રિવ્યુઃ શાહરૂખ બોલા ખૂબસૂરત હૈ તૂ
‘મિડ-ડે’માં ૨૦ જાન્યુઆરી ૨૦૧૦માં પ્રકાશિત
શાહરૂખ બોલ્યો જ શું કામ?
આ ફિલ્મ ખૂબસૂરત નથી, પણ રાઈટર-ડિરેક્ટર મકરંદ દેશપાંડેની મૂછો જેવી છે – વિચિત્ર.
રેટિંગ – દોઢ સ્ટાર
મલ્ટિપ્લેક્સ કલ્ચરની સારી બાજુ એ છે કે ઓછા બજેટની તેમ જ અવનવા વિષયોની એક્સપેરિમેન્ટલ ફિલ્મોને ઉત્તેજન મળે છે અને કમસે કમ તે રિલીઝ થઈ શકે છે. મલ્ટિપ્લેક્સ મેનિયાની નબળી બાજુ એ છે કે પ્રયોગખોરીને નામે કંઈ પણ ગાંડુઘેલું બનવા લાગે છે અને ઓડિયન્સના માથે ઝીંકવામાં આવે છે. ‘શાહરૂખ બોલા ખૂબસૂરત હૈ તુ’ કમનસીબે બીજી શ્રેણીમાં સ્થાન પામે છે. આ ફિલ્મનો કેન્દ્રિય વિચાર અથવા તો વનલાઈન-થૉટ ઈન્ટરેસ્ટિંગ છે. તકલીફ એ છે કે મામલો વનલાઈન-થૉટ પર પૂરી થઈ જતો નથી, બલકે શરૂ થાય છે. રાઈટર-ડિરેક્ટર-એક્ટર મકરંદ દેશપાંડે મૂળભૂત વિચારને વિકસાવીને મસ્તમજાની ડિશ બનાવવામાં અને તેમાં સરસ મજાના મરીમસાલા ભરીને ઓડિયન્સને જલસો પડી જાય તે રીતે પેશ કરવામાં કામિયાબ થતા નથી. તેથી ફાયનલ પ્રોડક્ટ નિરાશાજનક પૂરવાર થાય છે.
થોડા અરસા પહેલાં અંતરા માલીને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ‘મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં’ નામની ફિલ્મ આવી હતી. તેમાં માધુરી દીક્ષિત માત્ર ટાઈટલમાં શબ્દરૂપે દેખાઈ હતી, સ્ક્રીન પર નહીં. ફિલ્મસ્ટાર બન્યો તે પહેલાં શાહરૂખે ‘સરકસ’ નામની ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. મકરંદ દેશપાંડે પણ ‘સરકસ’માં એક રોલ કરતા હતા. એ જમાનાથી બન્ને વચ્ચે દોસ્તી. શાહરૂખે મિત્રભાવે મકરંદને બે-એક કલાક ફાળવી આપ્યા હશે એટલે આ આખો ‘પ્રોજેક્ટ’ ઉભો થયો. ફિલ્મમાં શાહરૂખ ત્રણચાર મિનિટ માટે સ્ક્રીન પર આવે છે પણ ખરો, પણ તોય વાત નથી જામતી તે નથી જ જામતી.
કોમ્પ્લીમેન્ટ્સની કમઠાણ
કહાણી ફૂલ વેચતી એક લાલી નામની જુવાન છોકરીની છે, જે ઝૂંપડપટ્ટીમાં મામાની સાથે રહે છે. એક દિવસ આકસ્મિક રીતે ફિલ્મસ્ટાર શાહરૂખ ખાન તેને ટ્રાફિક સિગ્નલ પાસે ભટકાઈ જાય છે. ગાડીનો કાચ નીચો કરીને, ગાલમાં ખંજન પાડતું સ્માઈલ ફેંકીને તે એટલું જ બોલે છેઃ ‘ખૂબસૂરત હૈ તૂ’. બસ, આટલું બોલીને શાહરૂખ તો રવાના થઈ જાય છે પણ આ છોકરીનું આખું જીવન પલટાઈ જાય છે. ટ્રાફિક સિગ્નલ પાસે પાઈરેટેડ પુસ્તકો વેચતા તેના પ્રેમીને લાગે છે કે શાહરૂખને કારણે છોકરી તેને ભાવ આપતી નથી. ગુસ્સામાં ને ગુસ્સામાં તે એક દિવસ છોકરીના પેટમાં છરી ભોકી દે છે. બીજાં પાત્રો ઉમેરાતા જાય છે ઝુંપડપટ્ટીમાં રહેતી બારગર્લ, મૌસી, કેરમ રમ્યા કરતો ટપોરી, ખૂંખાર ગુંડાના રોલમાં સુકલકડી મકરંદ દેશપાંડે પોતે, પોલીસ ઈન્સપેક્ટર, એક દેસી પત્રકાર, એક વિદેશી પત્રકાર વગેરે. છેલ્લે વિચિત્ર, અસ્પષ્ટ એન્ડિંગ અને વાત પૂરી.
કાચી ખીચ઼ડી
આપણે ત્યાં ફિલ્મસ્ટારો પાછળ જનતા ગાંડી ગાંડી છે. આ ફિલ્મની હિરોઈન પણ એવી જ છે. તે પોતાની ખોલીમાં ‘વીર-ઝારા’નું પોસ્ટર ચીટકાડી રાખે છે અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની તો લીટીએ લીટી ગોખીને બેઠી છે. આખી ફિલ્મમાં શાહરૂખ ખાનની રીતસર આરતી ઉતારવામાં આવી છે. એક દશ્યમાં લાલી આર્દ્ર થઈને કહે છેઃ મેરે ભગવાન હૈ વો, જીધર ભી હૈ મુઝે દેખ રહા હૈ વો…. તે આંખ મીંચીને શાહરૂખ ખાનનું સ્મરણ કરે ને તેનામાં ગજબનાક શક્તિનો સંચાર થઈ જાય છે. વજનદાર પથ્થર લઈને પોતાને મારવા આવી રહેલી બારગર્લને તે ધીબેડી નાખે છે અને પછી ચકિત થઈ ગયેલા હીરો સામે છુટ્ટો ડાયલોગ ફેંકે છેઃ હારકર જીતનેવાલો કો હી બાઝીગર કહતે હૈ… વાહ વાહ. ફ્રીઝ ફ્રેઈમ. ઈન્ટરવલ. સેકન્ડ હાફનાં કેટલાંય દશ્યો રિપીટીટીવ અને અર્થહીન છે. તમે રાહ જોતા રહો કે હમણાં ફિલ્મ જામશે, હમણાં ફિલ્મ જામશે… પણ ત્યાં સુધીમાં તો ઢંગધડા વગરની સિકવન્સ પર ધી એન્ડનું પાટિયું ઝુલવા માંડે છે.
નબળો સ્ક્રીનપ્લે અને નબળાં પાત્રાલેખન ફિલ્મના આ સૌથી મોટા માઈનસ પોઈન્ટ્સ છે. સામાન્યપણે ઝૂપડપટ્ટીનું બૅકગ્રાઉન્ડ હોય ત્યારે પાત્રોને આપોઆપ એક પ્રકારની ધાર મળી જતી હોય છે. કમનસીબે અહીં એવું બનતું નથી. સંવાદોમાં ઝમક નથી અને અમુક એક્ટરો અતિ નબળા છે. ખાસ તો આંખ પર ધસી આવતા વાળવાળો સાંઠીકડા જેવો હીરો સંજય દધીચ. આ દાઢીવાળું પાત્ર એટલું ઢીલું છે કે પેલી બારગર્લ એક સીનમાં તેને રીક્ષાની પાછલી સીટ પર ખેંચી જઈને લગભગ રેઈપ કરી નાખે છે. આવા નબળા નરને કોઈ શા માટે પરણે. લાલી બનતી પ્રીતિકા ચાવલા અને ઝઘડાખોર બારબાળાની ભુમિકામાં ચોયોતી ઘોષનાં પર્ફોર્મન્સીસ સારાં છે. ઝુપંડપટ્ટીનું ડિટેલિંગ પણ સારું થયું છે. ફિલ્મમાં એમ તો ગીતો અને નૃત્યો પણ ફિટ કરવામાં આવ્યાં છે. પણ શો ફાયદો?
મકરંદ દેશપાંડે કદાચ ‘શાહરૂખ બોલા ખૂબસૂરત હૈ તુ’ને હાર્ડહિટીંગ બૅકગ્રાઉન્ડવાળી હલકીફૂલકી રોમેન્ટિક-કોમેડી (?!) બનાવતા માગતા હશે, પણ આ ખીચડી સાવ કાચી રહી ગઈ છે ને અધૂરામાં પૂરું મીઠું પણ ઓછું પડ્યું છે. આશા રાખીએ કે મકરંદભાઉને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટારલોકો પાસે મિત્રભાવે કામ કરાવવાની આદત ન પડી ગઈ હોય. નહીં તો ભવિષ્યમાં ‘બિપાશા બોલી સેક્સી હૈ તૂ’, ‘લતા બોલી મીઠા ગાતી હૈ તૂ’, ‘ઈમરાન હાશ્મિ બોલા ક્યા ચૂમતી હૈ તૂ’ જેવાં ટાઈટલવાળી ચિત્રવિચિત્ર ફિલ્મો માટે આપણને રેડી રહેવંુ પડશે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply