બિગ બોસનું બખડજંતર
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૪ ડિસેમ્બર ૨૦૧૧
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
તમે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેવા માગો છો? આ રિયાલિટી શોનો હિસ્સો થઈને સ્ટાર બની જવા માગો છો? તો તે માટે થોડી તૈયારી કરવી પડશે અને કેટલીક વિશિષ્ટ લાયકાતો કેળવવી પડશે. આ રહી ઉપયોગી ટિપ્સ!
* * * * *
સાયલન્સર વગરના છકડા જેટલો ઘોંઘાટ કરતી બિગ બોસ સિઝન ફાઈવની ગાડી અત્યારે ટોપ ગિયરમાં દોડી રહી છે. સૌથી ભારાડી નર કે નારી કે હીજડો (કેમ, લક્ષ્મી વાઈલ્ડકાર્ડ એન્ટ્રીથી શોમાં પાછી તાબોટા પાડતી ત્રાટકી શકે છે!) છેલ્લે વિજેતા ઘોષિત થશે અને સર્વ દિશાઓમાં એનો જયજયકાર થઈ જશે. બિગ બોસના ઘરમાં જવાથી ચિક્કાર પબ્લિસિટી વત્તા ફદિયાં વત્તાં કામ મળતાં હોય તો એમાં એન્ટ્રી લેવાનું મન સૌ કોઈને થાય. પણ તેના માટે તમારામાં કેટલીક વિરલ લાયકાતો હોવી જોઈએ. કઈ કઈ? આ રહી બિગ બોસના હાઉસમેટ બનવા માટેની માર્ગદર્શિકા.
1. તમે શો બિઝનેસ સાથે સંકળાયેલા હો તે ઈચ્છનીય છે. યાદ રહે, વાત શો બિઝનેસ સાથે માત્ર સંકળાવાની છે, સફળ હોવાની નહીં. સફળ માણસ બિગ બોસ હાઉસમાં ત્રણ મહિના રહેવા માટે તોતિંગ ફીની ડિમાન્ડ કરે જે ચેનલને પોસાય નહીં. આથી તમે બેકાર, નિષ્ફળ, ફેંકાઈ ગયેલા, ભુલાઈ ગયેલા, ફસ્ટ્રેટેડ અને સસ્તા મનુષ્યપ્રાણી હો તે જરૂરી છે. ઉદાહરણ તરીકે, અમર ઉપાધ્યાય.
2. તમારા નામે કૌભાંડો કે સેક્સ સ્કેન્ડલ બોલતા હોય અથવા તો તમારા પર એકાદું સ્ટિંગ ઓપરેશન થઈ ચૂક્યું હોય તો તો ક્યા કહને. દષ્ટાંત તરીકે, શક્તિ કપૂર. તેર તેર મહિલાઓ વચ્ચે રહેવા માટે ઈકલૌતા મર્દ તરીકે કાસ્ટિંગ કાઉચ કૌભાંડમાં બદનામ થયેલા શક્તિ કપૂર કરતા બહેતર ઉમેદવાર બીજો ક્યો મળવાનો!
૩. બદનામી! આ ક્વોલિફિકેશન તો અત્યંત જરૂરી છે. તમે પોતે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હો તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં. કમનસીબે તમે સારા માણસ હો પણ જો ક્રિમિનલ સાથે સંબંધ ધરાવતા હો તો તે સિદ્ધિને પણ ચોક્કસ કન્સિડર કરવામાં આવશે. યાદ કરો આ સિઝનની નિહિતા બિસ્વાસને કે અગાઉની સિઝનની મોનિકા બેદીને. અનુક્રમે ચાર્લ્સ શોભરાજ અને અબુ સાલેમ જેવા ખૂંખાર માણસની ગર્લફ્રેન્ડ કે પત્ની હોવું તે કંઈ જેવી તેવી વાત છે?
4. તમે કોઈ ચટાકેદાર કારણસર મિડીયામાં ચમકો તે જરૂરી છે. મિકાએ ભરી મહેફિલમાં રાખી સાવંતમાં બકી ભરી લીધી ને રાખીને ગામ ગજાવ્યું. બિગ બોસવાળાઓએ એને પટ્ કરતી સિલેક્ટ કરી લીધી. રેમ્પ પર કેટવોક કરતી વખતે કેરલ ગ્રોશિયસ નામની મોડેલનું વોર્ડરોબ માલફંક્શન થઈ ગયું અને એનું ઉપરનું અડધું શરીર ઉઘાડું થઈ ગયું. ટીવી ચેનલોને જલસો પડી ગયો ને બિગ બોસમાં કેરલની એન્ટ્રી પાકી થઈ ગઈ. રાજા ચૌધરી પહેલાં એની ટીવીસ્ટાર પત્નીને શ્વેતા ચૌધરીને અને પછી ગર્લફ્રેન્ડ શ્રદ્ધા શર્માને નિયમિત ધીબેડતો હતો અને ધજાગરા કરતો હતો. પરફેક્ટ! બિગ બોસવાળાઓએ આ ત્રણેય જણાને વારાફરતી અલગ અલગ સિઝનમાં લઈ લીધાં!
