ને આ અઠવાડિયામાં ઘણું બધું બન્યું બોસ…
-> IT Chapter-2 કેવી છે ?
મલ્ટી કેમેરાનો ઉપયોગ કરી શૂટ થયેલી અને 4 જાન્યુઆરી 1998ના રોજ પહેલીવાર Zee Tv પર વો નામની એક સિરીયલ પ્રસારિત થઈ હતી. આ સિરીયલમાં ફિલ્મમાંથી ફેંકાય ગયેલા કલાકારોનો શંભૂમેળો હતો. આશુતોષ ગોવારિકર, મામિક સિંઘ (વિક્રાલ) અને ઘણા બધા. એ સિરીયલ જોઈ લોકો ડરી ગયા હતા. પણ એ સિરીયલ મૂળ 1990માં આવેલી અને સ્ટીફન કિંગની બેસ્ટ સેલર નોવેલ પર આધારિત IT પરથી બની હતી. 1990ની સિરીયલ લોકપ્રિય થઈ હતી. આજે એ સિરીયલ ફિલ્મ સ્વરૂપે 3 કલાકના ડ્યૂરેશનમાં આખેઆખી ઓનલાઈન મળી જશે.
2017માં IT ચેપ્ટર 1 આવ્યું તેની તુલનાએ IT ચેપ્ટર 2 ખૂબ લાંબી છે. મેકર્સે પહેલા જ ખુલાસો કર્યો હતો કે ફિલ્મ 2 કલાક 47 મિનિટની બનશે. એમાં પાછી ત્રણ મિનિટ ઉમેરી દેવાની છે. ફિલ્મમાંથી બાળકોના પોર્શનની બાદબાકી કરી નાખવામાં આવે તો કશું બચતું નથી. ચેપ્ટર 1ની માફક ફિલ્મ વધારે ડરાવતી પણ નથી. કેટલાક સીનની બાદબાકી કરો તો સુપરનેચરલ હોરરનું કોમેડીમાં રૂપાંતરણ થઈ ગયું છે. હિન્દીમાં જોશો તો અચૂક એવું લાગશે.
પેનિવાઈસ ક્લાઉન ભયંકર દેખાય છે, પણ તેમાં કોઈ ગોડઝિલા જેવી ઝલક જોવા મળે છે. જેણે ચેપ્ટર-1ની સીડી બેથી ત્રણ વખત ઘસી નાખી હશે તેમના માટે આ ફિલ્મમાં કંઈ કાઢી લીધા જેવું નથી. કારણ કે જો તમે ચેપ્ટર-1થી ડર્યા નથી કે ડરી લીધું છે તો ચેપ્ટર-2માં વધારે ડરવાનું નહીં આવે.
ભૂતની ફિલ્મોમાં એક્ટિંગ નથી કરવાન હોતી. હા, તમારો ડાયરેક્ટર આલ્ફ્રેડ હિચકોક છે તો તમારે એક્ટિંગ કરવી પડશે. હોરર ફિલ્મોમાં બે પ્રકારના અભિનય થાય છે. એક વધારે પડતું ડરવું અને બાદમાં વધારે પડતી હિંમત દાખવવી. આ બે ટોનિક કોઈના શરીરમાં ભરેલા હોય તો કોઈ પણ વ્યક્તિ હોરર જોનરમાં અભિનય કરવાને લાયક બની જાય છે. ચેપ્ટર-2માં તેનું સંતુલન જોવા મળે છે.
1990ની સિરીઝથી આ ફિલ્મ એટલે અલગ પડે છે કે, તેમાં ITની વ્યુત્પતિ દર્શાવી નહોતી. 2019માં વ્યુત્પતિ ન બરાબર દર્શાવી હોવાથી મૂળ જાણવા માટે તમારે નોવેલનો સહારો લેવો પડશે. આદિવાસીનો કોન્સેપ્ટ લઈ આવી ડાયરેક્ટર Andrés Muschietti પોતાના પગ પર જ કુહાડો મારી દીધો છે. જે વસ્તુને દર્શાવવા માટે વધારે અડધો કલાક જોઈએ તેને તેણે 15 મિનિટનાં ડ્યૂરેશનમાં જેમ તેમ પતાવવાની કોશિષ કરી છે.
