આત્મહત્યા કરવા જઈ રહેલી વ્યક્તિને…
લોગઇનઃ
ક્યાં જઈ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઈ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.
તમે જેને અંત માનો છો ને? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઈ રીબાઈને મરવાનો.
પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઈ ગઈ તો શું થયું?
તમારા બાળકની આંખમાં તો એવી ને એવી જ ચમક છે
–તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.
રૂપિયાની ખનક સંભળાતી બંધ થઈ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
–તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.
કાગળોમાં રોકેલો વિશ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિશ્વાસ હજુયે અકબંધ છે.
–વીંટીંમાં જડેલા સાચા મોતીની સફેદી જેવો જ.
કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય, એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય, એવુ તમને યાદ છે?
ગાઢ અંધારૂ છે એય સાચું –
ઝાંખો પ્રકાશ છે એય સાચું.
પણ એથી કાંઈ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?
આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…
– કૃષ્ણ દવે
————————–
ગયા રવિવારે સુશાંતસિંગ રાજપુતની આત્મહત્યાથી સમગ્ર બોલિવુડ ખળભળી ઊઠ્યું. બીજા દિવસે બારમા ધોરણનું રિઝલ્ટ હતું, એટલે સ્વાભાવિક તેની અસર વિદ્યાર્થીઓના મગજ પર પણ પડી શકવાની શક્યતા રહે. દરેક માણસના જીવનમાં એવી પળો આવે જ્યારે એમ લાગે કે દુનિયાની કોઈ પણ વસ્તુ તેને બચાવી શકે તેમ નથી. પૈસા, સુખ, સમૃદ્ધિ, એશોઆરામ અને ઝળહળાટ વચ્ચે પણ જિંદગી ઝાંખી પડતી જતી હોય તેવું લાગવા માંડે છે. સામે રસદાર વાનગી પીરસાયેલી હોય તોય જિંદગી તો સાવ બેસ્વાદ જ લાગે છે. જગતનાં તમામ દ્વાર બંધ થઈ ગયાં હોય એવું ફિલ થવા લાગે છે. નિરાશાનો વિકરાળ પંજો જિંદગીનું ગળું ઘોંટવા ઉતાવળો થતો હોય છે. આવી ક્ષણે વ્યક્તિના પગ આપોઆપ આત્મહત્યાના રસ્તે આગળ વધવા લાગે છે. આવી વ્યક્તિને રોકવા માટે કૃષ્ણ દવેએ લખેલી આ કવિતા ખરેખર પ્રેરણાદાયી છે. આ જ તો એ ક્ષણો છે, જ્યારે જાળવી જવાનું હોય છે. આમ તો આ કવિતા હીરાઘસુની આત્મહત્યા પર લખાયેલી છે, પણ તે આપઘાત કરવાનું વિચારતી વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને બહુ માર્મિક રીતે લાગુ પડે છે.
‘આત્મહત્યા’ બે શબ્દોના જોડાણથી બનેલો છે – આત્મા અને હત્યા. આત્મહત્યા કરનાર વ્યક્તિ માત્ર પોતાનો ગુનેગાર નથી, પોતાના આત્માની હત્યા કરીને તેની સાથે જોડાયેલા તમામ સંબંધોનો પણ તે આરોપી છે. આપઘાત એ જ અંતિમ રસ્તો લાગે ત્યારે કશું સૂઝતું નથી. મર્યા પછી લોકો પરસ્પર સૂફિયાણી સલાહ આપતી વાતો કરે કે કમ સે કમ આટલું કર્યું હોત તો બચી ગયો હોત.
સુશાંતસિંઘે ‘છીછૌરે’માં પોતાના આપઘાત કરતા પુત્રને રોકવા આકાશ-પાતળ કરી પુત્રને બચાવી લીધો હતો. આ ફિલ્મે સમાજમાં થતી આત્મહત્યાઓ રોકવા માટે મજબૂત સંદેશ પૂરો પાડ્યો હતો, પણ એ જ ફિલ્મના હીરોએ આત્મહત્યા કરી લીધી એ આપણા સમાજની મોટી કરૂણતા! કદાચ આટલો જ ફર્ક છે રીયલ અને રીલ લાઈફમાં. કોઈને સલાહ આપવી સહેલી છે, પોતે જ્યારે એ પલ્લામાં બેસવાનું થાય ત્યારે જ ખબર પડે છે કે કેટલું ભારે છે. આગનું વર્ણન વાંચવાથી તેની બળતરા અનુભવાતી નથી. એ તો બળ્યા હોય એ જ જાણે. સુશાંતસિંગે થોડા સમય પહેલાં પોતાનાં પચાસ સપનાનું લિસ્ટ પણ સોશિયલ મીડિયામાં રજૂ કર્યું હતું. તે વાંચીને થાય કે આ તો બહુ લાંબી મુસાફરી કરશે. લિસ્ટ લાંબું છે. બહુ ઊંચે ઊડશે. પણ અચાનક એ જ વ્યક્તિના આપઘાતના સમાચાર કાને પડે તો સ્વાભાવિક રીતે હૃદય શોક્ડ થઈ જાય, ઉર્દૂના કોઈ કવિએ લખેલો શેર યાદ આવી ગયો-
વો તો બતા રહા થા કઈ રોજ કા સફર,
ઝંઝીર ખીંચ કે જો મુસાફર ઉતર ગયા.
અડધેથી કંટાળી મુસાફરી અટકાવી દેનાર વ્યક્તિ એવું નથી વિચારતી કે આગળની મુસાફરી વધારે સુંદર હોઈ શકે છે. આત્મહત્યા કરવી એ ઇન્ટરવલમાં ફિલ્મ છોડવા જેવું છે, શક્ય છે કે ઇન્ટરવલ પછીની ફિલ્મ વધુ રસપ્રદ નીકળે. મૃત્યુનો સકંજો જ્યારે ગળાની ચારે તરફ ભીંસાતો હોય ત્યારે હકારાત્મક કવિતાની એકાદ કડી, એકાદ વિચાર, કોઈ સુવાક્ય કે સંવાદ કાને અથડાઈ જાય તો જીવનની નૈયા પાર ઊતરી જતી હોય છે. કૃષ્ણ દવેની આ કવિતા આત્મહત્યા કરવા જતા સેંકડો વ્યક્તિઓ માટે જીવાદોરી બની રહે તેમ છે. જિંદગી ટૂંકાવવાનો વિચાર આવે, ત્યારે એ થોડીક પળો પૂરતું જાળવી જવાનું હોય છે. ટ્રેનના પાટે પડતું મૂકવાનું વિચારતો માણસ એ એક પળ ચૂકી જાય તો જિંદગી પાટે ચડી જતી હોય છે.
————————–
લોગઆઉટ
હું હજી ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી,
એટલામાં કોઈ બોલ્યું જો સડી ગઈ જિંદગી,
એક ક્ષણ એવું થયું થયું પાટા નીચે પડતું મૂકું,
એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી.
– મુકેશ જોશી
————————–
(ગુજરાત સમાચાર, ‘રવિપૂર્તિ‘માંથી, કોલમનું નામ: અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા)
Leave a Reply