ભરોસાથી મોટો ભગવાન એક્કે નથી
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી મારી કૉલમ‘અંતરનેટની કવિતા’નો લેખ————————–લોગઇનઃઊંડી ખીણો ઊંચા ડુંગર, ચડવાનું છે રામભરોસે,જીવ્યા જેવું જીવતર છે ને મરવાનું છે રામભરોસે.ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં, ક્યાં છે શઢ ને ક્યાં બેલીડા,પથ્થર જેવી જાત લઇને તરવાનું છે રામભરોસે.જંગલની લીલાશ બનું કે પંખીની ઉડ્ડાન ભલેપાન બનું કે પીછું મારું ખરવાનું છે રામભરોસે.કાણી કોડી ફાટલ જૂત્તા તરસી આંખો લાંબા રસ્તાયાદોનો લૈ એક ખજાનો ફરવાનું છે રામભરોસે.હું છું સપનું કે જોનારો, હું પ્યાદું કે હું રમનારો ?તર્કવિતર્ક બધા છોડી દૈ રમવાનું છે રામભરોસે.– મધુમતી મહેતા————————–“કોરોના ક્યારે પતશે?” એવું કોઈ પૂછે તો, “રામભરોસે!” એવો જવાબ ચોક્કસ આપી શકાય. આપણી પાસે જ્યારે કોઈ વાતનો ઉકેલ ન હોય ત્યારે તેને રામભરોસે છોડીએ છીએ. ખરેખર તો ભરોસાથી મોટો ભગવાન એક્કે નથી. ભરોસો એ શ્રદ્ધાનો પાડોશી છે. માણસ ઈશ્વર પર એવી શ્રદ્ધા રાખે છે કે એક દિવસ એ બધું ઠીક કરી દેશે. એમાં ઈશ્વર પોતે કશું કરવા આવતો નથી, જે કરે છે તે માણસ પોતે જ કરે છે. છતાં શ્રદ્ધા છે કે ઈશ્વર બધું કરે છે. ખરેખર તો શ્રદ્ધા એ જ ઈશ્વર છે. જેમ ગાંધીજીએ પહેલાં કહ્યું હતું કે ‘ઈશ્વર સત્ય છે’, પરંતુ મનોમંથન બાદ તેમણે પોતે જ સુધાર્યું કે ‘સત્ય એ જ ઈશ્વર છે.’ આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ એ આપણું સત્ય છે. આપણે એ ભરોસા પર આપણી ઊર્જાનું આરોપણ કરીએ છીએ. આપણી મૂકેલી શ્રદ્ધા એક દૈવી તત્ત્વ સુધી પહોંચે છે તેવો ભરોસો મોટા આશ્વાસનનું કામ કરે છે. જેની પાસે આવું આશ્વાસન હોય એ જીવનના અંધકારની આંટીઘૂંટીમાં અટવાયા વિના તેમાંથી પાર ઊતરે છે. જે માણસને એવો ભરોસો હોય કે મારી પાસે કોક છે, એ માણસને ક્યારેય આત્મહત્યાનો વિચાર આવતો નથી. કોઈકના હોવાની શ્રદ્ધા શેત્રુંજય પર્વત જેવી પીડાને પણ પાર કરાવી દે છે.