વરઘોડો અને છૂટાછેડા
દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ તા. ૨૯ ઓગસ્ટ ૨૦૧૦ માં પ્રકાશિત
મલ્ટિપ્લેક્સ
‘શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરધોડો’ ફિલ્મ અને ‘છૂટાછેડા’ સિરિયલ – ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની એક ઘટના મોજ કરાવે છે, જ્યારે બીજી વિચારવા પ્રેરે છે.
* * * * *
પોપકોર્ન-બર્ગર-પેપ્સીનો કોમ્બો લઈને સ્ટાઈલિશ મલ્ટિપ્લેકસમાં આરામથી મુવીઝ જોવાની ટેવ ધરાવતા શહેરી ગુજરાતીઓ માટે ગુજરાતી સિનેમા ક્ષિતિજરેખાની બહાર ફેંકાઈ ગયેલી વસ્તુ છે. છતાંય એક ગુજરાતી ફિલ્મ બને છે, જેને આ શહેરી ઓડિયન્સ પણ જુએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. અપેક્ષા રાખી શકવાનું મુખ્ય કારણ આ ફિલ્મ સાથે સંકળાયેલું એક નામ છે શાહબુદ્દીન રાઠોડ. આ નામ એવું છે જેની સાથે આજની કોન્વેન્ટ જનરેશન સિવાયના ગુજરાતીઓ તરત કનેક્ટ થઈ શકે છે ગ્રામ્ય, શહેરી, એનઆરઆઈ, સૌ. ફિલ્મનાં ટાઈટલમાં જ એમનું નામ વણી લેવામાં આવ્યું છે ‘શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો’.
વાત વનેચંદની જ છે. ફિલ્મમાં તેનું નામ વિઠ્ઠલ કરી નાખવામાં આવ્યું છે. એનો ચહેરો સતત સપાટ અને ભાવશૂન્ય રહે છે. તે ચાલે ત્યારે શરીર વિચિત્ર રીતે ટટ્ટાર થઈ જાય છે. તેનું બાઘ્ઘાપણું લગભગ મંદબુદ્ધિની કક્ષાને સ્પર્શી જાય છે. ‘વનેચંદનો વરઘોડો’ આપણે ઓડિયો કેસેટ કે સીડીમાં એટલી બધી વાર માણ્યો છે કે તેના પ્રસંગો અને રમૂજો આપણને લગભગ ગોખાઈ ગયાં છે. ‘પાપડ પોળ’ સિરિયલમાં ભલે ખૂબ બધી છૂટછાટ લેવામાં આવી હોય, પણ આ ફિલ્મ મૂળ પ્રસંગો અને પાત્રોને વફાદારીપૂર્વક વળગી રહે છે.
ટીંગાટોળી કરીને નિશાળે લઈ જવાતો વિઠ્ઠલ, બહારવટે ચડતા માસ્તરો, અંગ્રેજોનો ડામ સહન કરનાર દરજી લાભુ મેરાઈ, સવારના પાંચ વાગામાં કન્યાના ગામે પહોંચી જતી જાન, ભડાકે દેવા પડે એટલા કઠણ લાડવા, ઘેટાબકરાની જેમ મોટરમાં ઠાંસી દેવાતા જાનૈયા ફિલ્મમાં આ બધું જ છે. સવાલ એ છે કે આ બધું કેવુંક ઉપસ્યું છે? શાહબુદ્દીન રાઠોડની લાક્ષાણિક શૈલીમાં આ વર્ણનો સાંભળતી વખતે આપણે ખૂબ હસ્યા છીએ, પણ સ્ક્રીન પર તે જોઈને હસવું આવે છે ખરું?
ફિલ્મ શરૂ થાય અને ઈન્ટરવલ પડી જાય ત્યાં સુધીમાં આ પ્રશ્નનો એક જ જવાબ મળતો રહે છે- ‘ના.’ અતિશય લાંબાં દશ્યો, દશ્યનાં મૂડ સાથે જરાય સુસંગત ન હોય તેવું વિચિત્ર બેકગ્રાઉન્ડ મ્યુઝિક, લાઉડ અને અસરહીન એક્ટિંગ આ બધું જોઈસાંભળીને લાગે કે જેને આપણે ખૂબ ચાહ્યો છે તે વનેચંદના વરઘોડાની ફિલ્મમાં કતલ થઈ રહી છે. પ્રોડકશન વેલ્યુની તો વાત જ નહીં કરવાની. શક્ય છે કે તમે ઈન્ટરવલ પછી સેકન્ડ હાફ જોવાની હિંમત જ ન કરો.
…પણ એવી ભુલ ન કરશો! ફિલ્મ સેકન્ડ હાફમાં પ્રવેશે ને જાણે ચમત્કાર થયો હોય તેમ, લગભગ નાટ્યાત્મક કહેવાય એવી રીતે, ફિલ્મ એકદમ જીવંત બની ઉઠે છે. એ જ કલાકારો છે, એ જ પરિવેશ છે, છતાં રમૂજની અસરકારકતાનું સ્તર એટલી ગજબનાક રીતે ઊંચકાય છે કે ન પૂછો વાત. તમે અંકુશમાં રાખી ન શકો એટલું, ક્ષોભ થઈ આવે એવું મુશળધાર હસવું આવશે. મજબૂત ઉત્તરાર્ધ ફિલ્મને આબાદ બચાવી લે છે.
શાહબુદ્દીન રાઠોડના ગામ થાનમાં જ ફિલ્મ શૂટ થઈ છે. છેલ્લી ઘડીએ વનેચંદ યા તો વિઠ્ઠલના રોલ માટે પસંદ કરવામાં આવેલો એક્ટર ફસકી ગયો. ડેની તરીકે વધારે જાણીતા કે. અમર સોલંકીએ એકસ્ટ્રાનો રોલ કરતા મહંમદ ભૂંગરને વિઠ્ઠલ બનાવી દીધો અને બે કલાક પછી શૂટિંગ શરૂ કરી દીધું! મહંમદ રાજકોટમાં શેરી નાટકો કરે છે. વિઠ્ઠલના પાત્રમાં તેનું પરફેક્ટ કાસ્ટિંગ થયું છે. ફિલ્મમાં શાહબુદ્દીન રાઠોડે એમની લાક્ષાણિક કાઠિયાવાડી શૈલીમાં માત્ર કોમેન્ટ્રી જ આપી નથી, તેમાં એક્ટિંગ પણ કરી છે.
જતીન જાની અને મુકેશ પટેલે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ આવતા મહિને પહેલાં મુંબઈમાં અને પછી ગુજરાતમાં રિલીઝ થશે.
છૂટાછેડા એટલે વરઘોડાના સાવ વિરુદ્ધ અંતિમ છેડા પર આવેલી ઘટના. યોગાનુયોગે ડિવોર્સના કિસ્સાઓની છણાવટ કરતી એક નોંધપાત્ર સિરિયલ ‘છૂટાછેડા’ આ સોમવારથી ઈટીવી ગુજરાતી ચેનલ પર શરૂ થઈ છે. સિરિયલનું ફોર્મેટ ઈન્ટરેસ્ટિંગ છે. દર સોમવારે છૂટાછેડાની ધાર સુધી પહોંચી ગયેલા એક દંપતીનો કિસ્સો શરૂ થાય અને શુક્રવારે પૂરો થાય. દર અઠવાડિયે નવું યુગલ, નવી વાર્તા, નવી પરિસ્થિતિ, નવું વિષ્લેષણ. શોનાં પ્રોડ્યુસર મીના ઘીવાલા કહે છે, ‘પતિપત્ની વચ્ચે વિખવાદ થાય ત્યારે બંને પાસે કંઈ અનિવાર્યપણે અલગ અલગ મુદ્દા હોતા નથી. મુદ્દા સમાન હોય છે, માત્ર તેને જોવાનો બંનેનો દષ્ટિકોણ જુદો જુદો હોય છે. આ શોમાં અમે સ્ત્રી અને પુરુષ બણેના પોઈન્ટ-ઓફ-વ્યુ રજૂ કરવાની કોશિશ કરી છે. એક વાર્તામાં અમે સાઈકોએનેલિસ્ટને પણ લાવ્યા છીએ. આ શો દ્વારા અમે ઓડિયન્સને સીધી સલાહ આપતા નથી. સલાહ અપાય ત્યારે સામેની વ્યક્તિની ભીતર ક્યારેક એક સાહજિક વિરોધ અથવા તો અસ્વીકૃતિનો ભાવ જાગતો હોય છે, પણ શક્ય છે કે આ શો જોઈને દર્શક કોઈ પાત્ર સાથે ખુદને આઈડેન્ટિફાય કરી શકે અને વિચાર કરવા પ્રેરાય.’
આ શો જેટલો વિચારપ્રેરક છે તેટલો જ તાજગીભર્યો પણ બની રહેવાનો. તેનું કારણ છે. દર સપ્તાહે તેમાં નવા ચહેરા જોવા મળવાના. ‘એક વાર્તા માટે માંડ છસાત દિવસનું શૂટિંગ કરવું પડતું હોવાથી હું સારામાં સારા ગુજરાતી કલાકારોને શોમાં લાવી શકી છું,’ કહીને મીના ઘીવાલા હસે છે, ‘પણ આ ફોર્મેટનો માઈનસ પોઈન્ટ એ છે કે અમારા પર કાસ્ટિંગનું ટેન્શન સતત ઝળુંબતું રહે છે!’
જોકે સૂત્રધારની ભુમિકા અદા કરી રહેલાં અમી ત્રિવેદી (સિનિયર) દરેક વાર્તામાં દેખાશે. સામાન્યપણે હિન્દી સિરિયલોમાં બિઝી રહેતાં લેખિકા હર્ષા જગદીશે ‘છૂટાછેડા’ લખવામાં માટે ખાસ રસ લીધો છે. ‘ડિરેક્ટર મિલન અજમેરાનું ઈન્વોલ્વમેન્ટ પણ કમાલનું છે,’ મીના ઘીવાલા કહે છે.
સંબંધોની વાતો સૌને એકસરખી સ્પર્શે છે. મીના ઘીવાલા ડાયનેમિક પ્રોડ્યુસર છે. સૌથી પહેલી ગુજરાતી જ નહીં, સૌથી પહેલી તેલુગુ અને ઓરિયા ડેઈલી સોપ પણ તેમના નામે બોલે છે. ભારતની લગભગ તમામ પ્રમુખ ભાષાઓમાં તેઓ સિરિયલો બનાવી ચૂક્યાં છે. ‘છૂટાછેડા’ સિરિયલનું કૌવત વાસ્તવમાં આખા દેશના ઓડિયન્સને આકર્ષે તેવું છે. જો કોઈ મેઈનસ્ટ્રીમ હિન્દી ચેનલ આ પ્રકારનું ફોર્મેટ અજમાવવાનું જોખમ લે અને ‘છૂટાછેડા’ની હિન્દી આવૃત્તિ નેશનલ લેવલ પર અવતરે તો આશ્ચર્ય નહીં!
શો સ્ટોપર
આમિર ખાને ભુજમાં ‘લગાન’નું શૂટિંગ કર્યું ને ત્યાં ભૂકંપ આવ્યો, આમિરે લેહમાં ‘થ્રી ઈડિયટ્સ્ર’ શૂટિંગ કર્યું ને ત્યાં આકાશ ફાટ્યું. હવે પીપલીનું શું થશે? આમિરને એની આગામી ફિલ્મનું શૂટિંગ કરવા દુશ્મન દેશમાં મોકલી આપવો જોઈએ!
– એક ફની એસએમએસ
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply