‘કેવી રીતે જઈશ’ : યે હુઈ ન બાત!
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૨૪ જૂન ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
આજકાલ ખૂબ ચર્ચાસ્પદ બનેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ ખરેખર એક સરપ્રાઈઝ પેકેજ છે. કોઈપણ ભાષાની સારી, કમર્શિયલ, એન્ટરટેનિંગ ફિલ્મમાં હોવા જોઈએ એ લગભગ તમામ તત્ત્વો અહીં મોજૂદ છે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મના પચ્ચીસ વર્ષીય રાઈટર-ડિરેક્ટર અભિષેક જૈન આગળ શું કરે છે…
* * * * *
‘ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ સ્ક્રીન પર ત્રણ ભાષાઓમાં આ રુટિન લખાણ ફ્લેશ થયા પછી ફિલ્મ શરુ થાય છે. લગભગ ત્રીજી જ મિનિટે, આ બોરિંગ ચેતવણીની ઠેકડી ઉડાવાતી હોય એમ, સુખી ઘરના ચાર અમદાવાદી દોસ્તો બિન્દાસ દારુની બોટલ ખોલે છે. આ પહેલો જ સીન આખી ફિલ્મનો ટોન અથવા તો સૂર સેટ કરી નાખે છે. ફિલ્મ ગુજરાતી છે, પણ શરૂઆત મેળાથી કે ચોરણાંઘાઘરીપોલકાં પહેરેલાં જોકરબ્રાન્ડ નટનટીથી થતી નથી. અહીં કોલેજ પાસ-આઉટ કરી ચુકેલા જુવાનિયાઓનું કન્ફ્યુઝન છે, કેટ (કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ)ની વાતો વચ્ચે છૂટથી ફેંકાતા ‘બકા’ અને ‘કંકોડા’ જેવા અસલી અમદાવાદી શબ્દો છે અને અફકોર્સ, ગુજરાતની દારૂબંધીમાં સંપૂર્ણ સ્વાભાવિકતાથી પીવાતા શરાબની થ્રિલ છે. પહેલું જ દશ્ય ગુજરાતી સિનેમાના ખખડી ગયેલા ગંદાગોબરા ફોર્મેટનો ભુક્કો બોલાવી નાખે છે. હવે પછીની ૧૨૮ મિનિટ આવા જ તાજગીભર્યા માહોલમાં પસાર થવાની છે.
વાત ‘કેવી રીતે જઈશ’ની થઈ રહી છે. આ ફિલ્મે શા માટે તંરગો પેદાં કર્યાં છે તે બિલકુલ સમજાય એવું છે. ખરેખર, ગુજરાતી સિનેમાના મામલે આપણી હાલત ભૂખથી હાડપિંજર થઈ ગયેલા, અન્ન મળવાની આશામાં તરફડ્યા કરતા દુષ્કાળગ્રાસ્ત પીડિતો જેવી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ‘કેવી રીતે જઈશ’ સ્ટાઈલિશ રેસ્ટોરાંમાં પિરસાતી ચટાકેદાર ગુજરાતી થાળી બનીને તમારી સામે પેશ થાય છે. શું છે ફિલ્મની વાર્તા? હરેસ (હરેશ નહીં, પણ હરેસ)ના બાપા એને યેનેકેન પ્રકારેણ અમેરિકા મોકલવા માગે છે. ન્યુયોર્ક શબ્દની પ્રિન્ટવાળું ટીશર્ટ પહેરીને ફર્યા કરતા આ યુવાનને પણ યુએસ પહોંચીને મોટેલકિંગ બની જવાના ધખારા છે. આ સપનું યા તો ઘેલછા પૂરી કરવા પટેલ પિતાપુત્ર કેવા ઉધામા કરે છે? બચુભઈનો લાલો આખરે અમેરિકા પહોંચે છે ખરો?
ગુજરાતી સિનેમાના સંદર્ભમાં ‘કેવી રીતે જઈશ’ એક સરપ્રાઈઝ પેકેજ છે. કોઈપણ ભાષાની સારી, કમર્શિયલ, એન્ટરટેનિંગ ફિલ્મમાં હોવા જોઈએ એ લગભગ તમામ તત્ત્વો અહીં મોજૂદ છે. તમામ ગુજરાતીઓ તરત આઈડેન્ટિફાય કરી શકે એવો વિષય, સરસ સ્ક્રીનપ્લે-ડાયલોગ્ઝ, સૂક્ષ્મ રમૂજો, અસરકારક અભિનય, સુંદર સિનેમેટોગ્રાફી ગીત-સંગીત અને ધ્યાનાકર્ષક પ્રોડક્શન વેલ્યુ. આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં બધું પોતીકું લાગે છે, સાચુકલું લાગે છે. આમાં આજના ગુજરાતીઓની વાત છે. અહીં નથી ખોટી ચાંપલાશ કે નથી હિન્દી ફિલ્મની નકલખોરી. ‘હેંડો હેંડો દેખાડી દઈએ કે આમ બનાવાય ગુજરાતી પિક્ચર…’ એવા કોઈ એટિટ્યુડની અહીં ગંધ પણ આવતી નથી. ફિલ્મમેકર અને એમની ટીમ પાસે કન્વિક્શન, પ્રામાણિકતા અને સાદગી છે, જે પડદા પર થઈને દર્શક સુધી પહોંચે છે.
