જનરેશન ગેપની કવિતા
લોગઇનઃ
તમે મોર્નિંગ બોલો ને અમે બોલીયે પ્રભાત,
બંને જનરેશનમાં છે આટલી જ વાત.
ઊંઘવાનું વ્હેલું ને ઊઠવાનું વ્હેલું ને છે પાછો જાતરાનો જીવ,
તમને તો ઊંઘવાની ટેવ જ નહીં ને હોવ કાશીની જગ્યા પર દીવ.
તમે પાર્ટીમાં જાવ અમે સત્સંગની જાત.
બંને જનરેશનમાં છે આટલી જ વાત.
કૉલેજમાં કોઈ તને આપી દે સ્માઈલ તો ઊડે પતંગિયાં હજાર,
ઘેર મારે આવે છે ફૂલના સમ ભૂલકાં, હું વરસાવું હેતનો તુષાર.
તમે પ્રેમીના જીવ અમે બાળક સંગાથ.
તમે મોર્નિંગ બોલો ને અમે બોલીયે પ્રભાત,
બંને જનરેશનમાં છે આટલી જ વાત.
– રવિ કે. દવે ‘પ્રત્યક્ષ’
————————–
રવિ દવે નવી કવિતાનું આશાસ્પદ નામ છે. ગઝલ-ગીત બંને તેમની કલમને ફાવે છે. આ ગીત દ્વારા તેમની કાવ્યપ્રતિભા આપણી ‘પ્રત્યક્ષ’ થાય છે. ગીતનું શીર્ષક જ ઘણું બધું સૂચવી આપે છે. એષા દાદાવાલાએ પણ ‘જનરેશન ગેપ’ના શીર્ષકથી સરસ કવિતા લખી છે. તેમાં સાત વર્ષની દીકરીને અને તેની માતાને સપનામાં પરીઓ આવે છે, પણ એ બંનેના સપનાની પરીઓ કંઈક જુદો જુદો દિશાસંકેત કરે છે.
જનરેશન ગેપ એટલે શું? બાપ વીસ રૂપિયા બચાવવા માટે ચાલીસ મિનિટ ચાલી નાખે અને દીકરો ચાલીસ મિનિટ બચાવવા માટે વીસ રૂપિયા ખર્ચી નાખે તે? વિચારો… જનરેશન ગેપને આપણે બે અલગ અલગ વચ્ચે થતા ગેપ તરીકે જોયો છે. તેની વહેંચણી પણ એ જ રીતે કરી દીધી છે, પણ આજે આ ગેપમાં પેઢીઓ જેટલું અંતર રહ્યું નથી. બાપ-દીકરામાં જે ગેપ દેખાય છે તેવો અત્યારે દસ-પંદર વર્ષના અંતરે જન્મેલાં બાળકોમાં પણ જોવા મળે છે. તેમના વિચાર, રહેણીકરણી અને વર્તન સાવ ભીન્ન હોય છે. પહેલાના સમયમાં એક પેઢીથી બીજી પેઢી વચ્ચે જનરેશન ગેપ જોવા મળતો હતો, અત્યારે એક જ પેઢી વચ્ચે પણ સૂઝબૂઝ અને વિરોધાભાષી મતમતાંતરો જોવા મળે છે. આજની પ્રતિષ્ઠા પણ એટલી જ અલ્પજીવી થઈ ગઈ છે. આજે કોઈ વીડિયો યૂટ્યૂબ કે અન્ય સોસિયલ મીડિયા પર વાઇરલ થાય તો તે વીડિયોનો કર્તા અથવા તેમાં દેખાતી વ્યક્તિ રાતોરાત પોપ્યુલર થઈ જાય, પણ અઠવાડિયા પછી તે વ્યક્તિને કોઈ ઓળખતું પણ ન હોય એવું બને. પ્રસિદ્ધિની આયુ બહુ ઓછી થઈ ગઈ છે. જે એવરગ્રીન છે, તે સદાકાળ રહેવાના છે. ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર જેવી મહાપ્રતિભાઓ પ્રસિદ્ધિના પટાંગણને વટાવી ગઈ છે. મૂળ વાત જનરેશન ગેપની છે. બે પેઢી વચ્ચે માત્ર વિચાર કે રિવાજ જ નહીં, બીજી ઘણી બધી રીતે પણ જુદાપણું હોય છે.
ઉપરનું આખું ગીત કોઈ પ્રૌઢ કે વૃદ્ધ વ્યક્તિના મુખે કહેવાયું હોય તે રીતે લખાયું છે. તે સહજતાથી વાત કરે છે કે તમે મોર્નિંગ બોલો છો, ત્યારે અમે એ જ વસ્તુને પ્રભાત કહીએ છીએ, આટલી જ વાત છે; પણ કવિ પરોક્ષ રીતે કહી આપે છે કે આટલી વાત નથી. બીજી પણ ઘણી વાત છે. બે પેઢીનું અંતર એક પહાડથી બીજા પહાડ જેટલું હોય છે. આ દરમિયાન વચ્ચે રહેલી ખાઈ ભૂલી ન શકાય. ગુલઝારે સાહેબે લખેલી નઝ્મ પણ આ ક્ષણે યાદ આવ્યા વિના ન રહે. ‘મકાન કી ઉપરી મંજિર પર’ નામની ગઝલમાં બે પેઢી વચ્ચેનો ગેપ જે રીતે દર્શાવાયો છે, તે હૃદયના તાર ઝણઝણાવી જાય એવો છે. તેમની આ નઝ્મ ખાસ વાંચવા જેવી છે. રવિ દવેએ કાશી અને દીવ અલગ પાડ્યા છે. આજની પેઢી જોકે બંને સાથે રાખીને ચાલે એવી છે, એ વાત પણ નકારી શાકય તેમ નથી. જૂની પેઢી વહેલા ઊંઘી જાય, સવારે વહેલા જાગે, યુવા પેઢી મોડી રાત સુધી મોજમસ્તીમાં માને, મોડા ઊંઘે, ઊઠે પણ મોડા… આ ભેદ છે, પણ આ ભેદ બહારનો છે, આ સિવાય તેની અંદર પણ ઘણા ભેદ છે, એ ભેદ તો તેની ઉપરનું પડણ ઉખાડો તો જ દેખાય.
આજની નવી પેઢી વિશે બધા કહે છે કે બહુ ફાસ્ટ છે આ પેઢી. નવી પેઢી પોતાનું નાવીન્ય સાચવીને જૂની પેઢી સાથે કદમતાલ મિલાવવાની કોશિશ કરે છે એ ખૂબ સારી વાત છે. વળી એટલી જ સારી વાત એ પણ છે કે જૂની પેઢી નવી પેઢીનું નાવીન્ય સ્વીકારી રહી છે. પહેલાના સમમાં દીકરા-દીકરીના લગ્ન નક્કી થઈ જાય અને તેમને દિવસો સુધી ખબર પણ ન હોય એવું બનતું. આજે બંને પેઢીઓ સંમતીથી આગળ વધે છે. છતાં એવી ઘણી બાબતો છે, જે ગેપને ગેપ રાખે છે, સેતુ નથી બનવા દેતી. જોકે બધી જ પેઢીઓ સરખું વિચારે એ જરૂરી પણ નથી ને શક્ય પણ નથી. દરેક પેઢીની પરિસ્થિતિ અને વાતાવરણ અલગ હોવાના, તેથી તેમની વિચારસરણી પણ અલગ હોય તે સ્વાભાવિક છે. જૂની પેઢીમાંથી નવી પેઢી હંમેશાં શીખતી હોય છે. જૂની પેઢી પણ આવનારી નવી પેઢીને પોતાના અનુભવનું મહામૂલું ભાથું આપી જતી હોય છે. મરીઝ જેવો શાયર આગામી પેઢીને કવિતાસભર નવા શ્વાસ આપી જાય.
————————–
લોગઆઉટ
આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
– મરીઝ
————————–
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી
*અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા*
Leave a Reply