સમય….
આ સંજોગો પણ
તારા પગલે ચાલે છે કે શું ?
કે પછી
એની પાછળ પણ તારો હાથ છે ?
જે હોય તે…
મારે તો તારો આભાર માનવો જ રહ્યો
કારણ કે
આજે આ અવળી ચાલ ચાલતા સંજોગોને
તેં ભણાવેલા પાઠ ને કારણે હું આમ પડકારી શકું છું કે…
સંજોગ.. તું અડીખમ થઈ ને ભલે ને આવે ,
મેં તો ઈરાદો રાખ્યો, ઝરણું થઈ જવાનો !
અને
આ સંજોગોની સામે સ્થિર થઈને
નમ્રતાથી એને બિરદાવી ને એમ પણ કહું છું કે..
સંજોગ, તારા હાથમાં બસ, આટલું જ છે ,
જે ભીતરે છે એને ઉજાગર કરી શકે !
આમેય… સમય,
તું હો કે હોય આ સંજોગો…
હામ રાખવા સિવાય બીજું તો હું શું કરી શકું ?
અંતે તો સૌ સારાવાના થઈ જ રહે
ને
સાર સાંપડે કે…
મારી ધીરજ સામે આ સંજોગ તો ,
પ્રશ્ન થઈ આવ્યા અને ઉત્તર થયા !
સમય…તારી ચાલ સફળ થઈ ને ?
બસ, તું આમ જ મારી સાથે રહેજે…એવી પ્રાર્થના.
——- લક્ષ્મી ડોબરિયા.
19 apr
Leave a Reply