ફિલ્મ, ફેસ્ટિવલ અને ફન
દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – ૩૦ ઓક્ટોબર ૨૦૧૧
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરના દેશોમાંથી આવેલી અદભુત ફિલ્મો પણ હોવાની અને કલાના નામે કરવામાં આવતા વાહિયાત જોણાં પણ હોવાનાં. આ વખતે મામી ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયેલી ૨૦૦ જેટલી ફિલ્મોમાં વિષયવૈવિધ્યનો સમુંદર લહેરાઈ ગયો.
* * * * *
વક્રતા જુઓ. એક બાજુ આપણે હોલીવૂડ જેવી હાઈફાઈ ફિલ્મ બનાવવાના ધખારામાં સ્પેશિયલ ઈફેક્ટ્સથી ભરપૂર ‘રા.વન’ બનાવીએ છીએ અને બીજી બાજુ વિદેશીઓ મારા બેટા તદ્દન ઊલટી ગુલાંટ મારીને બ્લેક-એન્ડ-વ્હાઈટ જમાનામાં પહોંચી જાય છે અને મૂંગી ફિલ્મ બનાવે છે! વાત છે ‘ધ આર્ટિસ્ટ’ નામની ફ્રેન્ચ ફિલ્મની, જે તાજેતરમાં મુંબઈમાં યોજાઈ ગયેલા ‘મામી’ (મંુબઈ એકેડેમી ઓફ મુવિંગ ઈમેજીસ) ફિલ્મ ફેસ્ટિવલમાં સિનેમાપ્રેમીઓએ દિલ ભરીને માણી.
કહાણી કંઈક આવી છે. ૧૯૨૭નું વર્ષ છે. સિનેમાની શોધ થઈ એ ઘટનાને હજુ માંડ પચ્ચીસ વર્ષ થયા છે. ફિલ્મો મૂંગી અને શ્વેતશ્યામ બને છે. મ્યુઝિક સિનેમાહૉલમાં લાઈવ વગાડવામાં આવે છે. આ જમાનાનો હોલીવૂડનો એક છેલછોગાળો હીરો ‘ધ આર્ટિસ્ટ’ ફિલ્મનો નાયક છે. ફિલ્મોમાં એક્સ્ટ્રા તરીકે કામ કરતી એક ખૂબસૂરત અને સ્ટ્રીટસ્માર્ટ યુવતી ‘ધ આર્ટિસ્ટ’ની નાયિકા છે. હીરોનો સિતારો બુલંદીમાં છે એ અરસામાં ટેકનોલોજી વિકસે છે અને મૂંગી ફિલ્મો બોલતી થાય છે. હીરો ખિખિયાટા કરે છેઃ આ શું મજાક છે? આવી ફિલ્મો તે કંઈ ચાલતી હશે? નાયક સમયને પારખવામાં ભૂલ કરી બેસે છે અને ફેંકાઈ જાય છે. નાયિકા એકસ્ટ્રામાંથી સુપરસ્ટાર બની જાય છે. પછી શું થાય છે? એનો જવાબ તો આ રોમેન્ટિક કોમેડી જોઈને જ મેળવવો પડે. ડિરેક્ટર માઈકલ હઝાનેવિશસે એટલો ખુશનુમા માહોલ ઊભો કર્યો છે કે ઓડિયન્સના મોંમાંથી સતત ‘આહ!’ અને ‘વાહ’ નીકળ્યા કરે. તમારી માનસિક ડાયરીમાં અત્યારે જ નોંધી લોઃ ‘ધ આર્ટિસ્ટ’ ફિલ્મ રિલીઝ થાય ત્યારે બિલકુલ મિસ કરવાની નથી!
