ધીમેધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા
લોગઇનઃ
ધીમેધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા.
સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે,
છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા.
સામનો કર હાલમાં સંજોગનો,
શસ્ત્ર નાખી આમ ના અવરુદ્ધ થા.
તું નરોવા કુંજરોવા કર નહીં,
મારી સાથે, કાં પછી વિરુદ્ધ થા.
એ બહુ નુકસાન કરશે જાતને,
તું નજીવા કારણે ના ક્રુદ્ધ થા.
એ જ તો નાદાન અંતિમ ધ્યેય છે,
નામ લઈ ઈશ્વરનું તું સમૃદ્ધ થા.
– દિનેશ ડોંગરે નાદાન
————————–
અત્યારે કોરોના ભય ચારેબાજુ પ્રચલિત છે, ત્યારે આપણે ત્યાં કવિતાચોરોના ભય પણ ઓછા નથી. ઘણી વાર માહિતીનો અભાવ પણ તેની માટે જવાબદાર છે. ઉપરોક્ત કવિતા વર્ષોથી ઝવેરચંદ મેઘાણીના નામે ફર્યા કરે છે. શેર કરનાર મિત્રોને ખબર નથી હોતી કે ઝવેરચંદ મેઘાણીએ કોઈ ગઝલ લખી નથી. તેમને તો કવિતાનો આનંદ વહેંચવો હોય છે, પણ તેમાં કવિના નામના અભાવે વહેંચવો યોગ્ય નથી. એમાંય બીજાની કવિતા પોતાના નામે ચડાવીને શેર કરવાની વૃત્તિ તો તેની કરતાં પણ વધારે ખરાબ છે. કવિ થવાની ઝંખના સેવતા આવા ઘણા લોકો સોશિયલ મીડિયામાં જાણીતી અને સુપ્રસિદ્ધ કવિતાઓ પણ પોતાના સર્જન તરીકે ખપાવવામાં પાવરધા હોય છે. આ રોગથી બચવા જેવું છે. દિનેશ ડોંગરેની આ રચના એટલી સરસ છે કે કોઈ પણ જાણીતા કવિના નીમે ચડાવી દેવામાં આવે તો સાચી માની લેવામાં આવે.
પ્રથમ શેરથી જ આપણે ગઝલ તરફ ખેંચાઈ જઈએ. બુદ્ધ થવાની વાત કવિતામાં ઘણી વાર આવી છે. મેહુલ પટેલે ઈશે પણ લખ્યું છે, ‘બુદ્ધ ને મહાવીરમાં જાગી ગયું, મારી અંદર જે સૂતેલું હોય છે.’ સાધારણ માનવીઓનું મન સંસારની માયાજાળમાં ગૂંચવાયેલું રહે છે, જાગ્રત નથી થઈ શકતું, એટલે તે બુદ્ધ, મહાવીર જેવી ઊંચાઈએ નથી પહોંચી શકતા. પણ દિનેશ ડોંગરે બે ઓપ્શન આપે છે. ધીમેધીમે વૃદ્ધિ પામીને સમૃદ્ધિ સુધી પહોંચવાનો અથવા તો બધી જ સમૃદ્ધિને હડસેલીને બુદ્ધપણા ભણી પ્રયાણ કરવાનો.
બીજો શેર વાંચતા કલાપી યાદ આવી જાય કે, ‘ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.’ કલાપી ઈશ્વરની વાત કરે છે, ત્યારે અહીં કવિ આંતરિક શુદ્ધિ તરફ આંગળી ચીંધે છે. ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મનો પ્રધાન સુર પણ આ જ હતો. ખરેખર વહેતી ગંગા મેલી થઈ ગઈ છે તેની વાત, નાયિકા, અને આંતરિક અશુદ્ધિ ત્રણેની વાત આ ફિલ્મમાં બખૂબી કરી છે. આપણે પાપ ધોવા ગંગામાં ડુબકીઓ મારીએ છીએ, ભીતરથી શુદ્ધ થવા માટે આવી ડૂબકીઓ મારવાની જરૂર નથી. એમ ગંગામાં એક ડૂબકી લગાવી દેવાથી પાપ ધોવાઈ જતાં હોત તો શું જોઈતું હતું.
ત્રીજો શેર કુરુક્ષેત્રની યાદ અપાવે એવો છે. સામે સ્વજનો ઊભેલાં જોઈને અર્જુને હથિયાર હેઠાં મૂકી દીધાં. કૃષ્ણએ આપેલી ગીતા-સમજણ પછી તેણે શસ્ત્ર હાથમાં લીધાં. માણસ ઘણી વાર આવી પરિસ્થિતિમાં મુકાઈ જતો હોય છે, ત્યારે આવી ગીતાસૂજ જરૂરી છે. પછીના શેરમાં સીધું મહાભારત સાંભરે, નરો વા કુંજરો વા કહ્યા પછી ધર્મરાજ ગણાતા યુદ્ધિષ્ઠિરનો રથ પણ જમીનને અડીને ચાલવા લાગ્યો, કેમકે સત્યવચન કહેનારા યુદ્ધિષ્ઠિરે પણ દૂધદહીમાં પગ રાખવાની વૃત્તિ રાખી. આપણે ત્યાં આવા ડબલઢોલકી સ્વભાવ ઘરાવતા માણસોનો તોટો નથી. તેમને દુશ્મનના ઘરે બરફી ખાવી હોય છે, અને દોસ્તોના ગુલાબજાંબુ પણ છોડવા નથી હોતા. આવી વૃત્તિ ધરાવતા માણસોથી દૂર રહેવું.
હર્ષ બ્રહ્મભટ્ટનો શેર છે, ‘જિંદગી આખી ગઈ એ ભૂંસવામાં, ક્રોધમાં જે શબ્દ હું બેચાર બોલ્યો’, ક્યારેક મગજ પર કાળ સવાર થઈ જતો હોય છે, તેવા સમયે ન બોલવાનું બોલાઈ જાય છે. ન વર્તવું જોઈએ તેવું વર્તાઈ જવાય છે. આવા સમયે ચિત્તને શાંત રાખવાની જરૂર છે. નજીવા કારણે કરેલો ગુસ્સો આખરે પોતાની પર જ બોમ્બ જેમ પડતો હોય છે, એ ફૂટે ત્યારે જ એનો અહેસાસ થાય છે.
ઈશ્વરના શરણે જવાની વાત સંતો-ભક્તો-ઓલિયા-ફકીરો યુગોથી કરી રહ્યા છે. માનવનું અંતિમ ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ છે.
આવા જ કાફિયા સાથે રમેશ પારેખની એક ઓછી જાણીતી ગઝલ પણ ખૂબ સરસ છે. તેનાથી લોગઆઉટ કરીએ.
————————–
લોગઆઉટ
એકલો છો યાને સોએ સો ટકા એ શુદ્ધ છે,
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે.
છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ,
ને કહ્યું તારી હયાતી તો સ્વયં એક યુદ્ધ છે.
જેને તેં ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય,
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે.
જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ વૃદ્ધ છે.
વિશ્વ એની ગતમાં ચાલે તારી ગતમાં તું રમેશ,
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે.
– રમેશ પારેખ
————————–
(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં આવતી કોલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
Leave a Reply