સવારનો રાહ જોઈ રહ્યો હતો કે બેસ્ટ એક્ટર કોણ બનશે ? નિવૃતિ લેવાની તૈયારી બતાવનાર અને ફેન્ટમ થ્રેડ જેની છેલ્લી ફિલ્મ ગણવામાં આવી રહી છે તે ડેનિયલ ડે લુઈસ ઉપર પાક્કો વિશ્વાસ હતો. ડેનિયલે મેરિલ સ્ટ્રીપની માફક ત્રણ ત્રણ ઓસ્કર ઘરે ઉલેચવાનું કામ કર્યું છે. લાસ્ટ લિંકનમાં તો આંખો ફાટી ગયેલી અને આ વખતે ફેશન ડિઝાઈનર બનેલા અને પ્રેમમાં પડેલા અભિનેતા ડેનિયલ ઉપર વિશ્વાસ હતો. પણ ઓસ્કર અનુમાનની રમત છે, તેમ રિઝલ્ટ અનુમાન કર્યું તેમ ન આવ્યું. ગેટ આઉટ માટે ડેનિયલ કલુલ્યાને નોમિની મેળેલું, જે બ્લેક પેન્થરમાં પણ હતો. ટીમોથી ચેલમેનટને કોલ મી યોર નેમ માટે અને છેલ્લે ડેન્જલ વોશિંગ્ટનને. પણ ખેંચી ગયા ગેરી.
આમ તો ગેરી આપણને ફિલ્મ ડાર્ક નાઈટમાં જેમ્સ ગોર્ડનના રોલમાં ચોંકાવી ગયા હતા. કેટલાક અભિનેતા એવા હોય છે જે ઢળતી ઉંમરમાં પોતાના કામની ધાર બતાવે. લાઈક અમિતાભ બચ્ચન. ગેરી ઓલ્ડમેનનું પણ આવું જ રહ્યું. પણ એક્ટિંગની રીતે ગેરીને ઓસ્કરની જરૂર હતી અને તેમને મળ્યો પણ છે. તે હકદાર છે ! હવે ડાર્કેસ્ટ અવર જોવી પડશે. બે ત્રણ દિવસમાં જોઈશું. ફિલ્મમાં ગેરી વિન્સટ ચર્ચિલના રોલમાં છે. જે માટે મેકઅપ પણ અંધાધુધ ફાયરિંગની માફક કરવામાં આવ્યો છે. ઈતિહાસમાં જે પ્રકરણ દબાવી દેવામાં આવ્યું છે અને બાળકો જાણે નહીં આ માટે સ્કીપ કરવામાં આવ્યું તે મેઈન પ્રકરણ પર આ ફિલ્મ છે. બીજા વિશ્વયુદ્ધ માટે એવું કહેવામાં આવે છે કે, હિટલર નહીં ચર્ચિલ સૌથી મોટા વિલન હતા. અને આ ફિલ્મમાં ગેરી નાયક અને ખલનાયકની વચ્ચે પ્રતિનાયક બનીને ઉભર્યા છે.
1971માં મેલ્કોલ્મ મેકડોલને ગેરીએ અભિનય કરતા જોયા હતા. અભિનય વસ્તુ તેમના દિલને એટલી સ્પર્શી ગઈ કે, બાદમાં તેમણે અભિનયમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. આ સમયે ગેરી પીઆનો વગાડતા હતા, ગીટારનો પણ તેમને શોખ હતો. પણ જ્યારે મેલ્કોલ્મને સ્ક્રિન પર જોયા ત્યારે અભિભૂત થઈ ગયા. મનમાં થયું કે જીવનમાં કંઈક કરવા જેવું હોય તો આજ છે. બાળપણનો શોખ તેમણે દિમાગમાંથી ચિત્રવિલોપન થાય તેમ કાઢી નાખ્યો. પરંતુ 16 વર્ષની ઉંમરે સ્કુલમાંથી ડ્રોપ આઉટ થઈ ગયેલા એટલે એક સ્પોર્ટસની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. 21 માર્ચ એટલે આ મહિને જ તેમનો જન્મદિવસ આવશે, પણ ગેરી ઓલ્ડમેનનો જન્મવર્ષ 1958 છે. એટલે 1971માં જ્યારે પ્રેરણા મળી ત્યારે ખૂબ લેટ થઈ ચૂક્યા હતા. તેમની ઉંમરના લોકો તો ક્યારના કેલિફોર્નિયામાં જઈ ઓડિશન આપી આગળ વધી ગયા હતા. નહીંને ઓલ્ડમેન સિલેક્ટ થાય, તો પણ તેમના હાથમાં અંકલનો રોલ જ આવવાનો હતો. અથવા તો એવા પિતાનો જેનું બાળક ચાર વર્ષની ઉંમરનું હોય. પણ કેટલાક લોકોની ઉંમરમાં જેમ વધારો નથી થતો, તેવું ગેરીના કિસ્સામાં હતું.
પરિવારમાં માત્ર માતાની જ ચિંતા કરવાની હતી. પિતા તો સેલરનું કામ કરતા હતા. જહાજમાં કામ પૂરૂ થાય એટલે પૃથ્વી પર આવી મદીરાનું સેવન કરવાનું. જેનું ખરાબ પરિણામ એ આવ્યું કે ઓલ્ડમેને 7 વર્ષની ઉંમરમાં જ પિતાને ગુમાવ્યા. પિતા ઘર છોડી ચાલ્યા ગયા અને પાછળ રહ્યા ઓલ્ડમેન તેમની માતા સાથે. ગેરીની ઉંમર થતા સમજણ આવી અને ઘરે ઘરે જઈ કહેવા લાગ્યા, ‘મારા પિતાએ વિશ્વયુદ્ધ-2માં કામ કર્યું છે, તો મને કામ મળી શકે.’ મિલાનના એક ફુટબોલ ક્લબને સપોર્ટ કરવા તેઓ મેચના સમયે નિયમિત જતા. કારણ કે તેના પિતા પણ આ ફુટબોલ ક્લબને સપોર્ટ કરતા હતા.
તો આ હતું ગેરીનું બેકગ્રાઉન્ડ હવે થોડુ 1970ની સાલમાં જઈએ. ગેરી મેલ્કોલ્મને જોયા બાદ હવે અભિનય કરવા માટે તૈયાર હતા. ગ્રીનવીચના યંગ થીએટર ક્લબમાં તેમણે એન્ટ્રી મારી. આ થીએટરની પાછળની બાજુ જ એક પીગ હાઊસ હતું. ત્યાં પણ કામ કરતા અને શૂઝ સાફ કરવાનું પણ કામ કરતા હતા. 8 વર્ષ સુધી થીએટરમાં પગરખા ઘસ્યા બાદ 1979માં તેમને સ્ટેજ પર ચમકવાનો મોકો મળ્યો. સ્થળ હતું ન્યુયોર્ક. નાટકનું નામ હતું, ડિક વિહિન્ગટન એન્ડ હિઝ કેટ. જ્યારે રોયલ એકેડેમી ઓફ આર્ટસમાં તેમણે એપ્લાય કર્યું ત્યારે સ્ટીવન સ્પીલબર્ગની માફક કમિટિએ કહી દીધુ, ‘તમે ગમે તે કરો, પણ એક્ટિંગ છોડી દો.’
પણ આ રખડતી ગાડીને પહેલી ફિલ્મ મળી ગઈ. જેનું નામ હતું મીન ટાઈમ. મીન ટાઈમના શૂટિંગના બીજા દિવસે એક સીન પ્લે કરવાનો હતો. સીન કંઈક એવો હતો કે, ટીમ રૂથ તેના પર દુધની બોટલ અને બાદમાં કાચનો બલ્બ ફેકે છે. દુધની બોટલથી તો કંઈ ન થયું, પણ બલ્બ આંખ પર લાગતા ઈન્જરી થઈ ગઈ. શૂટિંગ અટકી પડ્યું પણ અભિયન તો કરવો જ, એમ મગજમાં ઠસાવી પાછા સેટ પર પહોંચી ગયા. એ ફિલ્મ માંડ માંડ પૂરી થઈ. લીડ રોલ પણ મળ્યા અને હવે અભિનય સારો હોવાથી ડિરેક્ટરોની ડિમાન્ડ વધતી જઈ રહી હતી. એક ફિલ્મ માટે તેમને રોલ ઓફર થયો. સ્ક્રિપ્ટ તેમને પસંદ આવી પણ દુખની વાત એ કે આ ફિલ્મ માટે તેમને વજન ઘટાડવાનો હતો. વજન ઘટાડવાનો પ્રયત્ન કર્યો અને ઓવર કોન્ફિડન્સમાં વધારે વજન ઘટી જતા પાછા દાખલ કરવામાં આવ્યા. ગેરીનું કોઈ સશ્કત શરીર નથી. કોઈ જીમમાં તે ગયા નથી. આ તો હિન્દી ફિલ્મના હિરો લોગનને આ આદત પડી છે, બાકી હોલિવુડમાં શરીર જોતા જ નથી.
તેમની સૌથી સારામાં સારી ફિલ્મ સીડ એન્ડ નેન્સી છે. 1986માં આ બાયોપિક ફિલ્મમાં તેમણે સિડ વિકાસીયસ નામના સિંગરનો રોલ પ્લે કરેલો. ફિલ્મનું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિમિયર પણ થયેલું. બસ આ એક જ ફિલ્મથી તેમની કિસ્મત ઉઘડી ગઈ. સારી ફિલ્મો મળવા લાગી. મૂળ બ્રિટીશ એટલે બ્રિટનની ફિલ્મોના રોલ જ તેમને અમેરિકા સુધી ઢસડી લાવેલા. અને હાલમાં આવેલ ડાર્કેસ્ટ અવર પણ બ્રિટનની જ ફિલ્મ છે. કોઈ અમેરિકન નહીં. 1986થી 1997 સુધી કોઈ એવી મોટી ફિલ્મમાં તેમણે કામ નથી કર્યું. પણ તેમને કોઈ કેરેક્ટરમાં ઘુસવા માટે મહેનત કરવી ખૂબ ગમે છે. ઈમ્મોર્ટલ બિલ્લોવડ નામક ફિલ્મમાં રોલ પ્લે કરવા તેઓ રોજ 5 કલાક પીઆનો પર પ્રેક્ટિસ કરતા હતા. પણ આ ઉંમરે પણ ઓલ્ડમેન રંગીન મિજાજના છે. સ્ત્રીઓના પ્રેમમાં પડવું અને એકથી વધારે વાર લગ્ન કરવા, લગ્નેતર સંબંધો રાખવા, આ તેમનો શોખ છે. આપણા માટે તો તે હેરી પોટરના સિરીયસ બ્લેક અને બેટમેનના જ્હોન ગોર્ડન બનીને રહ્યા, પણ હવે ડાર્કેસ્ટ અવર આવી ગઈ છે, એટલે લોકો એ ફિલ્મ નિહાળશે જેના પરિણામે આ ત્રણ ફિલ્મોથી તેઓ ભારતમાં ઓળખાશે. કાયમ માટે તેઓ કહે છે, “હું બ્રિટનનો અભિનેતા છું, અમેરિકાનો નહીં.”
દુખની વાત કે, ઓસ્કરની ધુમધળાકા સેરેમની વચ્ચે ક્રિસ્ટોફર નોલાન પાછા બેકફુટમાં ધકેલાય ગયા અને ઓસ્કર ગયો શેપ ઓફ વોટરના હાથમાં. કેટલાક ડિરેક્ટોને ઓસ્કરની જરૂર નથી હોતી. હવે મનને આમ મનાવવું પડશે. જ્યારે ત્યારે ક્રિસ્ટોફર નોલાનને ઓસ્કર મળશે ત્યારે કોઈ ઉલ્લુ તેમાં પેલો ડાઈલોગ અચૂક ફિટ કરેશ, ‘ઈતની સિદ્દત સે મેને તુમ્હે પાને કી કોશિશ કી હૈ…’ જે આ પહેલા લીઓનાર્દોમાં પણ ફિટ કરેલો…
~ મયુર ખાવડુ
Leave a Reply