હવાફેરઃ વૃક્ષના આત્મકથનરૂપે રજૂ થતી સ્ત્રીની પીડા
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
ખાલી થયેલા ઘરનો બહાર ઠલવાઈ રહેલો નકામો સામાન જોઈ પાનખરમાં પ્રવેશી ચૂકેલું વૃક્ષ વિચારે છે હું પણ મારાં ખરી રહેલાં પાન જર્જરિત થઈ રહેલી શાખ ત્યજી આખેઆખું મૂળ સમેત બીજે વસી જાઉં તો! મારે પણ જરૂર છે એક હવાફેરની!
– ગોપાલી બૂચ
————————–
હવાફેરનો સાદો અર્થ એવો થાય કે, “માંદા-સાજાએ વધુ તંદુરસ્તી મેળવવા વધુ સારી આબોહવાવાળા સ્થાનમાં જઈ રહેવું એ, હવાપલટ, ચેઇન્જ ઑફ એર’”. પણ આ થયો ડિક્ષનરીનો અર્થ. કવિ ડિક્ષનરીના અર્થને વળગીને નથી રહેતો. તે તો પોતાના અર્થનું આકાશ ઉઘાડે છે. કવિ ઉદયન ઠક્કરે હવાફેર માટે એક સુંદર શેર કહ્યો છે, “નયન જો ગમે તો નયન, હૃદય જો ગમે તો હૃદય,/હવાફેર માટે તને જગા બે બતાવી દીધી.” પ્રિયપાત્રને જ્યાં રહેવું હોય ત્યાં છૂટ છે. હૃદયનાં દ્વાર તેની માટે ખૂલ્લાં છે, અને નયનનો મહેલ પણ સ્વાગતમાં આતુર છે.
ગોપાલી બૂચે ‘હવાફેર’ શીર્ષકથી એક સુંદર કવિતા લખી છે. પણ આ હવાફેર માનવીનો નથી, વૃક્ષનો છે. હવાફેર માત્ર માનવોમાં નહીં, પશુ-પંખીમાં પણ છે. અમુક ઋતુમાં અમુક પંખીઓ હજારો માઇલનું અંતર કાપીને અન્ય પ્રદેશમાં જાય છે. હવાફેર એ દરેક જીવની જરૂરિયાત છે. અને જગદીશચંદ્ર બોઝે તો વૈજ્ઞાનિક રીતે પણ સાબિત કર્યું હતું કે વૃક્ષમાં પણ જીવ છે. તો પછી શું વૃક્ષને હવાફેરની જરૂર ન પડે? એ બાપડું ક્યાંથી ખસી શકવાનું પોતાની જગ્યાએથી? એ તો પોતાનાં મૂળ ધરતીમાં ધરબીને ઊભું છે. તેની પર ટાઢ-તાપ-વરસાદ પડ્યા કરે છે. પણ પોતાની જગાથી તે તસુભાર પણ ખસી શકતું નથી. વૃક્ષની આ બહુ મોટી કરૂણતા છે. જો તેને હાથપગ હોત, અથવા તે ચાલી શકતું હોત, તો ચોક્કસ તે પોતાની જગ્યાએથી અન્ય જગાએ જવાની હરકત કરત. પણ તે હરીફરી શકતું નથી. એ તો માત્ર પોતાની ડાળ પર ખીલેલાં પુષ્પોની મહેક થકી બધે ફર્યાં કરે છે. તેનાં પર ખીલતાં ફૂલની સુગંધ તેના ફોનકોલ જેવું કામ કરતી હશે કે શું? ‘ધ લોર્ડ ઑફ ધ રિંગ્સ’ નામની ઓસ્કાર એવોર્ડ વિનર ફિલ્મમાં વૃક્ષો ચાલતાં બતાવ્યાં છે. જે. કે. રોલિંગ લિખિત વિશ્વવિખ્યાત શ્રેણી ‘હેરી પોર્ટર’માં પણ જીવંત વૃક્ષો દર્શાવ્યાં છે.
