એક કોડિયાની આત્મકથા
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં આવતી મારી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે!
સીતાજીની જેમ આગમાં મૂકી, અંગારે ખૂબ તપાવ્યો રે,
પાવન થઈ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે!
કો’કે મૂકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે,
કો’ક રુપાળા હાથે મુજને, ઊંચે ગોખ ચઢાવ્યો રે!
સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુંને પ્રગટાવ્યો રે,
દૂર ન થાય અંધારાં જગનાં, મેં ગોખલો એક ઉજાળ્યો રે!
તેલ ખૂટ્યું ને વાટ ખૂટી, મારા સપનાનો અંત ન આવ્યો રે,
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે!
– દિનેશ ઓ. શાહ
————————–
આ કવિતા કોડિયાની આત્મકથા જેવી છે. એક કોડિયાનું જીવન કેવું હોઈ શકે? આ કવિતા વાંચો તો આપોઆપ સમજાઈ જાય. દિવાળી નજીક આવી રહી છે ત્યારે માણસે પણ કોડિયાં જેવા થવાની જરૂર છે. પણ માત્ર કોડિયાં હોવું પૂરતું નથી, પાસે તેલ પણ હોવું જોઈએ, તેલ હોય અને અગ્નિ ન હોય તોય અજવાળાની અહાલેક જગાવી ન શકાય. સમજણનું તેલ અને આંતરિક ઊર્જાની અગ્નિ હશે તો આપોઆપ કાયા નામનું માટીનું કોડિયું દીપી ઊઠશે. માનવદેહને કાચી માટીનું કોડિયું કહેવામાં આવ્યો છે. રવીન્દ્રનાથ ટાગોરે પોતાની એક કવિતામાં કોડિયા દ્વારા અદ્ભુત સંદેશ આપ્યો છે. સમી સાંજે આથમતો સૂર્ય અફસોસ સાથે કહે છે કે અરેરે, મારા આથમી ગયા પછી આ જગતને કોણ રોશન કરશે? ત્યારે ક્યાંક એક ખૂણામાંથી નાનકડું કોડિયું બોલી ઊઠે છે કે પ્રભુ હું મારાથી થાય તેટલું અજવાળું હું પાથરીશ. રાતને સાવ અંધારી નહીં રહેવા દઉં. માણસ પોતાનાથી થાય તેટલું અજવાળું પાથરે તોય જગતનું ઘણું બધું અંધારું આપોઆપ ઉલેચાઈ જાય. બરકત વિરાણી બેફામે કહ્યું તેમ જીનની સફર તો માત્ર ઘરથી કબર સુધીની જ છે, આ સફરમાં જેટલું અજવાળું પાથર્યું એટલું જીવન સાર્થક.
આ કવિતામાં કોડિયું પોતે જ પોતાની આત્મકથા કહી રહ્યું છે. કોડિયાનો પ્રવાસ માટીનાં ટીંબાથી ગોખ સુધીનો હોય છે. પણ પ્રવાસમાં તે ઘણું બધું જુએ છે. કૂંભાર માટીનો એક પીંડ બાંધે છે, તેને ચાકડે ચડાવે છે, આકાર આપે છે. પછી ખૂબ જાળવીને ચાકડેથી ઊતારે છે. પણ આટલે કામ પતતું નથી. હજી તો કોડિયાને ભઠ્ઠીમાં તપવાનું બાકી છે. તે સિવાય તેનામાં પક્વતા ક્યાંથી આવશે? માણસ પણ જિંદગીની આગમાં ન તપે ત્યાં સુધી તેનામાં મજબૂતાઈ નથી આવતી. કવિ અહીં કોડિયાને સીતાજી સાથે સરખાવે છે, સીતાને જેમ અગ્નિપરીક્ષા આપવી પડી હતી, તેમ કાચી માટીનું કોડિયું અગ્નિમાં તપીને પાવન થયું. બાળક જેમ તેનું પણ નામાભિધાન થયું – કોડિયું. આ કોડિયામાં કોઈકે વાટ મૂકીને તેલ પૂરી આપ્યું. રાત પડતા કોકે તેને ગોખમાં ગોઠવીને પ્રગટાવ્યું. બસ પ્રગટવાની સાથે કોડિયાનું ખરું કામ શરૂ થાય છે.
બધાને ખબર છે કે એક નાનું કોડિયું આખા જગતને અજવાળું નથી આપી શકતું, પણ એક નાની ઝૂંપડીને તો અજવાળી શકે ને? મોટું કામ કરતી વખતે આપણા મનમાં અમુક ભય હોય છે કે હું આ કામ કઈ રીતે કરી કરીશ? ત્યારે પેલી કહેવત યાદ કરી લેવી કે ગમે તેટલી લાંબી સફર હોય, પણ તેની શરૂઆત એક નાના પગલાંથી જ થાય છે. અંધારી રાતે એક ડોસાને બીજે ગામ જવાની જરૂર પડી. તે ફાનસ લઈને ચાલતો થયો. કોઈકે કહ્યું, “દાદા, આટલી અડધી રાતે આ ઝાંખું ફાનસ લઈને તમે નહીં પહોંચી શકો. એનું અજવાળું તો માંડ બે ડગલાં જેટલું પથરાય છે.” ડોસાએ કહ્યું, “હું બે ડગલા ચાલીશ ત્યારે આ અજવાળું આપોઆપ બે ડગલાં જેટલું આગળ જતું રહ્યું હશે. આ રીતે ધીમે ધીમે હું પહોંચી જઈશ.”
ફાનસ ભલે ઓલવાતું, આપણો પ્રયત્ન ન ઓલવાવો જોઈએ. કોડિયું બનીને કોઈના અંધારિયા જીવનમાં અજવાળું પાથરવાથી મોટું અહોભાગ્ય બીજું કશું ન હોઈ શકે. આ કવિતામાં દિનેશ ઓ. શાહે અંતે સરસ વાત કરી છે, તેલ ખૂટ્યું, વાત ખૂટી સપનાનો અંત ન આવ્યો રે… અર્થાત માણસનું શરીર ઝીર્ણ થાય છતાં ઇચ્છાઓનો અંત નથી આવતો. દિનેશ ઓ. શાહ કવિ હોવાની સાથે વૈજ્ઞાનિક પણ છે. તેમની કવિતામાં વિજ્ઞાન અને વિજ્ઞાનમાં કવિતાનો સમન્વય છે. એટલા માટે જ તેમણે કોડિયું બનવાની ટેકનિકને માનવજીવન સાથે સરખાવીને સરસ કવિતા નિપજાવી છે. માણસનું જીવન પણ કોડિયાની આત્મકથા જેવું છે. માટે આ દિવાળીમાં તમે પણ કોઈના અંધારિયા જીવનમાં કોડિયું બનીને અજવાળું પાથરો તેવી શુભકામનાઓ…. ભગવાન બુદ્ધે કહ્યું છે, અપ્પો દીપ્પો ભવઃ અર્થાત તું જ તારો દીવો બન.
————————–
લોગઆઉટઃ
તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા!
કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા!
આભના સૂરજ ચંન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
– ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
————————–
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં આવતી મારી કોલમ ‘અંતરનેટની કવિતા‘નો લેખ
Leave a Reply