Sun-Temple-Baanner

અળવીતરી રિયાલિટી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


અળવીતરી રિયાલિટી


અળવીતરી રિયાલિટી

દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૧૫ એપ્રિલ ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

પુણ્ય કરતાં પાપ વધારે આકર્ષક છે. અધઃપતનમાં એક પ્રકારનું ગ્લેમર છે. એટલે જ બેવફાઈ, વ્યભિચાર, વેશ્યાવૃત્તિ, પોર્નોગ્રાફી, સેક્સની વિકૃતિઓ, હિજડા, રંગભેદ… આ બધાથી ખદબદતા ‘જેરી સ્પ્રિન્ગર’ જેવા ટીવી શોઝ ચિક્કાર જોવાય છે.

* * * * *

ચોખલિયાપણું બાજુ પર મૂકીને એક સાવ સાચાં દશ્યની કલ્પના કરો. એક ટીવી સ્ટુડિયોમાં રિયાલિટી શોનું શૂટિંગ ચાલી રહ્યું છે. અતિ ઉત્સાહી લાઈવ ઓડિયન્સની સામે પચ્ચીસેક વર્ષની એક યુવતી પોતાની આપવીતી સંભળાવી રહી છે, ‘હું અને મારો બોયફ્રેન્ડ પાંચ વર્ષથી સાથે રહીએ છીએ. લગ્ન કર્યાર્ં નથી, પણ અમારે બે બચ્ચાં છે. થયું એવું કે મારી કઝિન ચાર મહિના પહેલાં અમારે ત્યાં રહેવા આવી હતી. એ સ્ટ્રીપર છે (એટલે કે નાઈટ ક્લબમાં નાચતાં નાચતાં એક એક કપડાં ઉતારતાં જઈને પુરુષોનું મનોરંજન કરવાનું કામ કરે છે)ે. અમારી સાથે બે મહિના રહી અને પછી બીજે રહેવા જતી રહી. થોડા દિવસ પહેલાં મને ખબર પડી એ મારા ઘરમાં રહેતી હતી ત્યારથી મારા બોયફ્રેન્ડ સાથે સૂવા લાગેલી. હજુય બેયનું સૂવાનું ચાલુ જ છે…’

આ સાંભળીને ઓડિયન્સ તાનમાં આવી જાય છે. ‘ઓલરાઈટ,’ એન્કર કહે છે, ‘કઝિનને પેશ કરવામાં આવે…’ તરત જ એક અડધી ઉઘાડી છોકરી લટકમટક કરતી એન્ટ્રી લે છે. ઓડિયન્સ ચિચિયારીઓથી વાતાવરણ ગજવી મૂકે છે. યુવતી નંબર વન બબ્બે કટકા બોલતી એને તતડાવી નાખે છે, ‘(ગાળ, ગાળ) મેં તને મારા ઘરમાં રહેવા દીધી ને તું (ગાળ) મારા જ મરદ પર નજર બગાડે છે?’ પેલી લાજવાને બદલે ગાજે છે, ‘હું મને મન ફાવે એની સાથે સૂઈ જાઉં, તું (ગાળ) છો કોણ મને રોકવાવાળી?’ પત્યું. છુટ્ટા હાથની મારામારી શરૂ. લાફા, ઘુસ્તા, લાત, એકબીજા વાળ પકડીને નીચે પટકવી… એન્કર તમાશો જોયા કરે છે. ઓડિયન્સ ચિચિયારીઓ અને તાળીઓ નોનસ્ટોપ ચાલી રહી છે. થોડી મિનિટો પછી બેત્રણ તગડા બાઉન્સર જંગલીની જેમ મારામારી કરી રહેલી બન્ને બાઈઓને નોખી પાડે છે.

આધેડ એન્કર હવે બોયફ્રેન્ડને બોલાવે છે. યુવતી નંબર વન સૌથી પહેલાં તો બોયફ્રેન્ડને ધીબેડે છે અને પછી એની પાસે ખુલાસો માગે છે. પેલો કહે છે, ‘હા, હું સૂઈ ગયો હતો આની સાથે. મરદ છું. ક્યારેક થઈ જાય આવંું. આઈ એમ સોરી. ફરી નહીં થાય.’ ગર્લફ્રેન્ડ કહે છે, ‘તું કેટલી વાર સોરી કહીશ? પાંચ વરસમાં આ ચોથી (ગાળ) સાથે તું સૂઈ ગયો.’ આ સાંભળીને સ્ટ્રીપરને કોણ જાણે શું શૂરાતન ચડે છે કે એ ગર્લફ્રેન્ડ પર તૂટી પડે છે. ફરી બધું એ જ લાફા, વાળ ઝાલીને નીચે પછાડવું એવું બધું. ઓડિયન્સ આ વખતે જુદો રાગ આલાપે છેઃ ‘લેટ અસ સી… લેટ અસ સી..’ મતલબ કે તું સ્ટ્રીપર છો તો થોડીક ઝલક અમનેય દેખાડ. સેટ પર એક પૉલ એટલે કે થાંભલો તૈયાર જ છે. નખરાળી સ્ટ્રીપર પૉલ ડાન્સ શરૂ કરે છે. પોતાનું ઉપલું અંતઃવસ્ત્ર ઊંચું કરીને એ રીતસર અંગો ખુલ્લા પણ કરે છે. તાલીયાં. સીટીયાં…

અમેરિકન રિયાલિટી ટેલિવિઝનમાં આપનું સ્વાગત છે! આ દિમાગ ચકરાવી નાખે, માન્યામાં ન આવે એવો આ મહાવિચિત્ર ‘જેરી સ્પ્રિન્ગર’ નામનો શોનું આ તો માત્ર ટચુકડું ટ્રેલર છે. જેરી સ્પ્રિન્ગર શોના એન્કરનું નામ છે. એક કલાકના એપિસોડમાં આવા ત્રણથી ચાર કેસ લેવામાં આવે. બેવફાઈ, ચારિત્ર્યહનન, વ્યભિચાર, વેશ્યાવૃત્તિ, પોર્નોગ્રાાફી, સેક્સની વિકૃતિઓ, હિજડા, ક્રોસડ્રેસર, રંગભેદ… આ બધાથી આખો શો ખદબદતો હોય. શોના આયોજકો વીણી વીણીને આવા દુખી અને ડિસ્ટર્બ્ડ નમૂનાઓને શોમાં ગેસ્ટ તરીકે તેડાવે. ના, એમની સમસ્યાનું નિરાકરણ કરવા માટે કે સામાજિકમનોવૈજ્ઞાનિક ચર્ચા કરી સમાજને લાલ બત્તી ધરવા માટે નહીં, પણ સમસ્યાઓનું વરવું પ્રદર્શન કરવા માટે. લાઈવ ઓડિયન્સ તો મહેમાનો કરતાંય ચડે એવું હોય. કૂકડાની ફાઈટ થઈ રહી હોય અને ફરતે કૂંડાળું કરીને ઊભેલા લોકો રાડો પાડી પાડીને પાનો ચડાવતા હોય એમ આ ઓડિયન્સ મારામારી કરી રહેલા આમંત્રિતોને ઓર ઉશ્કેરે. મારામારી આ શોના ફોર્મેટનો સૌથી મહત્ત્વનો અને લોકપ્રિય હિસ્સો છે. છેલ્લે સવાલજવાબનો રાઉન્ડ આવે ત્યારે ઓડિયન્સ સૌ મહેમાનોનું રીતસર અપમાન કરે, ઉતારી પાડે, ગાળો દે અને કોઈ કોઈ તો કપડાં હટાવીને પોતાનાં સ્તનો કે નિતંબ પણ ખુલ્લા કરે! સ્વાભાવિક રીતે જ, એપિસોડ ટેલિકાસ્ટ થાય ત્યારે આ અંગોને પિક્સેલ વડે ઝાંખા કરી દેવામાં આવ્યા હોય અને ભૂંડાબોલી ગાળોની જગ્યાએ બીપ્ બીપ્ આવી ગયું હોય.

