મેરિલ સ્ટ્રીપમાં એવું તે શું છે?
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૧૮ માર્ચ ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
મેરિલ સ્ટ્રીપ આજે વિશ્વની મહાનતમ અભિનેત્રી ગણાય છે. તાજેતરમાં એણે ત્રીજો ઓસ્કર અવોર્ડ જીત્યો. એક સમયે કાનૂનશાસ્ત્રી બનવા માગતી મેરિલે અભિનયના ક્ષેત્રમાં મહારત શી રીતે હાંસલ કરી?
* * * * *
એવી કોઈ વસ્તુ છે ખરી જે મેરિલ સ્ટ્રીપ ન કરી શકે?
તાજેતરમાં ‘ધ આયર્ન લેડી’ માટે બેસ્ટ એક્ટ્રેસ માટેનો ઓસ્કર અવોર્ડ જીતી લેનાર મેરિલ સ્ટ્રીપ માટે આ વાત સતત કહેવાતી રહી છે. મેરિલ બધું જ કરી શકે છે અને અદભુત રીતે કરી શકે છે ગંભીર રોલ, કોમેડી રોલ, એક્શન, સિંગિંગ, બહુરૂપીની જેમ કોઈપણ પાત્રનો સ્વાંગ સજી લેવો, બોલવાની નવી નવી લઢણ અપનાવી લેવી… બધું જ. ૬૩ વર્ષની મેરિલને વિશ્વની મહાનતમ સમકાલીન અભિનેત્રીનો દરજ્જો અમસ્તો નથી મળ્યો.
મેરિલ સ્ટ્રીપને અત્યાર સુધીમાં ૧૭ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે, જે એક રેકોર્ડ છે. એમાંથી ત્રણ એ જીતી ગઈ છે. બેટ્ટી ડેવિસ નામની અવ્વલ દરજ્જાની સિનિયર એક્ટ્રેસે ૨૮ વર્ષમાં ૧૦ નોમિનેશન્સ મેળવ્યાં હતાં અને એમાંથી બે જીતી ગઈ હતી. મેરિલની કરીઅર હજુ પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે બેટ્ટી ડેવિસે એને પત્ર લખેલો અને કહેલુંઃ ‘મેરિલ, મને લાગે છે કે સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અમેરિકન એકટ્રેસનું મને જે બિરુદ મળ્યું છે એની ઉત્તરાધિકારી મને તારા રૂપમાં મળી ગઈ છે.’ મેરિલ સ્ટ્રીપે આ વાત સાચી પૂરવાર કરી દેખાડી.
મેરિલનો જન્મ ન્યુજર્સીમાં. એના પિતાજી એક ડ્રગ કંપનીમાં એક્ઝિક્યુટિવ હતા અને મા ચિત્રકાર હતી. ઘરના પાછળના ભાગમાં એમણે આર્ટસ્ટુડિયો જેવું બનાવી રાખેલી. મેરિલ બાર વર્ષની થઈ ત્યારે એને ઓપેરા સિંગર બનવાની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એને લૉ કોલેજમાં એડમિશન લેવું હતું, પણ ઈન્ટરવ્યુના દિવસે સવારે એની ઊંઘ જ ન ઉડી અને ઈન્ટરવ્યુ ચૂકાઈ ગયું. મેરિલના મુકદ્દરમાં ભાગ્યવિધાતાએ અભિનેત્રી બનવાનું લખ્યું હતું! એણે અભિનયની શરૂઆત ન્યુયોર્કની રંગભૂમિથી કરી. લંડનના થિયેટરમાં પણ એણે કામ કર્યું. એક વાર લંડનમાં એની પાસે ઘરનું ભાડું ભરવાના પૈસા નહોતા. એણેે રીતસર જાહેર બગીચામાં રાત ગુજારવી પડી. બગીચાની સામે જ વૈભવી રિટ્ઝ હોટલ હતી. બાંકડા પર સૂતાં સૂતાં મેરિલ વિચારતી હતીઃ ‘આજે ભલે મારાં ખિસ્સાં ખાલી હોય, પણ એક દિવસ હું જરૂર આ હોટલમાં ઠાઠથી રહેવા આવીશ…!’ ગણતરીનાં વર્ષોમાં મેરિલે ખરેખર હોટલ રિટ્ઝમાં ચેકઈન કર્યુ ત્યારે એની પાસે માત્ર પૈસા જ નહીં, શોહરત અને સેલિબ્રિટી સ્ટેટસ પણ હતાં.
મેરિલે ડ્રામા સ્કૂલમાં અભિનયની ફોર્મલ ટ્રેનિંગ લીધી હતી. એક ઈન્ટરવ્યુમાં એ કહે છે, ‘એક વાર અમારા ટીચરે સવાલ કર્યોઃ તમે રાણી કે રાજાનો અભિનય કેવી રીતે કરશો? બધા સ્ટુડન્ટે તરત કહ્યું કે બોડી લેંગ્વેજમાં શાહી અંદાજ લાવીને. ટીચર કહે, ના. રાણી કે રાજા પ્રવેશ કરે કે તરત ઓરડાનો માહોલ બદલાઈ જવો જોઈએ. સૌનું ધ્યાન એના તરફ જવું જોઈએ અને માથું અદબથી ઝુકી જવું જોઈએ… અને આ કામ સાથી અદાકારોએ કરવાનું હોય, રાજા કે રાણી બનેલા એક્ટરે નહીં! મારા માટે આ એક મોટી શીખ હતી. હું આજની તારીખે પણ મારા સાથી કલાકારો પર સતત ડિપેન્ડન્ટ હોઉં છું. મારા અભિનયની ગુણવત્તાનો આધાર એમના પર હોય છે. તેથી જ હું સિન્સિયર લોકો સાથે કામ કરું એ બહુ જ જરૂરી છે. વારે વારે અરીસામાં જોઈને મેકઅપ સરખો કર્યા કરતા એક્ટર્સ નહીં, પણ અસલી અદાકારો જોઈએ… અભિનય જેના લોહીમાં વહેતું હોય એવા અદાકારો.’
મેરિલ સ્ટ્રીપની પહેલી ફિલ્મ ‘જુલિયા’ ૧૯૭૭માં આવી. બીજે જ વર્ષે એને ‘ધ ડીઅર હન્ટર’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસની કેેટેગરીમાં પહેલું ઓસ્કર નોમિનેશન મળ્યું. એ પછી તો ઉત્તમ પર્ફોર્મન્સીસની કતાર થઈ ગઈઃ ‘ક્રેમર વર્સસ ક્રેમર’ (જેના માટે એણે પહેલી વાર બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીત્યો. આમિર ખાન – મનીષા કોઈરાલાવાળી ‘અકેલે હમ અકેલે તુમ’ આ ફિલ્મ પરથી બની છે), ‘સોફીઝ ચોઈસ’ (એમાં મેરિલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભયાનક નરસંહારમાં સ્વજનો ખોઈ ચૂકેલી પોલેન્ડવાસી સ્ત્રીનો હૃદયદ્રાવક રોલ કર્યો હતો, બીજો ઓસ્કર), ‘આઉટ ઓફ આફ્રિકા’, ‘પોસ્ટકાર્ડ ફ્રોમ ધ એજ’, ‘ડેથ બિકમ્સ હર’, ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા’, ‘મમ્મા મિઆ!’, ‘ઈટ્સ કોમ્પ્લીકેટેડ’, ‘ડાઉટ’, ‘જુલિયા એન્ડ જુલિયા’, ‘ધ આર્યન લેડી’ (ત્રીજો ઓસ્કર) વગેરે. મેરિલે ૩૩ વર્ષમાં મેરિલે ૨૩ ફિલ્મો કરી છે. હિરોઈન ત્રીસપાંત્રીસની થાય એટલે આપોઆપ મેઈનસ્ટ્રીમમાંથી આઉટ થઈ જાય એવું માત્ર આપણે ત્યાં જ નથી, હોલીવૂડમાં ય આ સમસ્યા છે જ. પણ મેરિલની પ્રતિભા એટલી પ્રચંડ હતી કે ચાલીસીમાં પ્રવેશ્યા પછી પણ એને દળદાર ભુમિકાઓ મળતી રહી.
મેરિલ કુટુંબપ્રેમી મહિલા છે. એના (એકમાત્ર) પતિ ડોન ગમર શિલ્પી છે. ચાર પુખ્ત વયનાં સંતાનો છે. મેરિલની કરીઅર સતત ચડતી કળાએ રહી છે એનું એક મહત્ત્વનું કારણ એના અંગત જીવનની સ્થિરતા પણ છે. એ કહે છે, ‘હું બહુ મહેનતુ છું. શરૂઆતથી જ હું મારા એકેએક રોલ માટે હું ખૂબ મહેનત કરતી આવી છું. હવે તો પાછી હું ખૂબ સિનિયર એક્ટ્રેસ ગણાઉં એટલે મને સતત થયા કરે કે મારે તો સારું કામ કરવું જ પડે. મારાથી નબળું કામ કેવી રીતે થાય? આઈ હેવ ટુ ટ્રાય રિઅલી રિઅલી રિઅલી હાર્ડ. હું તો કહું છું કે મારું મૃત્યુ થાય અને મને દફન કરવામાં આવે ત્યારે કબર પર પણ આ જ શબ્દો કોતરવામાં આવેઃ શી ટ્રાઈડ રિઅલી હાર્ડ…’
શો-સ્ટોપર
‘ધ ડર્ટી પિક્ચર’માં તો ગીતો હતાં, ડાન્સ હતા, બીજા કેટલાય મરીમસાલા હતા જેને કારણે ઓડિયન્સને તે ફિલ્મ ગમાડવી આસાન હતી, પણ ‘કહાની’માં એવું કશું જ નથી. આમાં હું નોન-ગ્લેમરસ પ્રેગનન્ટ સ્ત્રી બની છું છતાંય લોકોને ફિલ્મ ગમી ગઈ છે. આ બહુ મોટી વાત છે.
– વિદ્યા બાલન
————
Extra feature
Meryl Streep as Margaret Thatcher (R) in The Iron Lady
Click here for the trailer of The Iron Lady :
http://www.youtube.com/watch?v=yDiCFY2zsfc
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply