Happy Father’s Day : પિતાજી કો મૈંને કભી રોતે નહીં દેખા
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
ગુણો છો મને રોજ ભાગ્યા કરો છો,
ને તસવીરમાંથી ય તાગ્યા કરો છો.
હવે જો નથી તો સતત એમ લાગે,
ધ્વનિ શંખનો થઈને વાગ્યા કરો છો.
હતા તો કદી પાસ લાગ્યા નહોતા,
નથી તો સતત પાસ લાગ્યા કરો છો.
પડી જાઉં માંદો, થતું ઘેનમાં કે-
હજીયે તમે ક્યાંક જાગ્યા કરો છો.
તમે યાદ આવો અને એમ લાગે,
હજી સુખને ખીંટીએ ટાંગ્યા કરો છો.
– વિજય રાજ્યગુરુ
————————–
મુંબઈની દોડધામભરી જિંદગી પર એક જોક્સ બહુ કહેવાતો. લોકો પેટ પકડીને હસતા પણ ખરા. જોક્સ કંઈક આવો હતો.
એક પિતાને ઓફિસમાં તેના મિત્રે પૂછ્યું, ‘તમારું બાળક કેવડું થયું? બાપે બે હાથ પહોળા કરીને કહ્યું, ‘આવડું!’ કેમ કે બાપે તો બાળકને સૂતેલું જ જોયેલું. તે ઊઠે તે પહેલાં બાપ નોકરીએ જતો રહે અને આવે ત્યારે બાળક ઊંઘી ગયું હોય! આમાં હાસ્ય કરતા તો કરૂણતા વધારે છે! એક પિતા, જે પોતાના પરિવારના પોષણ માટે ટ્રેનની ભીડમાં ચગદાય છે, બસમાં જ્યાં ત્યાં લટકે છે, રિક્ષામાં રઝળે છે. સવારથી સાંજ સુધી ઑફિસમાં, કારખાનામાં, ખેતરમાં કે ક્યાંય પણ તનતોડ મજૂરી કર્યા કરે છે. પોતાના માળામાં રહેલા નાનાં પંખીઓને પાંખો ફૂટતી જોઈને બાપને બહુ હરખ થાય છે, પણ તેને ખબર છે કે આ પંખીની ચાંચમાં મારે કંઈક નીરવાનું છે. તેમની પાંખોને મારે ઊડતા શીખવવાનું છે, આકાશ આપવાનું છે. તેમના કલરવનું સૂરીલું ગીત બનાવવાનું છે. આની માટે તે આખી જિંદગી પોતાની પાંખ વીંઝ્યા કરે છે. થાકી જાય, હારી જાય, ભલે પીંછા ખરી જાય, પણ તે અટકતો નહીં. હિન્દીમાં બે પંક્તિઓ છે, કોની છે ખબર નથી. પણ બહુ સુંદર છે.
થકે હોતે હુએ થકકર કભી સોતે નહીં દેખા, પિતાજી કો મૈંને કભી રોતે નહીં દેખા.
નાટકમાં મંચ પર રહેલા કલાકારો સૌને દેખાય છે. પણ એમના અભિનયના ઓજસ પાછળ બીજા ઘણા કામ કરતા હોય છે. દિગ્દર્શક, મંચ પર સેટ લગાડનાર માણસો, લાઇટ્સ આપનાર, સંગીતકાર વગેરે. આ તમામને મંચ પર અભિનય કરતા લોકો કરતા ઘણી ઓછી ક્રેડિટ મળે છે. પિતાની ભૂમિકા આ નૈપથ્યમાં રહીને કામ કરતા માણસ જેવી છે. તે ઘસાય છે, ઘવાય છે, પિડાય છે, પણ સંસાર નામના નાટકને નૈપથ્યમાં રહીને બખૂબી ભજવે છે. મંચની પાછળ ઊભો ઊભો તે બધી વ્યવસ્થા કરતો રહે છે. તે હાજર ન હોવા છતાં સતત હાજર હોય છે.
વિજય રાજ્યગુરુએ પણ કંઈક એવી જ યુક્તિ અજમાવી છે. આ ગઝલમાં ક્યાંય પણ ‘પિતા’ શબ્દનો ઉલ્લેખ કર્યા વિના તેમણે પિતાની વાત બહુ સરસ રીતે કરી છે. આ ગઝલમાં પણ બાપ નૈપથ્યમાં છે. બાપને નૈપથ્યમાં રહેવાની ટેવ છે. જ્યારે તે હયાત હોય છે, ત્યારે તેની કદર નથી હોતી. પણ તેમની ગેરહાજરી ઘરમાં ખીલાની જેમ ભોંકાતી હોય છે. હરતા ફરતા ફાધર જ્યારે ફોટોફ્રેમમાં જડાઈ જાય ત્યારે જિંદગીના ગુણાકાર, ભાગાર, ઓછા-વત્તા બધા જ ગણિત સમજાઈ જાય છે. તેમનો શંખધ્વનિ હંમેશાં રગેરગમાં ગુંજ્યા કરે છે. જ્યારે હયાત હતા ત્યારે નાની-નાની તકરારમાં અથવા તો સમયના અભાવે ક્યારેય બાપની નિકટ નથી રહી શક્યા, હવે દુનિયામાં નથી તો એવું લાગે છે જાણે સાવ પાસે જ છે..
મા સાડીનો પાલવ છે. સાડી ફાટ્યા પછી ગોદડીમાં તેની હૂંફ સચવાય છે. જ્યારે બાપ ઝભ્ભા જેવું પહેરણ છે. છેક સુધી શરીરનું રક્ષણ કરે છે, છેવટે ફાટી ગયા પછી પણ ઘરમાં પોતાં મારવાના કામમાં આવે છે. તૂટ્યા પછી પણ તે ઘર માટે ઘસાવાનું મૂકતો નથી. પોતું ક્યારેય ગોદડી જેટલી ક્રેડિટ નથી મેળવી શકતું. પણ બાપ એ તમામ ગૌરવનો અધિકારી છે. પરિવારની પાંખ વીંઝાતી રહે તે માટે તે પોતાનાં પીંછા ખરવાની ચિંતા નથી કરતો.
બાપ વિશે ઓછું લખાયું છે તેની ફરિયાદ ભરત ભટ્ટના ગીતમાં દેખાય છે. તેનાથી લોગઆઉટ કરીએ. સૌને હેપ્પી ફાધર્સ ડે.
————————–
લોગઆઉટ
કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે,
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ના પપ્પા વિશે?
બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું?
સપનાંઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું.
એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે મા વિશે તો ખૂબ લખાયું,
કેમ ના પપ્પા વિશે?
ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો,
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો,
તો પણ બજાર, બૅન્ક, બધ્ધે મુન્નો એની જીભે,
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ના પપ્પા વિશે?
દીકરી આવી ત્યારે પણ રાખી’તી બવ્ય ઉજાણી,
સાસરિયે ગઈ ’તો પપ્પાની આંકો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ના પપ્પા વિશે?
– ભરત ભટ્ટ ‘પવન’
Leave a Reply