ભાષાનો ત્રિવેણીસંગમ રચતી ગઝલ
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઈનઃ
Unpredictable है वीर,
કાઢે બંદૂક છોડે તીર.
Luck મારું બગલાની ચાંચ,
थाली मैं પીરસી છે ખીર.
सुनता हुं ગર્જન-કરતાલ,
Want to go જુનાગઢ-ગીર.
R.O.SYSTEM मैं पाया,
મા ગંગાનું નિર્મળ નીર.
‘जय’ ठहरा શાયર રાંઝા,
Poem રાણી એની હીર.
– જય દાવડા
————————–
ગુજરાતી કવિતામાં અવારનવાર અનેક પ્રયોગો થતા રહ્યા છે – થતા રહે છે. જેમ વૈજ્ઞાનિક વિવિધ રસાયણોના મિશ્રણ કરીને પ્રયોગો કરે છે અને અંતે એક ચોક્કસ તારણ પર આવે છે. પછી જે તે વસ્તુની શોધ કરે છે. કવિનું પણ કંઈક એવું હોય છે. તે વિચારોનો વૈજ્ઞાનિક છે. મનોમંથનના મહાકુંભમાં તે વિચારોને ઝબકોળીને પ્રયોગની સરાણે ચડાવે છે. આ મહામંથનને અંતે કવિતા નામનો પદાર્થ સંશોધિત થાય છે. જોકે દર વખતે તે થાય જ તેવું જરૂરી નથી. પણ તે વિચારોના પ્રયોગો કરતો રહે છે. ગ્રામ્ય મહિલા છાશ જેરીને જે રીતે માખણ તારવે તેમ કવિ વિચારો વલોવીને કવિતા તારવે છે. અગાઉ જે લખાઈ ગયું છે તે ફરીથી લખવાનો અર્થ નથી. જે રીતે લખાઈ ગયું છે એ જ રીતે ફરીથી લખવામાં પણ વિશેષતમ નથી. વિચાર અને રજૂઆત બંનેમાં નવીનતા હોય તો વાત વધારે સારી રીતે બહાર આવે. નાવિન્ય જરૂરી છે. એક ઢાંચામાં બંધાઈ જતી કોઈ પણ વસ્તુ લાંબા ગાળે નીરસ બની જતી હોય છે, સાહિત્યમાં તો ખાસ. બાળપણમાં પ્રાથમિક શાળામાં એક પાઠ ભણવામાં આવતો હતો – ‘રાજા ખાય રીંગણાં’. રાજાને રીંગણાં બહુ ભાવતાં. તો રાજાને દરરોજ રીંગણાં બનાવીને આપવામાં આવ્યાં. બેચાર દિવસમાં તો રાજા કંટાળી ગયો. રાજા દરરોજ ત્રણે ટાઇમ રીંગણાં જ ખાધાં કરે?
ગુજરાતી ભાષામાં ભજન-પદ-પ્રભાતિયાંથી લઈને આખ્યાન, ખંડકાવ્યો, સોનેટ, હાઇકુ, મુક્તક, ગઝલ જેવાં અનેક સ્વરૂપો ખેડાતાં રહ્યાં છે. આ સ્વરૂપો તો વસ્ત્ર છે. તેમાંનું મૂળ તત્ત્વ કવિતા છે. અત્યારે ગઝલ પુષ્કળ પ્રમાણમાં લખાય છે. તેમાં પ્રયોગ પણ ઘણા થાય છે. પ્રયોગ કવિતામાં નાવિન્ય લાવે છે. પ્રયોગ કોઈ પણ થાય, પણ તેમાં કાવ્યતત્ત્વ જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. કવિતાના ભોગે કશું ન થઈ શકે. કોઈ પણ પ્રયોગ ત્યારે જ નોંધનીય બને, જ્યારે તે કવિતાને તસુભાર પણ આગળ લઈ જતો હોય.
જય દાવડાની ઉપરની ગઝલમાં ભાષાનો ત્રિવેણીસંગમ રચાયો છે. જોકે આ પહેલીવાર નથી થયું, અગાઉ પણ અનેક કવિઓએ આવી રચનાઓ કરી છે. ભગવતીકુમાર શર્માએ 1979માં ‘ગગન’ ફિલ્મ જોયા પછી એક ગઝલ લખેલી. તેમાં તેમણે આવો ભાષાપ્રયોગ કરેલો.
