આપણા ઘનશ્યામ દેસાઈ વાર્તાઓ કેવી રીતે લખતા ?
ઘનશ્યામ દેસાઈ વિશે આ બીજી વખત લખવાનું થાય છે. આ પહેલા તેમની કાગડો વાર્તા વિશે લખ્યું હતું. કાગડો વિશે વિવેચકોમાં પણ કાગારોડ અનલિમિટેડ થયું છે. ખાસ તો રાધેશ્યામ શર્માએ ટોળું વાર્તાને એક જ વાર્તાસંગ્રહ માટે વિવેચકો ટોળું વળી જાય તેવી વિરલ ઘટના કહી હતી. ગુજરાતી સાહિત્યમાં ફાની તુફાનની માફક છવાય જનારા ઘનશ્યામ દેસાઈ જેવા લેખક આપણી ભાષાને સાંપડે તે જ મોટી વાત છે.
ઘનશ્યામ દેસાઈનું નામ સામે આવે એટલે ત્રણ વાર્તાઓ મનમાં આંટાફેરા કરવા માંડે. પહેલી કાગડો, ટોળું અને બાદમાં ગોકળજીનો વેલો. આધુનિકતાના જે નવા ઉન્મેષો પ્રગટ્યા તેમાં તો ઘનશ્યામ દેસાઈ હતા જ, પણ ઘનશ્યામ દેસાઈએ બીજા વાર્તાકારો કરતાં અલગ કરવાની ઠાની હતી. ગુજરાતી સાહિત્યમાં તેમણે એક સાથે ઘણું બધું લખીને વાચકોનાં મગજમાં ઢગલો નથી કરી દીધો, પણ ઓછું લખીને પણ ચિરંજીવી સાહિત્યકાર બની શકાય તે દેસાઈ સાહેબે સાબિત કરી બતાવ્યું છે. એમણે ધીમે ધીમે લખ્યું છે અને જેટલું લખ્યું તે ટાઈમલેસ લખ્યું છે.
વાર્તા લખવાની કળા તેમણે દેશ અને વિદેશની વાર્તાઓનો અભ્યાસ કરી જળમૂળથી આત્મસાત કરી હતી. વાર્તા બેસો અને લખાઈ જાય તેવું નથી હોતું. અને એવું હોય તો એ મિથનો ઘનશ્યામ દેસાઈએ પોતાના ઈન્ટરવ્યૂમાં ભૂક્કો બોલાવ્યો છે.
લેખક જે નજરથી ભાવકને બતાવવાની કોશિષ કરે અને ભાવક પણ માની જાય કે નહીં આ ઘટના બરાબર હતી, તો લેખક સફળ થયા ગણાય. ફેન્ટસી અને કપોળકલ્પિત વાર્તાઓ પર કલમ ચલાવનારા ઘનશ્યામ દેસાઈ આપણી ભાષાના ગ્રેબ્રિયલ ગ્રેર્સિયા માર્કેવેઝ કે કાફ્કા ગણવા રહ્યા. ઘનશ્યામ દેસાઈ લેખક બાદમાં હતા પહેલા તેઓ અઠંગ અભ્યાસુ હતા. એક એક વાર્તાને તેમણે રસથી દસથી વધારે વખત વાંચી છે. કહી શકાય કે વાર્તાઓને તેઓ પાણીની માફક પી ગયા હતા.
હમણાં હમણાં કોર્સવર્ડ જવાનું થયું. ક્રોસવર્ડમાં મુખ્યત્વે એવા લેખકોનાં પુસ્તકો હોય છે જેમણે લોકપ્રિય સાહિત્યની રચના કરી હોય. ગુજરાતી સાહિત્ય સાથે ક્રોસવર્ડને નાવા નીચોવાનો પણ સંબંધ નથી. ખાસ ઈસ્કોન પાસેના ક્રોસવર્ડને. છેલ્લા કેટલાય સમયથી ત્યાં મેઘાણી, ધૂમકેતુ અને મુન્શીના પુસ્તકો છે. સારી માવજતના કારણે ધૂળ નથી ચડ્યા, પણ સ્થિતિ તેમની સ્થિતપ્રજ્ઞ રહી છે.
એક પછી એક બાકડો ઘુમતા અચાનક મારી નજર એક પુસ્તક પર ઠરી. કાળા કલરનું એક નવું પુસ્તક આવ્યું હતું. તેના મુખપૃષ્ઠ પર એક બિલાડી હતી. એક કે બે ? તે પણ ઘનશ્યામ દેસાઈની કપોળકલ્પિત વાર્તાઓની માફક મારા માટે રહસ્ય હતું. પુસ્તકનું નામ વાતમેળો.
વાતમેળોમાં ઘનશ્યામ દેસાઈએ લખેલી સમગ્ર વાર્તાઓનું ચયન કરવામાં આવ્યું છે. પણ વાર્તાઓ સિવાય તેમાં ઘનશ્યામ દેસાઈનો નજીકથી પરિચય થાય આ માટે ઈન્ટરવ્યૂ પણ છે. આ ઈન્ટરવ્યૂ નીતા રામૈયા, હિના શાહ અને કિરીટ દૂધાતે 2004-2006ની વચ્ચે લીધેલા છે. પણ અહીં તેમના ઈન્ટરવ્યૂની વાત નહીં કરીએ, કારણ કે તો તમે બોર થઈ જશો. એટલે લીધેલા ઈન્ટરવ્યૂને આપણે આપણી ભાષામાં ઢાળીને તેઓ કેવી રીતે લખતા તે અંગે વાતમેળો યોજીએ.
->સાહિત્ય સાથે કેવી રીતે જોડાયા ?
મણિબહેન નામના એમના એક માસી હતા. એ માસીને ત્યાં જબ્બર લાઈબ્રેરી હતી. જેમાં રમણલાલ વસંતલાલ દેસાઈ, મુન્શી, ધુમકેતુ, ગિજુભાઈ બધેકાનું બાળ સાહિત્ય જેવા પુસ્તકો હતા. દેસાઈ સાહેબે તેને મનભરીને માણ્યા. લાગી ગયો ગુજરાતી સાહિત્ય સાથે નાતો અને ભવિષ્યમાં એ જ વિષય સાથે એમ.એ પણ થયા.
->વાર્તાનો ઢાંચો અને ગૂંથણી
ઘનશ્યામ દેસાઈ પહેલા વાર્તાનો ઢાંચો તૈયાર કરતાં હતા. વાર્તાનો ઢાંચો તૈયાર થયા બાદ તેની અંદરની ગૂંથણી કરતા હતા. કોઈવાર એવું થયું છે કે ઢાંચો તૈયાર થઈ ગયો હોય પણ અંદરની માવજત બરાબર ન થઈ હોય. આવા સમયે એ વાર્તાઓ લખ્યા બાદ પણ પસ્તીની બાજુમાં રાખી દેતા હતા. અને તેમની આવી વાર્તાઓનો આંકડો પણ મોટો છે. કાગડો વાર્તા આ રીતે જ આવેલી. પહેલા મગજમાં સ્પાર્ક આવ્યો એટલે ફટ દેખાની ચાર લાઈન લખી નાખી. પછી ધીમે ધીમે કાગડાને ચિતરતા ગયા. ઘનશ્યામ દેસાઈનું સ્પષ્ટ રીતે માનવું છે કે, વાર્તાનો પહેલા ઢાંચો તૈયાર કરો અને બાદમાં વિચારી વિચારી તેની અંદરનું કામ કરો. ભલે વાર લાગે.
->એક સરખી શૈલી કે ભાષા નહીં
ઘનશ્યામ દેસાઈની કોઈ પણ બે વાર્તાની શૈલી કે તેની ભાષા એક સરખી ન હતી, પહેલી વાર્તા લખતા તો તેનાથી વિરૂદ્ધ બીજી વાર્તા લખતા. તેમનું માનવું હતું કે બે વાર્તાઓ એક સરખી ન હોવી જોઈએ. ઉપરથી ધ્યાન રાખતા હતા કે વાર્તામાં આવતા શબ્દો અગાઉ કોઈ બીજા લેખકની વાર્તામાં તો ઉપયોગમાં નથી લેવાયાને. એમાંય કાગડો અને ટોળું લખતા તો લેખકના નવ નેજા નિકળી ગયેલા તેવું લેખકે ખૂદ સ્વીકાર્યું છે. ખાસ તેઓ ટકોર કરે છે કે, વાર્તામાં ગતિનું મહત્વ છે. આગવી ભાષાશૈલી અને શબ્દોના સંયોગથી તે ગતિ મેળવી શકાય. વાર્તામાં જેટલી ગતિ હશે વાંચકની વાર્તા વાંચવા માટેની અધિરાઈ પણ તેટલી જ વધી જશે.
->ગામઠી ભાષા કેમ ?
ઈન્ટરવ્યૂમાં તેમને વાર્તામાં ગામઠી ભાષાને લઈ પ્રશ્ન પૂછાયો છે. જેમાં ઘનશ્યામ દેસાઈએ કહ્યું કે, જીવનના શરૂઆતી 17 વર્ષ તેમણે ગામડાંમાં વિતાવ્યા ઉપરથી વાર્તાની ભાષા અને શૈલી તેમના બા પાસેથી વારસામાં મળી. એટલે ક્યાંકને ક્યાંક તેમની બા, ભાષા દ્રારા તેમની વાર્તાઓમાં ટકોર કર્યા કરતા હતા.
->કેટલું વાંચતા ?
ઘનશ્યામ દેસાઈ ભરપૂર વાંચતા. ખાસ તો સુરેશ જોષીની વાર્તાઓ વાંચી તેઓ વાર્તા લખવા પ્રેરાયા હતા. એક વખત વાર્તા વાંચે અને સંતોષ ન થાય તો ફરી ફરી વાર્તા વાંચે. ગમતી વાર્તાને દસથી પંદર વખત વાંચી હોવાનું લેખક સ્વીકારે છે. જેથી વાર્તા લખનારા લેખકના મનોજગતમાં વાર્તાએ કેવી રીતે આકાર લીધો તેનો ક્યાસ કાઢી શકાય. દેશ અને પરદેશની વાર્તાઓ વાંચી તેમને ખ્યાલ આવ્યો કે માત્ર કોઈ ઘટના આકાર લે કે કોઈ વસ્તુ બને તેની ઉપરથી વાર્તા કોઈના માથામાં ન ઝીંકી શકાય. ખાલી વાચકને ગલગલીયા કરાવવા પણ ન લખી શકાય. તેની પૃષ્ઠભૂમિમાં ક્યાંક સમસ્યાનો નિચોડ પણ હોવો જોઈએ. આમ વાંચન દ્રારા તેમની અંદર વાર્તા લખવાનં ઘડતર થયું. તેમના અંગત પુસ્તકાલયની વાત કરીએ તો 2000 પુસ્તકો તેમની પાસે હતા. જેમાં ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી.
->ક્યા વિદેશી લેખકો પસંદ હતા ?
સાર્ત્ર, કામૂ, કાફ્કા, હેમિંગ્વે, આલ્બર્ટો, મોરાવિયો જેવા લેખકો તેમને અતિપ્રિય હતા. પણ આ તમામમાં દોસ્તોયેવેસ્કી તેમને અતિપ્રિય હતા. તેમને જેટલી વખત વાંચતા તેટલી વખત નવીન લાગતું હતું. ચેખોવની વાર્તાઓ ખૂબ ગમતી હતી. આર્થર મિલરના નાટકો પણ રસથી વાંચતા હતા. ઘનશ્યામ દેસાઈને એ સમયે પ્રશ્ન થતો હતો કે, આ બધા કેમ જૂના થતા નથી ?
->રિ-રાઈટિંગ
ઘનશ્યામ દેસાઈએ કાગડો વાર્તા 6 વખત લખી હતી. તેઓ વારંવાર રિ-રાઈટ કરતા હતા. કોઈ પણ વાર્તાને રિ-રાઈટ કરવામાં આવે તો તેનો ઘાટ ઘડાય તેવું ઘનશ્યામભાઈનું માનવું હતું. કોઈ પણ વાર્તા વિશે ભૂતની માફક ઘનશ્યામ દેસાઈના મગજમાં વિચાર ચાલુ જ હોય. તેમણે કહ્યું છે કે, એક વખત સત્તત પચ્ચીસ દિવસ સુધી મને બાળ વાર્તાઓનું નવું વિષયવસ્તુ મળ્યા કર્યું અને મેં લખ્યા કર્યું. પરિણામે પંદર વાર્તાઓ લખાઈ ગઈ. આ લખાઈ ગઈ છતાં તેમણે છાપવામાં કોઈ ઉતાવળ ન કરી તેઓ લખાયેલી જૂની વાર્તાઓનું પણ પુન: લેખન કરી ફરી એ વાર્તા અને એ પાત્રોની ધાર કાઢવામાં મથ્યા કરતા હતા.
->વાર્તા લખ્યા પછી
એ તો અગાઉ જાણ્યું કે, વાર્તા લખ્યા પછી ઘનશ્યામ દેસાઈ એ વાર્તાને 6 વખત વાંચતા હતા. પણ તેઓ એ પણ માનતા કે લખ્યા બાદ અંદરનો વાંચક જાગૃત થઈ વાર્તાને સરખી રીતે વાંચે તો જ સર્જક ઢમઢોળાય.
->પ્રિય લેખક પાસેથી શું શીખ્યા ?
સુરેશ જોષી તેમના પ્રિય લેખક હતા. તેમની કૃતિઓ અને વાર્તાઓ વાંચી વાંચીને જ તેમને વાર્તાઓ લખવાનું મન થયું. સુરેશ જોષી કહેતા હતા કે, કોઈનું અનુકરણ ન કરવું. આમ છતાં કેટલાક લેખકોએ તેમનું અનુકરણ કર્યું તેવું ઘનશ્યામ ભાઈ કહે છે. ઘનશ્યામ ભાઈએ વિચાર્યું કે જો સુરેશ જોષી એમ કહેતા હોય કે કોઈનું અનુકરણ ન કરવું તો મારે તેમનું પણ નથી કરવું. એક વખત તેમણે એક વાર્તા લખી હતી. વાર્તા વાંચ્યા બાદ કોઈએ કહ્યું કે આ વાર્તાનું વિષયવસ્તુ તો ફલાણી વાર્તા સાથે મેચ થાય છે. ઘનશ્યામ દેસાઈએ તુરંત એ વાર્તા ફાડી નાખી. તેમનું માનવું હતું કે એક પણ વસ્તુ એવી ન હોવી જોઈએ જે બીજાએ લખેલી હોય, અરે… પોતાએ લખેલી હોય તેનું પણ અનુકરણ ન કરવું જોઈએ.
મયૂર ખાવડુ
Leave a Reply