આ ફિલ્મના રાઈટર-ડિરેક્ટર અભિષેક તારાચંદ જૈન મૂળ છે તો મારવાડી, પણ એમનો જન્મ અને ઉછેર અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં. (ફિલ્મના હીરોએ, બાય ધ વે, જિંંદગીમાં ક્યારેય પોળવિસ્તાર જોયો નથી!) બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રાી મળી ગયા પછી અભિષેકે સુભાષ ધાઈની વ્હિસલિંગ વૂડસ ઈન્ટરનેશનલમાં બે વર્ષનો ફિલ્મ ડિરેક્શનનો કોર્સ કરવા માટે અમદાવાદ છોડ્યું એ જ વખતે મનોમન નક્કી કરી નાખ્યું હતું કે અત્યારે ભલે મુંબઈ જાઉં છું, પણ આખરે સેટલ તો હું અમદાવાદમાં જ થઈશ! ‘કોલેજકાળ સુધી મને ફિલ્મોનો ક્રેઝબેઝ કશું નહોતું,’ અભિષેક કહે છે, ‘સિનેમા માટેનું ખરું પેશન વ્હિસલિંગ વૂડ્સમાં ગયો પછી પેદા થયું. અહીં એક બાજુ તમે ફિલ્મસિટીમાં હાડોહાડ કમર્શિયલ હિન્દી ફિલ્મો બનતાં તમે જોતા હો અને બીજી બાજુ વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર મળતું હોય. કોર્સ કરી લીધા પછી મેં સુભાષ ઘાઈને એમની બે ફિલ્મો ‘યુવરાજ’ અને ‘બ્લેક એન્ડ વ્હાઈટ’માં આસિસ્ટ કર્યા. એ પછી સંજય લીલા ભણસાલીને જોઈન કર્યું. ‘સાંવરિયા’ પછી તેઓ ‘ચેનાબ ગાંધી’ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા હતા, પણ દુર્ભાગ્યે એ ફિલ્મ ક્યારેય બની નહીં. સર્વાઈવલના સવાલો ક્રિયેટિવિટીને ચીમળાવી નાખે એ પહેલાં હું મુંબઈને અલવિદા કરીને પાછો અમદાવાદ આવી ગયો.’
હવે શું કરવું? લાઈફમાં માત્ર બે જ ગુજરાતી ફિલ્મો જોઈ હતી એક તો ’બેટર હાફ’ અને બીજી ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેનું કશું સ્મરણ મનમાં નોંધાયેલું નહોતું. નવા બનેલા મિત્રો અનિશ શાહ અને નિખિલ મુસાળે સાથે સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડ નામની એડ એજન્સી શરૂ કરીને નાનુંમોટું કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને સાથે સાથે પોતે જે ફિલ્મ બનાવવા માગે છે એના પર પણ કામ શરુ કર્યું. અભિષેક કહે છે, ‘પોતાની ભૂમિ પ્રત્યેનો પ્રેમ લવ ફોર ધ લેન્ડ ખરેખર પ્રચંડ હોય છે. મને હંમેશા સવાલ થયા કરતો કે લોકો ખરેખર શા માટે માઈગ્રોટ કરતા હોય છે? આથી જ્યારે પોતાની ફિલ્મ બનાવવાની વાત આવી ત્યારે આ જ વિચારબીજને વિકસાવીને ‘કેવી રીતે જઈશ’ની સ્ક્રિપ્ટ લખવા માંડી. વચ્ચે એક ફિલ્મ ફેસ્ટિવલમાં જોયેલી ફતિહ અકિન નામના જર્મન ડિરેક્ટરની ‘ધ એજ ઓફ હેવન’ નામની ફિલ્મથી ખૂબ પ્રભાવિત થયો હતો. સ્ક્રિપ્ટ લૉક કરતાં પહેલાં અમે એના ૧૭ ડ્રાફ્ટ તૈયાર કર્યા હતા!’
