ભાગ્ય રેખા
કનાટ સરકસની બાજુમાં જ્યાં નવી દિલ્લીના બધા રસ્તાઓ ભેગા થાય છે. જ્યાં સાંજે રસિકજનો અને બપોરે બેરોજગારો આવીને મહેફીલ જમાવે છે. ત્રણ માણસો અહર્નિષ તાપથી બચવા માટે છાયામાં બેઠા હતા. બીડીઓ સળગાવીને વાતો કરી રહ્યાં હતા. અને તેમનાથી થોડે જ દૂર, ડાબી બાજુ એક માણસ ખાખી રંગના કપડાં પહેરી, પગને આંટીઓ ચડાવી ઘાસ પર ઘોરાળતો એકધારો ઉધરસ ખાતો હતો.
પહેલીવાર જ્યારે તેને ઉધરસ આવી તો મને ખરાબ લાગ્યું. ચાલીસ-પિસ્તાલીસ વર્ષનો કદરૂપો માણસ, નાના-નાના સફેદ વાળ, કાળોમેશ ચહેરો, લાંબા લાંબા દાંત અને ખભા આગળની તરફ નમેલા, ઉધરસ ખાતો જાય અને નજીકમાં જ આવેલ ઘાસમાં થૂંકતો જાય. મારાથી તો ન રહેવાયું. મેં કહ્યું, ‘‘સાંભળ્યું છે, વિદેશમાં સરકારે તમામ જગ્યાએ થૂંકદાની રાખી છે. જેથી લોકોને ઘાસ અને ફૂલઝાડ પર થૂંકવું ન પડે.’’
તેણે મારી તરફ નજર ફેંકી, થોડીવાર માટે તાકતો રહ્યો, પછી બોલ્યો,‘‘તો સાહેબ, ત્યાં લોકોને એવી ઉધરસ પણ નહીં આવતી હોય.’’ ફરી જોરથી ઉધરસ લીધી અને સ્મિત લાવતા બોલ્યો, ‘‘બોવ હરામખોર બીમારી છે. માણસ ઘુંટાયા કરે છે મરતો નથી.’’
મેં વાતને સાંભળી ન સાંભળી કરીને ખિસ્સામાંથી છાપુ કાઢ્યું અને નજર ફેરવવા લાગ્યો. પણ થોડીવાર પછી મેં તેને ત્રાંસી નજરે જોયો, તો એ મને એકધારો હસતો હસતો જોતો હતો. મેં છાપુ રાખી દીધું, ‘‘ધંધો શું કરે છો?’’
‘‘ધંધો કરતો’તો ને ત્યારે ઉધરસ પણ હેરાન નહોતી કરતી.’’
‘‘શું કરતો હતો ?’’
એ માણસે પોતાના બંન્ને હાથની હથેળીઓ મારી સામે ખોલીને રાખી દીધી. મેં જોયું તેના ડાબા હાથની વચ્ચેની ત્રણ આંગળીઓ કપાયેલી હતી. એ બોલ્યો,‘‘મશીનથી કપાઈ ગઈ. હવે હું નવી આંગળીઓ ક્યાંથી લાવું ? જ્યાં જાવ, શેઠ પૂરેપૂરી દસ આંગળીઓ માગે છે.’’ કહીને હસવા માંડ્યો.
‘‘પહેલા ક્યાં કામ કરતો હતો ?’’
‘‘કાલકા વર્કશોપમાં.’’
અમે બંન્ને શાંત થઈ ગયા. તેની રામવાર્તા સાંભળવાની મારા હૈયાને ઈચ્છા નહોતી. ઘણી રામવાર્તાઓ સાંભળી હતી. થોડીવાર સુધી તે મને જોતો રહ્યો, પછી છાતી પર હાથ રાખી ઉંઘી ગયો. હું પણ આડો પડીને છાપામાં પરોવાયો. પણ થાકેલો હતો એટલે નિંદ્રાદેવીએ આંખ પર કબ્જો જમાવ્યો.
મારી ઉંઘ ઉડી તો મારી નજીક જ મંદ મંદ સ્વરે વાતો ચાલી રહી હતી,‘‘અહીંયા પણ ત્રિકોણ બને છે. જ્યાં આયુષ્યની રેખા અને હ્રદય રેખા ભેગી થાય છે. જોયું ? તને ક્યાંકથી પૈસા મળવાના છે.’’
મેં આંખો ખોલી. એ જ દમનો રોગી ઘાસ પર બેઠો હતો. કપાયેલી આંગળીઓવાળી હથેળી લઈને જ્યોતિષીની સન્મુખ બેસી પોતાનું નસીબ પૂછી રહ્યો હતો.
‘‘ઉલ્ટી-સીધી વાત ન કરો, જે હાથમાં લખ્યું છે એ જ વાંચો.’’
‘‘અહીંયા અંગૂઠાની નીચે પણ ત્રિકોણ બને છે. તારૂં માથુ પણ ચોખ્ખુ છે, રૂપિયા ચોક્કસ મળશે.’’
‘‘ક્યારે?’’
‘‘જલ્દી જ.’’
જોત જોતામાં જ તેણે જ્યોતિષીના ગાલ પર જોરથી થપ્પડ ઝીંકી દીધી. જ્યોતિષી તો ફફડી ઉઠ્યો.
‘‘ક્યારે પૈસા મળશે ? પૈસા મળશે ! ત્રણ વર્ષથી ભાઈના રોટલા તોડીને ખાવ છું. કહે છે, રૂપિયા મળશે !’’
જ્યોતિષી તો પોતાનો બોરીયો-બિસ્રો બાંધીને ભાગવા લાગ્યો, પણ યજમાને બાવડુ પકડી બેસાડી દીધો,‘‘ગળચટ્ટી વાતો તો બતાવી દીધી, હવે જે લખ્યું છે, એ બતાવ, હું કંઈ નહીં કરૂં’’
જ્યોતિષી કોઈ વીસ-બાવીસ વર્ષનો યુવાન હતો. કાળો રંગ, સફેદ કૂર્તો અને પાયજામો… જે અગણિત જગ્યાએથી ઢેભા લીધેલો હતો. વાતચીતથી તો બંગાળી લાગતો હતો. પહેલા તો ડઘાઈ ગયો પછી યજમાન શ્રીનો હાથ લઈ રેખાઓની મૂકભાષા વાંચતો રહ્યો. હળવેકથી બોલ્યો,‘‘તારી ભાગ્ય રેખા નથી.’’
યજમાન શ્રી આ સાંભળી ઠહાકો મારી બેઠા,‘‘એમ કે’ને સાલા, સંતાળે છે શું કામ ? ભાગ્ય રેખા ક્યાં હોય છે?’’
‘‘અહીંયા, અહીંયાથી આ આંગળી સુધી જાય છે.’’
‘‘ભાગ્ય રેખા નથી તો કાવડીયા ક્યાંથી મળશે?’’
‘‘પૈસા તો મળશે જ. તારી નહીં તો તારી ઘરવાળીની રેખા ઉત્કૃષ્ટ હશે. તેનું ભાગ્ય તને મળશે. આવું પણ થાય.’’
‘‘બરાબર છે, એના જ નસીબને સથવારે તો અત્યાર સુધી જીવી રહ્યો છું. ચાર છોકરા મુકીને એ તો ઉપડી ગઈ.’’
જ્યોતિષી મુકપ્રેક્ષક બની ગયો. બંન્ને એકબીજાના ચહેરાને તાકવા લાગ્યા. પછી યજમાન શ્રીએ પોતાનો હાથ ખેંચી લીધો અને જ્યોતિષીને કહ્યું, ‘‘તું તારો હાથ દેખાડ.’’
જ્યોતિષી મૂંઝાણો પણ છૂટવાનો કોઈ ઉપાય ન દેખાતા પોતાની હથેળી સામે ખોલી દીધી, ‘‘આ તારી ભાગ્ય રેખા છે?’’
‘‘હા.’’
‘‘તારું ભાગ્ય તો બોવ સારું છે. કેટલા બંગલા છે તારી પાસે?’’
જ્યોતિષીએ પોતાની હથેળી બંધ કરી લીધી અને પોથી-બોથી બાંધવા લાગ્યો, ‘‘ֹબેસી જા. ક્યારથી આ ધંધો કરે છે ?’’
જ્યોતિષી ચૂપ
દમના રોગીએ પૂછ્યું, ‘‘ક્યાંથી આવ્યો છો?’’
‘‘પૂર્વ બંગાળથી’’
‘‘શરણાર્થી છો?’’
‘‘હા.’’
‘‘પહેલા પણ આ જ ધંધો કે?’’
જ્યોતિષી ફરી ચૂપ. તણાવ ઢીલો પડવા લાગ્યો. યજમાનશ્રી ધીમેથી બોલ્યા,‘‘અમારી પાસેથી શું મળશે !જા, કોઈ મોટરવાળાનો હાથ જો.’’
જ્યોતિષીએ ગરદન હલાવી, ‘‘એ ક્યાં દેખાડે છે ! તમારા જેવા પાસેથી જ બે પૈસા મળે છે.’’
સૂર્ય ઝાડ પાછળ લપાય ગયો હતો. એવામાં પાંચ-સાત પટ્ટાવાળા આવી ઝાડ નીચે બેસી ગયા, ‘‘જા પેલા લોકોનો હાથ જો, એમના ખિસ્સા ખાલી નહીં હોય.’’
પણ જ્યોતિષી હેબતાઈને બેઠો હતો. અચાનક બગીચામાં ભીડ ભેગી થવા લાગી. વાદળી કલરના કૂર્તા-પજામા પહેરેલા લોકોની ટોળકીઓ આવી અને એક એક કરતાં ફૂટપાથ પર બેસવા લાગ્યા.
એક બ્લૂ કલરની ગાડી આવી અને બિલ્કુલ બગીચાની સામે ઉભી રહી ગઈ. પંદરથી વીસ લાકડીધારી પોલીસવાળા ઉતર્યા અને રસ્તાની એક બાજુ કતારબંધ ઉભા રહી ગયા. બગીચાની હવામાં તણાવ પેદા થયો. રસ્તે જતા લોકો પોલીસને જોઈ ઉભા રહેવા લાગ્યા. ઝાડ નીચે પણ કેટલાક મજૂરો આવી ચડ્યા.
‘‘ભીડ કેમ એકઠી થાય છે?’’જ્યોતિષીએ યજમાન શ્રીને પૂછ્યું.
‘‘તું નથી જાણતો ? આજે મે દિવસ છે. મજૂરોનો દિવસ.’’
પછી યજમાન શ્રી ગંભીર થઈ ગયા, ‘‘આજના જ દિવસે મજૂરો પર ગોળીઓ ચાલી હતી.’’
મજૂરોની ભીડ ચીક્કાર થવા લાગી. મજૂરોની સાથે મલાઈ, બરફ, મગફળી, ચાટ, ચણાવાળાઓ પણ આવી પહોંચ્યા. વચ્ચે આટા મારતા વેચવા લાગ્યા. એટલામાં શહેરની દિશામાંથી અવાજ સંભળાયો. બગીચામાંથી લોકો દોડી દોડી ફૂટપાથ પર ઉભા રહી ગયા. રસ્તાની બીજી બાજુ સૈનિકો લાકડી લઈ સાવધાનની મુદ્રામાં આવી ગયા.
ઝુલુસ આવી રહ્યું હતું. નારાઓ ગુંજી રહ્યાં હતા. હવામાં તંગદીલી વધી રહી હતી. ફૂટપાથ પર ઉભેલા લોકો પણ નારાઓ લગાવી રહ્યા હતા.
પોલીસની વધુ એક બટાલિયન આવી પહોંચી. લાકડીઓ લઈ પોલીસ ઠેકડા મારતી ઉતરી.
‘‘આજે લાકડી ચાલશે.’’ યજમાન શ્રી બોલ્યા.
પણ કોઈએ સવાલનો જવાબ ન આપ્યો.
રસ્તાની બંન્ને બાજુ હકડેઠાઠ ભીડ જામી ગઈ. ટ્રાફિક સાથે સવારીઓના આવવા-જવા પર બ્રેક લાગી ગઈ. સીટીના રસ્તા પરથી એક ઝુલુસ બગીચા તરફ આગળ વધતું દેખાયું. ફૂટપાથ પર ઉભેલા લોકો પણ તેમાં વિલીન થતા જોવા મળ્યા. એટલામાં બીજા બે ઝુલુસ પણ અલગ અલગ દિશામાંથી બગીચા તરફ આવવા લાગ્યા. ભીડમાં જોશનો સંચાર થયો. મજૂરો બગીચાની સામે આઠ આઠની લાઈન બનાવીને ઉભા રહી ગયા. નારાઓ આકાશ સુધી સંભળાવા લાગ્યા અને લોકોની સંખ્યા હજ્જારો પર પહોંચી ગઈ. સમગ્ર દિલ્હીના ધબકારા જાણે ભીડમાં જ સંભળાતા હોય ! ઘણા ઝુલુસ મળીને એક થઈ ગયા. મજૂરોએ ઝંડા ઉઠાવ્યા અને પેશકદમી કરી. પોલીસે પણ ડંડા ઉઠાવ્યા અને એક સાથે ચાલવા લાગ્યા.
ભીમાકાર ઝુલુસ ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. કનાટ સરકસની માલદાર, ચમકદાર દિવાલોની સામે એ કંઈક અલગ જ રીતે દૈદિપ્યમાન થઈ રહ્યું હતું. જેવી રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો પડખુ ફરતાં હોય ! ધીમે ધીમે ઝુલુસ એ દિશામાં વળ્યું જ્યાંથી પોલીસની બટાલિયન આવી હતી. જ્યોતિષી ઉત્સુકતામાં આવી બેન્ચની ઉપર ઉભો રહી ગયો હતો. દમનો રોગી હજુ પણ પોતાની જગ્યા પર બેસી, એકધારો ઝુલુસને જોઈ રહ્યો હતો.
નારાના પડઘા મંદ થવા લાગ્યા. દર્શકોની ભીડ વીખેરાઈ ગઈ. જે લોકો ઝુલુસની સાથે ન જઈ શક્યા તે પોતાના ઘર તરફ રવાના થયા. બગીચામાં બપોર જેવી જ નિ:સ્તબ્ધતાની ચાદર છવાય ગઈ. એટલામાં એક માણસ. જે બગીચાની અંદરથી ઝડપથી દોડતો ઝુલુસની તરફથી આવી રહ્યો હતો. દુબળો માણસ, મેલી ગંજી અને જાંઘીયો પહેરીને. યજમાન શ્રીએ તેને અટકાવ્યો, ‘‘અરે મિત્ર, જરાં અહીંયા તો આવ’’
‘‘શું છે?’’
‘‘આ ઝુલુસ ક્યાં જશે ?’’
‘‘ખબર નહીં. સાંભળ્યું છે અજમેરી ગેટ, દિલ્લી દરવાજાથી થઈને લાલ કિલ્લા તરફ જશે અને ત્યાં જલ્સો થશે.’’
‘‘ત્યાં સુધી પહોંચશે પણ ? આ લાકડી લઈને ભેગા જાય છે. રસ્તામાં ગડબડ થઈ ગઈ તો ? ’’
‘‘અરે, ગડબડ તો થયા જ કરે છે. ઝુલુસ થોડુ રોકાશે.’’ કહેતો તે આગળ વધી ગયો.
દમનો રોગી ઝુલુસના વિલીન થઈ જવા સુધી અનિમેષ નયને તાકતો રહ્યો. પછી જ્યોતિષીના ખંભાને થપથપાવતા તેની આંખોમાં આંખો નાખી હસવા લાગ્યો. જ્યોતિષી ફરી મૂંઝાયો. બી ગયો.
યજમાન શ્રી બોલ્યા, ‘‘જોયું સાલા ?’’
‘‘હા, જોયું છે.’’
હજુ પણ યજમાન શ્રીની આંખો ઝુલુસની દિશામાં અટકેલી હતી. પછી હસીને પોતાની આંગળીઓ-કપાયેલી હથેળી જ્યોતિષીની સામે ખોલી દીધી, ‘‘હથેળી પાછી જોઈ લે, સાલા તું કેવી રીતે કહે છે કે ભાગ્ય રેખા નબળી છે’’
અને પછી ડાબા હાથને છાતી સરસો દાબી જોર-જોરથી ઉધરસ ખાવા લાગ્યો.
વાર્તા ભાગ્ય રેખા- મૂળ લેખક- ભીષ્મ સાહની
અનુવાદ – મયૂર ખાવડુ
Leave a Reply