વાહ રતિલાલ તમે કરી બતાવ્યું
રતિલાલ બોરીસાગરે એ કરી બતાવ્યું જે તેમના વોકિંગ પાર્ટનર એવા મિત્ર વિનોદ ભટ્ટ અને તારક મહેતા ન કરી શક્યા. આ લેખ વાંચતા પહેલા કેન્દ્રિય સાહિત્ય અકાદમી દ્રારા આપવામાં આવતા એવોર્ડો પર ઉડતી નજર નાખવામાં આવે તો હાસ્યને મળેલું આ પ્રથમ પારિતોષિક છે. હું ખોટો હોઈ શકું. તેમાંના ઘણા ખરાં નિબંધ સંગ્રહો મેં નથી વાંચ્યા. જેથી તેમાં હાસ્યનું કેટલું પ્રમાણ છે તે કહી ન શકું. એ નિબંધ સંગ્રહો પ્રકાશકોએ પુન: છાપવાની તસ્દી નથી લીધી એટલે તેને સૌથી મોટું હાસ્ય જ કહી શકાય. વિનોદ ભટ્ટ જ્યોતિન્દ્ર દવે બાદ અને કેટલીક જગ્યાએ તો જ્યોતિન્દ્ર કરતાં પણ સવાયા પૂરવાર થયા છે. આમ છતાં તેમની કોઈ કૃતિને અકાદમી એવોર્ડ ન આપીને સૌથી મોટી મજાક કરવામાં આવી છે. આમે ય જ્યોતિન્દ્રને પણ ક્યાં મળ્યો હતો ?
કોઈ ભાષાના સારા ભાગ્ય હોય તો જ તેને હાસ્ય લેખક સાંપડે છે. તમામ ભાષાઓમાં હાસ્યલેખકો લઘુમતીમાં આવે છે. NRC બાદ વધી કે ઘટી જાય તો નક્કી નહીં. તેમાં પણ સહજ રીતે હાસ્ય ઉત્પન્ન કરી શકે અને હસાવી શકે તેવા લેખકો આપણે ત્યાં જૂજની કક્ષામાં આવે છે. જૂજને પણ બાકાત રાખીએ તો માત્ર બે આંગળીના વેઢામાં જ સમાય જાય તેટલા. હાસ્યના ભાવકો માટે આ સુખદ સમાચાર છે. અત્યાર સુધીનાં એવોર્ડોની લિસ્ટ પર નજર કરવામાં આવે તો નવલકથા, વિવેચન અને કવિતાએ મોટાભાગના પારિતોષિકો જપ્ત કર્યા છે. શું કહેવું ? ગુજરાતી જ નહીં તમામ ભાષાના મોટાભાગના લેખકોને એ સમયે હાસ્ય લખતા નહોતું આવડતું અને આને હાસ્ય કહેવાય તેવું સમજવા માટે પણ તેમને દાયકાઓ નીકળી ગયા.
2017ના વર્ષમાં રતિલાલ બોરીસાગરનું પુસ્તક મોજમાં રેવું’રે! આવ્યું. આ પુસ્તકમાં સંદેશ અને બાદમાં મઠારીને મુંબઈ સમાચારમાં છપાયેલા લેખોનું સંકલન છે. પુસ્તક પણ જ્યોતિન્દ્ર દવેનાં શરીર જેટલું જ પાતળું છે. દરેક પુસ્તકાલય અને વિક્રેતાઓની દુકાનમાં તે પડ્યું રહેતું હતું. આટલા સારા પુસ્તકને ક્રોસવર્ડમાં કોઈ હાથ પણ નહોતું લગવાતું તે મેં મારી સગ્ગી બે આંખે જોયું છે. અત્યારે આ પુસ્તકને પારિતોષિક મળ્યું છે ત્યારે થાય છે કે ગુજરાતી ભાષાની નવી પેઢી પોતાના જ્ઞાનથી કેટલી ગરીબ છે.
1997માં બહાર પડેલા એન્જીયોગ્રાફી પુસ્તક વિશે આ લેખક 2016ની સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બોલવા માટે આવેલા. તલાટીની તૈયારી કરનારાઓને ત્યારે ખ્યાલ આવ્યો કે 1997માં આવું એક પુસ્તક પણ પ્રગટ થયું હતું અને આ વૃદ્ધ એ પુસ્તકનાં લેખક છે. જેથી આવનારા સમયમાં સ્પર્ધાત્મક પરિક્ષાનાં પેપરમાં સવાલ પૂછાય જાય તો એક માર્કે સરકારી નોકરી મળી જાય આ માટે જ ઘણી ખરી મેદની આવેલી. એમનું હાસ્ય એટલું ધારદાર અને ચોટદાર હતું કે વારંવાર વિનોદ ભટ્ટે પણ કહેવું પડતું હતું, ‘રતિલાલ પેલો જ્યોતિન્દ્રવાળો કિસ્સો કહો જોઈએ. તમને સરસ આવડે છે.’ પુસ્તકના લેખકની માત્ર ભાષા સરસ છે એવું નથી પણ તેમની બોલવાની શૈલી પણ તમને વાત કહ્યા પહેલા જ દાંત કાઢવા મજબૂર કરી દે છે તેવું મેં પહેલી વખત અનુભવેલું.
ગુલાબદાસ બ્રોકર જેવા લેખક તેમના મરક-મરક પુસ્તક અંગે એ લખી ચૂક્યા છે કે, ‘રતિલાલ બોરીસાગર જેવા લેખકનું નામ આપણે ત્યાં જોઈએ તેટલું પ્રચાર પામ્યું નથી. પ્રમાણમાં ઓછા જાણીતા લેખક પોતાનું પુસ્તક 1977માં પ્રસિદ્ધ કરે અને 1981ની શરૂઆતના ગાળામાં તેનું પુન: મુદ્રણ થાય ત્યારે એ પુસ્તકમાં પોતાની આગવી મૂલ્યતા હોવી જોઈએ’ ગુલાબદાસજીના ‘ઓછા જાણીતા’ અંગેના કટાક્ષ છતાં રતિલાલ બોરીસાગરે પોપ્યુલારિટી ખાતર બાદમાં ફેસબુકનું એકાઊન્ટ ન ખોલ્યું એ પણ ગુજરાતી સાહિત્યમાં એક વિશિષ્ટ અને ચીલો ચાતરનારી બાબત છે.
આ લેખક અંગે જ્યોતિન્દ્ર દવે મરક-મરક પુસ્તકમાં કહી ચૂક્યા છે…. ‘તમારું પુસ્તક વાંચી ગયો. કેટલુંક લખાણ તો જાણે મેં જ લખ્યું હોય એવું લાગ્યું છે. કહેવાનો આશય એવો નથી કે તમે મારું અનુકરણ કે મારા લખાણમાંથી અપહરણ કર્યું છે. તમારી સર્ગશક્તિ સહજ ને સ્વતંત્ર છે.’
રતિલાલ બોરીસાગરના તમામ પુસ્તકો અગાઊ કહ્યું તેમ જ્યોતિન્દ્રના શરીર જેટલા જ પાતળા છે. ઉપરથી રતિલાલ બોરીસાગરના પુસ્તકની કિંમત વર્તમાન સમયે વધેલા ડુંગળીના ભાવ કરતાં પણ ઓછી છે. રતિલાલનું એન્જીયોગ્રાફી 10 ટકા ડિસ્કાઊન્ટ સાથે ખરીદવામાં આવે તો માત્ર 80 રૂપિયામાં બે કોપી આવી જાય. ઉપરથી હસો તો ઉંમર વધે. 160ની કિલો ડુંગળી ખાવાથી તો તમસ વધે. ઘરમાં કંકાસ પણ થાય કે, ‘લાવ્યા લાવ્યા ને ડુંગળી લાવ્યા આના કરતાં તો રતિલાલ લાવ્યા હોત તો સવારે લાફ્ટર ક્લબમાં તેમની હ્યુમરસ લાઈનો યાદ કરી સાચે સાચું હસેત…’
મોજમાં રે’વું રે !ની પ્રસ્તાવના મનસુખ સલ્લાએ લખી છે. ઉપરથી તેમણે એ બધું કહી નાંખ્યું છે જે હું અહીં કહેવા માગતો હતો. પુસ્તકમાં રહેલી ઘણી ખરી કટાક્ષ અને વ્યંગ કરતી લાઈનો તેમની પ્રસ્તાવનામાં આવી ગઈ છે. આમ છતાં પ્રથમ લેખમાં રહેલો રતિલાલનો ખડખડાટ હસાવતો હ્યુમર અહીં ટપકાવ્યાં વિના નથી રહી શકતો. એમણે લખ્યું છે, ‘અમારાં શિક્ષક વોકિંગ ઈઝ ધ બેસ્ટ એક્સસાઈઝ એવું ખુરશીમાં બેઠાં બેઠાં અમને કહેતા.’
આદર્શ અને વાસ્તવિકતા નામના દસમાં લેખમાં તેમણે લખ્યું છે, ‘તમે વીસ વર્ષના થાઓ અને આદર્શ ન સેવો તો સમજવું કે તમારે હ્રદય નથી ; તમે ત્રીસ વર્ષના થાઓ છતાં આદર્શો સેવવાનું ચાલું રાખો તો સમજવું કે તમારે મગજ નથી.’
રતિલાલ બોરીસાગર પ્રત્યે મને ગર્વ છે. અત્યારના દરેક નવલેખકોએ તેમનો ગુણ આત્મસાત કરવો જોઈએ. તારક મહેતા સ્મૃતિ વિશેષમાં ઉર્વીશ કોઠારીએ પેજ નંબર 37માં લખ્યું છે, ‘રતિલાલ બોરીસાગરના અપવાદને બાદ કરતાં ગુજરાતીમાં લેખક સામેથી કોલમ બંધ કરે એવો બીજો કોઈ કિસ્સો જાણમાં નથી.’ તારક મહેતા સિવાય રતિલાલ બોરીસાગર જ એવા લેખક હતાં જેમણે સામેથી ચાલીને કોલમ બંધ કરી. કોલમ માટે પડાપડી કરતાં અને કોલમ મળી ગયા બાદ વર્ષો સુધી એ સ્થાન પર ચ્યુંગમની જેમ ચોંટી ગયેલા લેખકો માટે આ બોધપાઠ છે. નવાને પણ તક આપવી જોઈએ અને એક સમયે એ નવાએ બીજા માટે જગ્યા ખાલી કરવી જોઈએ.
રતિલાલે હાસ્યમાં અતિમાત્રામાં ખેડાણ નથી કર્યું. જ્યારે તેમને લાગ્યું ત્યારે જ તેમણે લખ્યું છે. અને જ્યારે જ્યારે લખ્યું ત્યારે ત્યારે ગમ્યું છે. તેમના ઘણા ખરાં લેખનમાં જ્યોતિન્દ્ર શૈલી આવે છે. પણ જ્યારે વાંચો ત્યારે તેની કોઈ ભાવકને ખબર નથી પડતી. બસ મોજમાં તરીએ છીએ. સાચું કહ્યું ને ?
મયૂર ખાવડુ
Leave a Reply