5. તમે પુરુષ હો તો બોડી બનાવવાનો અને સ્ત્રી હો તો બોડી બતાવવાનો શોખ હોવો જોઈએ. વધુમાં વધુ શરીર ખુલ્લું રહે એવું ટૉપ, વેંત જેવડી ચડ્ડી અને છ ઇંચની હિલ્સ પહેરીને તમને ઝાડુ કાઢતા કે વાસણ ઊટકતાં આવડવું જોઈએ. ફિઝિકલી ફિટ પણ મેન્ટલી અનફિટ – જો તમે આવા હો તો તો ડેડલી કોમ્બિનેશન ગણાય. તમને પાગલપણાના એટેક આવતા હોય અને તમારો સ્ક્રૂ વારે વારે ઢીલો થઈ જતો હોય તો બિગ બોસના સ્ટાર બની જવાના એ વાતની ગેરંટી! ઉદાહરણ? પૂજા મિશ્રા, અફકોર્સ. તમે સકાયેટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લેતા હો કે લઈ ચૂક્યા હો તો એનાં કાગળિયાં બિગ બોસમાં એપ્લાય કરતી વખતે ખાસ બીડવાં.
6. નોનસ્ટોપ વીસ મિનિટ સુધી અસ્ખલિતપણે, હાથ લાંબા કરી કરીને, બીપ્ બીપ્ બીપ્ વરસાદ વરસે એવી ગાળો બોલી શકવાની કાબેલિયત તમારામાં છે? વેરી ગુડ. બીજાં હાઉસમેટ્સને ભૂતકાળમાં કેટલાં લફરાં, બ્રેકઅપ અને ડિવોર્સ થઈ ચૂક્યાં છેે તે વિશેનું વિશાળ જનરલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ઘાંટા પાડી પાડીને ઝઘડા કરતી વખતે સામેની વ્યક્તિના કેરેક્ટર પર કાદવ નહીં ઉછાળો ત્યાં સુધી એપિસોડમાં જમાવટ નહીં થાય, ખરુંને આકાશદીપ સ્કાય સહગલ?
7. ભલે તમારાં કાયદેસરનાં સંતાનો હજુ માસૂમ ઉંમરનાં હોય, પણ તેમના પર કેવી અસર પડશે એવી ક્ષુલ્લક ચિંતા કર્યા વગર, પંચાવન લાઈવ કેમેરા સામે પરસ્ત્રી કે પરપુરુષ સાથે છાનગપતિયાં કરતાં, એને સતત પપ્પીઝપ્પી કરતાં અને બેડ પર એની રજાઈમાં ઘુસી જતાં તમને આવડવું જોઈએ. વિશેષ ટિપ્સ માટે સંપર્કઃ પૂજા બેદી.
8. મ્યુઝિક વાગતાંની સાથે જ ભરઊંઘમાંથી ઉઠીને તમને ગાંડાની જેમ નાચતા આવડવું જોઈએ. ભલે ઓડિયન્સને સવાલ થાય કે આને માતાજી આવ્યાં કે શું! મહેક ચહેલ આવી ફિકર કરતાં જોઈ છે? પૉલ ડાન્સ કે સ્ટ્રીપટીઝ કરતાં ખાસ શીખી જવું, કારણ કે બિગ બોસના ઘરમાં આવી કલાત્મક પ્રવૃત્તિઓ અવારનવાર યોજાતી રહે છે.
9. બડે દિલવાલે બિગ બોસ તમામ પ્રકારના સિનેમાને પ્રોત્સાહન આપવામાં માને છે. પોર્ન સિનેમાને પણ! સની લિઓન નામની પોર્નસ્ટારને બિગ બોસનાં ઘરમાં તેડાવવામાં આવી એટલે આપણા ઉત્સાહી મિડીયાએ આ ભવ્ય સન્નારીને એટલી બધી ફેમસ કરી નાખી કે જાણે એ બેસ્ટ એક્ટ્રેસ માટેના ઓસ્કર અવોર્ડની હેટટ્રિક કરીને આવી હોય! કુમળાં તરૂણતરુણીઓ ઈન્ટરનેટ પર ગૂગલસર્ચ કરીને આ સુંદરીની દિવ્ય પોર્નતસવીરો તેમજ દિવ્યતમ પોર્નક્લિપિંગ્સ નિહાળીને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારે તો એમાં ખોટું શું છે? બિગ બોસની એડમિશન પ્રોસેસના ભાગ રૂપે ઈન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે આ મુદ્દો તમારે ભારપૂર્વક પેશ કરવો.
બેસ્ટ ઓફ લક!
શો સ્ટોપર
મહેક ચહેલ સલમાન ખાનની ફ્રેન્ડ છે. જો સલમાન એને ફેવર કરી રહ્યો હોય અને આ શો જીતાડવામાં મદદ કરી રહ્યો હોય તો બીજા હાઉસમેટ્સને અન્યાય થયો કહેવાય.
– પૂજા બેદી
————-
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply