Sun-Temple-Baanner

ખબર અબ તક


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ખબર અબ તક


ખબર અબ તક

દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૧૩ મે ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

સ્ટાર ન્યુઝ ચેનલનું નામ બદલાઈને શા માટે એબીપી ન્યુઝ થઈ જવાનું છે? ઈમેજિન ટીવી ચેનલ કેમ અણધારી બંધ થઈ ગઈ? ટીવી ચેનલોની દુનિયામાં ઘણી ઉથલપાથલ થઈ રહી છે…

* * * * *

ન્યુઝ ચેનલ પર આજકાલ એક ઈનહાઉસ એડ પ્રસારિત થાય છે. બે આદમીઓ વાતો કરી રહ્યા છે. એક જણો ખરખરો કરતો હોય એમ બોલે છે, ‘આ મારા બેટા ‘સનસની’વાળા… આટલા વર્ષોથી શો જોઉં છું…. મારો દીકરો આખો દી’ એના એન્કરની નકલ કરતો હોય છે… આવો હાઈક્લાસ કાર્યક્રમ… આ આખેઆખો શો સ્ટાર ન્યુઝ ચેનલ પરથી બીજી ચેનલ પર જતો રહેવાનો છે, બોલો! આવું તે કંઈ હોતું હશે?’ બન્નેની વાત સાંભળી રહેલો ત્રીજો માણસ ટમકું મૂકે છેઃ ‘ભાઈસા’બ, ‘સનસની’ શો ક્યાંય જવાનો નથી. એ ત્યાંનો ત્યાં જ છે. ફક્ત ચેનલનું નામ બદલાઈ ગયું છે. સ્ટાર ન્યુઝ ચેનલ પહેલી જૂનથી એબીપી ન્યુઝ તરીકે ઓળખાશે, એટલું જ!’

સ્ટાર ન્યુઝ જેવી જામેલી ચેનલનું નામાંતરણ શા માટે કરવું પડે? મિડીયા મહારથી રુપર્ટ મર્ડોકના સ્ટાર ગ્રાુપ અને કોલકાતાના આનંદ બઝાર પત્રિકા (એબીપી) ગ્રાુપ વચ્ચે આઠ વર્ષ અગાઉ જોઈન્ટ વન્ચર થયું હતું. ૭૪ ટકા હિસ્સો એબીપીનો હતો, ૨૬ ટકા હિસ્સો સ્ટારનો હતો. મિડીયા કન્ટેન્ટ એન્ડ કમ્યુનિકેશન્સ સર્વિસીસ (એમસીસીએસ) પ્રાઈવેટ ઈન્ડિયા હેઠળ તેઓ ન્યુઝ ચેનલ્સ ઓપરેટ રહ્યાં કરી હતાં. આટલા લાંબા અસોસિયેશન પછી તાજેતરમાં સ્ટાર અને એબીપીના રસ્તા નોખા થયા છે. સ્ટારનું બ્રાન્ડનેમ પાછું ખેંચાઈ જવાથી હવે એબીપી ગ્રાુપ પોતાની બ્રાન્ડનેમ વાપરશે. તેથી સ્ટાર ન્યુઝ બનશે એબીપી ન્યુઝ, બંગાળી ન્યુઝ ચેનલ સ્ટાર આનંદ બનશે એબીપી આનંદ અને મરાઠી ન્યુઝ ચેનલ સ્ટાર માઝા બનશે એબીપી માઝા. આ બાજુ, સ્ટાર ગ્રાુપ એન્ટરટેઈનમેન્ટ પર ફોકસ કરશે. આમેય આનંદ બઝાર પત્રિકા ગુ્પની ખરી તાકાત એના ન્યુઝ કન્ટેન્ટમાં છે, જ્યારે સ્ટારની ખરી તાકાત મનોરંજક કાર્યક્રમોમાં છે.

