આજે પણ ફિલ્મ વિશેની મારી પ્રથમ અને છેલ્લી પ્રશંસા મને Amrit Gangar પાસેથી મળેલી. જેમણે પત્રકારત્વ ભવનમાં સત્યજીત રાયની બે ફિલ્મોના નામ પૂછતા, મેં તુરંત જવાબ આપી દીધેલો, ત્યારે તેમણે કહેલું, ‘તમારા વિદ્યાર્થીઓ આટલા હોંશિયાર છે, વાહ ભણાવવાની મઝા આવશે.’ ફિલ્મના રસિકોને આ મજાક લાગશે, પણ જ્યાં ગુજરાતી ફિલ્મોની બરાબર ખબર નહોય ત્યાં બંગાળી ફિલ્મો વિશે જાણવું એ સામાન્ય માણસ માટે તો હિમાલય ચઠવા બરાબર છે. જે પછી તો અમૃત ગંગર સાહેબ પાસેથી સત્યજીત રાયનો ઈન્ટરવ્યુ પણ જોયેલો, જે તેમણે લીધેલો. આજ કાળો શુક્વાર છે અને કોઈ ફિલ્મ રિલીઝ થશે, એટલે સત્યજીત રાય યાદ આવી ગયા.
સત્યજીત રાયની ઉંમર ચાર વર્ષની હશે જ્યારે તેમના પિતાનું નિધન થયું. સત્યજીત મામાના ઘરે રહ્યા અને ત્યાંજ તેમની માતાએ તેમનું લાલન પાલન કર્યું. ત્યાં સુધી કે તેમનું શિક્ષણ પણ તેમની માતાએ જ જોયું, 8 વર્ષ સુધી તેમની માતા તેમને ભણાવતી રહી. બંગાળી ઈતિહાસની નજરથી જોવામાં આવે તો માલુમ પડે છે કે, સત્યજીત રાયની પાછલી દસ પેઢીઓ સાહિત્ય અને કલા સાથે એનકેન પ્રકારે જોડાયેલી રહી છે. ભલે તેમણે વિશ્વ ફલક પર સત્યજીત જેવું નામ ન કર્યુ હોય.
દાદા ઉપેન્દ્રનાથ કિશોર વાયોલિન વાદન, લેખન, ચિત્રકલા જેવી મલ્ટીપલ ટેલેન્ટ સાથે જોડાયેલા હતા. અને પિતા સુકુમાર-રાય પણ છાપખાના અને પત્રકારત્વ સાથે સંકળાયેલા હતા. 15 વર્ષની ઉંમરે સરકારી બાલિગંજ હાઈસ્કુલમાંથી પાસ આઉટ થયા. સત્યજીત રાયને પૈસાની ભૂખ, અને હોવી પણ જોઈએ, તેના માટે તો કમાઈએ છીએ, અને આ કારણે જ રાયે બે વર્ષ સાયન્સમાં અને છેલ્લું વર્ષ અર્થશાશ્ત્રના વિષયમાં કમ્પલિટ કર્યુ. જેનું કારણ નોકરી ત્યાંજ મળી જાય, તો બીજે ક્યાંય દોડવું નહીં. આ આજ્ઞા મામાની હતી, આમ પણ મામાનું કહ્યું જીવનમાં વધારે ન માનવું !
તેમના મામા કરતા તેમની માતાને સત્યજીતની ઘણી ચિંતા. સત્યજીતે માંને કહ્યું, ‘હું નોકરીએ લાગુ છું.’ પરંતુ માતાએ મનાઈ કરી દીધી. તેમનું માનવું હતું કે 18 વર્ષની ઉંમરમાં બાળકનું નોકરી પર લાગવું હાનિકારક સાબિત થશે અને આ માટે તેમણે રાયને શાંતિનિકેતન મોકલી દીધો. સ્કુલના સમયથી જ સત્યજીતને સાહિત્ય અને સંગીત પ્રત્યે ઘણો લગાવ થઈ ગયો હતો. એ સમય કંઈ અત્યારની જેમ ડી.જેનો નહતો, તે સમય ગ્રામોફોનનો હતો. ફિલ્મોને એ સમયે બાયોસ્કોપ કહેવામાં આવતી. અને આપણો એ યુગ યાદ કરો જ્યારે સસ્તી સીડી માટે રેકડીઓની આજુબાજુ ભાવ પૂછતા, તેવી રીતે રાય પણ ગ્રામોફોન ક્યાંક સસ્તા મળી જાય આ માટે દોડાદોડી કરતા. બંગાળી પત્રિકાઓમાં હોલિવુડના નાયક અને નાયિકાઓની તસવીરો ખોજતા રહેતા. તેમાં ડોકિયું લગાવતા અને આવુ કંઈક બનાવવાનું તેમને મન થતું.
હવે શાંતિનિકેતનમાં લાગેલા એટલે પશ્ચિમી સંગીત ઉપરાંત ચિત્રકલામાં પણ માસ્ટરી આવી ગઈ હતી. ઉપરથી સાહિત્યકારોને વાંચી વાંચીને તેમને પણ કંઈક નવું કરવાનું મન થતું હતું. અર્થશાશ્ત્રમાં તો માતાના કારણે નોકરી ન મળી, પરંતુ હવે શાંતિનિકેતનમાંથી ચિત્રકલાનું કામકાજ કર્યું છે, તો ચિત્રકાર બની જઈએ. જુઓ ત્યાં ચિત્રકાર બનવું એટલે પ્રોફેશનલ આર્ટીસ્ટ બનવું એવુ આજે પણ માનવામાં આવે છે… ! અને અહીંનો ચિત્રકાર એટલે ગાડીની પાછળના GJ-2 નંબર લખવાવાળો. આટલો ફરક છે, ગુજરાત અને બંગાળમાં… !!
જે ચિત્રકલામાં નાનું એવુ શીખ્યું તે નંદલાલ બોઝની કૃપાથી શીખ્યુ. નંદલાલ બોઝ ત્યારે બંગાળમાં પુન:જાગરણના પ્રણેતા માનવામાં આવતા હતા. એ સમયે રાયે કોઈ એડવર્ટાઈઝમેન્ટ કંપનીમાં કામ કરેલું, જેના માટે તેમને 1950માં યુરોપની ટુરનું ઈનામ મળી ગયું. હવે ત્યાં ગયા અને ફિલ્મો જોવા સિવાય કંઈ કામ ન કર્યું, ચાર મહિનામાં ત્યાં 19 ફિલ્મો જોઈ નાખી. બાયસિકલ થિવ્સ અને લુસિયાના સ્ટોરી એન્ડ અર્થ નામની ફિલ્મોએ તેમને ઘણા પ્રભાવિત કર્યા. તો પણ આ એ ફિલ્મો નહતી જેણે સત્યજીત રાયને ડાયરેક્ટર બનવાનો ચસ્કો લગાવ્યો કે ધક્કો માર્યો. તે ફિલ્મનું નામ હતું રિવર…
રિવર જોયા પછી સત્યજીત રાયને જીવનમાં બેચેની જેવું લાગવા લાગ્યું. કંઈક ખૂટતું હોય તેવું લાગતું હતું, અને આ કારણે જ તેમણે ફિલ્મ બનાવવાનો વિચાર કરી લીધો. દિગ્દર્શનમાં આવતા પહેલા તેમને એક્ટર અને એક્ટ્રેસ એટલે ફિલ્મ એવું માનવા લાગેલા, આ ગ્રંથી તોડીને કેટલાક દિગ્દર્શકોની સૂઝબૂઝને ધ્યાનથી ઓબ્ઝર્વ કરી આગળ વધવા લાગ્યા. કલકતામાં તેમણે ફિલ્મીસભા ખોલી નાખી. જેમાં મોટાભાગના વિદેશીઓ આવતા. રાયને આ વિદેશીઓનો સૌથી મોટો ફાયદો થયો, કઈ ઈંગ્લીશ ફિલ્મ સારી છે, તે આ ભૂરિયા રાયના કાનમાં ફૂંકી જતા અને રાય તે જોઈ ન લે ત્યાં સુધી તેની પાછળ પડી જતા.
આખરે 27 ઓક્ટોબર 1952માં બિભૂતિભૂષણ બંધોપાધ્યાયની નવલકથા પર રાયે પસંદગી ઉતારી. આ નવલકથાનું નામ પાંથરે પાંચોલી. દાદા સાહેબ ફાળકેની માફક રાયને પણ માણસો મળવામાં ખૂબ કષ્ટ વેઠવો પડેલો. તેમણે 8 લોકો ભેગા કર્યા. હવે આ આઢ જ એક્ટર અને આઢ જ ટેક્નિશ્યન હતા. હા, નવલકથા પર ફિલ્મ બનવાની હતી, પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ તો રાયે લખી જ નહતી. તેમણે તો પોતાની શાંતિનિકેતન કળા દ્વારા ચિત્રો દોર્યા હતા. ચિત્રો દોર્યા એ જ એમની સ્કિપ્ટ અને તેના પર જ ફિલ્મ. વિચારો ત્યારે પ્રિન્સિપલ ફોટોગ્રાફીની શરૂઆત નહતી થઈ, અને રાયે કન્ટીન્યુટી ફોટોગ્રાફીની શરૂઆત કરી દીધી. ત્યારથી અંત સુધી તેઓ પોતાની ફિલ્મને ચિત્રો દ્વારા જ ઘડતા રહ્યા. અને આજ કદાચ તેમની સફળતાનો પ્લસ પોંઈન્ટ હશે. જે બતાવવું છે, તે ખૂદ જોઈ લો !
શૂટિંગ શરૂ થયું, પણ તેના માટે બજેટ તો જોઈએ. રાયને રૂપિયા 70,000નું બજેટ દેવકી બોઝ પાસેથી મળ્યું. રાયે વિચાર્યું તે મુજબ બજેટ થોડા સમયમાં પૂરૂ થઈ ગયું. તેને ખ્યાલ હતો હવે કોઈ રૂપિયા નહીં આપે, એટલે તેમણે ખૂદ ગ્રાફીક ડિઝાઈન કરી વેચવાનું શરૂ કરી દીધું. પોતે લીધેલી ગ્રામોફોન રેકર્ડ પણ વેચી નાખી. પ્રોડક્શન મેનેજર અનિલ ચોધરીએ રેને સલાહ આપી, ‘જો તમારી વાઈફ તેમના ઘરેણા ગીરવે રાખી દે તો ?’ રાખી દીધા.. હવે.. ? તો પણ પરિસ્થિતિમાં કંઈ ખાસ ફરક ન પડ્યો.
આ સમયે રાયને ત્રણ વસ્તુની ચિંતા થતી હતી. નંબર એક, ક્યાંક અપ્પુનો અવાજ ઘેરો ન થઈ જાય, નંબર બે ક્યાંક દૂર્ગા મોટી ન થઈ જાય, નંબર ત્રણ ક્યાંક ઈન્દિરા ઠાકુર મરી ન જાય તો સારૂ, કારણ કે તેમની ઉંમર હવે 90એ પહોંચી હતી.
તેમની આ મહેનત જોતા આખરે બિધાનચંદ્ર રોય જે પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા, તેમણે તેમને આર્થિક મદદ કરી. પહેલી નજરે મિનિસ્ટરોએ આ ફિલ્મ જોઈ ત્યારે અબુધ એવા લોકોએ આ ફિલ્મને ડોક્યુમેન્ટ્રી માની લીધી. 1952માં શરૂ થયેલી આ ફિલ્મે હવે 1954માં પ્રવેશ કરી લીધો હતો. ત્યાં સુધીમાં ફિલ્મે ઘણી તડકી છાંયડી વેઠી લીધી હતી. આ સમયે કલકતામાં ન્યુયોર્કના મ્યુઝીયમ ઓફ મોર્ડન આર્ટના વડા એવા મોનરો વ્હીલર હતા. મોનરોએ રાયને સમજાવ્યું, ‘જુઓ આ વર્ષના અંતમાં આ ફિલ્મ પૂર્ણ થઈ જાય, તો હું આ ફિલ્મને મ્યુઝીયમના ફેસ્ટીવલમાં બતાવીશ.’ આ વિધાનથી રાયને બુસ્ટ થયું. તેઓ વધારે લગન અને મહેનતથી કામ કરવા લાગ્યા. કારણ કે સામે લક્ષ્ય મળી ગયું હતું.
આ બાજુ મોનરોએ ફિલ્મનું કામ જોયું હતું અને તેને ખ્યાલ હતો કે લોકો પણ બખૂબી વખાણશે. તેણે રાયને પૈસાની પણ મદદ કરી અને આખરે 1955માં દશેરાએ ઘોડો દોડ્યો, ફિલ્મ રિલીઝ થઈ. અને સત્યજીત રાય સ્ટાર ડાયરેક્ટર બની ગયા.
પાંથેર પાંચોલીનો અર્થ થાય રસ્તા પરનું ગીત. ભારતમાં નિયમ પ્રમાણે ફિલ્મ માથા પરથી ગઈ અને વિદેશોમાં તેની સરાહના કરવામાં આવી. દેશથી લઈને વિદેશ સુધીના લોકોએ તેને વખાણી અને કેટલાક પારિતોષિકો મળ્યા. જે પછીની ફિલ્મ અપરાજીતોની સફળતાથી તો રાયનું કેરિયર દોડવા લાગ્યું. એ પહેલા રાય હાસ્યઘર અને પારસ પત્થર જેવી ફિલ્મો બનાવી ચુક્યા હતા. પાંથેર પંચોલી અને અપરાજીતો કરતા પણ રાયની ફેમસ કથા બની અપુર સંસાર. જેમાં અપ્પુ અને તેની પત્નીના જીવનમાં આવતી કઠણાઈઓની વાત હતી.
રાય ભાષાનું મહત્વ હંમેશા માનતા હતા. તેમના મતે કોઈ પણ ફિલ્મનું કથાનક મહત્વની વસ્તુ છે. અને આ માટે તે પોતાની ભાષા જેમાં તે પૂરતું વિચારી શકે તે બંગાળીમાં જ લખતા. જ્યારે હિન્દી ફિલ્મ શતરંજ કે ખિલાડી બનાવવાનો વારો આવ્યો ત્યારે સત્યજીત રાયે પહેલા અંગ્રેજી અને બાદમાં અનુવાદ કરાવીને હિન્દીમાં લખાવ્યું. જેથી અભિનેતાને સમજવામાં મુશ્કેલી ન પડે. રાયની શરૂઆતની જેટલી પણ ફિલ્મો જોઈ લો તેમાં સુબ્રતો રોયનું છાયાંકન એટલે કે સિનેમેટોગ્રાફી મહત્વનું પાસુ રહી છે, પરંતુ રાય આખરે પોતે જ કેમેરો લઈ ચલાવવા લાગ્યા. જેથી સુબ્રતોનો ધંધો ભાંગી પડ્યો અને તેમણે બાય બાય કરી નાખ્યું.
જ્યારે અપરાજીતોનું શૂટિંગ ચાલતું હતું ત્યારે જૂગ્નુઓનું શૂટિંગ કરવાનું હતું. ટેકનોલોજીના અભાવના કારણે વારંવાર રાયને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રાયને કામ ન થાય તો મઝા ન આવે. આખરે તેણે લોકોને કાળા કપડાં પહેરાવી ઉભા રાખ્યા. તેમના હાથમાં બલ્બ આપી દીધો. અને આખરે શૂટિંગ પૂરૂ થયું ત્યારે તેમને સંતોષ થયો.
ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે સત્યજીત રાયે જેટલું કામ ફિલ્મો પર કર્યુ, તેટલું જ સાહિત્યમાં કર્યું. પોતાના પિતાની મેગેઝિન સંદેશને શરૂ કરી અને તેનું એડિટીંગ પણ પોતે જ કર્યું. આગળ જણાવ્યું તેમ સત્યજીત રાય ગ્રાફીકનું કામ કરતા હતા. તેમણે જીમ કોર્બેટની મેન ઈટર્સ ઓફ કુમાવ અને જવાહરલાલ નહેરૂની ડિસ્કવરી ઓફ ઈન્ડિયાનું પણ ગ્રાફીક તૈયાર કરેલું. જ્યારે ખૂદના સાહિત્યની વાત કરવામાં આવે ત્યારે સત્યજીત રાયે બે પાવરફુલ કેરેક્ટર આપેલા છે, એક પ્રોફેસર શંકુ અને નંબર બે ડિટેક્ટિવ ફેલુદા. તમે જો સુજોય ઘોષની શોર્ટ ફિલ્મ અહલ્યા જોઈ હશે, તો તમને ખ્યાલ આવશે કે એ થોડી થોડી સત્યજીતના શંકુના કેરેક્ટરની એક વાર્તા પરથી જ લેવામાં આવેલી. ફેલુદાનું અને શેરલોક હોમ્સનું સૌથી મોટું ફેક્ટ એ છે કે તેનું વર્ણન કોઈ બીજી વ્યક્તિના મોંએ જ થાય છે. શેરલોક હોમ્સમાં ડોક્ટર વોટ્સન કરે છે, તો ફેલુદામાં તોપસે કરે છે. 1982માં રાયે આત્મકથા લખી. જેનું બંગાળી નથી કરવું, પણ ગુજરાતી થાય, જ્યારે હું નાનો હતો. આ સિવાય ફિલ્મ વિશેનો મહાન ગ્રંથ અવર ફિલ્મસ ધેર ફિલ્મસ. ઘોડે કે અંડો કા ગુચ્છા નામનો કવિતા સંગ્રહ લખ્યો. તો બંગાળીમાં મુલ્લા નસીરૂદ્દિનનો અનુવાદ કર્યો. આ સિવાય ઘણું બધુ….
તેમની ફિલ્મ શતરંજ કે ખિલાડી જોઈને વી.એસ.નાયપોલ ઉભા થઈ બોલેલા, ‘આ તો શેક્સપીયરની ઘટનાથી પણ મહાન છે, ખાલી 300 શબ્દો બોલવામાં આવ્યા અને એક મોટી ઘટના બની ગઈ.’
~ મયુર ખાવડુ
Leave a Reply