‘ધ આર્ટિસ્ટ’ આ વખતે મામી ફિલ્મ ફેસ્ટિવલમાં સવાર્ધિક પોપ્યુલર બનેલી ફિલ્મોમાંની એક છે. મજાનું હોય છે ફિલ્મ ફેસ્ટિવલ્સનું વાતાવરણ. ગળામાં લાલ રિબનવાળું ઓળખપત્ર પહેરીને ફરતા સિનેમાપ્રેમીઓ, જુદી જુદી ઈન્સ્ટિટ્યુટ્સમાં ડિરેક્શન-સ્ક્રિપ્ટરાઈટિંગ-સિનેમેટોગ્રાફી વગેરે શીખી રહેલા સ્ટુડન્ટ્સ, દુનિયાભરમાંથી પોતાની ફિલ્મો પ્રદર્શિત કરવા આવેલા ફિલ્મમેકર્સ અને અદાકારો તેમજ મિડીયાના પ્રતિનિધિઓની ચહલપહલથી માહોલમાં એનર્જી છલકછલક થતી હોય છે. આ વખતના મામી ફેસ્ટિવલની વાત કરીએ તો, મુખ્ય સેન્ટર સિનેમેક્સ (અંધેરી)માં પૂરા આઠ દિવસ માટે થિયેટરની તમામ છએ છ સ્ક્રીન ફિલ્મ ફેસ્ટિવલ માટે અલાયદી રાખવામાં આવી હતી. આ સિવાય શહેરનાં અન્ય બે થિયેટરોની બબ્બે સ્ક્રીન્સ પણ ફેસ્ટિવલ માટે ફાળવવામાં આવી હતી. સવારે દસ વાગ્યાથી દસેય સ્ક્રીન પર શોઝ શરૂ થઈ જાય. રોજના કમસેકમ પાંચ શો. મતલબ કે રોજની પચાસ ફિલ્મો, જે રિપીટ પણ થાય. આ વખતે કંઈકેટલીય ભાષાઓમાં બનેલી ૨૦૦ કરતાં વધારે ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. જોઈ લો તમારામાં તાકાત હોય એટલી ફિલ્મો!
ફિલ્મ ફેસ્ટિવલ્સનું વાતાવરણ ખૂબ ઈન્ફોર્મલ હોય છે. એક વાર મામૂલી રકમ ભરીને નામ નોંધાવી દો પછી તમે ગમે ત્યારે ગમે તે ઓડિટોરિયમમાં જઈને ગમે તે સીટ પર બેસીને ફિલ્મ જોઈ શકો. ફિલ્મમાં મજા ન આવે તો ઊભા થઈને જતા રહો બાજુની સ્ક્રીનમાં. ઓડિટોરિયમ ફુલ થઈ ગયું હોય તો પગથિયાં પર બેસીને ફિલ્મ માણો. આ વખતે જોકે સલામતીના કારણોસર પેસેજમાં બેસવાની પરવાનગી આપવામાં નહોતી. તેથી ‘ધ આર્ટિસ્ટ’ જેવી અમુક હોટ-એન્ડ-હેપનિંગ ફિલ્મોના સ્ક્રીનિંગ વખતે ગેટ બહાર બબ્બે કલાક પહેલાં લોકો સર્પાકારે લાઈનો લગાવીને ખડા થઈ જતા. ઈન ફેક્ટ, મોટા ભાગનાં સ્ક્રીનિંગ્સ વખતે આવી જ હાલત થતી. સિનેમેક્સવાળા બાપડા બઘવાઈ ગયા હતા. આટલી ભીડ એ લોકોએ ‘દબંગ’માં પણ જોઈ નહોતી!
