈ તુલના નથી. ‘જબ વી મેટ’ વારે વારે જોવી ગમે એવી સદાબહાર ફિલ્મ છે, જ્યારે ‘હિરોઈન’માં મધુર ભંડારકરે આપણને નિરાશ કર્યા છે. માત્ર એક જ બાબતને કારણે ફિલ્મ બચી ગઈ છે અને એ છે કરીના કપૂર. નબળું મટિરીયલ મળ્યું હોવા છતાં કરીના પોતાનાં પાત્રને કાર્ડબોર્ડ કટ-આઉટ જેવું સપાટ અને નિર્જીવ બનાવતાં બચાવી લે છે. બલકે, માહી અરોરાના કેરેક્ટરને એ એક પ્રકારની ગરિમા અને વજન આપે છે. સ્ક્રિપ્ટ કરતાં ઉપર ઉઠી શકવાની ક્ષમતા બહુ ઓછા કલાકારો પાસે હોય છે.

કરીના માટે ‘બોડીગાર્ડ’ અને ‘ગોલમાલ-થ્રી’ જેવી હિટ પણ ઊંડાણ વગરની ફિલ્મો કર્યા પછી ‘હિરોઈન’ જેવી નાયિકા પ્રધાન ફિલ્મ કરવી મહત્ત્વનું હતું. બોલીવૂડની લગભગ બધી સારી અભિનેત્રીઓની કરીઅર મિક્સ-બેગ જેવી હોવાની. અમુક ફિલ્મોમાં એ ફક્ત શોભાની પૂતળી હશે, અમુક ફિલ્મ માત્ર એટલા માટે કરી હશે કે બેનર મોટું હતું અથવા તો હીરો મોટો હતો, અમુક ફિલ્મો માત્ર તોતિંગ પૈસા માટે કરી હશે, જ્યારે અમુક ફિલ્મોમાં એની અભિનયક્ષમતા પૂરબહારમાં ડિસ્પ્લે થઈ હશે. કરીના કપૂરનું પણ એવું જ છે. ‘કભી ખુશી કભી ગમ’ (2001)ની કહાણીના મુખ્ય પ્રવાહમાં આમ જોવા જોઈએ તો કરીનાનું કોઈ મહત્ત્વ નહોતું છતાંય એનો અભિમાનની પૂતળી એવી સુપર સ્ટાઈલિશ ‘પૂ’નો રોલ ઓડિયન્સ એને હજુ યાદ કરે છે. આ એની છઠ્ઠી ફિલ્મ હતી. એ પછી (આમ તો એની પહેલાંય) સ્થૂળ ગ્લેમરસ ભુમિકાઓની કતાર થઈ ગઈ હતી. એના પર પૂર્ણવિરામ મૂકાયું ‘ચમેલી’ (2004)થી. આ ફિલ્મમાં એ સડકછાપ વેશ્યા બની હતી. આ ફિલ્મમાં કરીનાના પર્ફોર્મન્સે જબરું સાનંદાશ્ચર્ય પેદા કર્યું. એ પછી રુટિન ફિલ્મોની વચ્ચે વચ્ચે તગડાં અભિનયવાળી ફિલ્મો આવતી રહી- ‘દેવ’ (2004), ‘ઓમકારા’ (2006), આગળ જેની વાત કરી એ ‘જબ વી મેટ’ (2007), લેટેસ્ટ ‘હિરોઈન’ વગેરે.

કરીનાનું નામ મહાન લેખક લિયો ટોલ્સટોયની નવલકથા ‘એના કેરેનિના’ પરથી પાડવામાં આવ્યું છે. 32 વર્ષની કરીના બહેન કરિશ્મા જ નહીં, બલકે મમ્મી બબિતા કરતાંય ઘણી સુપિરિયર એક્ટ્રેસ છે. કરીનાને ‘થ્રી ઈડિયટ્સ’માં ડિરેક્ટ કરનાર રાજકુમાર હિરાણી કહે છે, ‘સામાન્ય રીતે મને મારા એક્ટરો પાસે રિહર્સલ્સ કરાવવાની આદત છે, પણ કરીના રિહર્સલ કરવાની ના પાડી દેતી. એને ડર હોય કે એ બહુ તૈયારી કરીને સેટ પર જશે તો સ્વાભાવિક અને સ્પોન્ટેનિયસ પર્ફોર્મન્સ નહીં આપી શકે.’ કરણ જોહરનું કહેવું છે કે અભિનયનો ક્રાફ્ટ, અભિનયનું વ્યાકરણ વગેરે જેવી ભારે ભારે થિયરીઓમાં કરીનાને સહેજ પણ ગતાગમ પડતી નથી. એનામાં ઉપરવાળાએ કુદરતી રીતે જ સેન્સ-ઓફ-સિનેમા યા તો અભિનય માટે જ‚રી મસાલો ભરી દીધો છે. તેના આધારે કરીનાની ગાડી ગબડતી રહી છે.

રેન્સિલ ડી’ સિલ્વાએ કરીનાને ‘કુરબાન’માં ડિરેક્ટ કરી હતી. એનું નિરીક્ષણ પણ ઈન્ટરેસ્ટિંગ છે. રેન્સિલ કહે છે, ‘કરીનાનું ઈમોશનલ ઈન્ટેલિજન્સ ખૂબ ઊંચું છે. એને સીન એક વાર સમજાવી દો એટલે કુદરતી રીતે આખી વાતને પામી લેશે અને પછી તે પ્રમાણે કેમેરા સાથે કમાલ અભિનય કરશે. કરીનાને લાંબા લાંબા ડિસ્કશન જરાય પસંદ નથી. જો તમે સીન શૂટ કરતાં પહેલાં એ દશ્યની બારીકાઈઓ વિશે પિષ્ટપિંજણ કરવા બેસશો તો એનું પર્ફોર્મન્સ ઊલટાનું બગડી જશે.’

હવે પછી કરીના ‘તલાશ’માં દેખાશે. આ સસ્પેન્સ થ્રિલરમાં આમિર ખાન અને રાની મુખર્જી એનાં કો-સ્ટાર્સ છે. સૈફ અલી ખાન સાથે લગ્નની હવે દિવસો ગણાય છે. કરીનાને તો લાગે છે કે લગ્નને કારણે એની કરીઅર પર કશી અસર નહીં થાય. એક મુલાકાતમાં એ કહે છે, ‘હું અને સૈફ પાંચ વર્ષથી સાથે છીએ. અમે ગુપચુપ લગ્ન કરી પણ નાખ્યાં હોય તોય કોને ખબર પડવાની છે? જો સૈફ સાથેની રિલેશનશિપથી મારી કરીઅર પર અત્યાર સુધી કંઈ ફરક પડ્યો ન હોય તો હવે શું કામ પડે? કામધામ છોડીને હું કઈ હાઉસવાઈફ બની જવાની નથી. સૈફ પણ એવું ઈચ્છતો નથી.’

વેલ, કરીના જેવી તગડી સ્ટાર-એક્ટર કામ કરતી રહે એ ઈચ્છનીય જ છે. શરત એટલી કે એના મજબૂત ભુમિકાઓ મળતી રહેવી જોઈએ.

શો-સ્ટોપર

સલમાન ખાનની ગાડી એટલી જબરદસ્ત સ્પીડ પકડી ચૂકી છે કે એની ફિલ્મો હવે લગભગ ક્યારેય ફ્લોપ નહીં જાય એવું લાગે છે. સિવાય કે એ મારી ફિલ્મમાં કામ કરે!

– રામગોપાલ વર્મા

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.