આ બધું ય બરાબર છે, પણ સવાલ એ છે કે સ્ટારએબીપી વચ્ચે ‘ડીવોર્સ’ થયા શા માટે? ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના સૂત્રો કહે છે કે એડિટોરિયલ કન્ટ્રોલ મામલે સ્ટાર અને એબીપી વચ્ચે તનાવ રહ્યા કરતો હતો. એફડીઆઈ (ફોરેન ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ) લિમિટને કારણે જોઈન્ટ વન્ચરમાં સ્ટારનો હિસ્સો માત્ર ૨૬ ટકા હતો અને આ ટકાવારી વધવાની કોઈ શક્યતા નહોતી. સ્વાભાવિક રીતે જ ન્યુઝ ચેનલો પર એબીપીનો મહત્તમ અંકુશ હતો. જેની લગામ પોતાના હાથમાં રાખી શકાતી ન હોય એવી ન્યુઝ ચેનલ પોતાના પોર્ટફોલિયોમાં હોવાનો સ્ટાર ગ્રાુપનેે વ્યુહાત્મક રીતે કોઈ ફાયદો કે મજા દેખાતા નહોતા.

આ સિવાય પણ કેટલાક મુદ્દા હતા. એબીપી ગ્રાપે ગયા વર્ષે સાનંદા ટીવી નામની બંગાળી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ લોન્ચ કરી. તેની સીધી હરીફાઈ સ્ટાર ગ્રાુપની સ્ટાર જલસા ચેનલ સાથે થઈ. સ્ટાર ગ્રાુપને આ શી રીતે ગમે? સામે પક્ષે, એબીપીને પણ સ્ટાર સામે વાંધો હતો. સ્ટાર ગ્રાુપે ગયા વર્ષે પોતાના જૂના સાથીદાર એનડીટીવી સાથે હાથ મિલાવ્યા. એમની ગોઠવણ અનુસાર, એનડીટીવીની ત્રણેય ન્યુઝ ચેનલ્સ (એનડીટીવી ૨૪ બાય ૭, એનડીટીવી પ્રોફિટ, એનડીટીવી ઈન્ડિયા) ઉપરાંત વેબસાઈટ માટે જથ્થાબંધ જાહેરાતો લાવવાનું કામ (આઉટસોર્સિંગ) સ્ટાર ગ્રાપને સોંપાયું! આ ગોઠવણ વિચિત્ર ગણાય. મોટા ભાગની ટેલીવિઝન કંપનીઓમાં સેલ્સ અને માર્કેટિંગ સેટઅપ્સ ઈનહાઉસ હોય છે, પણ પહેલીવાર એવું બની રહ્યું હતું કે કોઈ એક જૂથ પોતાની આવક માટે હરીફ જૂથ પર આધારિત રહે! એબીપીને આ વાત હજમ ન થઈ. સરવાળે, સ્ટાર અને એબીપી એકબીજાને ટાટા બાયબાય કહી દીધું.

એનડીટીવીની વાત નીકળી જ છે તો એક સમયે આ ગ્રાુુપની માલિકીની એન્ટરટેઈનમેન્ટ ચેનલ ઈમેજિન ટીવીની વાત પણ કરી લઈએ. ગયા મહિને ૧૨ તારીખના ગુરુવારે મેનેજમેન્ટે એવી અણધારી ઘોષણા કરી કે ઈન્ડસ્ટ્રી અને ઈવન ઓડિયન્સમાં તરંગો ફેલાઈ ગયા. મેનેજમેન્ટે ઠંડે કલેજે કહી દીધું- આવતી કાલ એટલે કે ૧૩ એપ્રિલ ચેનલનો છેલ્લો વર્કિંગ ડે છે, ઈમેજિન ચેનલ બંધ કરવામાં આવે છે, ૧૪ એપ્રિલથી પર માત્ર જુના કાર્યક્રમોનું પુનઃ પ્રસારણ થશે! વેલ, બે દિવસ પહેલાં એટલે કે ૧૧ મેથી આ પુનઃ પ્રસારણો પણ બંધ થઈ ગયાં છે. ઈમેજિન ચેનલ હવે ઈતિહાસ બની ગઈ છે.

