હિમાલય સાવ શાંત હતો, ઠંડી વધારે પડી રહી હતી અને પાર્વતી કંટાળી ચૂક્યા હતા. એકલા હિમાલયમાં શું કરવું ? ત્યાં શિવે પોતાની જટાને જાટકો આપતા કક્ષમાં એન્ટ્રી કરી. પાર્વતીએ પોતાની વ્યથા શિવ આગળ ઠાલવી. શિવ તો માનવમાંથી ઈશ્વર થયેલા હતા એટલે તેમણે પોતાના જ્ઞાનનો સાગર પાર્વતી આગળ ઠાલવ્યો. વાત કરતા પહેલા અનુસંધાન બાંધતા શિવ બોલ્યા, ‘દેવી, જુઓ આ કથા હું તમને સંભળાવુ છું, તમે તેને આખી તો યાદ નહીં રાખી શકો, પણ કટકે કટકે યાદ રાખી શકશો, અને અહીં કોઈ બીજુ છે પણ નહીં કે, તે યાદ રાખી બીજા કોઈને સંભળાવી શકે, એટલે તમારી વ્યાકુળતાનો અંત માત્ર આ નાની નાની વાર્તાઓથી જ આવશે, પણ તે તમને યાદ કેટલી રહે છે તે પ્રશ્ન છે.’ એમ કહી શિવે પાર્વતીના કાનમાં કથા કહેવાનો આરંભ કર્યો. શિવના મનમાં એવું હતું કે, હિમાલયની આટલી ઠંડીમાં કોણ સાંભળતું હશે. માનવની તો એટલી ક્ષમતા નહીં ! પણ પ્રાણીની ? એક ચકલી ત્યાં હતી તે સાંભળી ગઈ. આખી વાર્તા તેણે મોઢે રાખી લીધી. તેણે એક માછલીને સંભળાવી. માછલીએ તે વાર્તા ગાંધર્વને કહી અને ક્રમશ: ગાંધર્વએ યક્ષ આગળ પેટને હલકુ કર્યું. યક્ષે તેનો અનુવાદ કર્યો. માનવ સુધી પહોંચતા તે ભદ્રકથા બની ગઈ. તેના પછી કથા-સરિતા-સાગર કથા બની ગઈ. તે દુનિયાની પહેલી કથા હતી.
અને આ કથા છે દેવદત્ત પટ્ટનાયકની. આમ તો શિવની, પણ આપણા સુધી પહોંચાડી પટ્ટનાયક સાહેબે. અત્યારના બાબા સાધુઓ કરતા તેમની પાસે સારૂ એવું નોલેજ છે. ખેતીના બે પ્રકાર આવે પરંપરાગત અને આધુનિક. તેમાં પરંપરાગત બધા બાવાઓ કરે છે અને દેવદત્ત આધુનિકતાના રંગે રંગાયેલા છે. દેવદત્તના કહેવા પ્રમાણે, તે દુનિયાની પહેલી સ્ટોરી હતી. પાર્વતીજી બોર થઈ રહ્યા હતા કંટાળી રહ્યા હતા ત્યારે મનોરંજન માટે તેમણે આ નાની નાની વાર્તાઓ તેમને સંભળાવેલી. જીવનમાં હિરો ન હોય, વિલન ન હોય, મનોરંજન ન હોય તો શું થાય ? તેની સૌથી પહેલી જાણ પાર્વતીને થયેલી. પ્રાણીઓને આવી કોઈ જરૂર નથી. પટ્ટનાયકના મતે આપણી પાસે કારણો છે, શા માટે મને ભૂખ લાગી, શા માટે હું રડુ છુ, હું ફિલ્મ જોવ છું… વિગેરે…. વિગેરે… જ્યારે આ કોઈ વાતની જાણ જ ન હોય ત્યારે આપણે વિચારવા મજબૂર થઈએ છીએ, જેમાંથી સ્ટોરીઓ નીકળે છે, મોટાભાગના લોકોને ખ્યાલ નથી હોતો કે આમાંથી સ્ટોરી બની શકે, પણ તેના પર કોઈ બીજાની નજર પડે ત્યારે તે સ્ટોરી બની જાય છે. ઉદા. કેમ માત્ર થોડા લોકો જ વાર્તાકાર બને છે. બાકી સ્ટોરી તો બધાના જીવનમાં બનતી હોય છે ને ?
જે કોઈના માટે હિરો છે, તે કોઈના માટે વિલન પણ હોવાનો. દેવદત્તનું શિવ માટે કહેલું આ વાક્ય મને અતિપ્રિય છે. રાવણ આપણો વિલન છે, શ્રીલંકામાં તો તે હિરો હોવાનો ? રામ કરતા રાવણે શિવની વધારે ઉપાસના કરેલી એટલે ભલે દુર્જન હોય, પણ શિવને પ્યારો તો રાવણ જ હશેને !
પ્રિ-વૈદિક એરામાં સૌ પ્રથમ વખત શિવનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે કોઈ સાહિત્યનું સર્જન ન હતું થયું. આમ છતા દેવદત્ત પટ્ટનાયકે લખેલું છે કે, શિવ નગ્ન હતા, ભદ્રાસનની પોઝીશનમાં યૌગિક મુદ્રામાં બેઠા હતા. માથામાં ટોપી જેવું કશુંક પહેર્યું હતું. આજુબાજુ પ્રાણીઓ હતા. શિશ્ન ઉતેજીત અવસ્થામાં હતું. અને તે એક શિવ ત્રણ લોકોના ભગવાન હતા. શિવ પોતે એઝ અ પશુપતિનાથ, તેમના બેસવાની પ્રક્રિયા મુજબ યોગેશ્વર અને શિશ્નનું ઉત્થાન થયેલું હોવાથી લીંગેશ્વર કહેવાયા.
કેટલીક જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો છે કે, તે કોઈ દ્રવિડીયન્સ હશે. કારણ કે તે કોઈ યજ્ઞ બજ્ઞમાંથી તો ઉતપન્ન ન હતા થયા. શિવ કોઈ સોસાયટી સાથે જોડાયેલા નથી. તે એકલું રહેવાનું વધારે પસંદ કરે છે. તેમની આજુબાજુ પ્રાણીઓ હોય છે. ભભૂતી લગાવેલી હોય છે. ભૂત હોય છે. બીજા ઈશ્વરને નાચ જોવાનો, શિવને નાચવાનો શોખ છે એટલે તે બધાથી અલગ પડે છે. શિવના જમણાં કાનમાં પુરૂષની અને ડાબા કાનમાં સ્ત્રીની ઈયરીંગ હોય છે, જેનું કારણ સ્ત્રી સમાનતા છે, બીજુ ગળામાં નાગ એ બહાદુરી અને ચંદ્ર નિરાકારનો પર્યાય છે. પટ્ટનાયક સાહેબે તો આનાથી પણ વધુ લખ્યું છે, પણ ટાઈમ નથી…
~ મયુર ખાવડુ
Leave a Reply