નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!
જાળ ગૂંથીને ઊભો થતાંમાં ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!
ત્રમઝૂટ વરસે નભથી જ્યારે જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી મહામત્સ્ય કો ફાંસે,
અરે! પલકમાં મત્સ્ય ધરાનું આભે ખેંચી જાશે!
નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!
– ઉષા ઉપાધ્યાય
————————–
ઉનાળાનો ઊંબરો વટાવીને ચોમાસાએ પોતાની પગલી પાડી દીધી છે. વરસાદના વહાલની ઋતુ ભીંજાવવા આવી પહોંચી છે. આપણે કોરોનાની બીકમાં ઘરમાં ભરાયેલા રહીને વરસાદના સાદને સાંભળી શકીશું કે નહીં એ અલગ પ્રશ્ન છે! ઘણા રમેશ પારેખનો પેલો શેર બોલીને સંતોષ માનશે કે, ‘આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ, એમ કહીએ કે હશે આપણે ભીના ન થયા.’ વરસાદ ઉપર તો કેટકેટલી કવિતાઓ રચાઈ છે ગુજરાતીમાં. માત્ર વરસાદી કવિતાનું પુસ્તક કરીએ તોય એક મોટો દળદાર ગ્રંથ થઈ જાય એટલાં કાવ્યો મળે. પણ એમાં જ્યારે ચીલો ચાતરતી કવિતા વાંચવામાં આવે તો તરત તે આંખે ચડે. ઉષા ઉપાધ્યાયે આ કવિતામાં ખલાસી બનીને કવિતાનું મત્સ્ય બરોબર પકડ્યું છે. કેટલા વિશાળ ફલક પર મૂકી આપી છે કવિતા. પ્રથમ પંક્તિ વાંચો-
‘નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?’
કવિએ પોતે પ્રશ્ન કર્યો છે, કયો ખલાસી? પણ આપણને હજી આગળ બીજા પ્રશ્નો પણ થાય કે, જળની જાળ એટલે શું? અને ખલાસી જળની જાળ શું કામ ગૂંથે છે? કયું મત્સ્ય પકડવું છે એને?
બાહ્ય રીતે સાવ નાની લાગતી આ કવિતા આંતરિક સાઇઝમાં ખૂબ મોટી છે. એ તો તમે તેની કલ્પનાની હરણફાળ જુઓ એટલે તરત ખ્યાલ આવે! આમ તો કલ્પના કોણ નથી કરતું? દરેક માણસ કશુંક ને કશુંક કલ્પે છે. પોતે જોયેલા-જાણેલા જગતમાં પોતાના નિજી રંગો—મંગો ઉમેરીને તે કલ્પનાચિત્ર ખડું કરે છે. પણ મોટાભાગનાની કલ્પના મનમાં ઊભી થઈને મનમાં જ શાંત થઈ જાય છે, પણ કવિ પોતાની કલ્પનાને શબ્દદેહ આપે છે. આથી એ કલ્પનાચિત્ર જીવંત સ્વરૂપ ધારણ કરીને બધાને સામે આવે છે. ઉષા ઉપાધ્યાય જેવા સજ્જ કવિ જ્યારે કલ્પનાને કાગળે ઉતારે ત્યારે તેનો કલ્પનાવ્યાપ સ્વાભાવિકપણે જ મોટો હોવાનો. ધોધમાર વરસાદને તેમણે કેવી સુંદર રીતે આલેખ્યો છે આ કવિતામાં એ તો કવિતા વાંચતા જ ખ્યાલ આવી જાય.
જરા કલ્પના તો કરો કે આકાશ અંદર કોઈ ખલાસી બેઠોબેઠો જળની જાળ ગૂંથી રહ્યો છે. ઘણાને એવો પ્રશ્ન પણ થાય કે પાણીની તે કંઈ જાળ હોતી હશે? પણ આ તો નભનો ખલાસી છે! એ શું ન કરી શકે? અને નભ વચ્ચેનો ખલાસી એટલે કોણ એ કહેવાની જરૂર રહેતી નથી.
એ ખલાસી જાળ ગૂંથે છે ત્યારે કતરણ ખરે છે, અર્થાત્ ફોરા વરસી પડે છે. નભમાંથી જ્યારે ધીવર અર્થાત્ માછીમારની જાળ ધરા પર પથારાય છે, ત્યારે તો જાણે વરસાદની ભારે ઝડી વરસી પડે છે. દરેક માછીમાર પોતાની જાળ એક ચોક્કસ મુદ્રામાં પકડીને પછી ફેંકે છે, જેથી એ ચોમેર પથરાઈ જાય. નભનો ખલાસી પણ જાણે ધરાના મહામત્સ્યને ફાંસવા માગે છે. તેણે જાળ ફેંકી, ધરતી પર ધોધમાર વરસાદ વરસી પડ્યો. વરસાદી ઝડી એટલી મુશળધાર છે કે જાળમાં નભનો ખલાસી આખી ધરાને તાણી જાય તેવું લાગે છે. આ ગીતનો લય પર ધોધમાર વરસતા વરસાદ જેવો જ છે.
ઉષા ઉપાધ્યાયની અન્ય બિલોરી જળ જેવી વરસાદી કવિતાથી લોગઆઉટ કરીએ.
————————–
લોગઆઉટ
આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.
આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.
ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે-
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.
ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.
વરસાદે ભીંજાતાં – ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.
– ઉષા ઉપાધ્યાય
Leave a Reply