ફિલ્મ ફેસ્ટિવલ્સની ફિલ્મોમાં વિષય વૈવિધ્યની તમામ સીમાઓ તૂટી જાય છે. ‘ઓર’ નામની હૃદયભેદક ઈઝરાયલી ફિલ્મમાં એક આધેડ વયની સડકછાપ વેશ્યાની વાત છે. સ્કૂલમાં ભણતી એની તરૂણ દીકરી માનો ધંધો છોડાવવા ઘણી મહેનત કરે છે, રેસ્ટોરાંમાં મજૂરી કરે છે, પણ આખરે એના નસીબમાં પણ વેશ્યા બનવાનું જ લખાયું છે. નોર્વેની ‘ધ માઉન્ટન’ ફિલ્મમાં લેસ્બિયન કપલની વાત છે. ઓછામાં ઓછામાં શબ્દોમાં, માત્ર અછડતા ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે કે બે પૈકીની એક મહિલા વીર્યદાન વડે માતા બની હતી અને બાળક ચારેક વર્ષનું થયું ત્યારે મૃત્યુ પામ્યું હતું. માતા આખરે માતા છે, એની પીડા નિર્ભેળ છે. સ્ત્રીની મા તરીકેની વેદનાને તેની સેક્સ્યુઆલિટી સાથે કોઈ સંબંધ નથી! ‘માઈકલ’ નામની ઓસ્ટ્રિયન ફિલ્મમાં દસ વર્ષના છોકરાનું અપહરણ કરી, પોતાના ઘરમાં બંદીવાન બનાવી તેની સાથે શરીરસુખ માણતા વિકૃત માણસની વાત છે. ‘ધેટ સમર’ નામની ફ્રેન્ચ ફિલ્મમાં એક પેઈન્ટર છે જેને રૂપજીવિનીઓની સંગત કરવામાં કોઈ છોછ નથી, પણ એની એક્ટ્રેસ પત્ની જ્યારે પરપુરુષના પ્રેમમાં પડી તેને ત્યજી દે છે ત્યારે એનાથી સહન થઈ શકતું નથી અને તે આત્મહત્યા કરી લે છે. કોરિયાની સુપર-સ્ટાઈલિશ એક્શન-પેક્ડ ફિલ્મ ‘ધ યેલો સી’ જોતી વખતે પહેલો વિચાર એ આવે કે આપણો કયો વીર બોલીવૂડવાળો આ ફિલ્મની ઉઠાંતરી કરવાની દોડમાં બાજી મારી જવાનો! ફેસ્ટિવલમાં ફીચર ફિલ્મો ઉપરાંત પાંચ-પાંચ મિનિટની શોર્ટ ફિલ્મો અને ફુલલેન્થ ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ હતી. જેમ કે, ‘પિના’ નામની મ્યુઝિકલ ડોક્યુમેન્ટરીમાં જર્મનીની પિના બોશ નામની નૃત્યાંગનાને તેના સ્ટુડન્ટ્સ અંજલિ આપે છે અને સ્ક્રીન પર થ્રી-ડાયમેન્શનમાં આપણે અગાઉ ક્યારેય જોયાં ન હોય તેવા અદભુત નૃત્યો પેશ થાય છે.
ક્યારેક બહુ ગાજેલા ફિલ્મમેકરની હાઈપ્રોફાઈલ ફિલ્મ એટલી બધી અટપટી નીકળે કે તમે માથું ખજવાળતા રહી જાઓ. ‘એન્ટિક્રાઈસ્ટ’વાળા ડેનિશ ડિરેક્ટર લાર્સ વોન ટ્રિઅલની ‘મેલેન્કોલિઆ’ ફિલ્મમાં ઘણા પ્રેક્ષકોને આવો અનુભવ થયો. ફિલ્મ ફેસ્ટિવલમાં સારા સિનેમાની સાથે કચરપટ્ટી ફિલ્મો પણ ઘણી હોય છે. આર્ટ યા તો પેરેલલ સિનેમાના નામે બનાવવામાં આવેલી આ વાહિયાત ફિલ્મોમાં કોઈ જાતના ઢંગધડા હોતા નથી. ગરીબડી નાયિકા રસોઈ કરતી હોય અને તપેલી પર પાંચ મિનિટ સુધી કેમેરા ધરી રાખવામાં આવે તેમાં કોઈ જાતની કળા નથી. ખેર, આ પણ સિનેમાનો એક રંગ છે. જાતજાતની ફિલ્મો જોવાનો રસ ધરાવતા રસિકોએ ફિલ્મ ફેસ્ટિવલનો અનુભવ લેવા જેવો ખરો.
શો સ્ટોપર
કોઈ મારા ખભે હાથ મૂકીને ગંભીરતાથી એમ કહે કે બોસ, તારી ફિલ્મ જોઈને મને ખૂબ ગર્વ થયો છે, તો એનો સાદો અર્થ એ થયો કે ફિલ્મ પીટાઈ ગઈ છે!
– શાહરૂખ ખાન
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply