જે ગાંધીજી માટે શક્ય છે તે આપણા માટે શક્ય છે?
ચિત્રલેખા અંક તા. ૯ જાન્યુઆરી ૨૦૧૨
કોલમઃ વાંચવા જેવું
જીવનની સાર્થકતા ચરમસીમા પર પહોંચે ત્યારે એક ઘટના બને છે. માણસ ફક્ત વ્યક્તિ નથી રહેતો, એ વિષય બની જાય છે. જનચેતના પર એણે છોડેલી અસર એટલી પ્રચંડ હોય છે તેના જીવન વિશે સતત ચર્ચાતું રહે છે. એનું કર્મ બદલાતી પેઢીઓનાં નવાં દિમાગોને ટ્રિગર કરતું રહે છે. ગાંધીજી આવો જ એક અદભુત ‘વિષય’ છે.
* * * * *
ગાંધીજી વિશે ભલે ઓલરેડી પુષ્કળ લખાઈ ચૂક્યું હોય, પણ ગુણવંત શાહ જેવો મૌલિક વિચારક આ મહામાનવ વિશે કલમ ચલાવે અને ગાંધીત્વને એક કરતા વધારે સંદર્ભોમાં ઉધાડી આપે ત્યારે પરિણામ હંમેશાં આકર્ષક મળવાનું. ‘ગાંધીની ઘડિયાળ’ (૨૦૦૪) અને ‘ગાંધીનાં ચશ્માં’ (૨૦૦૬) પછી આ પુસ્તકમાં પણ ગાંધીજી વિશેના વિવિધ પ્રકાશનોમાં છપાયેલા તેમના લેખોનો સૂઝપૂર્વક સંકલન થયું છે.
‘ગાંધીની ચંપલ’માં ગણવંત શાહ કહે છેઃ ‘મહાત્મા કોને કહેવો? જે માણસ પોતાના વ્યક્તિત્વ (પર્સનાલિટી) કરતાં પોતાના અસ્તિત્ત્વ (બીઇંગ)ને વધારે આદર કરે તે મહાત્મા કહેવાય. પર્સનાલિટી કરતાં બીઇંગને વધારે મહત્ત્વ આપનાર જ કશીક ધાડ મારે છે. વ્યક્તિત્વને જ વધારે મહત્ત્વ આપનાર માણસ દંભના શરણે જાય છે, કારણ કે પર્સનાલિટીનો સંબંધ સમાજના સ્વીકાર સાથે રહેલો છે. અસ્તિત્ત્વનો સંબંધ માંહ્યલા પ્રત્યેની વફાદારી સાથે છે.’
લોકો વાતવાતમાં કહેતા હોય છેઃ સત્યની સાધના ગાંધીજીને પોસાય. એ તો મહાત્મા હતા. આપણા જેવા પામર માનવીનું એ ગજ નહીં. લેખક કહે છેઃ ‘આવું કહેવામાં નથી નમ્રતા કે નથી નિખાલસતા. એમાં તો કેવળ પલાયનવાદ છે. ગાંધીજીના જીવનની એક ખૂબી હતી. જીવન પ્રત્યે વફાદાર એવા સામાન્ય માણસને પણ એવું થાય કે જે ગાંધીજી માટે શક્ય હોય તે માટે માટે અશક્ય નથી. ગાંધીજીએ પણ આત્મકથાની પ્રસ્તાવનામાં લખ્યુંઃ ‘જે એકને સારું શક્યે છે તે બધાને સારું શક્ય છે.’ ગાંધીજીનું આ આશ્વાસન આપણા જેવા સામાન્ય માણસોને માટે ખૂબ જ ઉપકારક છે.’
આજે ‘ડિપ્લોમેટ’ નામના માનવપ્રાણીની બધી જ મુત્સદ્દીગીરીની સફળતાનો આધાર તે જૂઠને કેટલું રૂપાળું સત્ય પહેરાવી શકે છે તે આવડત પર રહેલી છે. ગાંધીજીની તો ડિપ્લોમસી પણ સત્યકેેન્દ્રી હતી. ‘સેક્યુલરિઝમઃ ગાંધીનું અને નેહરુનું’ પ્રકરણમાં લેખક લખે છેઃ ‘ગાંધીજીની અહિંસામાં કાયરતાને સ્થાન ન હતું. તેમને મુસ્લિમ વોટબેંકની જરૂર ન હતી. બને તેટલી વિવેકપૂર્ણ વાણીમાં તેમણે મુસલમાનોને પણ કેટલીક કડવી વાતો સ્પષ્ટપણે કહી છે. (એમના ગયા પછી) ગાંધીજનો એક બાબતે ફુલ્લી નાપાસ થયા. તેઓ મુસલમાનોને કડવી વાતો કહેવા માટેની નિર્ભયતા અને તટસ્થતા ન કેળવી શક્યા. આમ કરવાથી તેઓની ભલાઈને કે સ્વીકૃતિને આંચ ન આવી, પણ સત્ય નંદવાયું તેથી ક્ષીણ થયું. તેઓને એક જ કલ્પિત ભય સતાવતો રહ્યોઃ આવું કહીએ તો આપણા મુસલમાન ભાઈઓને માઠું નહીં લાગે?’
લેખકનું માનવું છે કે ગાંધીજીના ગયા પછી નેહરુની છાયામાં એક એવું પ્રદૂષિત સેક્યુલરિઝમ શરૂ થયું, જેમાં તર્ક અને અૌચિત્યનો અભાવ હતો. એ કહે છેઃ ‘જો નેહરુજીએ સેક્યુલરિઝમને બદલે સર્વધર્મ સમભાવ પર અને સમાજવાદને બદલે સર્વોદય જેવા બે શબ્દો પર ભાર મૂક્યો હોત તો કદાચ ઈતિહાસ થોડો જુદો હોત.’
લેખકે ગાંધીને ક્રાંતિ (રિવોલ્યુશન) અને ઉત્ક્રાંતિ (ઈવોલ્યુશન) વચ્ચે સંબંધ સ્થાપી શકનારા ‘અવતારી પુરુષ’ ગણાવ્યા છે. અલબત્ત, એનો અર્થ એવો નહીં કે ગાંધીજીની માનવસહજ ક્ષતિઓ વિશે સ્વસ્થતાપૂર્વક લખવાનું એ ચૂકી ગયા છે. જેમ કે, ગાંધીના બ્રહ્મચર્યના પ્રયોગો. ગાંધીજીએ પોતાના બ્રહ્મચર્યની ચકાસણી માટે નગ્ન અવસ્થામાં નગ્ન સ્ત્રીઓ સાથે એક પથારીમાં શયન સુધ્ધાં કર્યું. દેશને આઝાદી મળી એના આઠેક મહિના પહેલાં જ, ૨૧૨૧૯૪૬ની રાતે ગાંધીજીની જે સ્ત્રી સાથે નગ્નવસ્થામાં સૂતા તે મનુબેનની ઉંમર ફક્ત ૧૯ વર્ષની હતી. આ ઘટનાથી ગાંધીજી સાથે રહેતા અંતેવાસીઓ ખળભળી ઉઠ્યા. ‘હરિજન’ના બન્ને તંત્રીઓએ અને સ્ટેનોગ્રાફરે રાજીનામાં આપી દીધાં. સરદાર પટેલ ગુસ્સે થયા, વિનોબાજીએ અસંમતિ દર્શાવી, પુત્ર દેવદાસે ટીકા કરતો પત્ર લખ્યો. પણ ગાંધીજીને કોઈ પસ્તાવો ન હતો. તેઓ દઢ હતા.
ગાંધીજીએ પોતાનું બ્રહ્મચર્ય માપવાના આ અતિરેકસભર, અનૌચિત્ય લાગતા અને ઝેરના પારખાં જેવા જે અખતરા કર્યા તેને લેખકે ‘ભયંકર પ્રયોગો’ કહ્યા છે. એ લખે છેઃ ‘આ વિચાર મહાત્મા ગાંધીનો હોય તોય પૂરી નમ્રતા સાથે એને એબ્સર્ડ (વાહિયાત) કહેવો રહ્યો. વળી, તેઓ પોતાની જાત સાથે જાણે બાથોડિયાં ભરી રહ્યા હોય એવી છાપ પણ પડે છે. બ્રહ્મચર્યનો સંબંધ ચરસ સ્વસ્થતા સાથે છે કે બાથોડિયાં સાથે?’ આટલું કહીને લેખક ઉમેરે છેઃ ‘એટલું ચોક્કસ કે આવા જોખમકારક પ્રયોગો જો કોઈ કરી શકે, તો તે મહાત્મા ગાંધી જ કરી શકે. ગાંધીજીના સેક્સ અંગેના ભયંકરો પ્રયોગો પણ એમના સત્યના પ્રયોગોના ભાગ રૂપે થયા. એ પ્રયોગોમાં ગાંધીજી જો સ્ખલન પામ્યા હોત તો કદાચ તેમણે ‘હરિજન’માં લેખ લખીને પોતાનું મહાત્માપણું પોલું છે, એવું લખ્યું હોત.’
લાહોરવાસી શ્રીમતી સરલાદેવી ચૌધરાણી સાથેના ગાંધીજીનો સંબંધ પણ વિવાદાસ્પદ રહ્યો. સરલાદેવીને તેઓ પોતાનાં ‘આધ્યાત્મિક પત્ની’ કહેતા. ગુણવંત શાહ આ સંબંધને જુદા દષ્ટિકોણથી નિહાળે છેઃ ‘આધ્યાત્મિક લગ્નની જે વ્યાખ્યા ગાંધીજીએ આપી છે, તેમાં કસ્તૂરબાને અન્યાય થાય તેવી કઈ બાબત છે? (દેવદાસ, મહાદેવભાઈ, રાજગોપાલાચારી વગેરેએ વાર્યા એટલે) ગાંધીજી સરલાદેવીથી અળગા થયા તેમાં સરલાદેવીને ભારોભાર અન્યાય થયો છે એવી મારી નમ્ર માન્યતા છે. ‘પ્લેટોનિક લવ’ કેવો હોય તેનું એક ઝળહળતું ઉદાહરણ આજની નવી પેઢીને પ્રાપ્ત થયું હોત.’
લેખકની લાક્ષાણિક પ્રવાહી શૈલીમાં લખાયેલા ૪૪ જેટલા વિદ્વત્તાપૂર્ણ લેખોમાંથી શું ટાંકવું અને કેટલું ટાંકવું? ગાંધીજીને સમજવા માગતા વાચકો તેમજ ગુણવંત શાહના ચાહકોની અંગત લાયબ્રેરીમાં જેનું હોવું અનિવાર્ય છે તેવું સત્ત્વશીલ પુસ્તક.
0 0 0
ગાંધીની ચંપલ
લેખકઃ ગુણવંત શાહ
પ્રકાશકઃ
આર. આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૧
ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨)૨૨૦૧ ૩૪૪૧
કિંમતઃ રૂ. ૨૦૦ /-
પૃષ્ઠઃ ૩૦૦
૦ ૦ ૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply