Covid-19 અને અસ્પૃશ્યતા
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
કપાળ તપતું ન’તું, ન શરદી હતી ખાસ કૈં,
શરીર તડકા સમું શિશિરના હતું તાવથી!
છતાં હ્રદયમાં રહે ડર મને સદા; જ્યારથી
વિષાણુ ભમતાં જગે કકળતાં કરી માનવી!
શું કોવિડ હશે? કરી લઉં તપાસ; સ્હેજે થયું:
વિલંબ પળનો કર્યા વગર નાક વાટે સળી
બરાબર અડાડતાં થરથરી ગયા શ્વાસ સૌ,
અને પલકવારમાં ગ્રસિત અંગઅંગો થયાં.
દરેક હમણાં લગી સ્વજન શાં બની, ઘૂમતાં
હતાં ઘર બહાર જે; નજરથી થયાં વેગળાં.
સલાહ દઇ; કેમ આ સમય કોઢિયો કાઢવો
લગાર અળગા રહી દિવસ ચૌદ સંસારથી!
થતું યુગયુગો સુધી કવણ શક્તિની ઓથમાં?
કરી દલિતભાઇ તેં સહન ઘોર અસ્પૃશ્યતા!
– જયંત ડાંગોદરા
————————–
કોવિડ-19ના પ્રતાપે જગતને ઘણું શીખવા મળ્યું છે. કોરોના મહામારીએ સમગ્ર જગતને એક મોટા ભરડામાં લઈ લીધું છે. કોરોનાનો ચેપ લાગવાથી લઈને તેમાં રાખવાની થતી સાવચેતી સુધીની ઘટના માણસને અંદર-બહારથી વિચારતો કરી મૂકે છે. આમ તો આ વિષયને લઈને પૂરજોશમાં કવિતાઓ લખાઈ. પણ જયંત ડાંગોદરાનું ઉપરોક્ત સોનેટ, એ બધામાં સહજ રીતે અલગ પડે છે. જુદો ચીલો ચાતરે છે. વર્તમાનમાં ગઝલ-ગીત-અછાંદસના વિપુલ સર્જનો વચ્ચે સોનેટ જેવું સર્જન ટકાવી રાખવું એ પણ કળા છે. જયંત ડાંગોદરાને એ કળા સાધ્ય છે. તેઓ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં સફળ રીતે કલમ અજમાવી શકે છે. આ સોનેટ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.
આમ તો સોનેટ વિશે અભ્યાસુજનો બધા જાણે જ છે. છતાં અમુક વાચકોની સગવડ માટે તેના સ્વરૂપ વિશે બે વાત કરી લઈએ. સોનેટ 14 પંક્તિનું કાવ્ય છે. તેમાં ત્રણ પ્રકાર છે. 1. પ્રેટ્રાકશાઈ સોનેટ, 2. શેક્સપિયરશાઈ સોનેટ અને 3. મિલ્ટનશાઈ સોનેટ. પેટ્રાકશાઈ સોનેટમાં 8 વત્તા 6 પંક્તિનું વિભાજન હોય છે. શેક્સપિયરશાઈ સોનેટમાં ચાર પંક્તિ પછી વિચારપ્રહાવ વળાંક લે છે. મિલ્ટનશાઈ સોનેટમાં અનિયમિત છતાં 14 પંક્તિમાં રહીને વિચાર રજૂ થાય છે. ગુજરાતીમાં સૌપ્રથમ સોનેટ ‘ભણકારા’ બ. ક. ઠાકોરે લખેલું. આપણે ત્યાં સોનેટની મોટી પરંપરા છે. આજે જેમ ગઝલ ન લખે તે કવિ જ ન કહેવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે, તેમ એક સમયે એવું હતું કે જે સોનેટ ન લખે તેને કવિ તરીકે પ્રતિષ્ઠા ન મળતી. જયંત ડાંગોદરાનું ઉપરોક્ત સોનેટ આપણે શેક્સપિયરશાઈ સોનેટની શ્રેણીમાં મૂકી શકીએ. કવિએ આજની વાતને ખૂબ સુંદર રીતે રજૂ કરી આપી છે.
સોનેટ ઊઘડે છે તાવ હોવાની ચિંતાથી. કવિનું કપાળ તપતું નથી, શરદી જેવું પણ ખાસ નથી. શરીર શિશિરના કૂણા તડડા જેવું તપતું હતું. તો શંકા પડી કે આખા વિશ્વમાં કોરોનાની મહામારી છે. વાઇરસ વાતાવરણમાં ઘૂમી રહ્યો છે, તો મને પણ વિષાણુઓએ ગ્રસ્ત નહીં કર્યો હોયને? કોરોના નહીં હોય ને? શંકાને પ્રતાપે તપાસ કરવાનું નક્કી કર્યું. નાકમાંથી નળી શરીરમાં પ્રવેશી ત્યાં તો આખું શરીર ભયના લખલખા સાથે ધ્રૂજી ઊઠ્યું. દુર્ભાગ્યે રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કાવ્યનાયક ચિંતિત થઈ ગયા. રામને ચૌદ વર્ષનો વનવાસ આવ્યો તેમ કોરોના નામની બિમારીમાં પણ 14 દિવસના ‘કોરોન્ટાઇનવાસ’માં રહેવું પડે છે. આ ચૌદ દિવસ એકલા કેમ કરી કાઢવા તે કાવ્યનાયક માટે મહામુશ્કેલી સર્જનારા બન્યાં. હમણાં સુધી જે એકદમ સ્વજન હતાં, પરિવારના હતા, તે પણ કાવ્યનાયકના કોરોના પોઝિટવ આવતાની સાથે અળગા થઈ ગયા. સ્પર્શવાની વાત તો દૂર નજીક આવતા પણ ગભરાવા લાગ્યા. 14-14 દિવસ આકરા કાઢ્યા ત્યારે કાવ્યનાયકને થયું કે જો ચૌદ દિવસ પણ મને આટલા અકારા લાગતા હોય તો દલિતો તો યુગોથી અસ્પૃશ્યતા ભોગવે છે, જાતિભેદ, જ્ઞાતિભેદ અને વર્ણની આડમાં અસ્પૃશ્યોએ કેટકેટલું ભોગવ્યું છે. ભારતમાં જ્ઞાતિભેદની ગાંઠો એટલી બધી સજ્જડ છે કે તેને ખોલવી મુશ્કેલ જ નહીં, અશક્ય જેવી લાગે છે. પશ્ચિમના દેશોમાં પણ રંગભેદની નીતિ એટલી જ વકરેલી છે. ત્યાં કાળાગોરાનો ભેદ વકરેલો છે. અનિલ જોશીએ કાળાગોરાના ભેદભાવ વિશે સુંદર ગીત લખ્યું છે. તેનાથી લોગઆઉટ કરીએ.
————————–
લોગઆઉટઃ
કાળો વરસાદ મારા દેશમાં નથી
કે નથી પીળો વરસાદ તારા દેશમાં
આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ
ચામડીના ખોટા ગણવેશમાં
કાળી માટીમાં લીલો બાજરો ઊગ્યો
ને કાળી છાતીમાં ગોરા ધાવણ
પાંદડાની જાળીએથી લીલીછમ રંગોળી
નીકળી ગઈ ને બેઠો શ્રાવણ
અરે ધોબીપછાડથી યે ઉજળા થયા નહિ
તો હવે ગોરા થઈ જઈએ કેશમાં
કાળો વરસાદ મારા દેશમાં નથી
કે નથી પીળો વરસાદ તારા દેશમાં
– અનિલ જોશી
Leave a Reply