जब से गये है छोड के साजन विदेशवा,
કજરી સૂની સૂની અને સૂમસાન નેજવાં.
ઝફર ઇકબાલ, ઉર્દૂના બહુ મોટા કવિ. આપણા આદિલસાહેબે તેમને ગુજરાતીમાં લખવા આગ્રહ કર્યો. આદિલસાહેબના આગ્રહને વશ થઈ તેમણે ‘તરકીબ’ નામનો એક આખો સંગ્રહ કર્યો. જેમાં ગુજરાતી રદીફોવાળી 121 ઉર્દૂ ગઝલો સમાવવામાં આવી છે. તેમાંના ત્રણ શેર જોઈએ.
अपना दिया जलाये, બેઠા છીએ અહીં.
वो आये या न आये, બેઠા છીએ અહીં.
जी मचलता रहा, આંખ જોતી રહી.
वक्त टलता रहा, આંખ જોતી રહી.
मेरे अंदर ही ईक मेरे जैसा कोई,
सडता-गलता रहा, આંખ જોતી રહી.
કવિ વિવેક ટેલરે પણ આવો પ્રયોગ કરેલો, તેમની બિનસરહદી ગઝલનો આ શેર જુઓઃ
सरहद की दोनो ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય ભલે નોખાં વતન રહે.
ગુજરાતીમાં ઘણા કવિઓએ આવા પ્રયોગો કર્યા છે. તાહા મન્સૂરીએ પણ આવી નુક્તેચીનીનો પ્રયાસ કર્યો છે. જોકે, ગુજરાતી કવિતામાં અંગ્રેજી-હિન્દી-ઉર્દૂ-સંસ્કૃત શબ્દોનો તો પુષ્કળ ઉપયોગ જોવા મળે છે. પણ જ્યારે ઊડીને આંખે વળગે તેવો ઉપયોગ થયો હોય ત્યારે તે વિચાર માગી લે છે. જય દાવડાની આ ગઝલ પણ વાંચતાની સાથે ધ્યાન ખેંચે તેવી છે. ટૂંકી બહેરની આ ગઝલમાં ભાષાના સંગમનો પ્રયોગ સફળ રહ્યો છે. આ ગઝલ ભાષાના ત્રિભેટે ઊભી છે. જ્યાંથી એક રસ્તો ગુજરાતી તરફ, બીજો હિન્દી અને ત્રીજો અંગ્રેજી તરફ જાય છે. ભાષાની ત્રણ નદીનો સંગમ એક ગઝલમાં થતો હોય, એવા ત્રિવેણીસંગમમાં સ્નાન કરવામાં વાંધો નથી. કવિતાનું કેસર આ રીતે પણ ઘોળાવું જોઈએ.
આપણે ત્યાં અંગ્રેજી અને અન્ય ભાષાઓમાંથી અનેક કવિતાઓ અનુવાદિત થઈને આવે છે, ત્યારે આવી કવિતા અનુવાદમાં કંઈક જુદા પ્રકારની મહેનત માગી લે. તેને અનુવાદની આંગળીએ અન્ય ભાષાની બોટલમાં પૂરવી મહામુશ્કેલ સાબિત થઈ શકે. ઉપરની ગઝલના આસ્વાદ, વિવેચન કે ટિકાટિપ્પણમાં પડ્યા કરતા તમે તેનો સીધો આસ્વાદ માણો તે જ વધારે યોગ્ય રહેશે. જય દાવડાની જ અન્ય ગઝલથી લોગઆઉટ કરી કવિતાનો આનંદ માણીએ.
————————–
લોગઆઉટઃ
મન જરા મોટું તમે રાખો હવે.
માફ કરવાનું બટન દાબો હવે.
વૃક્ષનો ઉતરી ગયો સાફો હવે.
તે પછી પડતો નથી માભો હવે.
ધાર બુઠ્ઠી થઇ ગઇ આદર્શની,
ને વળી નીકળી ગયો હાથો હવે.
પુણ્યનો વેરો કોઇ ભરતું નથી,
હે વિધાતા મારજો છાપો હવે.
‘જય’ તમારી પેન ઠંડી થાય છે,
એમને પીવડાવજો કાવો હવે.
– જય દાવડા
Leave a Reply