ઈમેજિન ચેનલ જાન્યુઆરી ૨૦૦૮માં લોન્ચ થઈ હતી. એ વખતે એનું નામ એનડીટીવી ઈમેજિન હતું. શરૂઆત તો સારી થઈ હતી. ‘રામાયણ’ સિરિયલ અને રાખી સાવંત, રાહુલ મહાજન તેમજ રતન રાજપૂતના સ્વયંવરને કારણે ઓડિયન્સનું ધ્યાન ઠીક ઠીક ખેંચાયું હતું, પણ સમગ્રપણે આ ચેનલ વફાદાર દર્શકવર્ગ મેળવવામાં નિષ્ફળ નીવડી. અલબત્ત, આ ચેનલ રેસમાં પાછળ જરૂર રહી ગઈ હતી, પણ ટીવીલાઈનના લોકોએ કે ઈવન ઓડિયન્સે એના નામનું નાહી તો નહોતું જ નાખ્યું. અરે, મેનેજમેન્ટે ખુદ થોડા મહિના પહેલાં ચેનલના કન્ટેન્ટ હેડ તરીકે અગાઉ સ્ટાર પ્લસ અને ઝી ટીવી માટે સરસ પર્ફોર્મ કરનાર વિવેક બહલને અપોઈન્ટ કર્યા હતા ને ત્યાં આ અણધાર્યુર્ ડિસીઝન!

ટર્નર ઈન્ટરનેશનલ ઈન્ડિયા, સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ જૈન કહે છે, ‘અમે આ ચેનલ ચલાવવા માટે જે કરવું જોઈએ એ બધું જ કરી છૂટ્યા, પણ અમને ધાર્યુ રિઝલ્ટ ન જ મળ્યું. અમારી કંપની ટર્નર ચુસ્ત ફાયનાન્શિયલ ડિસીપ્લીનમાં માને છે અને અમે અમારા શેરહોલ્ડર્સને જવાબ આપવા બંધાયેલા છીએ. આખરે એક તબક્કા પછી અમારે ચેનલ બંધ કરવાનું બિઝનેસ ડિસીઝન લેવું જ પડ્યું.’

એક અંદાજ પ્રમાણે ટર્નર કંપની ઈમેજિન ચેનલને ચલાવવામાં દર વર્ષે ૧૫૦ થી ૨૦૦ કરોડ રૂપિયાનું આંધણ કરતી હતી. અગાઉ ટર્નર ‘રિઅલ’ નામની સુપર ફ્લોપ હિન્દી ચેનલ લોન્ચ કરીને ઓલરેડી હાથ દઝાડી ચૂકી હતી આ રકમ સંભવતઃ એને વધારે ભારે લાગી. વિશ્લેષકો કહે છે કે ચેનલ નવી નવી લોન્ચ થઈ હોય ત્યારે એને પોતાના પગ પર ઊભા થવા માટે પાંચથી આઠ વર્ષ તો આપવા જ પડે. ત્યાં સુધી મૂંગા મૂંગા પૈસા નાખતા જવાના. સ્ટારને બ્રેકઈવન પર પહોંચતાં આઠ વર્ષ લાગ્યાં હતાં, સોનીને પાંચથી છ વર્ષ લાગ્યાં હતાં. એક માત્ર કલર્સ ચેનલ ઘણી ઝડપથી પગભર થઈ ગઈ હતી. વિવેક બહલને ઈમેજિનના કન્ટેન્ટ હેડ તરીકે લેવામાં આવ્યા ત્યારે એમણે મેનેજમેન્ટને સ્પષ્ટ કહી દીધું હતું કે ધીરજ રાખજો, એક કે બે વર્ષ સુધી કોઈ ચમત્કારની અપેક્ષા ન રાખતા, પણ…

ખેર, ખૂબ ઊંચી રકમોના ખેલ ખેલાતા હોય ત્યારે સેન્ટીમેન્ટ્સમાં પડ્યા વગર ઠંડા કલેજે નિર્ણયો લેવાતા હોય છે. વાત સિનેમાની હોય કે ટેલીવિઝનની, મનોરંજન આખરે તો એક સિરિયસ બિઝનેસ છે.

શો-સ્ટોપર

ખુદને એક્ટર કહેવડાવતા ૯૮ ટકા લોકોને એક્ટિંગ સાથે કોઈ લેવાદેવા નથી. એ લોકોને માત્ર ખુદનું માર્કેર્ટિંગ કરતાં હાઈક્લાસ આવડે છે અને એમનું પીઆર (પબ્લિક રિલેશન) બહુ જ તગડું હોય છે.

– કે કે મેનન (ફિલ્મ અભિનેતા)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.