અનુરાગમાં એવું તે શું છે?
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – 17 જૂન 1012
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
અનુરાગ કશ્યપ નાના હતા ત્યારે છાપાંમાંથી ફિલ્મોની જાહેરખબરો કાપી લઈ એનાં પોસ્ટર બનાવતા. ફિલ્મ જોઈ ન હોય તો પણ આજુબાજુના ટાબરિયાઓને ભેગા કરીને એની કાલ્પનિક સ્ટોરી રસપૂર્વક સંભળાવતા! આજની તારીખે હિન્દી સિનેમાના સૌથી તગડા સ્ટોરીટેલરોમાં એમની ગણના થાય છે.
* * * * *
આ માણસ પાંચ કલાક ૧૮ મિનિટ લાંબી ફિલ્મ બનાવીને પ્રતિષ્ઠિત કાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરે છે અને, પ્રાપ્ય અહેવાલો તેમજ રિવ્યુઝના આધારે કહીએ તો, દુનિયાભરમાંથી એકત્રિત થયેલા દર્શકોની વાહવાહી મેળવે છે. આ માણસે હિન્દી સિનેમામાં જીદપૂર્વક એક નવી દિશા ખોલી છે. એની પાછળ પાછળ, એની સફળતાથી પ્રેરાઈને કેટલાય યુવાન ફિલ્મમેકરો ઉત્સાહપૂર્વક અલગ પ્રકારની સુંદર ફિલ્મો બનાવવા લાગ્યા છે.
વાત અનુરાગ કશ્યપ અને તેમની લેટેસ્ટ ફિલ્મ ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ની થઈ રહી છે. આવતા શુક્રવારે આપણાં થિયેટરોમાં આ લંબૂસ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થવાનો છે. ઉત્તર ભારતમાં કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરીને શી રીતે માફિયાઓ અસ્તિત્ત્વમાં આવ્યા અને પાવરફુલ બનતા ગયા એની આમાં વાત છે. અતિ હિંસા અને અપશબ્દોથી ભરપૂર આ ફિલ્મ એની ભૌગોલિકતાને કારણે મુંબઈની ગેંગસ્ટર ફિલ્મોથી અલગ પડે છે. અનુરાગને ભાઈલોકો સારા ફળ્યા છે. રામગોપાલ વર્માની અફલાતૂન ગેંગસ્ટર ફિલ્મ ‘સત્યા’ અનુરાગે લખી હતી. ‘સત્યા’થી મનોજ વાજપેયીની અભિનયપ્રતિભા બોમ્બની જેમ ફાટીને સૌની નજરમાં આવી હતી. પછી તો ‘કૌન?’ અને ‘શૂલ’ જેવી ફિલ્મોમાં પણ અનુરાગ અને મનોજે રાઈટર-ડિરેક્ટર તરીકે સાથે કામ કર્યું.
એક રાતે સાડા દસે અચાનક મનોજને અનુરાગ કશ્યપનો ફોન આવ્યોઃ ફ્રી છે? અબ્બીહાલ મારી ઓફિસે આવી જા. એક કલાકમાં મનોજ અનુરાગની ઓફિસમાં હતો. અનુરાગે એને ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’નો સ્ટોરી આઈડિયા સંભળાવ્યો. ફિલ્મના નાયકમાં નૈતિકતાનું નામોનિશાન નથી. એ સેક્સ મેનિયાક છે અને હિન્દી ફિલ્મનો હીરોએ જે ન કરવાં જોઈએ તે બધાં જ કામ એ કરે છે. આમ છતાંય એના વ્યક્તિત્ત્વમાં કશુંક ગમી જાય એવું તત્ત્વ છે. અનુરાગે પૂછ્યુંઃ બોલ મનોજ, બનીશ હીરો? મનોજે એક પળનો વિચાર કર્યા વિના કહી દીધુંઃ યેસ્સ! બસ, પછી શું. મિટીંગની ત્રીસમી મિનિટે બન્ને જણા વાઈનની બોટલ ખોલીને એમનો સંયુક્ત નવો પ્રોજેક્ટ સેલિબ્રેટ કરી રહ્યા હતા!
