આંખો છલકી ઊઠી, જળાશય આવી ગયું!
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
જળાશય આવે એટલે
વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી!
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.
– પ્રિયકાન્ત મણિયાર
————————–
પ્રિયકાન્ત મણિયાર એટલે ઝુકેલા નભમાં કાનજી અને ચાંદનીમાં રાધાના દર્શન કરતા કવિ. જગની અરાજકતા જોઈને, “મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ!” એવું ખોંખારીને કહેનારા શબ્દસાધક. એક સમયે અમદાવાદમાં બાલા હુનુમાન પાસે તેમની ચૂડીની દુકાન હતી. તેમના વિશે ઉમાશંકર જોશીએ જે વર્ણન કર્યું છે તે કેટલું સચોટ છે, જુઓ, “ઊંચો ગોરો વાન, ગાઢી ભમ્મરોઃ તમે અમદાવાદમાં ચૂડી ઉતરાવવા ગયા હો ને અઢી હાથની દુકાનમાં ચૂડી તૈયાર કરતો, શરમાઈને જરા ચીપી ચીપીને બોલતો જુવાન જુઓ તો મનમાં ગાંઠ વાળજો કે એ પ્રિયકાન્ત મણિયાર છે. કોડભરી નવોઢા એમણે ઉતારેલી ચૂડીઓ પર વધુ મુગ્ધ થથી હશે કે એમનાં સંઘેડાઉતાર કાવ્યો પર ગુર્જર કવિતા એ જ પ્રશ્ન છે.”
અનેક સંઘેડાઉતાર કાવ્યો આપનાર આ કવિનો આજે જન્મદિવસ છે. 24 જૂન 1927માં વિરમગામમાં જન્મી 25 જૂન 1976માં અમદાવાદમાં અંતિમ શ્વાસ લેનાર આ કવિએ પચાસ પણ પૂરા નહીં કરેલા, છતાં પોતાની આગવી કાવ્યબાનીથી ગુજરાતી ભાષામાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. ગીત, છાંદસ, અછાંદસ એમ વિવિધ કાવ્યસ્વરૂપો પર તેમણે સફળતાપૂર્વક હાથ અજમાવ્યો. પ્રિયકાન્તની કવિતા અનેક લોકોને પ્રિય થઈ પડી. આજે તેમના જન્મદિવસે તેમની ઉપરોક્ત કવિતાથી વંદન કરીએ.
ગામડામાં રિવાજ છે કે આવનાર મહેમાનની પૂરી આગતાસ્વાગતા કરવી અને પછી તેને છેક પાદર સુધી મૂકવા જવું. અને તળાવ મોટેભાગે ગામને પાદર હોય. એટલે મહેમાનને તળાવ સુધી વળાવવા જવાનો રિવાજ હોય. ત્યાંથી વળાવનાર પોતાના ઘરે પાછો ફરે. કવિ કાગ બાપુએ પણ ગાયું છે, “એને ઝાંપા રે સુધી તું મેલવાને જાજે રે…” અહીં કવિએ ઝાંપા સુધી વળાવવા જવાની અને પાદરના તળાવેથી સ્વજનને વળાવીને પાછા ફરવાની વાતને માર્મિક રીતે કવિતામાં વણી લે છે. જળાશય આવે ત્યારે વળાવનારે પાછા વળી જવાનું છે. પણ અહીં તો જળાશય સુધી પણ પહોંચાતું નથી. પ્રિય વ્યક્તિએ જવા માટે પગ ઉપાડ્યો કે કાવ્યનાયકની આંખો છલકાઈ ઊઠી. એક નોંધવા જેવી વાત એ છે, હજી પ્રિય વ્યક્તિ ગઈ નથી, માત્ર જવા માટે પગ ઉપાડ્યો છે. અર્થાત જવાની શરૂઆત છે. અંગ્રેજીમાં કહેવાય છે અંતની શરૂઆત, એમ, આત્મીય વ્યક્તિના જવાથી આપણા અંતની શરૂઆત થાય છે. વિદાયનું દુઃખ આકરું હોય છે, કોઈના આપણા જીવનમાંથી ચાલ્યા જવાની કલ્પના માત્રથી હૈયું ભારે થઈ જતું હોય છે. આખેઆખું અંગ શિથિલ થઈ જાય છે. બધું હોવા છતાં નિરાધારપણું અનુભવાય છે. કવિ તો અહીં જળાશય સુધી પણ વળાવવા સાથે જઈ શકતા નથી, કેમકે તેમની આંખોમાં જ એક જળાશય રચાઈ ગયું છે. હવે જળાશય સુધી વળાવવા કઈ રીતે જાય? અને પાછા વળીને પણ ક્યાં જાય? કેમકે એ તો વળાવવા માટે ગયા જ નથી, ત્યાં જ છે. સરોવર તેમના સુધી આવ્યું છે! કવિ સ્વજનને વળાવવા નહીં જઈ શકે તેનું દુઃખ મોટું કે સ્વજન જઈ રહ્યું છે તેની પીડા?
કવિતા નાની છે, પણ ખૂબ સચોટ છે. લઘુકાવ્યની એ જ તો વિશેષતા છે કે ટૂંકમાં કહો અને ધારદાર કહો. આ બંને ગુણો ઉપરોક્ત કવિતામાં જળાવાયા છે. તેમાંથી કશુંય કાઢી કે ઉમેરી શકાય તેમ નથી. પ્રિયકાન્ત મણિયારની કલમનો પરચો આ કવિતાથી પૂરેપરો મળી રહે છે. તેમની અનેક કવિતા લોકહૃદયમાં વસેલી છે અને રહેશે. રઘુવીર ચૌધરીએ તેમના માટે લખ્યું હતું કે, “પ્રિયકાન્ત માટે કવિતા અભિવ્યક્તિની અનિવાર્ય આવશ્યકતા હતી. એમને પંક્તિઓ વાંસના અંકુરની જેમ ફૂટતી.”
————————–
લોગઆઉટ
અધખૂલ્યા હોઠમાં બે વેણ મીઠાં મેળવીને વસમી વિદાય તમે ઘૂંટી,
હૈયામાં ગોપવીને રાખવી ’તી વેળા કોણ જાણે ક્યારે વછૂટી.
તરફડતી માછલીને જીવાડે એવું હવે સંજીવન વેણ ક્યાંથી લાવવું?
આવજો કહીને તમે ચાલ્યા હું પૂછવું ભૂલી ગઈ મારે ક્યાં આવવું?
– હરીન્દ્ર દવે
Leave a Reply