એક તરફ રામ મંદિરની વાતો થાય છે, બીજી તરફ સીતાઓ સળગાવાય છે.
લોગઇનઃ
ડૂસકાં ન સાંભળે ન તો પોકાર સાંભળે, છેલ્લે અમારાં કાન સમાચાર સાંભળે.
ચર્ચાઓ સાંભળે ને લગાતાર સાંભળે, નક્કામા સાલા કાન ન ચિત્કાર સાંભળે!
વારે ઘડીએ જાગતાં વિકારની કથા, મીંઢા બનીને આપણાં સંસ્કાર સાંભળે.
ખીલતી કળીનું ગીત ને યૌવન તણી ગઝલ, અજવાસ સાંભળે નહીં, અંધાર સાંભળે!
હા, એ જ તો ખૂટે છે સતત પરવરિશમાં, અંદરનું સાંભળે નહીં ને બહાર સાંભળે.
~ ડૉ. મનોજ જોશી ‘મન’
————————–
હૈદરાબાદમાં 26 વર્ષની ડૉક્ટર પર ગેન્ગરેપ કરીને તને જીવતી સળગાવી દેવામાં આવી. તેના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા. જયા બચ્ચને તો સત્તા સામે આક્રોશ ઠાલવીને ત્યાં સુધી કહ્યું કે, તમારાથી કશું ન થતું હોય તો આરોપીઓને જનતાને હવાલે કરી દો. થોડા દિવસ પછી સમાચાર આવ્યા કે હૈદરાબાદના ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર. હજી આ શમ્યું નથી ત્યાં ઉન્નાવમાં એક દુષ્કર્મપીડિતા ગુરુવારે તેના કેસ માટે કોર્ટ જઈ રહી હતી. ત્યારે જામીન પર છૂટેલા બે આરોપીઓ સહિત પાંચ માણસોએ મળીને તને જીવતી સળગાવી દીધી. આવા સમાચાર સાંભળીને આપણું કાળજું કંપી જાય છે. આટઆટલું થયા પછી પણ સત્તામાં બેસેલા માણસો તો માત્ર આશ્વાસનનું અત્તર જ છાંટ્યા કરે છે. તેમાંથી જુઠ્ઠાણાની દુર્ગંધ આવ્યા કરે છે. એક તરફ રામ મંદિર બનાવવાની વાતો થઈ રહી છે અને બીજી તરફ સીતાઓને બાળવામાં આવી રહી છે.
આપણા બધીર કાન સુધી ચિત્કાર પહોંચે એટલા માટે જ મનોજ જોશીએ આવી સંવેદનશીલ કવિતા લખી છે. કવિનું આ કામ છે, સમાજની વરવી ઘટનાઓ પ્રત્યે લોકોના હૈયામાં સંવેદનશીલતા જગાડવાનું. વળી મહત્ત્વની વાત એ છે કે આપણા કાન અમુક ઘટનાઓ પ્રત્યે જ બધીર થયા છે, તેમાં સંગીતના સૂર, ઢોલની ધનાધન, ફિલ્મના ડાયલોગ અને આપણી પ્રસંશા સારી રીતે સંભળાય છે. જ્યાં સુધી પોતાને ઘાવ ન થાય ત્યાં સુધી લોહીના લાલ રંગની ઘટ્ટતા સમજાતી નથી. બાકી ચિત્રમાં જોઈને તો માત્ર લોહીની ચર્ચા થઈ શકે. જ્યાં સુધી આપણી બહેન, દીકરી, માતા કે પત્ની પર બળાત્કાર ન થાય ત્યાં સુધી આપણને કશી અસર થતી નથી. ત્યાં સુધી સમગ્ર ઘટનાને આપણે કોઈ ચિત્ર જોતા હોય તેમ જોતા રહીએ છીએ અને ચા પીતાપીતા ચર્ચા કરતા રહીએ છીએ. આપણને સમાચારની સાદડી પર બેસીને ચર્ચા કરવી ગમે છે. સવારે નીકળેલી દીકરી સાંજે ઘરે સલામત રીતે પહોંચશે કે નહીં તેની ચિંતા કરતા બાપના હૈયાને કોણ ઓળખી શકે? આટઆટલી બીનાઓ બન્યા પછી પણ બાપડો સામાન્ય માણસ તો જીવ બાળવા સિવાય કશું કરી જ નથી શકતો. તેનું ન તો પોલીસ સાંભલે છે ન સત્તા. પણ જે સત્તામાં બેઠા છે અને કશુંક કરી શકે તેમ છે, તે માણસ પણ માત્ર જીવ બાળે અને વાતો જ કર્યા કરે ત્યારે ચોક્કસ નવાઈ લાગે. મનોજ જોશીએ આવા લોકો પર ચાબૂક ફટકારતા હોય તેમ પ્રહાર કર્યો છે.
આપણા કાન ડૂસકાં નથી સાંભળતાં, કોઈ પીડિતની પોકાર પણ નથી સાંભળતા. મીઢા મોઢે બેસીને સંસ્કારની વાતો કરનાર લોકોને ભાંડવા કરતા તેમની દયા ખાવી સારી. પૂજાના નામે તાજી પુષ્પકળીઓને તોડી નાખવામાં આવે, તેમ અમુક રિવાજોના નામે આજે પણ સ્ત્રીઓને અસહ્ય ત્રાસ વેઠવો પડે છે. એ વખતે એ સ્ત્રીની માનસિકતા પણ પેલી તોડાયેલી પુષ્પકળી જેવી જ હોય છે. તે ચીમળાઈ જાય છે. સમાજનો એક મોટો વર્ગ આવી ભીષણતા વચ્ચે ચીમળાઈ રહ્યો છે. ઘણી વખત આપણને ખબર પણ હોય છે કે, આ રિવાજ ખોટો છે, છતાં આપણે મૂગા મોઢે ગાડરિયા પ્રવાહની જેમ તેમાં દોરવાતા જઈએ છીએ. કેમકે આપણે અંતરાત્માના સાદને શીશીમાં ઢાંકણું મારીને બંધ કરી દીધો હોય છે. આપણે અંદરની વાત સાંભળતા જ નથી, બહારનું સાંભળ્યા કરીએ છીએ. એટલે જ મનોજ જોશી જેવા જાગ્રત કવિએ અંતરાત્માના સાદને સંભળાવવા આવી ગઝલરૂપી ટકોર કરવી પડે છે. આ કવિ મનપર્વક લખે છે. તેથી તેમની કલમ આવી ઘટનાઓ જોઈને કમકમી ઊઠે છે અને હળહળતી ગઝલી ઊતરી આવે છે. કોઈ પથ્થરાળ હૃદયમાં સંવેદના જગવવાનું કામ ખૂબ કપરું છે, આવી ગઝલો એ કામ સુપેરે કરતી હોય છે.
રોજબરોજ થઈ રહેલી દુષ્કર્મની ઘટનાઓ જોઈને કોઈ કિશોરીનો બાપ કદાચ ભાવેશ ભટ્ટના શેર જેવું જ વિચારતો હશેને?
————————–
લોગ આઉટઃ
મારી દીકરીનો વાન બદલી નાખ,
કાં જગતનું ઇમાન બદલી નાખ.
– ભાવેશ ભટ્ટ
————————–
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી, અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા
Leave a Reply