ગિરનાર એટલે ભગવાન દત્તાત્રેયનું મંદિર. દત્તાત્રેયને ઓળખવામાં આવે છે પોતાના જીવન દરમિયાન એમણે બનાવેલા ગુરુઓ દ્વારા. કહેવાય છે કે દત્તાત્રેય પ્રકૃતિના દરેક સજીવને પોતાના ગુરુ ગણતા હતા, કારણ કે સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવતા દરેક સજીવ પાસેથી માણસ કંઈક મહત્વનું શીખી શકે છે. તો ભગવાન દત્તાત્રેયના આ દેવસ્થાન જૂનાગઢને કેન્દ્રમાં રાખીને ગિરનારની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે કે લિલી પરિક્રમા. લોકવાયકાઓ દ્વારા એવું માનવામાં આવે છે કે ગઢ ગરવા ગિરનારમાં વસતા 33 કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી જ મળી જાય છે. આમ પણ શાસ્ત્રો આધારિત અથવા ગીતાના સારને અનુલક્ષીને જોઈએ તો પણ સફર દ્વારા જ જીવનના મહત્વના ગુણોનો વિકાસ થાય છે. પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાથી જ બુદ્ધિ અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. સફર વીના સિદ્ધિ નથી, પછી એ સફર આંતરિક હોય કે બહારી ખાસ ફર્ક નથી પડતો.
આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ સૌથી વધું પ્રમાણમાં જોવા મળે છે, જેમાં એક પ્રસંગ છે મહાશિવરાત્રીનો મેળો અને બીજો પ્રસંગ છે લીલી પરિક્રમા.
આ લીલી પરિક્રમામાં જોડાવા માટે ગુજરાતનાં લગભગ બધાં શહેરો અને ગામડાંઓમાંથી માનવ મહેરામણ ઉભરાય છે. દિવાળી અને દિવાળી પછીનો માહોલ જૂનાગઢમાં કંઈક અલગ જ અંદાઝમાં જોવા મળે છે. ભવનાથ તળેટી સંપૂર્ણ પણે આ સમયગાળા દરમિયાન શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે.
ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીના સમય માટે પરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવે છે. જેમાં (મળતી માહિતી મુજબ) આ વર્ષે 19 નવેમ્બરથી 23 નવેમ્બર સુધીના સમય માટે પરિક્રમા માર્ગ ખુલ્લો મુકાશે. ધાર્મિક દ્રષ્ટિકોણ ઉપરાંત પરિક્રમા સામાજિક દ્રષ્ટિકોણથી પણ ઘણી મહત્વપૂર્ણ મનાય છે. કારણ કે અહીં વિવિધ જાતિનાં, જુદાં જુદાં ધર્મનાં અને અલગ અલગ રીતિ રિવાજો વાળા અનેકવિધ લોકો કોઈ પણ જાતના મતભેદ વગર પરિક્રમાને શ્રદ્ધા સાથે પૂર્ણ કરે છે.
જૂનાગઢમાં આ સમયગાળા દરમિયાન પરિક્રમા કરવાં માટે ગુજરાત રાજ્ય ઉપરાંત નજીકના રાજ્યો જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા વિવિધ પ્રાંતના લોકો પણ ગિરનારની સંસ્કૃતિ અને સાધુઓનાં તપને જોવા જાણવાં ભાવપૂર્વક આવતાં હોય છે. એક અંદાઝ મુજબ ગિરનારની લીલી પરિક્રમામાં દર વર્ષે લગભગ 8 લાખ જેટલાં શ્રદ્ધાળુઓ જોડાય છે.
★ એક તકતી પર દર્શાવેલ માહીતી મુજબ પરિક્રમાની મહિમા. ★
લીલી પરિક્રમાનો મહિમા ( પુરાણો આધારિત ધાર્મિક કથાઓમાંથી.)
કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રાના લગ્ન માટે સૌપ્રથમ વખત આ પરિક્રમા કરવામાં આવી હતી. અને બોરદેવીની જગ્યા પર બોરડીના વૃક્ષ નીચે આવેલા માતાજીના મંદિર પાસે જ બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન પણ કરાવ્યા હતા.
પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતાઓ આધારિત લોકવાયકાઓ જોતા એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરીને આ પરિક્રમા કરી હતી. એમણે સતત પાંચ દિવસ સુધી ગિરનારના જંગલોમાં જ વાસ કર્યો હતો. આ સમયગાળા યાદવો પણ એમની સાથે જ રહ્યા હતા. પુરાણના ઉલ્લેખો અને ધાર્મિક માન્યતા મુજબ શ્રી કૃષ્ણ, રૂકમણી, સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ પણ આ ગિરનારની પરિક્રમા કરી હતી. અને બોરદેવીની જગ્યા પાસે રહેલા બોરડીના વૃક્ષ નીચે આવેલ મંદિર પાસે બહેન સુભદ્રા અને સખા અર્જુનના લગ્ન કરાવ્યાં હતા.
સતત અગિયારથી પૂનમ સુધી ભગવાન કૃષ્ણએ ગીરનારના જંગલોમાં વાસ કર્યો હતો. ભગવાન કૃષ્ણ અહીં રહ્યા હતા. એટલે હિન્દૂ માન્યતાઓ મુજબ ૩૩ કરોડ દેવી દેવતાઓએ ભગવાનના સાનિધ્ય માટે અહીં વસવાટ કર્યો હતો. ત્યારથી જ ગિરનારમાં ૩૩ કરોડ દેવી દેવતાનો વાસ થવાથી એનું અનેરું મહત્વ વધ્યું હતું. એક લોકવાયકા/માન્યતા અનુસાર એવું કહેવાય છે કે પાંચેય પાંડવો અહીં જ રહે છે. મૂળ તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ પરિક્રમા કરાઇ એ પછી જ લીલી પરિક્રમાનો આ સિલસિલો શરૂ થયો છે.
★ લીલી પરિક્રમાનો રૂટ ★
લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલ દુધેશ્વર મહાદેવના મંદિરથી થાય છે. પરિક્રમાનો રસ્તો કુલ 36 કિલોમીટર જેટલો લાંબો છે. જે ગિરનારનાં ગાઢ જંગલોમાંથી થઈને પસાર થાય છે. પ્રકૃતિના ખોળામાં સમય વિતાવવાનો આ અનુભવ ખરેખર અલૌકિક બની રહે છે. જ્યાં પરિક્રમા દરમિયાન વચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા પાણીના ઝરણાંઓ વગેરે જોવા મળે છે. એક પ્રકારે પ્રકૃતિનું સાનિધ્ય આ પરિક્રમા દ્વારા માણી શકાય છે. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમામાં દરમિયાન ઘણાં જુદા જુદા મંદિરો પણ આવે છે. જેમ કે ઝીણાબાવાની મઢી, માળવેલા, સુરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લે ભવનાથ.
★ લીલી પરિક્રમા દરમીયાન અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર ★
ભવનાથથી ઝીણાબાવાની મઢી સુધી ( 12 કિલોમીટર ), ઝીણાબાવાની મઢીથી માળવેલા સુધી ( 8 કિલોમીટર ), માળવેલાથી બોરદેવી મંદિર સુધી ( 8 કિલોમીટર ), બોરદેવીથી ભવનાથ તળેટી સુધી ( 8 કિલોમીટર ) આમ કુલ મળીને સંપૂર્ણ પરિક્રમાંનો માર્ગ ૩૬ કિલોમીટરનો છે.
રૂટની વિગતવાર વિગતો :-
રૂપાયતનથી ઇટવા ઘોડી – ૨ કિમી
ઇટવા ઘોડીથી ચાર ચોક – ૪ કિમી
ચાર ચોકથી મઠી – ૨:૫૦ કિમી
મઠીથી માળવેલા ઘોડી – ૩:૫૦ કિમી
માળવેલા ઘોડીથી માળવેલા જગ્યા – ૨:૫૦ કિમી
માળવેલા જગ્યાથી સરખડીયા ઘોડી – ૨:૫૦ કિમી
સરખડીયા ઘોડીથી સરખડીયા જગ્યા – ૨:૦૦ કિમી
સરખડીયા જગ્યાથી સુખનાળા – ૧:૫૦ કિમી
સુખનાળાથી માળવેલા – ૨:૦૦ કિમી
માળવેલાથી નળપાણી ઘોડી – ૨:૦૦ કિમી
નળપાણી ઘોડીથી નળપાણી જગ્યા – ૧:૫૦ કિમી
નળપાણી જગ્યાથી હેમાજડીયા – ૧:૫૦ કિમી
હેમાજડીયાથી બોરદેવો – ૧:૦૦ કિમી
બોરદેવોથી ખોડિયાર ઘોડી – ૪:૦૦ કિમી
ખોડિયાર ઘોડીથી ભવનાથ ગેઇટ – ૩:૫૦ કિમી
★ લીલી પરિક્રમાની ઘોડીઓ વિશે ★
લીલી પરિક્રમાનાં આ રૂટમાં અલગ અલગ એમ કુલ મળીને ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે કે પર્વતોની વચ્ચે પસાર થઇ રહેલી બળદના ખૂંધ જેવી પ્રાકૃતિક રચનાં. જેમાં પહેલાં તો ચઢાણ ચઢવાનું અને પછી એ જ ચઢાણ ફરીથી ઉતરવાનું.
(૧) ઈંટવા ઘોડી : જે અન્યની સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા ઝીણા બાવાની મઢી વચ્ચે સ્થિત છે.
(૨) માળવેલા ઘોડી : જે પ્રથમ ઘોડી એટલે કે ઇટવા ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે.
(૩) નાળ–પાણીની ઘોડી : અન્ય બે ઘોડીઓના તોલે આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઊંચાઈએ આવેલ છે. તેનું ચઢાણ એકદમ સીધું છે અને એજ પ્રકારે ઉતરાણ પણ… આ ઘોડીમાળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.
★ પરિક્રમામાં ચાલતાં અન્નક્ષેત્રો અનેઆરોગ્ય કેન્દ્ર વિશે ★
સેવા ભાવિ સંસ્થાઓ અંબાજી, બહુચરાજી તેમજ રણુજા ચાલતા શ્રદ્ધાળુની જેમ જ અહીં પણ સેવા આપે છે. આ લીલી પરિક્રમા દરમ્યાન ઘણાં લોકો કે ટ્રસ્ટો પોતાની નિસ્વાર્થ સેવા આપવા માટે પરિક્રમાના દુર્ગમ માર્ગો પર અન્નક્ષેત્રોનાં તેમજ સારવારના પંડાલો ઊભા કરે છે. ત્યાં આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજન પીરસાય છે, અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં પણ આવે છે. આવા એક નહીં અનેક અન્નક્ષેત્રો લીલી પરિક્રમા દરમિયાન ગિરનારનાં જંગલોમાં અન્ન પીરસતા જોવાં મળે છે. આ પરિક્રમાનાં માર્ગ પર ઠેક–ઠેકાણે ભજન મંડળીઓ રાત્રિના સમય દરમ્યાન સંતવાણી તથા ભજનનો સુમધુર આનંદ પણ આપે છે. આ ઉપરાંત પરિક્રમાના પડાવો પર યાત્રિકોનાં આરોગ્યની કાળજી માટે કામચલાઉ આરોગ્ય કેન્દ્ર ઊભા કરાય છે. જ્યાં સરકારી તેમજ સેવાભાવી ડોકટરોની ટુકડીઓ ફરજ આપવા સજાગ રહે છે. જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે અને ચીકનગુનીયા, સ્વાઈન ફ્લુ જેવા ચેપી રોગોથી બચવા માટેના ઉકાળા વિતરણનું પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જેથી માર્ગદર્શન અને સમજ પણ લોકો સુધી પહોંચાડી શકાય. તેમજ રોગોથી બચવાના ઉપાયો શીખવી શકાય.
★ પરિક્રમા સુધી પહોંચવા માટે ★
જૂનાગઢની આજુબાજુના જિલ્લાઓમાં રહેતાં લોકો માટે તો ગુજરાત એસ.ટી. વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જૂનાગઢ સુધી પહોંચી શકાય છે. જ્યારે ઘણા યાત્રાળુઓ તો ટ્રેનમાં પણ જૂનાગઢ સુધી પહોંચી શકે છે.
★ લીલી પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓને ખાસ અપીલ ★
ગીરનાર એ પવિત્ર ભૂમિ છે, આથી પરિક્રમા એ આવતા યાત્રાળુઓ પ્લાસ્ટીક ની થેલીઓ નો ઉપયોગ ન કરે તે ઈચ્છનીય છે.
★ પરિક્રમા દરમિયાન સાવચેતી રાખવા અંગે ફરતો થયેલ વાયરલ મેસેજ :-
જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમામાં નાચ, ગાન, સ્પિકરો વગાડવા સામે પ્રતિબંધ
નક્કી કરેલા રૂટ સિવાયના જંગલમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો.
જૂનાગઢના ગરવા ગિરનાર જંગલમાં પ્રતિ વર્ષ યોજાતી લીલી પરિક્રમાનો 19 નવેમ્બરથી પ્રારંભ થનાર છે ત્યારે પરિક્રમા માટે તંત્ર દ્વારા વિવિધ આદેશો જારી કરવામાં આવ્યા છે. આ અંગે નાયબ વનસંરક્ષક દ્વારા જણાવાયું છે કે સેવાભાવી સંસ્થાઓ, અન્નક્ષેત્રો,પાણીના પરબો વગેરે જંગલમાં રાવટી નાંખી શકશે પરંતુ વ્યાવસાયિક જાહેરાત માટે છાવણી, સ્ટોલ કે રેંકડી નાંખવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત અધાર્મિક નાચ ગાનની પ્રવત્તિ પર મનાઇ છે. સ્પિકરો, ટેપ, રેડીયો વગેરે લઇ જઇ નહિ શકે.પ્લાસ્ટિની બેગ, પાન, માવા, બીડી, સિગારેટ, સાબુ, ડિટર્ઝન્ટના વેચાણ અને વપરાશ પર મનાઇ છે. જયારે ભવનાથથી રૂપાયતન, ઇંટવા, ચારચોક, ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક, ઝીણાબાવાની મઢીથી માળવેલા, રોકડીયા હનુમાન, માલીવાડાથી પાટવડ કોઠા, સુરજકુંડ સુધીનો રસ્તો, સરકડીયાથી નળપાણીની ઘોડી, બોરદેવી અને ભવનાથ સુધીનો રસ્તો પરિક્રમા માટે નિયત કરાયો છે. જંગલમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઇ છે. પશુઓને છંછેડવા નહિ,ઝાડ વગેરેનું કટીંગ કરવું નહિ, રસ્તામાં અગ્નિ પેટાવવો નહી.
આવો આપણે પણ આ પાવનકારી ઘડીનો લાભ લઈએ અને આ માહિતી બીજા લોકો સુધી પહોચે અને મદદરૂપ થાય તે માટે વધુ ને વધુ શેર કરીએ.
( નોંધ – ઉપર દર્શાવેલ આર્ટિકલમાં સંકલિત માહિતી છે. એટલે નેટ પર મળેલ જાણકારી, ફોરવરડેડ માહિતી અને પૂછ પરછ દ્વારા એકત્ર કરેલ માહિતી છે. એના કોઈ જ લેખક નથી. જેની નોધ લેશો… )
Leave a Reply