અનુરાગ નાનપણથી જ સારા સ્ટોરીટેલર છે. એમને ઉત્તર ભારતનો, ખાસ કરીને યુપીનો સારો પરિચય છે. એમના પિતાજીની સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડમાં ટ્રાન્ફરેબલ જોબ હતી એટલે યુપીના ઘણા શહેરોમાં રહેવાનું થયું હતું. એ નાના હતા ત્યારે છાપાંમાંથી ફિલ્મોની જાહેરખબરો કાપી લઈ એનાં પોસ્ટર બનાવતા. ફિલ્મ જોઈ ન હોય તો પણ આજુબાજુના ટાબરિયાઓને ભેગા કરીને એની કાલ્પનિક સ્ટોરી રસપૂર્વક સંભળાવતા! એટલું જ નહીં, નાનકડો અનુરાગ ખરેખર માનવા લાગતો સ્ટોરી એકદમ સાચી જ છે અને ખરેખરી ફિલ્મમાં મેં જે વિચાર્યુર્ં છે એવું જ હોવું જોઈએ!
અનુરાગ કોલેજકાળમાં થિયેટર કરતા હતા. એમને શરૂઆતમાં તો એક્ટર બનવું હતું, પણ એક વખત દિલ્હીમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની ભાતભાતની ફિલ્મો જોઈને વિચાર બદલાયો અને ફિલ્મમેકર બનવાનો નિર્ણય લીધો. વીસ વર્ષ પહેલાં એમણે મુંબઈમાં પગ મૂક્યો. પાછળ પાછળ નાનો ભાઈ અભિનવ કશ્યપે એમબીએ કરવા મુંબઈમાં એન્ટ્રી કરી. અનુરાગે ‘પાંચ’ નામની હાર્ડહિટીંગ ફિલ્મ બનાવી હતી, પણ એ રિલીઝ થવાનું નામ નહોતી લેતી એટલે હાલત ખરાબ થઈ ગઈ હતી (આ ફિલ્મ આજની તારીખે ય રિલીઝ નથી થઈ!). સદભાગ્યે છોટે ભૈયા ‘ત્રિકાલ’ અને ‘ડર’ જેવી ટીવી સિરિયલો લખવા અને ડિરેક્ટ કરવા લાગ્યા. ટીવીમાંથી પૈસામાંથી ઘર ચાલતું. નિરાશાઓ અને સંઘર્ષ વચ્ચે પણ અનુરાગનું પેશન ક્યારેય ઢીલું ન પડ્યું એટલે એમની ગાડી ક્રમશઃ એમણે ઈચ્છી હતી એ દિશામાં ચાલવા લાગી.
અનુરાગ કશ્યપ ‘ન્યુ વેવ ફિલ્મમેકર’ ગણાયા, જ્યારે નાના ભાઈ અભિનવે વર્ષો પછી સાવ સામે છેડે જઈને ‘દબંગ’ જેવી હાડોહાડ મસાલા ફિલ્મ બનાવીને ડિરેક્ટર તરીકે ધમાકેદાર શરૂઆત કરી. ‘દબંગ’ અને ‘રાઉડી રાઠોડ’ બન્નેમાં ઉત્તર ભારતનું ગ્રાામ્ય બરછટપણું છે.