રામભરોસે શબ્દ નકાર તરફ પણ આંગળી ચીંધે છે. કોઈ આધાર ન હોય ત્યારે નિરાધારપણું આ રામભરોસાની ખીંટીએ જ લટકતું હોય છે. મધુમતી મહેતાએ રામભરોસે શબ્દને રદીફ રાખીને રાખીને જિંદગીની અનેક જદ્દોજહેત રજૂ કરી આપી છે. જીવનમાં ખીણ જેવી ઊંડી પરિસ્થિતિ સર્જાય કે પર્વત જેવી ઊંચી, એ પાર માત્ર રામભરોસે જ કરવાની છે. અર્થાત કોઈ જાણતું નથી એ સ્થિતિમાં શું કરવું, બસ થઈ જશે. ‘થઈ જશે’ શબ્દ ખૂબ મહત્ત્વનો છે. મૃત્યુ પછી શું થવાનું છે એ પણ કોણ જાણે છે. જે મભમ છે એ બધું રામભરોસે. રસ્તા પર ચાલતાં પગ રામભરોસે હોય છે, ક્યારે કોઈ પથ્થ ઠેશનું સ્વરૂપ ધારણ કરીને વચમાં આવશે તેની ખબર નથી. ઑફિસથી ઘેર પહોંચતો માણસ પણ રામભરોસે હોય છે, વચમાં શું થાય તે નક્કી નથી હોતું. છતાં બધું જ નક્કી છે તેમ આપણે જીવીએ છીએ, કેમકે આપણને ભરોસો છે.રામાયણનો એક પ્રસંગ તમને ખબર હશે. નલ-નીલે રામનામ લખીને પથ્થર પાણીમાં નાખ્યો તો તરવા લાગ્યો. રામે પોતે નાખ્યો તો ન તર્યો. આમાં રામ પોતે મહાન કે તેમની પર મૂકાયેલી શ્રદ્ધા? આમ તો, બંને! કેમકે શ્રદ્ધા ત્યારે જ સાક્ષાત થાય જ્યારે યોગ્ય વ્યક્તિમાં મૂકાઈ હોય. બીજા શેરમાં મધુમતી મહેતાએ એ પ્રસંગનો ઉપયોગ બહુ સાવચેતીથી કર્યો છે. આપણી જાત પણ પથ્થર જેવી જ છે અને આપણે ભવસાગર તરવાનો છે. હોડી-હલેસાં વિના, માત્ર રામભરોસે!જીવનમાં કેટકેટલું અધ્ધરતાલ છે. આપણે ઘણું બધું રામભરોસે છોડી દઈએ છીએ. થશે, થાય છે, પછી કરીશું… હજી આખું ભવિષ્ય પડ્યું છે કરવા માટે… આવી ભાવના રાખીએ ત્યારે બિચારો રામ પણ શું કરે? ખરેખર તો ભવિષ્ય હોતું જ નથી. આપણે એને નિર્માણ કરવાનું હોય છે. તમારા વર્તમાનના વર્તનને ધ્યાનમાં રાખીને ભવિષ્યનો ચહેરો નિર્માણ પામે છે. વોટ્સએપમાં એક મેસેજ ખૂબ ફરતો હોય છે, “વીતી ગયેલી ગઈ કાલ એ કેન્સલ થયેલા ચેક જેવી છે. એમાંથી કંઈ મળવાનું નથી. આવતીકાલ એ પ્રોમિસરી નોટ છે, એ આવશે ત્યારે આવશે.”રામભરોસે જેવો શબ્દ તમને હકારાત્મકતા પણ આપે છે અને જીવનની કારમી વાસ્તવિકતા પણ દર્શાવે છે. દુષ્કાળમાં બધું ખોઈ નાખેલો ખેડૂત બિચારો “હવે તો બધું રામભરોસે છે”, એટલું જ બોલવાનોને? જંગલની લીલાશ બનવું કે પંખીની ઉડાન, છેવટનો ભરોસો તો રામનો જ છે. ગરીબી કે અમીરી કાણા જૂતાં, કે મોઘા શૂઝ… બધું જ… મધુમતી મહેતાએ રામભરોસે રદીફથી ગઝલને લાડ લડાવ્યા છે. તેમનામાં રહેલી શબ્દસૂઝ તેમની કવિતાને આગવો નિખાર આપે છે.રામભરોસેની વાત પ્રીતમ લખલાણીએ પોતાના લઘુકાવ્યમાં સરસ રીતે કરી છે.————————–લોગઆઉટઃચોખાઅને મગના દાણાનીચિંતામાંબિચારાંચકો અને ચકીએ પણ ભૂલી ગયાંકેબચ્ચાંરામભરોસેવીજળીના તારેમોટાં થઈ રહ્યા છે!- પ્રીતમ લખલાણી
Leave a Reply