દીકરીના જન્મને જેમ વધાવીએ છીએ એમ પુત્રવધૂ તરીકેના એના આગમનને પણ આમ સ્વીકારીએ તો ‘બેટી બચાવ, બેટી પઢાવ’ સાચા અર્થમાં સફળ થશે..
“સપ્તપદી”
આજે
હું
મારી પુત્રવધૂ તરીકે તને પોંખું છું,
ત્યારે
ચીલો ચાતરીને સાત વચનો આપું છું..
‘દીકરી વ્હાલનો દરિયો’ છે
એવું બધાં કહે છે
તો
સમયના તાપમાં
એ વ્હાલપના વારિ સુકાઈ ન જાય,
તારી અંદરનો થનગનાટ શમી ન જાય
તે જોવાનું મારું કામ.
અત્યાર સુધી
જે ઘરને મેં
‘મારુ..મારુ’ કરીને સાચવ્યું છે..સજાવ્યું છે..
તે હવેથી ‘આપણું’ સહિયારું બને
એવી ચીવટ હું ચોક્કસ રાખીશ.
તું તારા બાળપણના બધા જ સંદર્ભો છોડીને,
અમારી સાથે તાર જોડવા સહમત થઈ છો
ત્યારે
તારા મનરૂપી છોડને
તાજગી આપીને..લીલોછમ્મ રાખવાની
જવાબદારી હું હોંશે હોંશે સ્વીકારું છું.
આપણાં ઘરમાં વડીલોની આમાન્યા
કે
મર્યાદાઓની આડમાં
સૂક્ષ્મ દીવાલો ના ચણાય
એની સભાનતા તો હું રાખીશ જ..
કે જેથી,
સાસુના હક્ક
અને
પુત્રવધૂની ફરજ અંગે
ટિપ્પણી કરવાની કે સૂચનો કરવાની
આદત મને ના પડે.
સામાજિક કે કૌટુંબિક
રીત-રિવાજના ‘ઘરેણાં’
અને
કહેવાતો ‘મોભો’ કે ‘પ્રતિષ્ઠા’નો મોહ
તારી પ્રગતિને અવરોધી ના શકે
એ માટે હું સતર્ક રહીશ.
‘અમારા જમાનામાં તો આમ હતું’..
એવું કહીને તારી ‘આજ’ને ઝંખવાણી પાડવાની વૃત્તિને,
ઊગતી જ ડામી ને
તારું આકાશ અને તારી ધરતીની
ક્ષિતિજ નક્કી કરવાની તને
સ્વતંત્રતા મળે એવી તકેદારી રાખીશ.
અને… સાતમા પગલે
હું વચનબદ્ધ થાઉં છું કે..
અમારી જરૂરિયાતો કે આદતોને વશ થઈને,
તારે તારા વ્યક્તિત્વમાં
સમૂળગો બદલાવ ન લાવવો પડે,
તારી ઈચ્છાઓ
અને
તારા સ્વપ્નાંઓને સાકાર કરવા
તું તારી જાતને થોડો સમય આપી શકે
એટલો અવકાશ તો હું તને આપીશ જ.
તારી સફળતામાં સહભાગી થવા
અને
નિષ્ફળતામાં હૂંફ આપવા
બારણે લીલાં તોરણ ટાંગ્યા છે
એ સદાય લીલાંછમ્મ રહે..
એવી શુભેચ્છાઓ સાથે
ઉપર આપેલાં વચનો પાળવા બંધાઉં છું.
લક્ષ્મી ડોબરિયા.
Leave a Reply