સમય…
તું કોઈ પણ રૂપે સામે આવે
પણ
તારો ઉદ્દેશ હંમેશાં મારામાં કશુંક ઉમેરવાનો હોય છે.
ને એટલે જ
જ્યારે તું પ્રશ્ન થઈને આવે છે
ત્યારે…
હું તને આમ આવકારું છું કે –
ભીતરેથી રોજ માંજે છે મને
પ્રશ્ન જાણે ઝળહળાવે છે મને
ને તને આમ મૂલવું કે –
હું એટલે પૂછ્યા કરું ખુદ્દને સતત
પ્રશ્નો કદીક્ રસ્તા બતાવે છે મને
જોયું ને ? મારી સમજણની ક્ષિતિજ આમ જ વિસ્તરે છે
ને…એને કારણે
પ્રશ્નો વિશે ફરિયાદ કરવા કરતા
પ્રશ્નો પણ ઉપકારક હોઈ શકે
એ તથ્ય તારવી ને એમ કહી શકું છું કે –
પ્રશ્નને ક્યારેય અવગણતી નથી
એટલે આ જિંદગી કસદાર છે !
ને સમય…
અજવાળું એટલે ?
આનો ઉત્તર આવો ન હોઈ શકે ? કે –
જાગી જવા શું સૂર્યનું ઊગવું જરૂરી છે ?
પ્રશ્નો વડે ઉજાસ થઈ જાય..શક્ય છે !
તો વળી, ક્યારેક એવું પણ બને કે –
ઉત્તરથી થઈ જાય છે અજવાસ સવાયો
જ્યાં પ્રશ્ન રૂપે હોય છે અંધાર નિરાળો !
આમ આ પ્રશ્નોના કારણે જ
મારી સંવેદનાનો પ્રવાહ શાંત અને સ્થિર રહે છે
ને, અંતે સાર સાંપડે છે કે –
ઉત્તર સૌ સામે કાંઠે છે
આ પ્રશ્નો પાર ઉતારે છે !!
બસ, આજે આટલું જ…
——— લક્ષ્મી ડોબરિયા.
5 jan
Leave a Reply