વિરોધિતા જુઓ. એક બાજુ ‘જેરી સ્પ્રિન્ગર’ પર ‘અમેરિકાન ટેલિવિઝનના ઈતિહાસનો સૌથી વાહિયાત શો’નું લેબલ લાગતું રહ્યું અને બીજી બાજુ એની લોકપ્રિયતા ધડાધડ વધતી જ ગઈ. આ શોએ છેલ્લા ૨૦ વર્ષમાં ૨૧ સિઝન પૂરી કરી નાખી છે. દુનિયાના કેટલાય દેશોમાં એનું પ્રસારણ થાય છે. એક તબક્કે એનો દર્શકવર્ગ ‘ધ ઓપરાહ વિન્ફ્રે શો’ કરતાંય વધી ગયો હતો. ‘જેરી સ્પ્રિન્જર’ સફળ થયો એટલે, નેચરલી, એની નકલ જેવા કેટલાય શોઝ પછી ફૂટી નીકળ્યા હતા ‘ધ જેરેમી કાયલી શો’, ‘ધ સ્ટીવ વિલ્કોસ શો’, ‘મૌરી પોવિચ’ વગેરે.

‘જેરી સ્પ્રિન્ગર’ સત્ત્વહીન શો છે, બરાબર છે, પણ તોય એ અને એના જેવા શોઝ શા માટે હિટ થાય છે? મોટા ભાગના આમદર્શકમાં એક ઝઘડાખોર, એક કૂથલીખોર છૂપાયેલો હોય છે તેથી? એક થિયરી કહે છે કે આમદર્શક પોતે અંગત જીવનમાં કેટલીય વાર મનોમન કોઈને ધીબેડી નાખવા કે ગાળો દેવા માગતો હોય છે, પણ સંસ્કારને કારણે યા તો હિંમત ન હોવાને કારણે આવું વર્તન કરી શકતો નથી. તેથી ટીવીસ્ક્રીન પર એવું બનતા જોવામાં એને એક પ્રકારનો છુપો સંતોષ થાય છે! લોકોને નૈતિકતાનાં અને મૂલ્યોનું આવરણ ઉતરતા જોવાનું આમેય વધારે ગમતું હોય છે. પુણ્ય કરતાં પાપ વધારે આકર્ષક છે! પાપમાં, અધઃપતનમાં એક પ્રકારનું ગ્લેમર છે. ગુડ ન્યુઝ ઈઝ નો ન્યુઝ. છાપાઓમાં અને ન્યુઝચેનલોમાં તેથી જ સારીસારી કે ડાહીડાહી વાતો એક તરફ હડસેલાઈ જાય છે અને મોકાણના સમાચારોને અનેકગણું વધારે પ્રાધાન્ય મળે છે.

‘જેરી સ્પ્રિન્ગર’ શો આજકાલ આપણે ત્યાં પણ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહ્યો છે. ‘બિગ બોસ’ કે ‘સચ કા સામના’ના કન્ટેન્ટથી કાંપી ઉઠતા દર્શકો માનસિક રીત સજ્જ થઈ જાય. વહેલામોડો આપણે ત્યાં પણ ‘જેરી સ્પ્રિન્ગર’ની દેશી આવૃત્તિ જેવો રિયાલિટી શો બને તો બહુ આઘાત ન પામવું. ભારતીય ટેલિવિઝનનું અમેરિકનાઈઝેશન આમેય ક્યાં જઈને અટકવાનું છે એની આપણને ક્યાં ખબર છે!

શો સ્ટોપર

કેન્ડલલાઈટ ડિનર પર લઈ જવું, ફૂલો કે ગિફ્ટ્સ આપવી આ બધું તો સાવ સહેલું છે. બોયફ્રેન્ડ તો એવો હોવો જોઈએ જે જરૂર પડે ત્યારે પડખે ઊભો રહે. મારી તબિયત નરમ હોય તો તરત ડોક્ટરને ફોન કરીને બોલાવવાની એને ભાન પડવી જોઈએ. બાલ્કની નીચે ઊભો ઊભો ગીતડાં ગાતો બોયફ્રેન્ડ શું કામનો? એ જો એવું કરે તો હું ઉપરથી એને પથરાં મારું!

– અનુષ્કા શર્મા (અભિનેત્રી)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.