ગોપાલી બૂચ વૃક્ષના હવાફેરની વાત કરે છે. એક ઘરમાંથી સામાન ખાલી થઈ રહ્યો છે, કદાચ ઘરના રહેવાસીઓ અન્ય સ્થાને જઈ રહ્યાં હશે. ખાલી થતું ઘર જોઈને વૃક્ષ વિચારે છે કે હું પણ એક રીતે ખાલી થઈ રહ્યું છું, પાનખરને લીધે મારી પરનાં પાન ખરી રહ્યાં છે. ડાળ જર્જરિત થવા લાગી છે. શું હું પણ મારું સ્થાન ત્યજીને આખેઆખું, મૂળ સમેત આ ઘરવાસીઓ જેમ અન્ય ઠેકાણે ન જઈ શકું? મારે પણ એક હવાફેરની જરૂર છે!
આ કવિતા લખાઈ છે વૃક્ષના આત્મકથનરૂપે; પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો એ આત્મકથન જાણે એક સ્ત્રી કરી રહી હોય તેવું લાગે છે. હવે આ કવિતામાં એક પરણિત સ્ત્રીને મૂકી જુઓ. તે પરણીને એક જગાએ સ્થાયી થઈ છે. પાળેલી ગાય જેમ ખીલે બંધાઈ ગઈ છે. તેની સ્વતંત્રતા પર એક છૂપી સાંકળ લાગી ગઈ છે. વૃક્ષ જેમ તે પણ પોતાનાં મૂળ એક જગ્યાએ નાખીને ત્યાં જડવત ખોડાઈ ગઈ છે. ધીમે ધીમે તેનામાં પાનખર આવવા લાગે છે, તે જર્જરિત થાય છે, તેની શાખાઓ નબળી પડતી જાય છે. તેને હવાફેર કરવો છે. તે પણ વૃક્ષ જેમ અસહાયતા અનુભવે છે. વૃક્ષના આત્મકથન રૂપે કહેવાયેલી આ કવિતામાં સ્ત્રીની પીડાનાં દર્શન થાય છે.
હવાફેરની વાત કરતાં એષા દેદાવાલાની ‘પગફેરો’ કવિતા પણ સહજ યાદ આવે. દીકરીનું અવસાન થયું છે. પિતા ઈશ્વરને કહે છે કે પ્રભુ મેં દીકરી તને વળાવી છે. અમારે ત્યાં રિવાજ છે કે દીકરીને સાસરે વળાવ્યા પછી દસ દિવસ બાદ તેને પગફેરા માટે પિતાને ત્યાં પરત મોકલવામાં આવે છે. આજે દસ દિવસ થઈ ગયા, છતાં મારી દીકરી પરત આવી નથી. ગેવિન એવર્ટ નામના અંગ્રેજી કવિએ હવાફેરની કવિતા જુદા સંદર્ભે રજૂ કરી છે. તેનાથી લોગઆઉટ કરીએ.
————————–
લોગઆઉટ
ઇલા પાગલપણે હરેશના પ્રેમમાં છે.
અને હરેશનો જીવ શીલામાં છે.
ચંદ્રકાંત બહુ જ થોડાંકને પ્રેમ કરે છે
અને થોડાંક તેને પ્રેમ કરે છે.
મેરી બેઠી બેઠી ટાઈપ કરે છે પ્રેમની નોંધ
રોમેન્ટિક પિયાનોવાદકની આંગળીઓની અદાથી.
ફીરોજ ઊંચે આકાશ તરફ જુએ છે,
જ્યાં ફાલ્ગુનીની દિવ્ય સુગંધ લહેરાય છે.
નીતાની આંખોમાં ગોળ ફરે છે વળ લેતાં સાપોલિયાં
અને મગરૂરીથી પોતે ધીમે ધીમે ચાલે છે.
દરેક જણ અણુએ-અણુમાં રોમાંચ અનુભવે છે
સુનીલની વાતોના ઇશારાઓથી
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે
પણ તે આપણને સૌને જીવંત રાખે છે.
પત્નીઓ અને કામની આ દુનિયામાં આ છે એક અદભુત
હવાફેર
અને તેનો અંત આવે છે સાડા પાંચે.
– ગેવિન એવર્ટ (અનુ. સુજાતા ગાંધી)
Leave a Reply