તહોમતનામું – અરવિંદ જોશી, સુજાતા મહેતા, પુરુષોત્તમ ઉપાધ્યાય હાઝિર હો….
ગુરૂવાર, ૧૩ ઓક્ટોબર ૨૦૧૧ની સાંજે એક સરસ અને પ્રોગ્રામ મુંબઈમાં યોજાઈ ગયો. રંગભૂમિના વિખ્યાત અદાકાર-દિગ્દર્શક અરવિંદ જોશી, જાણીતા અભિનેત્રી સુજાતા મહેતા અને સુગમ સંગીતના શહેનશાહ પુરુષોત્તમ ઉપાધ્યાય સામે જાહેરમાં તહોમતનામું મૂકાયું. ત્રણેય સામે સ્ટેજ પર રીતસર કોર્ટમાર્શલ થયું. તેમની તરફેણમાં અને વિરોધમાં ઉગ્રા દલીલો થઈ, ખૂબ ગરમાગરમી થઈ. કાર્યક્રમને અંતે, અફ કોર્સ, ત્રણેય કલાકારો વધારુ ઊજળા, વધારે સન્માનનીય બનીને ઊભર્યાં. એ જ તો આ કાર્યક્રમનો ઉદ્દેશ હતો.
કાર્યક્રમ નોનફિકશનલ હતો, પણ કોઈપણ નાટકને ટક્કર મારે એટલો તે એક્સાઈટિંગ પૂરવાર થયો. ખૂબ બધું હાસ્ય, ટેન્શન, ગીતસંગીત અને તેમાંય તે સઘળું રંગભૂમિસંગીતજગતના સ્ટાર્સ દ્વારા. અભિનય સમ્રાજ્ઞી સરિતા જોશીને મંચ પર જે રીતે ખીલે છે તે એક લહાવો છે, ખરેખર. સગપણમાં સગા દિયર અને કરીઅરમાં પોતાના હીરો અને ડિરેક્ટર રહી ચૂકેલા અરવિંદ જોશીને સોલિડ ગ્રિલ કરવા તેઓ આવ્યાં હતાં! ઓડિયો-વિઝયુઅલ્સનો પણ સરસ ઉપયોગ થયો હતો. ઓડિયન્સને એટલી બધી મજા પડી ગઈ કે તેમના આગ્રાહને કારણને કાર્યક્રમને ઓર અડધો-પોણો કલાક લંબાવવામાં આવ્યો.
મને આ કાયર્ક્રમના હિસ્સો બનવાનો મોકો મળ્યો હતો. મારું કામ હતું ત્રણેય આરોપીઓ વિરુદ્ધ તહોમતનામા અને તેમના પૂછાનારા અણિયાળા પ્રશ્નો તૈયાર કરવાનું. આ કામમાં મને ઘણા લોકોના ઈનપુટ્સ મળ્યા વરિષ્ઠ નાટ્યલેખક પ્રવીણ સોલંકી (કે જેમણે શોના સારથિ હતા અને તેમણે કાયર્ક્રમનો સરસ રીતે નાટ્યાત્મક ઉઘાડ કરી આપ્યો), અવિનાશ પારેખ, મધુ રાય, સંગીતકારગાયક સુરેશ જોશી અને ઉદય મઝુમદાર, વગેરે. સવાલો ખરેખર અણિયાળા અને વાગે એવા હતા, પણ ત્રણેય આરોપીઓએ ગજબની સ્પોટર્સમેનશિપ દેખાડી અને સહેજ પણ ઓફેન્ડ થયા વિના દિલથી જવાબો આપ્યા.
અરવિંદ જોશી, સુજાતા મહેતા અને પુરુષોત્તમ ઉપાધ્યાય વિરુદ્ધ રજૂ થયેલાં તહોમતનામાં અને કાચું માળખું અહીં પેશ કરું છું. સવાલો સાંભળીને કલ્પી લેજો કે જવાબો કેવા જોરદાર હશે!
