શોભા ડે કેટલા સાચા કેટલા ખોટા પ્રશ્ર્ન એ નથી, પણ ઘણાના મનમાં જે સવાલ ઉભો હતો તે શોભાએ જાહેર કરી દીધો. ભારતના એથ્લીટો રીયો ઓલિમ્પિકમાં સેલ્ફી પડાવવા જાય છે. અને મેડલ લીધા વીના પાછા આવે છે. કંઇ ખોટું પણ નથી કહ્યું. લિએન્ડર પેસને ભારત આવતા 40 કલાક લાગ્યા. ધર્મનો ધક્કો થયો એવુ કહેવાય. શું ભારતીય એથ્લીટોમાં ટ્રેનીગનો અભાવ છે? ના એ તો કહી જ ન શકાય. કારણ કે જોકોવીચ અને સેરેના વિલિયમ્સ પણ બહાર થઈ ગયા તો આપણે શું? આવુ કહીને મન મનાવવા વાળાની એક ફોજ છે. લંડન ઓલિમ્પિકમાં ભારતનું જે પ્રકારનું પ્રદર્શન હતું તેનું માઈનસમાં પણ અત્યારે નથી. અભિનવ બિદ્રાની રાઇફલના ભડાકાથી એવુ લાગતુ હતું કે ગોલ્ડ પાક્કો ત્યાં બહાર થઈ ગયા. ભારત ઉપરા ઉપરી ગોલ્ડ જીતે એ આપણાં બધા માટે એક સ્વપ્ન જ રહેવાનું. રહી સહી આશા હવે દિપા કર્માકર પર છે. જેનું સલમાન ખાન ભૂલથી દિપીકા નામ બોલી ગયો.
કાર્લ લુઇસ જેવા એથ્લેટનો રેકોર્ડ તોડતા ભારતને ત્રીસ વર્ષ લાગી ગયેલા. અને એ રેકોર્ડ પણ પાછો 10.74 સેકન્ડનો હતો, હવે આમાં બોલ્ટનો રેકોર્ડ તોડવાની અપેક્ષા કેમ રાખવી. લગભગ એ તોડતા આખી સદી વીતી જશે અને તેને તોડશું ત્યાં કોઇ જમૈકન ખેલાડી 9 સેકન્ડનો નવો રેકોર્ડ સ્થાપિત કરી ચુક્યો હશે.
સરકારને દોડવીર જોતા હોય તો તાલાલા કે જાંબુર બાજુ નજર દોડાવો ત્યાં તમને બોલ્ટનો બાપ મળશે, પણ નહી ખેલ મંત્રી માત્ર ખુરશીના જ છે, ખોખોના ગ્રાઉન્ડનું માપ અરે રમત વિશે પણ ખબર નહીં હોય. તેનું કામ રીબન કાપવાનું છે. નહિ કે ખેલાડી શોધવાનું. બાકી જુનાગઢની બાજુના સીદી બાદશાહના ગામ ધમાલ કરવા કરતા વધારે પોપ્યુલર હોત. હું ખુદ એમની સાથે નગરપંચાયતની હાઇસ્કૂલમાં ભણ્યો છું. અને ત્યારે ખાલીફ નામના મારા એક સીદી મિત્રએ 10 સેકન્ડમાં દોડ પુરી કરેલી. એ પણ કોઇ શુઝ અને ટ્રેક વિના. અત્યારે શું કરે છે ? હા, મકાનના સ્લેબ બાંધે છે. આ ભારતનું રમત ગમત. હાથમાં કારોબાર અને બાકી બધા, તો કે બારોબાર.
મને ભારતના ખેલાડીઓ સામે કોઇ પ્રકારનો વાંધો નથી. મને વાંધો છે 125 કરોડમાંથી 120 લોકો જાય તેનો. અને 20 ડોપિંગના કારણે બાદ થઇ ગયેલા.
શોભાને કોઇ ન્યુઝમાં ચમકવાની મઝા નથી આવતી. તેણે જે કહ્યું તે ઘણાને કહેવુ હશે, પણ કહી નહિ શક્યા હોય. મારા માટલામાં ગરમ પાણી છે તેવુ કોણ કહે. તેનો વિરોધ થાય તો, તે ભાઇડાછાપ બાઇ છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં કોલમ લખી નાખશે. હવે જોઇએ આગે ક્યા હોતા હૈ…શોભા રાજધ્યક્ષા (આ તેનું આખુ નામ છે !!!!)
~ મયુર ખાવડુ
Leave a Reply