દેશ તો આઝાદ થતા થઈ ગયો, તેં શું કર્યું?
લોગઇનઃ
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
‘લાંચ-રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા!’
રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો! તેં શું કર્યું?
આપબળ ખર્ચ્યું પૂરણ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે!
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.
– ઉમાશંકર જોશી
————————–
ચોમાસું આવતાં દેડકા દેખાવા લાગે, તેમ પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી આવતાની સાથે જ આપણી અંદર રહેલો દેશપ્રેમનો દેડકો ડ્રાઉં-ડ્રાઉં કરવા લાગે છે. આપણા ડીપીમાં તિરંગો લહેરાવા લાગે છે. રાતોરાત આપણા વિચારોનો આકાર ભારતના નકશા જેવો થઈ જાય છે. શંકરે સ્વર્ગમાંથી ઊતરેલી ભાગીરથીને પોતાની જટામાં ઝીલેલી, તેમ આ દિવસોમાં આપણે દેશપ્રેમની મીઠી મીઠી વાતો કરતા મેસેઝિસની નદીને મોબાઇલ નામની જટામાં ઝીલીએ છીએ. પછી જેમ શિવજીની જટામાંથી ભાગીરથી પૃથ્વી પર અવતરી તેમ, આપણે આ મેસેઝિસને ઇનબોક્ષની જટામાંથી અન્ય લોકોના ફોનમાં વહેતા કરીએ છીએ. સવારે ઘરેથી નીકળતા ટ્રાફિક પર ઊભા રહીને ખરીદેલો ઝંડો બપોર થતા પહેલાં તો પસ્તીની જેમ જ્યાં ત્યાં રઝળવા લાગે છે. આપણા દેશપ્રેમની અવધિ અલ્પજીવી જીવજંતુ કરતા પણ ઓછી હોય છે.
ઉમાશંકરે વર્ષો પહેલાં લખેલી આ કવિતા આઝાદીના તોંતેર વર્ષ પછી પણ એટલી જ સચોટ છે. દેશ આઝાદ થયો તે વખતે જે પ્રશ્નો હતા તે આજે પણ એટલા જ સનાતન છે. દેશમાં ક્યાંય પણ કશી પણ નકારાત્મક ઘટના ઘટે ત્યારે આપણે સીધા સરકારને દોષ આપવા લાગીએ છીએ. રસ્તામાં પડેલા ખાડાથી લઈને શ્હેરના હાઇવે પર રઝળતા ઢોર સુધી માત્ર ને માત્ર સરકાર જવાબદાર છે એવું આપણે દાવા-દલીલ સાથે સાબિત કરી આપીએ છીએ. આપણને આવું કરવું ગમે છે. બીજા કરતાં આપણે કેટલા હોશિયાર છીએ, કાયદો કેટલો જાણીએ છીએ, શું કરવું જોઈએ – શું ન કરવું જોઈએ તેની આપણને કેટલી બધી ગતાગમ છે, તે બતાવવામાં બહુ મજા આવે છે. એક પણ વાર એમ નથી વિચારતા કે આપણે જાતે કશુંક કરીએ. પોતાના ઘર આગળ કચરો વધે એમાંય સરકારનો વાંક જોતા ઘણા લોકોનું મન ઉકરડા જેવું હોય છે. તેમાં ભારોભાર ટીકાનો કચરો ભર્યો હોય છે. ઉમાશંકર જોશીએ સાચું જ કહ્યું, લાંચ-રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામા-માશીના, કાળા બજારો, મોંઘવારીએ માઝા મૂકી છે. આપણે બીજાના દોષો ગોખીએ છીએ, પછી એને ગાળથી પોંખીએ છીએ. પણ જરૂર પડે ત્યારે પોતે લાંચ લેતા કે દેતા અચકાતા નથી. આપણને બસ આપણાં પર્સનલ કામ કઢાવવાથી મતલબ છે.
દેશ જ્યારે કોરોના નામની મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ફરજિયાતપણે માસ્ક પહેરવું, સેટિટાઇઝરનો ઉપયોગ કરવો, જ્યાં ત્યાં થૂંકવું નહીં – એ પણ એક દેશસેવા જ છે. ટ્રાફિકના નિયમોનો છડેચોક ભંગ કરનાર માણસ – કોર્પોરેશનનું કામકાજ બહુ ભંગાર છે, જ્યાં ત્યાં ટ્રાફિક ભરચક જ હોય છે – તેવી ફરિયાદો કરીને જાહેરમાં ભાંડતા હોય એવું ક્યાં નથી બનતું? સુપ્રસિદ્ધ હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ એક જોક્સ વારંવાર કહે છે. એક માણસ મારી પાસે આવ્યો, કહે કે મારે સેવા કરવી છે, હું શું કરું? મેં કહ્યું, ભાઈ, પહેલાં જેના ઉછીના રૂપિયા લીધા છે એને પાછા આપી દે, એ પણ સેવા જ છે. આપણા ભાગે આવતી જવાબદારી આપણે નિભાવીએ તો એ પણ દેશની સેવા જ છે. માત્ર સેલ્ફી લેવા માટે ઝંડો ખરીદીને કચરામાં નાખવો એ પણ એક પ્રકારનો દ્રેશદ્રોહ જ છે. રાષ્ટ્રધ્વજ આપણા દેશની શાન છે, એ નીચો ન પડવો જોઈએ. હિન્દીના કવિ શ્યામલાલ ગુપ્ત ’પાર્ષદે’ લખેલા અદ્ભુત ગીતથી લોગઆઉટ કરીએ.
————————–
લોગઆઉટ
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.
સદા શક્તિ સરસાનેવાલા, પ્રેમસુધા બરસાનેવાલા,
વિરોં કો હર્ષાનેવાલા, માતૃભૂમિ કા તનમન સારા
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
શાન ન ઈસકી જાને પાયે, ચાહે જાન ભલે હી જાયે
વિશ્વ વિજય કરકે દિખલાયે, તબ હોવે જગ પૂર્ણ હમારા,
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
આવો પ્યારોં, આવો વીરો, દેશધર્મ પર બલિ બલિ જાઓ,
એક સાથ સબ મિલકર ગાઓ, પ્યારા ભારત દેશ હમારા,
ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
– શ્યામલાલ ગુપ્ત ‘પાર્ષદ’
————————–
ગુજરાત સમાચારમાં દર રવિવારે, રવિપૂર્તિમાં આવતી મારી કોલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ…
Leave a Reply