જૂઈમેળો જૂનાગઢ કાર્યશાળા-૨ અંતર્ગત અવતરેલું ગીત.
સદીઓથી ઊભો અડીખમ એ ગિરનારી વારસાનો છાનો ઈશારો સમજ…
તારે સુણવાની આટલી અરજ.
એવું નથી કે તારે વરણાગી ઓરતાનો છોડી દેવાનો છે દેશ
ગમતીલું થાય કે થાય અણધાર્યું તારે ભજવી લેવાના બધા વેશ
ખળખળતા જળ જેવી જાત હો બળૂકી પછી કોઈની શું રાખવી ગરજ…
તારે સુણવાની આટલી અરજ.
સાથ ને સંગાથના આચ્છેરા રંગથી પાડવાની ઘાટ્ટીલી ભાત
અણદેખી વાટના વણાંકને વળોટવા કરવાની જાત સાથે વાત
ટાંકણું, સરાણ નથી નોખાં-નવેલાં છતાં જગ તારું નોખું સરજ.
તારે સુણવાની આટલી અરજ.
કાળમીંઢ પાણાં વચ્ચાળે જોઈ કૂંપળને હૈયું સાબૂત કરી લેવું
વિચારોની વાવનું તળિયું તાગી લે, એવું મનને મનમાં જ કહી દેવું.
ગરવી ગરવાઈના ઓઠાં ઉકેલી અને ચૂકવી દે કાલનું કરજ..
તારે સુણવાની આટલી અરજ.
લક્ષ્મી ડોબરિયા
29 aprl
Leave a Reply