મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન…
૩ રાજ્યો..!! રાહુલની જીત કરતાં વધુ મોદીની હાર…!!
5 રાજ્યોનાં પરિણામ આવ્યા અને ભારતની રાજનીતિમાં ભૂકંપ આવ્યો હતો. પરિણામ ૫ માંથી ૩ રાજ્યો કોંગ્રેસનાં પક્ષમાં આવ્યા. મોદી સમર્થક અને કોંગ્રેસી સમર્થક વચ્ચે જાણે યુદ્ધ ફાટી નીકળ્યું. ૨૦૧૯માં તો રાહુલ જ વડાપ્રધાન બનશે. કોંગ્રેસી સમર્થકોએ પહેલાં જોયેલા એ સપનામાં જાણે બુસ્ટ એન્જીન લાગી ગયું. અને મોદીનાં ‘કોંગ્રેસ મુકત ભારત’નો બોમ્બ જાણે ફૂટી પડ્યો અને એના ચીથરા ખુદ મોદી પર જ ઉડવા લાગ્યા. બારીકાઇથી જો તેનું વિશ્લેષણ કરવામાં આવે તો આ ત્રણેય રાજ્યોમાં ભાજપે ખુદ પર જ કુહાડો માર્યો હોય એવું લાગે છે..!! એટ્રોસિટી એક્ટની નારાજગીથી હજી સવર્ણો ઉભર્યા ન હતા એમાય હિંદુ મુસ્લિમ અને જાતિગત રાજનીતિએ એજ્યુકેટેડ વર્ગને વધુ નારાજ કર્યા…!! છતીસગઢમાં મોદીજી- શાહ – યોગીજીની રેલીમાં સૌથી વધુ રેલી કરી હોય તો યોગીજી એ કરી હતી. મોદીજી એ ૪, અમિત શાહ એ ૮ અને યોગીજી એ ૨૩ રેલીઓ કરી હતી અને એ જ જગ્યાએ ભાજપના જાણે સાવ સૂપડાં સાફ થઇ ગયા. યોગીજી જ્યાં જાય ત્યાં ‘નામ બદલાવાની’ અને હનુમાનજીની જાતિ વિષે ટીપ્પણી કરતાં ચુક્યા ન હતાં. એ ભાજપ માટે મોટોમાં મોટો ફટકો પડ્યો. યોગીજીની સૌથી ઓછી રેલી મધ્યપ્રદેશમાં હતી અને ત્યાં ટક્કરનો મુકાબલો રહ્યો. મતલબ એટલો સાફ છે કે મોટાભાગની પ્રજાને આવી નામ બદલાવાની અને હિંદુ મુસ્લિમની વાતોમાં રસ ઓછો રહ્યો છે…!!
મોદી સાહેબ જ્યારે ૨૦૧૪માં આવ્યા ત્યારે લોકોને લાગતું ભારતનો જાદુગર આવ્યો છે એક ચપટી વગાડશે અને બધું બદલાઈ જશે. મોદી સાહેબનો સૌથી મોટો નિર્ણય એટલે નોટબંધી. નિર્ણય ખરેખર સારો, પણ એ ઈમ્પ્લીમેન્ટ કરવામાં એટલો ગાબો થયો કે કેટલાય લોકોએ પોતાના બ્લેક પણ વાઈટ કરી લીધા…!! આજે એના ફાયદાઓ ગણાવતા ગણાવતા આંખે પાણી આવી જાય છે. મોદી સાહેબે સપનાંઓની એવી સોગાદ દેખાડી હતી કે ગંગા સાફ થઇ જશે, રામ મંદિર બની જશે, કાશ્મીર થી ૩૭૦ હટી જશે પણ આજે ૪ વર્ષ થયા. આ બહુ જ અઘરા કામ પર સાહેબ ક્યા પહોંચ્યા છે, એ બાબતે એક આખો આર્ટીકલ થઇ જાય. પણ આ કહેવાનું તાત્પર્ય એટલું જ છે, કે સાહેબે જેટલા સપનાં બતાવ્યા હતા એ અનુસાર બધું જ પામી શક્યા નથી એટલે લોકોની ધીરજ ખૂટી પડે. (ધીરજ ખૂટી પડે એમાં આજનું સોશિયલ મીડિયા બહુ ઊંડો ભાગ ભજવે એના માટે પણ આખો આર્ટીકલ લખાય) અને એ ધીરજ ખૂટી, એનું પરિણામ આ ૩ રાજ્યોનું પરિણામ. સાહેબે થોડા ઓછા સપનાં બતાવ્યા હોત તો ચાલત…!!
આજે પણ માનું છું. કોંગેસ જોડે રાહુલ ગંધી એ એવો પી.એમ ઉમેદવાર નથી, કે સાહેબ સામે ટકી શકે. પણ જે રીતે આ ચક્રવ્યુ રચાયો છે, એ રીતે રાહુલ ધીમે ધીમેં મજબુત થતો જાય છે. જોયું તમે પણ એવું જ કરો છો ને, રાહુલની નાની નાની સફળતાને ‘જોરદાર રાહુલ’ કહીને બિરદાવો છો, અને સાહેબની નાની ભૂલેને મોટી કહીને બતાવો છો. એવું કેમ અહિયા લખવાની જરૂર નથી.
કોંગ્રેસે જે મફત આપવાનો વાયદો કર્યો હતો. ખેડૂતને દેવું માફ, બેરોજગારોને ૧૦૦૦૦ ભથ્થું. એ મફત આપવાની અને ભારતની પ્રજાને મફત લેવાની આદતે કોંગ્રેસને ત્રણ રાજ્યો જીતાડવા સહભાગી બની ગઈ. માનું છું, કે ખેડૂતોની હાલત ખરાબ હશે. પણ દેવું માફ એ કાયમી સોલ્યુશન નથી. ખુશી એ વાતની છે, કે રાહુલ પણ આ વાતને સમજે છે. પણ સમસ્યા એ છે કે જેટલી પણ કોંગ્રેસની રેલીઓ જોઈ, એમાં દેવું માફી એ એમનો પ્રાથમિક મુદ્દો બનાવી દીધો છે. અને એ દેવા માફી એ ખેડૂતોને લાચાર બનાવી દીધા છે. એટલે અહિયાં લખતા મને બિલકુલ શરમ નથી આવતી કે જો ૬૦ વર્ષથી દેવું જ માફ કર કર કરો છો, તો પણ ખેડૂતોની સમસ્યાનું સોલ્યુશન કેમ નથી લાવી શક્યા…?
કારણ દેવું માફી એ ખેડૂતોની સમસ્યાનું સોલ્યુશન આજે પણ ન હતું, કે કાલે પણ નથી…!! અને જો સમસ્યાનું સોલ્યુશન નથી, તો તમે એમના મત માટે એનો ઉપયોગ કેમ કરો છો…? શરમ આવવી જોઈએ..!! ખેડૂતોની સમસ્યાનું મૂળ આજ કાલનું નથી. ઇતિહાસના પાનાઓ ફેરવો તો ખબર પડે આ પાયમાલ તો પેલા ગોરાઓ જ કરીને ગયા હતા. પછી એ ખેડૂત આજ સુધી ઉભો થઇ શક્યો નથી. ખેડૂતોની સમસ્યા માટે સાહેબ દ્વારા ચાલુ કરવામાં આવેલી અનેક યોજનાઓ ખરેખર ગજબ છે, પણ તકલીફ એ છે ઘણી ખરી કાગળ પર છે તો ઘણીખરી યોજનાઓ એ લોકો સુધી પહોંચી જ નથી. અને પૈસા કોને વાહલા ના હોય, લોન માફ થતી હોય તો બીજી ભલાકુટમાં પડે જ કોણ…? મેં એવા ચોર લોકોને પણ જોયા છે જે ટ્રેકટરનાં નામે લોન લઈને i20 (કાર) લઈને ફરતા હોય છે, અને એવા ઈમાનદાર મજુરી કરતાં ગરીબ ખેડૂતને પણ જોયો છે જેનાં છાતીના પાટિયા ભર ઉનાળે શેકાતા હોય. સાચી જરૂર તો એ છાતીના પાટીયા ભિસાય એવા ખેડૂત ને છે, જે શાહુકાર જોડેથી લોન છે. અને ત્યાં જ એ પીસાય છે..!
આ સમસ્યાનું મૂળ સોલ્યુશન ટેકનોલોજી છે. જ્યાં સુધી કોઈ ખેડૂતને ટેકનોલોજીથી વાકેફ નહિ કરીએ, ત્યાં સુધી આ સમસ્યાનું સોલ્યુશન આવે તેમ નથી…!! એ બાબતે ગુજરાત સરકારની SKY યોજના બિરદાવા જેવી છે, પણ એ જ સમસ્યાનો લોકોને ખબર જ નહિ હોય. લોકોને ખબર પાડવી હોય તો જાહેરાતો કરવી પડે, અને જાહેરાતો કરે તો સરકાર જાહેરાતો પાછળ જ કરોડો ખર્ચે છે એવું આપણે કોંગ્રેસ વખતે પણ બોલતા અને આજે પણ બોલીએ છીએ.
ઠીક… જવા દો, મૂળ મુદો તો સાહેબ હાર્યા એ છે… કેટલાય ખુશ થયા તો કેટલાય દુઃખી થયા. સરકાર બદલાવવી એ લોકશાહીની નિરંતર પ્રક્રિયા છે. વિપક્ષ લોકશાહી નો શ્વાસ છે, પણ એ જગ્યાએથી બચીને રહેજો જ્યાં તમારા અસ્તિત્વને જ ખત્મ કરવાના નિર્ણયો લેવાતા હોય. માત્ર તમારા વોટ માટે એ જગ્યા એ થી બચીને રહેજો, જ્યાં જાતિ ગત અને ધર્મગત રાજનીતિ થતી હોય. એ જગ્યાએથી બચીને રહેજો, જ્યાં મફત આપવાની લાલચો હોય. મફત તમારા અસ્તિત્વને જ ખત્મ કરી દેશે. તમને લાચાર કરી દેશે, તમને ભિખારી જેવું ફિલ કરાવશે. આજે નહિ ગમે ત્યારે એ જગ્યાએથી બચીને રહેજો, જ્યાં ભગવાની પણ જાતિ બતાવવા આવતી હોય એ જગ્યાએથી બચીને રહેજો. જ્યાં તમને કોઈ નાં ભક્ત અને કોઈનાં ગુલામ અને ચમચાં કહેવામાં આવતાં હોય. સાચું સ્વીકારી લે એટલા મજબુત બનજો અને ખોટું પારખી શકો એટલા સક્ષમ…!!
છેલ્લી વાત સાહેબનાં સમર્થકોને ઉદેશીને : રાજનીતિમાં તમે કરેલા કામ વિષે વાતો કરી હોત તો વધુ મજા આવત. નહેરુ તો આયે થે ઓર ચલે ભી ગયે. ઉન્હોને જો કિયા વો કિયા. અબ આપકી બારી..!! અટલજી કહેતા કે હું એવું કદીય નહિ કહું કે ‘મારી પાછળની સરકારે કશું નથી કર્યું’ નહી તો એ મારા દેશની જનતાનું અપમાન કહેવાય…!!”
છેલ્લી વાત રાહુલનાં સમર્થકોને ઉદેશીને : ત્રણ રાજ્યોમાં જીત એટલે ભારતમાં રાહુલની હવા એવું નથી. જો એવું જ હોત તો મિઝોરમ પણ રાહુલ ના પક્ષમાં જ જાત. એટલે રાહુલની હવા નથી. એટલે હવામાં નાં આવવું.
“યહાં હાર હે જીત હે,
યહ તો રાજનિત હે”.
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
Leave a Reply