———–
આરોપી નંબર વન – અરવિંદ જોશી
પબ્લિક પ્રોસિક્યુટર (સુરેશ રાજડા) :
આજની અદાલતમાં તેમજ મુંબઈની સંસ્કારી અને કલાપ્રિય જનતાની સમક્ષ સૌથી પહેલા ગુનેગાર પેશ કરવામાં આવે છે… તેઓ ગુજરાતી તખ્તાના વરિષ્ઠ રંગકર્મી છે અને તેમનું નામ છે, શ્રી અરવિંદ જોશી…
(અરવિંદ જોશીની એન્ટ્રી)
પબ્લિક પ્રોસિક્યુટરઃ
અરવિંદ જોશી સામે આરોપ છે કે તેમણે ગુજરાતી રંગભૂમિ પર ઓછી મૂડીએ વધારે વેપાર કરવાની કોશિશ કરી છે, નવા માલનું ઉત્પાદન કરવાને બદલે જૂનાં નાટકોને નવાં વાઘાં પહેરાવીને પ્રેક્ષકોને અસંતુષ્ટ રાખ્યા છે અને પોતાની પાસે કલમની મૂડી હોવા છતાં ભેદી કારણોસર તેનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો છે…
શ્રી અરવિંદ જોશી સામેના આ આરોપોની પુષ્ટિ કરવા માટે હું અદાલતમાં હાજર કરવા માગું છું, અભિનયજગતનાં ધુરંધર અભિનેત્રી સરિતા જોશીને. (એન્ટ્રી)
નામદાર, શ્રી અરવિંદ જોશીના બચાવ પક્ષમાં છે, વરિષ્ટ અભિનેતા અરવિંદ રાઠોડ. હું એમને પણ અદાલતમાં ઉપસ્થિત કરવા માટે નામદારની પરવાનગી માગું છું. (એન્ટ્રી)
જજઃ
કાર્યવાહી શરૂ કરવામાં આવે.
પબ્લિક પ્રોસિક્યુટર –
નામદાર, મારી વિનંતિ છે કે કાર્યવાહી શરૂ કરતાં પહેલાં ગુનેગારના કામ અને કારકિર્દીની એક ઝલક પેશ કરવામાં આવે.
જજઃ
પરમિશન ગ્રાન્ટેડ.
ઓડિયો વિઝયુઅલ અને ત્યાર બાદ કાર્યવાહી, જેમાં સરિતા જોશી અને સુરેશ રાજડાએ અરવિંદ જોશી પર જે સવાલોની ઝડી વરસાવી તે આ રહી.
૧. અરવિંદભાઈ, પ્રવીણ જોશીનાં દેહાંત પછી તમે એમનાં નાટકો વારંવાર રિવાઈવ કેમ કર્યા? તમે તમારા ભાઈ કરતાં જરાય ઊતરતા નહોતા એવું લોકોને દેખાડી દેવા માટે? તમે પ્રવીણ જોશી કરતાં સવાયા છો તેવું પૂરવાર કરવા માટે?
૨. તમે ‘ખેલંદો’ નાટકને ‘……, અક્સા બીચ’ નામે રિવાઈવ કર્યું અને પ્રવીણભાઈવાળો રોલ તમે કર્યો. એ તો જાણે ઠીક, પણ તમે મધુ રાયની જે અદભુત લેખિની હતી, તેને ઈસ્ત્રી કેમ કરી નાખી? મધુભાઈનાં લખાણમાંથી જે ખૂબસૂરત સ્પંદનો ફૂટતાં હતાં તેેને પર બમ્બૈયા ભાષાનો વઘાર કેમ કરી નાખ્યો?
૩. સાત સમુંદર પારના એક માણસે તમારા પર આક્ષેપ મૂક્યો છે કે તમે તમારા લેખકોને લવ, લાડુ અને લિકરથી બગાડી મૂકતા હતા. લેખકોને વધારે પડતું વહાલ કરીને, જાતજાતના પકવાન ખવડાવીને અને પ્રકાર પ્રકારના દારૂ પાઈને તેમને ફટવી મારતા હતા. તમારા આવા વર્તાવને કારણે લેખકો પ્રમાદી બની જતા અને લખવાનું બંધ કરી દેતા હતા. આવું પાપ તમે શું કામ કર્યુર્, અરવિંદભાઈ?
૪. અરવિંદભાઈ, ભરપૂર જીવન જીવ્યા પછી શરીર ધીમું પડે તે સમજી શકાય તેવું છે. શરીર સાથ ન આપે એટલે સ્ટેજ પર અભિનય ન થાય તે તો સ્વીકાર્ય છે, પણ તમે લખવાનું પણ કેમ બંધ કરી દીધું છે? તમે કહો છો કે તમે હાલ એક નાટક લખી રહ્યા છો, પણ એવું તો તમે વર્ષોથી કહી રહ્યા છો. તમે તમારામાં રહેલા લેખક અરવિંદ જોષીને તેજીલા તોખારની જેમ હણહણતો રાખવાની જવાબદારી કેમ બરાબર ઉઠાવી નહીં?
પ. ‘શોલે’ ફિલ્મમાં ગબ્બર સિંહે તમને ગોળી મારી અને તમે ઢળી પડ્યા. ફક્ત ફિલ્મમાં જ ઢળી પડ્યા ત્યાં સુધી વાંધો નહોતો, પણ તમે તો હિન્દી ફિલ્મોમાં પાછા ક્યારેય સજીવન જ ન થયા. ગબ્બરસિંહની ગોળીની આટલી બધી અસર?
૬. હિન્દી ફિલ્મોનો હીરો બનવાની તમારી અધૂરી વાસના તમે દીકરા શર્મન થકી પૂરી કરી રહ્યા છો. અને તેથી જ તમે તમારા સુપર ટેલેન્ટેડ દીકરાને ગુજરાતી રંગભૂમિથી દૂર રાખો છો, રાઈટ?
———–
આરોપી નંબર બે – સુજાતા મહેતા
વિરોધ પક્ષ – વિપુલ મહેતા, સંગીતા જાશી
બચાવ પક્ષ – લતેશ શાહ
સુજાતા મહેતા સામે આરોપ છે કે એમણે પોતાની ફાટ ફાટ અભિનયની ભયાનક અવગણના કરી છે. ગુજરાતી રંગભૂમિને સમૃદ્ધ બનાવવાને બદલે પોતાના અયોગ્ય વર્તાવ અને વિચિત્ર સ્વભાવથી રંગભૂમિને રાંક થવાના રસ્તે ધકેલમામાં મદદ કરી છે…
૧. ‘અમે બરફનાં પંખી’માં તમે બાળકલાકાર હતાં ત્યારેય સુજાતા મહેતા હતાં… અને આજે, આટલાં વર્ષો પછી પણ સુજાતા મહેતા જ છો. ક્યાં સુધી આ એકની એક સરનેમ રાખવાનો ઈરાદો છે?
૨. ‘અમે બરફનાં પંખી’માં બાળકલાકાર હતાં. આ નાટક પછી તમે ભુમિકાઓ વયસ્ક માણસોની કરી, પણ મનથી અને વર્તનથી તો તમે વર્ષો સુધી બાળકલાકાર જ રહ્યાં, નહીં?
૩. ‘ચિત્કાર’ ગુજરાતી રંગભૂમિનું એક સીમાચિહ્વરૂપ નાટક છે, કબૂલ. તેમાં તમે યાદગાર ભુમિકા અદા કરી એ ય કબૂલ, પણ પછી શું? ક્યાં સુધી ‘ચિત્કાર’નાં નામના ચિત્કાર કર્યા કરશો? ‘ચિત્કાર’ પછી તમે ગુજરાતી રંગભૂમિ પર એક્ઝેક્ટલી શું અચીવ કર્યું?
૪. તમે ‘પ્રતિઘાત’ જેવી હિટ ફિલ્મમાં પાવરફુલ રોલ કરીને સૌને મહાઈમ્પ્રેસ્ડ કરી દીધા. આ ફિલ્મને પણ લોકો આજેય યાદ કરે છે… પણ પછી તો તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સાવ ગાયબ જ થઈ ગયાં. શું ગરબડ થઈ ગઈ?
૫. ટીવી પર પણ તમે એવું જ કર્યું. એક સરસ સિરિયલ કરી, ‘શ્રીકાંત’ અને પછી ગાયબ. કેમ આમ થયું?
૫. સાચું પૂછો તો તમે વન-પ્લે, વન-ફિલ્મ, વન-ટીવી સિરિયલ વંડર છો. કોઈ પણ માધ્યમમાં તમે યાદગાર વસ્તુ કરી ને પછી હા….શ કરીને બેસી જવાનું! નિષ્ક્રિય થઈ જવાનું. તમે આટલા ઓછાથી સંતુષ્ટ કેમ થઈ જાઓ છો? મહાન કલાકારની કરીઅરમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી બન્નેનો સંગમ થવો જોઈએ. તમારા કેસમાં ઉત્તમ વસ્તુઓની ક્વોન્ટિટી જેવું છે નહીં. તમારી કરીઅરમાં સાતત્યનો આટલો ભયાનક અભાવ શા માટે છે, સુજાતાબહેન?
૬. તમારું ધાર્યુર્ં કરાવવા ડિરેક્ટરોથી માંડીને લેખક સુધીના સૌને સલાહો આપવામાં તમે ઘણું ગુમાવ્યું છે એવું તમને પણ નથી લાગતું?
૭. તમારા સલાહકારો કોણ છે, સુજાતાબહેન? એ તમને સાચો રસ્તો બતાવવાને બદલે તમને ગુમરાહ વધારે કરી રહ્યા છે એવું સૌને કેમ લાગે છે?
૮. તમે કારણ વગર જાતજાતની ટોપીઓ પહેરો છો અને ફેશનના ડિંડક ચલાવો છે, એ શું છે?
———–
આરોપી નંબર ત્રણ – પુરુષોત્તમ ઉપાધ્યાય
વિરોધ પક્ષ – નિરંજન મહેતા, સરેશ જોશી
બચાવ પક્ષ – વિનયકાંત ત્રિવેદી, ડો. અજય કોઠારી
શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય સામે આરોપ છે કે એમણે સુગમ સંગીતની સરળતાનો નાશ કર્યો છે. સુગમ સંગીતને અટપટું બનાવી દઈને ગુજરાતની પ્રજાને આટલા મહાન કળાવારસાથી વિમુખ કરી દીધી છે. સુગમ સંગીતમાં ભાષણો અને ટુચકાઓ ઉમેરી દઈને એને અશુધ્ધ બનાવી મૂક્યું છે…
૧. પુરુષોત્તમભાઈ, તમને ગાવા માટે આમંત્રણ મળે છે ત્યારે વાણીવિલાસ વધારે કરો છો. અને વકતવ્ય આપવા માટે નિમંત્રવામાં આવે છે ત્યારે ગાવા માંડો છો. આ આરોપમાંથી, ખાસ કરીને, પહેલો ભાગ વધારે ગંભીર છે. સંગીત એ કમ્યુનિકેશનનો જ એક પ્રકાર છે. તો પછી, તમારી વાત કે લાગણીઓ ઓડિયન્સ સુધી પહોંચાડતી વખતે ગાયનની વચ્ચે આટલું બધું બોલો છો શું કામ?
૨. સુગમ સંગીત, બાય ડેફિનેશન ઈટસેલ્ફ, સુગમ એટલે કે સરળ હોવી જોઈએ. એને બદલે તમારી રચનાઓ આટલી બધી અટપટી અને ન સમજાય તેવી કેમ હોય છે?
૩. અવિનાશ વ્યાસ પ્રત્યે તમને ભારોભાર આદર છે તે બરાબર છે, પણ તમારાં કાર્યક્રમોમાં તમે અવિનાશ વ્યાસનાં ગીતોની ભરમાર કરી દો છો. કહો ને કે, તમારા પ્રોગ્રામમાં ૧૦માંથી ૪ થી પાંચ ગીતો અવિનાશભાઈનાં હોય છે. તમારા શોઝમાં પૂરેપૂરા પુરુષોત્તમભાઈ કેમ ગાયબ હોય છે?
૪. તમે ઉત્કૃષ્ટ સંગીતકાર છો. તમારા કાર્યક્રમોમાં ગાયક પુરુષોત્તમ ઉભરે છે, પણ ક્રિયેટર પુરુષોત્તમ, કમ્પોઝર પુરુષોત્તમ કેમ રસિકોને મળતા નથી? તમે છેલ્લી રચના કેટલાં વર્ષો પહેલા કરી હતી? તમે તમારું સાહિત્ય શી રીતે પસંદ કરો છો? કવિતાઓ કે ગીતો પસંદ કરવાના તમારા માપદંડો ક્યા હોય છે? તમારી નવી રચનાઓ લોકો સુધી પહોંચતી કેમ નથી?
૫. પુરુષોત્તમભાઈ, તમે વિદેશમાં વધારે ગાઓ છો. આનું શું કારણ છે? ફોરેનની આબોહવા તમને વધારે માકફ આવે છે, એટલે? ત્યાંની સાઉન્ડ સિસ્ટમ આપણા કરતા વધારે સારી હોય છે એટલે? કે પછી, ત્યાંનું ઓડિયન્સ તમારા જોક્સ પર વધારે તાળીઓ પાડે છે એટલે? આપણું યુથ પુરુષોત્તમભાઈથી અજાણ રહી જાય તે ચલાવી લેવાય એવું નથી. આખરે તમારા વિદેશના ઓબ્સેશનનું કારણ શું છે?
૬. મંગેશકર બહેનો માટે કહેવાતું કે તેમણે હિન્દી ફિલ્મ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં નવાં વિકલ્પો ઊભા થવા ન દીધા. અરે, લતા મંગેશકર પર તો સતત એવો આરોપ થતો રહ્યો છે કે તેમણે પોતાની સગી બહેન આશા ભોંસલેને દબાવી દેવાની કોશિશ કરી હતી. પુરુષોત્તમભાઈ, તમે ગુજરાતી સુગમ સંગીત જગતના ખૂબ સિનિયર હસ્તી છો. તમે પણ ગુજરાતી સુગમ સંગીતમાં સેકન્ડ જનરેશન કેમ ખાસ ઊભી થવા ન દીધી? અથવા તો, શા માટે સમાંતર નામો, સમાંતર પર્યાયો પેદા થવા ન દીધા?
૭. નાનપણમાં તમે એક્ટિંગ પર કરતા હતા. એ કેમ બંધ કરી દીધી? એક્ટિંગ ઈન્ડસ્ટ્રીને અને ઓડિયન્સને તમારી આ ટેલેન્ટથી વંચિત કેમ રાખી?
૮. તમે કહેતા હો છો કે ગુજરાતી ભાષા મારી મા છે અને અન્ય ભાષા મારી માસી છે. તો પછી તમે લતા મંંગેશકર, મોહમ્મદ રફી અને બેગમ અખ્તર જેવાં પરભાષી કલાકારો પાસે ગીતો યા તો ગઝલો કેમ ગવડાવ્યાં? મોટા નામો થકી પ્રસિદ્ધિ હાંસલ કરવા માટે તમે માનું મહત્ત્વ ઓછું કરી નાખ્યું?
૯. આગલા સવાલજવાબના અનુસંધાનમાં ઓર એક સવાલ. તમે રફીલતાબેગમ અખ્તર પાસે શરૂઆતમાં તો ગીતો-ગઝલો ગવડાવ્યાં પણ પછી કેમ બંધ કરી દીધાં? એક્ઝેક્ટલી બન્યું શું હતું તમારી વચ્ચે?
૧૦. તમારી બન્ને દીકરીઓ વિરાજ અને બીજલે હંમેશા ભેગાં જ ગીતો ગાયાં. બન્નેમાં પૂરતું પોટેન્શિયલ હોવા છતાં તમે એમની પાસે સોલો કેમ ન ગવડાવ્યાં?
૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply