પુસ્તક મેળામાં મોટાભાગના લોકો એવા આવતા હોય છે, જેમને મોટાપાની સમસ્યા હોય. કારણ કે દેખાવમાં આશુતોષ ગોવારીકરની ફિલ્મ જેવો લાગતો પુસ્તક મેળો તમારા કામનો 8 ટકાથી પણ ઓછો હોવાનો. શરૂઆતનું મોટાભાગનું જિંદગી જીવવાના 1800 કિમીયા જેવા પુસ્તકોએ રોકી માર્યો હોય. એટલે તમે તમારા પ્રિય સાહિત્યકાર પાસે પહોંચો ત્યાં સુધીમાં જુવાન હૈયે તમારે ખુરશી પર બેસી જવું પડે. આજની તારીખે પણ ક્રોસવર્ડથી લઈને મસમોટા પુસ્તક મેળામાં જાવ એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશીની આત્મકથાની માફક અડધે રસ્તે મારા ટાંટિયા દુખવા માંડે. આનું કારણ મેં મારા મિત્ર જગદીશ ઘેલાણીને પૂછેલું ત્યારે જવાબ મળેલો, ‘આપણે ધીમે ધીમે ચાલતા હોઈએ એટલા માટે !’
ગુજરાતી વાંચક તમારી કોઈ પણ ચોપડી ઊપાડે એટલે તેને મોંધી જ લાગવાની. ઊપર સાહિત્યકારનું નામ વાંચી કાં ચોપડી પાછળ ફેરવે અને કાં અંદરનું બીજુ પાનું જ્યાં પુસ્તકના ભાવ લખ્યા હોય ત્યાં જુએ. અને જો તે ચોપડી નીચે મુકી દે તો મોટાભાગના વાંચકો એ ચોપડી નીચે જ મુકી દેવાના. કારણ કે શૂટેડ બુટેડ માણસના બજેટ બહારની વાત છે, તો બીજાના બજેટની બહારની જ વાત હોવાની.
ગુજરાતનો વાંચક આ લેખકનું પુસ્તક ક્યાં વિભાગમાં મળશે તેના કરતાં આ લેખકની ચોપડીમાં મને કેટલા ટકા કન્શેશન મળશે તે પેલા પૂછશે. લેખકોએ વિચારવું જોઈએ કે આવુ મયુર ચૌહાણ જેવા લોકોએ વિચાર્યું હોત, તો પછી તેમના ઘણા પુસ્તકો વેચાત નહીં. મેં તો મોટાભાગના સાહિત્યક થોથાઓ મારી બચતમાંથી ખરીદ્યા છે. આજની તારીખે પણ મને માત્ર ચાર જ લોકોએ પુસ્તક ભેટમાં આપ્યા છે. એક હર્ષ ત્રિવેદી તરફથી અકૂપાર, બે રામ મોરી તરફથી મહોતુ ત્રણ જગદીશ ગોડેશ્વર પાસેથી મનહર રવૈયાની સસ્પેન્સ બુક ફિંગર પ્રિન્ટ (આમના મતે હું હજુ સસ્પેન્સ નવલકથાઓ અને વાર્તાઓ લખવાનો છું !) અને ચાર જીતેન્દ્ર નિમાવત તરફથી અંગ્રેજીમાં વિશ્વની સસ્પેન્સકથાઓ.(આમના મતે હું કનુ ભગદેવ થવાનો છું) અને મેં તો લોકોના લગ્નથી લઈને તેમના જન્મદિવસ સુધી ખાલી પુસ્તકો જ ભેટમાં આપ્યા છે. એકદાડો એક મિત્રના લગ્નમાં પુસ્તક ભેટમાં આપ્યું. પાછળથી તેનો જવાબ આવ્યો, ‘મને એમ કે તું મને કોઈ વાસણ ભેટમાં આપીશ, પરંતુ તે તો પુસ્તક ભેટમાં આપી મારી જિંદગી બેટમાં ફેરવી નાંખી. ઘરના લોકો પૂછી રહ્યા છે, કોઈ લગ્નમાં પુસ્તક ભેટમાં આપે ?’ ત્યારથી લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં મેં વધાવો લખાવવા સિવાય કોઈને કશું નથી આપ્યું. એ વધાવામાંથી વર-વધુને જે લેવુ હોય તે લે.
આજે પણ ત્રણ વસ્તુની વ્યાખ્યા મને નથી ખબર પડી. એક બેસ્ટ સેલર બનાવવા શું લખવું અને કેવું લખવું ? બીજુ ક્લાસિક બનાવવા શું લખવું ? અને ત્રણ એર્વોડ મેળવવા માટે શું લખવું ? જો બેસ્ટ સેલર બને તો એર્વોડ ન મળે, જો ક્લાસિક બને તો વેચાઈ ઓછી અને એર્વોડ મળે તો ઊપરના બંન્નેમાંથી તે શું બનશે તેનું મૂલ્યાંકન કરી શકાય નહીં.
હમણાં સંજીયો ગુજરાતી સાહિત્ય પરિષદની મુલાકાતે ગયો. ત્યાં તે કોઈ પુસ્તક ખરીદે નહીં, પણ હું ખરીદુ ત્યાં સુધીમાં એક અલાયદુ પુસ્તક વાંચી લે. તેણે મોટાભાગના પુસ્તકો આજ રીતે વાંચ્યા છે. ઊદા: ચેતન ભગતની ટુ સ્ટેટ… હું વિનેશ અંતાણીને ફફોરતો હતો, ત્યાં તેણે એક પુસ્તક અડધુ વાંચ્યું. મને યાદ નથી ક્યું હતું, પરંતુ વાંચ્યા બાદ પેલા બહેન પાસે જઈ પૂછ્યું, ‘આની કિંમત શું ? મને મળતી નથી ?’
પેલા બેને 100 રૂપિયા કહ્યા, પરંતુ ખરીદવાનું એક શરતે, તમારે આ પુસ્તકના ફરજીયાત 6 ભાગ લેવા પડે. સંજીયાએ 6 ભાગ ઊપાડ્યા. હાથમાં લઈ ગણતરી કરી, ત્યાં હું તેની બાજુમાં આવી ગયો. મેં ચોપડી જોઈ કહ્યું, ‘આવુ તો હું પણ લખું છું.’
સંજીયાએ સામો જવાબ આપ્યો, ‘પણ બાપુ, આ સારૂ લખે છે.’ એટલે કે હું ખરાબ લખુ છું. મેડમ પાસે જઈ હિસાબ કરાવ્યો તો ખ્યાલ આવ્યો 6 ભાગના 600 રૂપિયા થતા હતા, તે પણ કન્શેશન કાપીને. એટલે મેં તેના ખભે હાથ રાખી કહ્યું, ‘એક કામ કર તું સરસ્વતીચંદ્ર ખરીદી લે. ખાલી સો રૂપિયા વધશે.’ પણ ભડના દિકરાએ વટથી ખરીદી નહીં. ત્યારે મારી બુદ્ધિએ વેગ પકડ્યો અને હું મનમાં બોલી ગયો, ગુજરાતી વાંચકોને ઓછા રૂપિયે જાજુ વાંચવુ છે, તે પણ ક્વોલિટીવાળુ પણ રૂપિયા વધારો તો ખરીદવુ નથી.
બહાર નીકળી સંજીયો એક મસ્ત ડાઈલોગ બોલેલો, ‘દરેક ચોપડીના પાના 80થી 90 હતા, 600 રૂપિયાના આ 6 ભાગ લેવા તેના કરતાં, જીન્સનું પેન્ટ ન લવ.’
હવે આ રીતે તો ખાલી આઈ.કે વીજળીવાળાની બુક્સ જ બેસ્ટસેલર બને. વાંચકોને જોઈએ તેવુ આપે છે. લખાણ નાનું. બે કલાકમાં ચોપડી પતી જાય. ઊપરથી હવે છેટ 80 રૂપિયા થયા, બાકી 50 રૂપિયામાં વેચાતી. સાહિત્ય સાથે મૂળિયાથી જોડાયેલા લોકો પાસે હરકિશન મહેતા અને અશ્વિની ભટ્ટના પુસ્તકો હશે, બાકીના લોકોએ તો લાઈબ્રેરીથી જ વાંચ્યા હશે ! અથવા કેટલાક રાહ જોતા હશે, મને ભેટમાં મળે !
ગુજરાતીઓનો ધંધો વાંચવામાં પણ ધંધો બની ગયો છે. બસમાં છાપુ એક જ વ્યક્તિએ લેવાનું. અને બીજો વ્યક્તિ એ સિફત પૂર્વક અને નિર્દોષ રીતે છાપુ માંગી લે. અત્યારસુધી છાપા ખરીદનારે તેને આમ મફતમાં છાપુ વાંચવા બદલ રોક્યો કે ટોક્યો પણ નથી. મેં કોઈ દિવસ પુસ્તક મહોત્સવોમાં એક બુક માટે ગુજરાતી વાંચકોને લડતા નથી જોયા. બંન્નેની પસંદગી એક પુસ્તક પર હોય, તો એક વ્યક્તિએ પુસ્તક લેવાનું અને બીજો તેનો ફોન નંબર લઈ લે. લોકોને મફતમાં લડી લેવું છે. સફારીના ભાવ વર્ષો બાદ 5 રૂપિયા વધારો એટલે તે પોતાનો આક્રોશ વ્યક્ત કરે. કુમાર મેગેઝિનમાં વર્ષો સુધી લખાયેલું આવતું, કોઈને દાન કરવું હોય તો ! જેણે કર્યું હશે તે ભામાશાથી પણ મોટો હશે. શરૂઆતમાં ધ્રૂવ ભટ્ટના પુસ્તકો વેચાતા નહતા ત્યારે તેઓ બેગ લઈ ગામેગામ વેચવા પણ ગયેલા. ગુજરાતીમાં ખૂબ ઓછા લેખકો પુસ્તકોની સદી કે અડધી સદી ફટકારી શકે. બાકીના અડધે અડધા એકમાં જ હાંફી જાય. તેમાં પણ બીજી આવૃતિ થઈ હોય તેને સતસતવંદન કરવાના.
પુસ્તકોની દુનિયાનું તો એવુ છે કે, કંટાળીને લેખક પુસ્તક ન વેચાય તો ભેટમાં આપવા માંડે. ઘણા લેખકોને યાદ કરવા પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યાની જગ્યાએ પાનું પીળું જોયું ને તમે યાદ આવ્યા જેવી પરિસ્થિતિ હોય. એટલે હવે PDF થઈ જાય કાં લેખક E-bookમાં ઊપલબ્ધ હોય. લેખક માટે તો અમીર બનવા જિંદગી જીવવાની જડીબુટ્ટી લખવાની અને જો ગરીબ બનવું હોય તો સાહિત્ય લખવાનું. વેદ વ્યાસે મહાભારત લખ્યું અને તુલસીદાસે રામાયણ, પણ આ બંન્નેને સ્વર્ગમાં રોયલ્ટી મળતી હશે કે નહીં તેની ખબર નથી. પણ અમિષ ત્રિપાઠી, દેવદત્ત પટ્ટનાયક, આનંદ નીલકંઠને મળે છે, તે હકિકત છે. વાંચકોની સૌથી મોટી ભીડ તમને 100માં 3 ચોપડી ત્યાં જોવા મળશે, અને સૌથી ઓછી ભીડ 10 ટકા કન્શેશનમાં. હું ખોટો હોવ તો કહેજો.
~ મયુર ખાવડુ
Leave a Reply