બહેનના મૃત્યુની કરૂણ કવિતા
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં આવતી
કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ
————————–
લોગઇનઃ
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!
કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ!
સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં!
છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી!
– હરિશ્ચન્દ્ર ભટ્ટ
————————–
ગુજરાતી સાહિત્યમાં કાચી ઉંમરે આથમી ગયેલી ઘણી કલમો છે. કલાપી, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, શીતલ જોશી, પાર્થ પ્રજાપતિ, જગદીશ વ્યાસ જેવા કવિઓ ઓછું જીવ્યા એવું કહેવા કરતા ઝડપથી જીવી ગયા એવું કહેવું વધારે યોગ્ય લાગે છે. કલાપી અને રાવજીએ તો તેમની ઓછી ઉંમરમાં જે કામ કર્યું છે ઘણા લાંબા આયુષ્ય પછી પણ નથી કરી શકતા. હરિશ્ચન્દ્ર ભટ્ટ આવા મધ્યાહ્ને અસ્ત સૂર્ય સમાન કવિ હતા. 1906માં જન્મી 1950માં જીવનલીલા સમેટી લેનાર આ કવિએ કાવ્યલીલામાં ચિરંજીવપણું મેળવી લીધું. તેમના અવસાન બાદ ઉમાશંકર જોશીએ ‘સ્વપ્નપ્રયાણ’ નામનો તેમનો મરણોત્તર કાવ્યસંગ્રહ કર્યો. સુરેશ જોષીએ આ કવિને ‘વિષાદની વસન્ત’ કહ્યા છે. તેમની કવિતામાં એક ઘેરો વિષાદ છે, પણ તે વિષાદ મધુર છે! આજે તેમનો જન્મદિવસ છે, ત્યારે તેમનું એક ખૂબ જ પ્રસિદ્ધ કાવ્ય માણીએ.
આપણે ત્યાં માતાના મરણ, પિતાના સ્વર્ગવાસ કે પત્નીના અવસાન પછી સર્જાતા કરૂણભાવોનું આલેખ થયું છે, પણ ભાગ્યે જ બહેનના અવસાન પર કોઈ કવિએ લખ્યું છે. ચં.ચી. મહેતા જેવા આંગળીના વેઢે ગણાય એવા એકાદ-બે કવિઓને બાદ કરતા ભગિનીપ્રેમ કે ભગિનીવિયોગની કવિતા કોઈએ લખી હોય તેવું ધ્યાનમાં નથી. હરિશ્ચન્દ્ર ભટ્ટ તેમાંના એક છે.
આ કવિતા હરિશ્ચન્દ્ર ભટ્ટની ઓળખ સમાન છે. મરણ પછી સ્મરણ વિષાદ થઈ પ્રગટે છે. કવિને બહેનની નિર્દોષ ને નિર્મળ આંખ યાદ છે. આ આંખ યૌવનથી અજાણ છે, હજી વસંત પૂરી પાંગરી નથી. વેલી હજી વિસ્તરી નથી. એનાં પાન હજી કૂણાં છે. શૃંગાર સાસરવાસની સોભા બને તે પહેલાં તો સ્મશાનવાસી થવું પડ્યું. બહેન હજી તો હમણાં જ પરણીને ગઈ છે, હજી હમણા ચોરીમાં બેઠી હતી તે અત્યારે ચિતામાં છે. ‘કીધો હજી સાસરવાસ કાલે, શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!’ હજી તેનું કૌમાર્ય ઊઘડું ઊઘડું થઈ રહ્યું હતું, ઊઘડ્યું નહોતું. તે જીવનચૂંદડી પહેરીને સંસાર નામના સાગરને કિનારે અંજલિ લઈ રહી હતી. સંસારના આ સાગરનું પાણી ખારું છે કે મીઠું તેવું સમજે તે પહેલાં તો તેનો પગ સમુદ્રમાં સરી પડ્યો. સંસારની સુગંધ માણે એ પહેલાં વિલાઈ જવું પડ્યું.
બહેન અને ભાઈનો સંબંધ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ કવિતા પવિત્રતાના ઊંબરામાં દીવા સમાન પ્રગટીને અજવાળું પ્રસરાવે છે. નાનપણમાં રમકડાથી લઈને ભણતર સુધી, ખાણીપીણીથી લઈને મસ્તીમજાક સુધી દરેક ભાઈની પહેલી દોસ્ત તેની બહેન હોય છે. વળી પહેલી દુશ્મન પણ બહેન જ. કેમ કે તેની દરેક વાતમાં એક ઝઘડો હોય છે, પણ આ ઝઘડામાં મીઠપ હોય છે. આવી મીઠનો સેતુ રચતી બહેન સાસરે જાય ત્યારે ભાઈના હૈયામાં પણ એક વહાલનું પૂર ઘૂઘવ્યા કરતું હોય છે. કવિએ પોતાના વહાલનું પૂર ઓસર્યું તેની કરુણતા આ કવિતામાં આલેખી છે. બહેનની નિર્દોષ અને નિર્મળ આંખ કાયમ માટે મીંચાઈ જાય એ કયા ભાઈને દુઃખી ન કરે? ઘરના ફળિયામાં પતંગિયા જેમ ઊડાઊડ કરતી, ઝાંઝરીનો ઝણકાર વેર્યા કરતી એક ઘરની મીઠપ બીજા ઘરને પોતાની મીઠાશ આપવા નીકળી હતી, સાસરવાસ કરવા શૃંગાર સજ્યો હતો, ત્યાં તો એ શૃંગાર શોક બની ગયો.
કવિએ છેલ્લે ‘સુકોમળી દેહકળી અરે અરે’ કહ્યું ત્યારે બહેન ગુમાવ્યાનો શોક ખરેખર કરુણતાના શિખરે પહોંચતો હોય તેમ લાગે છે. વાચકને પોતાને પણ પીડાનો અનુભવ થાય છે. મનમાં એક પ્રકારની શ્મશાનવત્ શાંતિ પ્રસરી જાય છે. વસંતની ફૂંકથી ખરી પડેલી આ કળી કવિના હૃદયમાં એક ઊંડો વિષાદ રોપી જાય છે. સુરેશ જોષીએ ખરેખર સાચું જ કહ્યું છે, આ કવિની કવિતા વિષાદના વસંત જેવી છે.
————————–
લોગઆઉટ
મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.
– હરિશ્ચંદ્ર ભટ્ટ
Leave a Reply