એક ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપ કહે છે, ‘વિશાલ ભારદ્વાજ, તિગ્માંશુ ધુલિયા અને હું ફિલ્મોમાં ગ્રામ્ય બરછટપણું પેશ કરીએ છીએ, પણ અમારા ત્રણેયમાંથી એકેયને બોક્સઓફિસ પર પ્રચંડ સફળતા આજ સુધી મળી નથી. હવે થયું છે એવું કે ‘દબંગ’ અને ‘રાઉડી રાઠોડ’ની સુપરડુપર સફળતાને કારણે ઓડિયન્સને અમારી ફિલ્મોમાં દર્શાવાતાં પ્રમાણમાં વધારે વાસ્તવિક એવા ગ્રામ્ય માહોલમાં ધીમે ધીમે રસ પડવા માંડ્યો છે. ઓડિયન્સનો ટેસ્ટ કંઈ રાતોરાત એક ફિલ્મથી બદલાયો નથી. પ્રેક્ષકોને બીબાંઢાળ ફિલ્મોથી અલગ જોતાં કરવાનો જશ જો આપવો જ હોય તો તમે વિશાલ ભારદ્વાજનું નામ લઈ શકો, દિબાકર બેનર્જીનું નામ લઈ શકો… પણ મારા હિસાબે ખરી કમાલ તો રાજુ હિરાણીએ કરી છે. એ માણસે ‘મુન્નાભાઈ’ સિરીઝ અને ‘થ્રી ઈડિયટ્સ’ બનાવીને આર્ટ્સ અને કોમર્સ વચ્ચે જે જબરદસ્ત બેલેન્સ કર્યુર્ં છે જેવું અમારામાંથી કોઈ કરી શક્યું નથી. હિરાણી ઓડિયન્સને પ્રચંડ માત્રામાં આકર્ષી શકે છે અને સાથે સાથે પોતાને જે કહેવું હોય એ કહી પણ દે છે.’
અનુરાગ કશ્યપને ઊંડે ઊંડે આશા છે કે ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ કદાચ આટર્સ અને કોમર્સનો સંગમ કરી શકશે. આ ફિલ્મ આવતા મહિને યુરોપમાં મોટા પાયે રજૂ થવાની છે. વિદેશી ઓડિયન્સને આ પ્રકારની ભારતીય માટીની ખૂશ્બુ ધરાવતી, સ્થાનિક સેન્સિબિલિટીવાળી ફિલ્મો જ આકર્ષી શકે. આ પ્રકારની ફિલ્મોમાં દેખાડાતી દુનિયા એમના માટે નવી છે. જરૂરી નથી એ દરિદ્ર અને ગંદીગોબરી જ હોય.
અનુરાગ કશ્યપ હાલ ‘મોન્સૂન શૂટઆઉટ’ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ સિવાય એમના બે ડ્રીમ પ્રોજેક્ટ્સ છે. એક છે, ‘બોમ્બે વેલ્વેટ’ અને બીજી, ‘દોગા’. સાઠના દાયકાનું પશ્ચાદભૂ ધરાવતી ‘બોમ્બે વેલ્વેટ’ એક ખર્ચાળ ફિલ્મ બની રહેવાની. અનુરાગ પચાસ વર્ષ પહેલાનું ફોર્ટથી માહિમ સુધીનું બોમ્બે પડદા પર રિક્રિયેટ કરવા માગે છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા એપ્રિલથી શરૂ થશે અને ઘણું કરીને રણબીર કપૂર એનો હીરો હશે. ‘દોગા’ ક્રિસ્ટોફર નોલનની ખૂબ વખણાયેલી (બેટમેનવાળી) ‘ધ ડાર્ક નાઈટ’ પ્રકારની ફિલ્મ હશે. મુંબઈનું લોકાલ ધરાવતી આ ફિલ્મ પણ ખૂબ પૈસો માગી લે એવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનુરાગ કશ્યપનું સ્ટેટસ હવે ખાસ્સું વધ્યું છે એટલે એમને મસમોટું ફાયનાન્સ અવેલેબેલ થઈ રહ્યું છે. ટોપ સ્ટાર્સ પણ એમની સાથે કામ કરવા તૈયાર થઈ રહ્યા છે. અનુરાગ કશ્યપ જેવા વેગળા ફિલ્મમેકરને નાણાં અને કાસ્ટિંગના મામલે ઝાઝી ચિંતા ન કરવી પડે એ ખરેખર ખૂબ સારી નિશાની છે!
શો-સ્ટોપર
મારો ચહેરો પોસ્ટર પર જોઈને લોકોનાં ટોળેટોળાં ફિલ્મ જોવા ઉમટી પડે એવું ક્યારેય નહોતું, પણ ‘ફરારી કી સવારી’ પછી બોક્સ ઓફિસ પર મારી પોઝિશન બહુ સ્ટ્રોન્ગ થઈ જવાની.
– શર્મન જોશી (એક્ટર)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply