ઝળહળ ઝળહળ અંધારું છે; હું એનો ને એ મારું છે.
લોગઇનઃ
ઝળહળ ઝળહળ અંધારું છે;
હું એનો ને એ મારું છે.
આ ઘર ઓ ઘર ને એ એ ઘર,
ના મારું કે ના તારું છે.
વાંધો શો છે વ્હેંચી લઈએ,
અજવાળું તો મજિયારું છે.
દુઃખને દુઃખ ભેટે છે હોંશે,
આવું સુખ સૌથી સારું છે.
કોક વખત એવું પણ લાગે,
અજવાળું તો અંધારું છે.
આભ અને એથી ઊંચે તું,
પંખી કેવું ઊડનારું છે!
પડવું, ઊઠવું, ચાલ્યા કરવું,
ભઈલાજી, આ સંસારું છે.
– મનહર મોદી
————————–
ગુજરાતી ગઝલને નવા વહેણમાં ઢાળવામાં જે અમુક કવિઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેમાં મનહર મોદીનું નામ આદરથી લેવું પડે. ગઝલમાં તેમણે કરેલા પ્રયોગો ધ્યાન ખેંચે તેવા છે. જે સમયે ગુજરાતીમાં એબ્સર્ડનો મારો હતો, ત્યારે તેમણે ગઝલમાં તેની છાંટ બરોબર ઝીલી. અનેક ઉત્તમ ગઝલ આપનાર આ કવિની ગઝલો પણ મનોહર છે. તેમની ઘણી ગઝલો જાણીતી છે, તેમાંથી એક ઓછી જાણીતી ગઝલ લઈએ.
પ્રથમ શેરમાં જ વિસ્મય ઊભું થયું. કવિએ અંધારાને ઝળહળતું કહ્યું છે. આપણે તો કાયમ અંધકારને કાળું જ ઓળખીએ છીએ. અહીં અંધારાને નેગેટિવ રીતે નથી લેવાનું. રાજેન્દ્ર શુક્લે તો “ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો…” એમ કહી અંધારાની ઉજાણી કરી. ઝળહળતું અંધારું કહેવા પાછળ કવિના ઘણા છૂપા ઇંગિતોની ઝાંખી થાય છે. તેમની યાદો, અંગત સમય અને ઘણુંબંધું વણાયેલું કલ્પી શકાય છે.
બીજો શેર વાંચીને તો સીધા મરીઝ યાદ આવી ગયા. તેમણે લખ્યું,
એ એક ગેરમજ છે ને જગતભરમાં છે,
તું એ ન જો કે કોણ અહીં કોના ઘરમાં છે.
અરે! આપણને એમ લાગે કે બધા પોતપોતાના ઘરમાં તો છે, પણ ના એવું નથી. ફલાણાના ઘરમાં રહેતી સ્ત્રી તેના ઘરમાં નહોતી હોવી જોઈતી, તે ફલાણાના ઘરમાં હોવી જોઈતી હતી. કેમકે તેનો અનુરાગ તેની સાથે હતો. આવી તો કેટકેટલી વ્યક્તિઓ કોના ઘરમાં હોવી જોઈતી હતી અને કોના ઘરમાં હોય છે. સૌ યોગ્ય રીતે પોતપોતાના ઘરમાં છે એ આપણી મોટી ગેરસમજ છે. બાપરે! મરીઝે કઈ વાત ક્યાંથી જોડી દીધી. મનહર મોદીએ ઈશ્વરની વાત કરી. ગમે તેવા ઝૂંપડાં, ઘર, બંગલા હોય, બધું અહીંનું અહીં છે. કોઈનું કશું નથી. આપણે દસ્તાવેજો કરાવીએ છીએ, પણ રાજેશ વ્યાસ મિસ્કીને કહ્યું છે તેમ કોઈ તારું નથી. અને કશું તારું નથી. આવ્યા ત્યારે ક્યાં ઘર સાથે લઈને આવ્યા હતા, એ તો અહીં આવીને પામ્યા.
અજવાળાનું અનુસંધાન સીધા સુખ સાથે જોડાય. સુખની વહેંચણીથી આનંદ બમણો થાય. જીવનમાં પ્રસરાતું અજવાળું ક્યારેય કોઈ વ્યક્તિનું હોતું જ નથી. તેમાં કોઈ ને કોઈ બીજી વ્યક્તિનો પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ હોય જ છે. તો જે અજવાળું મજિયારું હોય તેને વહેંચવામાં શો વાંધો?
એક દુઃખી વ્યક્તિ બીજી દુઃખી વ્યક્તિને હોંશથી ભેટે છે, ત્યારે આપોઆપ એ ભેટવામાં સુખ ઉત્પન્ન થાય છે. ગણિતના દાખલામાં બે માઇનસ પ્લસ ન થઈ શકે એવો સિદ્ધાંત ભલે હોય, પણ જીવનમાં એવું નથી હોતું. બે દુઃખનો સરવાળો ક્યારેક સુખમાં ફેરવાઈ જતો હોય છે. અને બે દુઃખના પરસ્પર ભેટવાથી ઊભું થતું સુખ ન્યારું હોવાનું જ! ક્યારેક સુખ માત્ર આભાસ જેવું હોય છે. લાગતું હોય છે સુખ, પણ એને ખોલીએ તો નીકળે દુઃખ. ક્યારેક આનાથી ઊલટું પણ થાય. અજવાળાની ઝળાહળામાં ક્યારેક અંધારાનો અનુભવ થાય તો ક્યારેક અંધારામાં તેજનો. યે જિંદગી હૈ મેરેભાઈ!
આભથી ઊંચે ઉડનારા પંખીની વાત મનહર મોદી કરે ત્યારે ઘણી દિશામાં દિમાગના ઘોડા દોડાવવા પડે. શું વ્યક્તિના અહમની વાત છે? આધ્યાત્મિક મનોસ્થિતિની વાત છે? કે નરી કલ્પનામાત્ર છે. એક શેર કેટલી દિશામાં દોડાવે છે!
છેલ્લો શેર જાણે વાર્તાનો અંતિમ સાર આપતા હોય તેવો છે. જીવનમાં સુખ-દુઃખ, તડકો-છાંયો, સારું-નરસું તો રહેવાનું જ છે. એનું જ નામ સંસાર છે. પણ મનહર મોદીએ અહીં ‘સંસારું’ કહ્યું તેમાં જે ઠાવકાઈ છે, તે ઊડીને આંખે વળગે છે. આવા તો અનેક પ્રયોગો તેમણે ગઝલમાં કર્યા છે. તેમણે પોતાના પ્રયોગથી ગુજરાતી ગઝલને સમૃદ્ધ કરી છે. તેમની જ એક મત્લાગઝલથી લોગઆઉટ કરીએ.
————————–
લોગ આઉટઃ
સાચેસાચું બોલ, મનહરા!
મણનું મોઢું ખોલ, મનહરા!
જીવતર કાણી ડોલ, મનહરા!
ખાવા લાગે ઝોલ, મનહરા!
અજવાળું અણમોલ, મનહરા!
પોતાને તું તોલ, મનહરા!
સુખને દુઃખથી ફોલ, મનહરા!
મોંઘા એના મોલ, મનહરા!
મીઠું મીઠું બોલ, મનહરા!
ઈશ્વરનું ઘર ખોલ, મનહરા!
– મનહર મોદી
————————–
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી, અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા
Leave a Reply