મોટા ભાઈ નયન જૈન પ્રોડ્યુસર બન્યા. કાસ્ટિંગ શરૂ થયું. વ્હિસલિંગ વૂડ્સનો પોતાનો જુનિયર રહી ચુકેલો મુંબઈવાસી દિવ્યાંગ ઠક્કર મુખ્ય નાયક બન્યો. સુરતની વેરોનિકા ગૌતમ નાયિકા. અનંગ દેસાઈ, કેનેથ દેસાઈ, ટોમ ઓલ્ટર, રાકેશ બેદી, જય ઉપાધ્યાય, અભિનય બેન્કર વગેરે જોડાતા ગયા. ફિલ્મની અફલાતૂન સિનેમેટોગ્રાાફી પુષ્કર સિંહે કરી છે. અભિષેક કહે છે, ‘હું અને પુષ્કર વ્હિસલિંગ વૂડ્સમાં રૂમમેટ્સ હતા. ડિસેમ્બર ૨૦૧૦માં એને અમદાવાદ બોલાવીને અમે શહેરનો મૂડ કેપ્ચર કરતા શોટ્સ લઈ લીધા. અગિયાર મહિના પછી પ્રિન્સિપલ શૂટિંગ શરૂ કર્યું ત્યારે સ્ટોરીબોર્ડ સહિત બધું જ રેડી હતું. એને એક્ઝિક્યુટ કરતા અમને ત્રેવીસ દિવસ લાગ્યા. આ દિવસોમાં અમે સૌ એટલી બધી એનર્જીથી છલકાતા હતા કે દોડવાનું શરૂ કર્યુર્ં હોત તો પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ હોત!’
ફિલ્મમાં કેટલાય મજાનાં દશ્યો છે. વિસા ઈન્ટરવ્યુ, એક સાથે ડીવીડી પર એડલ્ટ ફિલ્મ જોઈ રહેલા ભાઈઓ, એરપોર્ટનાં સીન્સ વગેરે. અભિષેક કહે છે, ‘તમે માનશો, અમદાવાદ એરપોર્ટ પર શૂટિંગ કરવાની પરમિશન અમને સાવ છેલ્લી ઘડીએ મળી હતી. આ પ્રકારની ફિલ્મ બનાવવાનું શરૂ કરી દીધું હોય ત્યાં સુધી અને તમારી પાસે એરપોર્ટની પરમિશન ન હોય એ ખરેખર તો બેવકૂફી ગણાય. સદભાગ્યે, બધું સમુંસૂતરું પાર પડી ગયું.’
કદાચ આ મેડનેસ જરૂરી હોય છે એક સુંદર ફિલ્મ બનાવવા માટે. અલબત્ત, ‘કેવી રીતે જઈશ’ કંઈ ‘પાથેર પાંચાલી’ નથી કે ગુજરાતી સિનેમાનો આખી દુનિયામાં ડંકો વાગી જાય. એમાં ક્ષતિઓ છે જ, પણ તે સહિત પણ તે એક નખશિખ સરસ ફિલ્મ બની શકી છે, જેને આપણે સહેજ પણ ક્ષોભ અનુભવ્યા વગર માણી શકીએ અને સંતોષભર્યો ગર્વ પણ અનુભવી શકીએ. સવાલ હવે સાતત્યનો છે. ફક્ત એક ‘કેવી રીતે જઈશ’થી કશું નહીં વળે. જ્યાં સુધી એક વર્ષમાં આ ગુણવત્તાની કમસે કમ પાંચ ફિલ્મો બનીને રિલીઝ નહીં થાય અને આ સિલસિલો એટલીસ્ટ પાંચ વર્ષ વણથંભ્યો ન ચાલે ત્યાં સુધી ગુજરાતી સિનેમાનો અંધારયુગ પૂરો થવાનો નથી.
પચ્ચીસ વર્ષના અભિષેક જૈને આશા જગાડી છે. એમની કરીઅરની હવે પછીની ગતિ મહત્ત્વની પૂરવાર થવાની. તેઓ કહે છે, ‘હું ગુજરાતી ફિલ્મો બનાવવાનું અટકાવીશ નહીં. મારી પાસે વાણિયાબુદ્ધિ છે. હું જાણું છું કે નવી દુકાન ખોલીએ એટલે પહેલા દિવસથી નફો શરૂ ન થઈ જાય. એ માટે ધીરજ રાખવી પડે અને કામ કરતા રહેવું પડે.’
બેસ્ટ ઓફ લક, અભિષેક.
શો-સ્ટોપર
મેં નાની ઉંમરે બહુ બધી જવાબદારીઓ ઉપાડી લીધી હતી. બાવીસમે વર્ષે તો મેં ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી દીધી હતી. નોર્મલ ટીનેજ લાઈફ મેં માણી જ નથી.
– શાહિદ કપૂર
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply