માતૃભાષા માટેનું તમારું ખિસકોલીકર્મ કેટલું?
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
– ઉમાશંકર જોષી
————————–
ઉમાશંકર જોષીની કવિતા વારંવાર વિવિધ લેખો-વ્યાખ્યાનોમાં ટાંકવામાં આવે છે. આ કવિતાથી લોકો સારી રીતે પરિચિત છે, એટલે તેના વિશે વિશેષ કંઈ કહેવા કરતાં. આજે વિશ્વ માતૃભાષા દિન છે, તો માતૃભાષા વિશે થોડી વાત કરીએ.
ભાષા દરેક પળે દરેકની જીભ પરથી સૂકાં પાંદડાંની જેમ ખરી રહી છે. અને ખરવાની ઊજવણી શાની? મૃત્યુનો તો શોક હોય, ઉત્સવ કેવો? આપણે જાણતા જ નથી કે ઉદાસીનો ઓચ્છવ પણ હોઈ શકે! ખરી પડતી ભાષાનો ખરો મર્મ જાણવાને બદલે આપણે તેનો ખરખરો કરીએ છીએ. જેમ વર્ષમાં એક વાર અવસાન પામેલ સ્વજનને યાદ કરી લઈએ છીએ, તેમ જ ‘આજે વિશ્વ માતૃભાષા દિવસ છે’ એવું કોઈને ન સંભળાય તેવા અવાજમાં ગણગણીને ભાષાના ઊજવણી કરવાનો ડહોળ કરી નાખીએ છીએ. જાણે મૃતક પાછળ મને-કમને કાગવાસ નાખતા હોઈએ! આપણે આપણી સભાઓમાં મરી ગયેલી ભાષાના નામે બે મિનિટનું મૌન પાળીએ છીએ. ક્યાં છે માતૃભાષાનું ગૌરવ? આપણે રોજ છાપાંના સમાચારો, જાહેર રસ્તાઓ પર મૂકાતાં વિવિધ હોર્ડિંગ્સ, ટીવીમાં આવતી સસ્તી પ્રોડક્ટની મોંઘી જાહેરાતો, ન્યૂઝ ચેનલ્સમાં વપરાતી હેડલાઇન્સ આ બધી જ જગ્યાએ ભાષાના ભાંગરા વટાતા જોઈ શકીએ છીએ. ઘણાની વાણીમાંથી મરેલી માતૃભાષાની વાસ આવતી હોય છે. વિશ્વ માતૃભાષા દિવસે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે આવી વાસથી આપણા કાન અપવિત્ર ન થવા દે.
માતૃભાષાના મહત્ત્વ વિશે ઇઝરાયલ પાસેથી ઘણું શીખવા જેવું છે. ભારત અને ઇઝરાયલ પાસપાસેના સમયગાળામાં આઝાદ થયા. ઇઝરાયલે લગભઘ 4000 વર્ષ અને ભારતે લગભગ 1000 વર્ષ ગુલામીકાળ ભોગવ્યો. ઈઝરાયલ આઝાદ થયો ત્યારે ત્યાંના રાષ્ટ્રપ્રમુખને કોઈકે પૂછ્યું, “આપને ત્યાં શિક્ષણનું માધ્યમ કયું રહેશે?” પ્રમુખે જવાબ આપ્યો, “બેશક હિબ્રુ ભાષા, આ તે કંઈ પૂછવાનો પ્રશ્ન છે?” સામેની વ્યક્તિએ ફરી પ્રશ્ન કર્યો, “પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજીમાં છે, હિબ્રુ ભાષામાં તો એક પણ ગ્રંથ તૈયાર નથી તેનું શું?” આના જવાબમાં આઝાદ ઈઝરાયલમાં સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરૂ ન થયું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના ઉત્તમ અંગ્રેજી ગ્રંથોનું સાત વર્ષ સુધી સતત હિબ્રુમાં ભાષાંતર કર્યું. ત્યારબાદ તેમણે પોતાના દેશમાં માતૃભાષામાં શિક્ષણનો પ્રારંભ કર્યો. પાયો મજબૂત હોય તો ઇમારત વધારે બુલંદ બને છે.
જ્યારે સામાન્ય પ્રજા ભાષાનું ગૌરવ કરતો થશે ત્યારે જ માતૃભાષાનું મૂલ્ય થશે. પણ સામાન્ય માણસ માતૃભાષાનું ગૌરવ ક્યારે કરે? જો શિવલિંગ પર દૂધ ભરેલો કળશ ઢોળવામાં આવે તો દૂધ તેના પર પડીને આખું શિવલિંગ ભીનું કરશે, બાજુમાંથી દૂધ છાંટવામાં આવે તો માત્ર એ જ ખૂણો ભીનો થશે. એ જ રીતે માતૃભાષા જાગૃતિના પ્રયત્નો પણ જો ટોચ પરથી કરવામાં આવે, તો તે ચારેબાજુ થઈને તળ સુધી પહોંચે. સત્તામાં બેસેલા માણસો માતૃભાષા પ્રત્યે સજાગ અને પ્રેમ ધરાવતા હોય તો ભાષાનું મૂલ્ય સારી રીતે થઈ શકે. બાકી છૂટાછવાટા સર્જકો અને ભાષાપ્રેમીઓ માતૃભાષા-માતૃભાષા કરીને મરી જશે અને ભાષા પહાડ પરથી પડતા ઝરણાંની જેમ અંધારી ખીણમાં દદડતી જશે, અને ધીમે ધીમે સમય જતાં આ ઝરણું સાવ સુકાઈ જશે. સત્તા પર બેસેલા માણસો દ્વારા માતૃભાષાના મૂલ્યની કેડી કંડારવામાં આવે તો તેના ગૌરવગાન પર પ્રજા પોતાનો સૂર ચોક્કસ રેડે. સામાન્ય માણસને તો જે રસ્તો સરકાર કંડારે તેની પર ચાલવાનું થતું હોય છે. જોકે માતૃભાષા બાબતે માત્ર સરકાર પર જ બધું ઢોળવા જેવું નથી. તેમાં સામાન્ય માણસથી લઈને ગુજરાતી બોલતા તમામ લોકોની જવાબદારી એટલી જ છે.
રામસેતુ બંધાતો હતો ત્યારે એક ખિસકોલી રેતીમાં આળોટીને પછી દરિયામાં જતી, જેથી તેના શરીર પર ચોંટેલી રેતી તે દરિયામાં નાખીને રામને પુલ બાંધવામાં મદદરૂપ થઈ શકે. આવી એક દંતકથા છે. બધાને ખબર છે કે ખિસકોલીના શરીરથી ખરતા રેતકણોથી કંઈ પુલ ન બંધાઈ શકે, પણ તે પોતાનું યોગદાન તો આપે છે ને! એક સામાન્ય માણસ તરીકે અને એક ગુજરાતીભાષી તરીકે આપણે આપણી માતૃભાષા માટે આટલું નાનું ખિસકોલીકર્મ પણ ન કર શકીએ? આ માતૃષાભા દિને કમ સે કમ એક પુસ્તક ગુજરાતીમાં વાંચીએ અને એક ગુજરાતી પુસ્તક આપણા કોઈ મિત્ર કે સ્વજનને આપીએ. માતૃભાષાનું મૂલ્ય આ રીતે પણ થઈ શકેને?
————————–
લોગઆઉટ
હું છું ને મારી ભાષા છે,
કંઈક થશે એવી આશા છે.
– રમેશ આચાર્ય
Leave a Reply