પોપ્યુલર હોય એટલે કેમિયો ફરજીયાત કરાવવો એ જરૂર નથી. સ્ટીફન કિંગનો કેમિયો છે સરસ પણ તે ફિલ્મની લંબાઈમાં વધારો કરશે અને નોવેલના અંત પર મજાક ઉડાવશે. કિંગનો ફિલ્મી ડાઈલોગ અંતે કેટલીક ઓડિયન્સ માટે સાચો પણ પડી ગયો છે. સ્ટીફન કિંગના ફેન માટે અને વન ટાઈમ વોચેબલ.
-> સાઉથ આફ્રિકાનો કોચ
વિશ્વકપમાં સાઉથ આફ્રિકાના થયેલા ધબડકા બાદ નવો કોચ મળી ગયો છે. પણ કોચના નામ કરતાં તેની બાયોગ્રાફી જાણવા જેવી છે. સચિનની માફક તે પણ રમાકાંત સરનો વિદ્યાર્થી હતો. યાદ છે સચિન અને વિનોદ કાંબલીએ 1988માં ક્રિકેટ ઈતિહાસની એક લાંબી ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં બંન્નેમાંથી એક પણ બેટ્સમેન આઉટ નહોતો થયો. એ ઈનિંગ જ્યારે રમાતી હતી ત્યારે એક છોકરો વન ડાઊનમાં પોતાની બેટીંગની રાહ જોતો હતો. તેને શું ખબર હતી કે મારે બસ પેડ બાંધીને રાહ જ જોવાની છે. તેનું ઉપનામ ઈન્તેઝાર રાખી દેવામાં આવ્યું હોત તો પણ મોટી (ખોટી) વાત નહોતી. બાદમાં સચિન અને કાંબલી ટીમમાં આવી ગયા હતા. પણ આ છોકરો કોઈ દિવસ આવી ન શક્યો. તેનું અંડર-19માં સિલેક્શન થયું. અને તેણે પહેલી જ મેચમાં સેન્ચુરી ફટકારી દીધી. પછી જે જે જગ્યાએ તેનું સિલેક્શન થતું તે સેન્ચુરી ફટકારી જ દેતો હતો. પણ વાંધો તેને એક જ જગ્યાએ આવતો. જ્યારે ત્રણ લોકો ટીમમાં હોય ત્યારે તેની પ્રતિભા ઝાંખી પડી જતી હતી. નિરંતર પરિશ્રમનો પાયો બાંધ્યા બાદ પણ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહોતું મળી રહ્યું. થયું એવું કે અત્યારના ટીમ ઈન્ડિયાના કોચ જે વર્ષે 10 કરોડ રૂપિયા કોચિંગની ફી લે છે તેવા રવિ શાશ્ત્રી અને નવજોત સિંહ સિદ્ધુ નિવૃતિ લેવાના હતા. વેકેન્સી ખાલી થઈ. થતું હતું કે હવે તો વારો આવી જશે. પણ ત્રણ લોકોના સિલેક્શન થયા. સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ. આ છોકરો રહી ગયો. તેને વસવસો હતો, જે આજીવન રહેવાનો હતો, કારણ કે ઉપર જે ત્રણ નામ લીધા તે ટીમમાંથી કોઈ દિવસ ખસવાના નહોતા. બાદમાં ઘણા લોકોને ટીમમાં જગ્યા મળી પણ આ છોકરાને ન મળી. ફસ્ટ ક્લાસમાં તેણે 31,000 રન કર્યા જે રેકોર્ડ હમણાં છેક વસીમ ઝાફરે તોડ્યો. આજે તે સાઉથ આફ્રિકાનો બેટીંગ કોચ બન્યો છે. જેનું નામ છે અમોલ મુજુમદાર.
-> છૂટાછેડા
લગ્ન સંબંધમાં વિક્ષેપ આવે તો કોઈ વાર તે છૂટાછેડા સુધી ચ્યુંગમની જેમ લંબાય જતા હોય છે. મનુષ્યમાં છૂટાછેડા શક્ય છે પણ કોઈ દિવસ દેડકામાં થાય તે જોયું ? વાત છે પહેલા શિવરાજ મામા અને બાદમાં કમલનાથના થયેલા મધ્ય પ્રદેશની. અહીંની રાજધાની ભોપાલમાં કેટલાક લોકોએ ઓછા વરસાદનો તોડ કાઢવા માટે દેડકા-દેડકીના લગ્ન કરાવ્યા હતા. ગુજરાતમાં જેમ ટીટોળી છે તેમ મધ્ય પ્રદેશમાં દેડકો હોવો જોઈએ ! દેડકા-દેડકીના વિવાહ મધ્યપ્રદેશ પર ફળ્યા પણ ખરાં. શાશ્ત્રોક્ત વિધિથી કરાવવામાં આવેલા આ લગ્નનું શું પરિણામ આવ્યું તે તમારો કોઈ સગો મધ્યપ્રદેશમાં રહેતો હોય તો પૂછી લેવું. ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. હવે આટલો બધો વરસાદ પડ્યો તો મેઘરાજાને ખમૈયા કરવાનો આઈડિયા પણ આ લોકોએ શોધી કાઢ્યો. તેમણે દેડકા-દેડકીના છૂટાછેડા કરાવ્યા. જેથી ભારે પડી રહેલો વરસાદ ઓછો થાય. તેમણે જેવા છૂટાછેડા કરાવ્યા કે હવામાન વિભાગે આજે 35 જિલ્લામાં ભારે વરસાદની નવી આગાહી કરી દીધી છે.
-> સતીષ કૌશિકનો બાલા પ્રેમ
બાલાનો એક મિત્ર હતો. એક છોકરીને અહર્નિષ પ્રેમ કરતો હતો, પણ પ્રેમનો અંત એવો આવ્યો કે મિત્ર સીધો પાગલખાને પહોંચી ગયો. બાલાને લાગ્યું કે મિત્રની આ દારૂણ હાલત પર એક ફિલ્મ બની શકે. જેમ તેમ કરી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. હિરો તરીકે એક સ્ટ્રગલ એક્ટરને લીધો. એ એક્ટર છેલ્લા 10 વર્ષથી તમિલ સિનેમામાં સંઘર્ષ કરી રહ્યો હતો. પહેલી ફિલ્મ બનાવવા માટે બાલાએ તમામ વસ્તુઓ ખર્ચી નાંખી ઉપરથી પેલા એક્ટરે ન માત્ર રૂપિયા આપ્યા પણ તેની પત્નીએ પણ ઘરેણા વેચી દીધા. ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ. પણ ફિલ્મને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે કોઈ તૈયાર નહોતું. તેની પાછળનું કારણ ફિલ્મનો અંત હતો. આટલો દુખદ અંત એક્શન ફિલ્મો જોવા માટે ટેવાયેલી સાઉથની ઓડિયન્સને કેવી રીતે પસંદ આવી શકે ? 65 ડિસ્ટ્રીબ્યુટરોને ફિલ્મ દેખાડ્યા બાદ ફિલ્મના હાલહવાલા કંઈક એવા થયા કે ચૈન્નઈના એક માત્ર થીએટરમાં રાતના શોમાં ફિલ્મ લાગી ગઈ. એ પણ માંડ માંડ કરીને !! થોડા લોકો જોવા માટે આવ્યા. પણ એ લોકોએ (ખબર નહીં કોણ ?) ફિલ્મ વિશે એટલી ચર્ચા કરી કે થીએટરના માલિકે બાદમાં ફિલ્મને થીએટરમાંથી હટાવી જ નહીં. એક શો તો એક શો એમ ચાલું રાખ્યું. ધીરે ધીરે વર્તમાન સમયમાં કબીર સિંહની હાઈપ હતી તેનાથી ડબલ હાઈપ તમિલનાડુમાં આ ફિલ્મની ઉભી થઈ ગઈ. ફિલ્મ કમાઉ દિકરો છે આમ માની બીજા થીએટરોમાં પણ લાગી ગઈ. 100થી વધારે દિવસ સુધી ચાલી. ફિલ્મને નેશનલ એર્વોડ મળ્યો અને બીજા એર્વોડોના ઢગલા થયા તે તો નોખા. આ ફિલ્મ હતી સેતુ. જેના પરથી હિન્દીમાં સતીષ કૌશિકે તેરે નામ બનાવી હતી. હિરો હતો વિક્રમ અને હવે વિક્રમ, બાલા અને સૂર્યાની જ એક ફિલ્મ પરથી સતીષ કૌશિક ફરી સાઉથવાળી કરવાના છે.
ईत्तो બડો न्यूजમાંથી (તારીખ-12-9-2019)
મયૂર ખાવડુ
Leave a Reply