ક્યાં કારણો છે કે જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ખતરો બની રહ્યા છે…?
નબળું માર્કેટિંગ… અને આધારહીન તેમજ તારીફોન ફૂલ બાંધતા માખણીયા વિવેચનો, રીવ્યુ અને ફેસબુકનું ગુણવત્તા વગરનું માર્કેટિંગ…
પાછળના ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બૂમ (આઈ મીન અપવર્ડ) જઈ રહી છે. પહેલા જેવા ગામઠી ફિલ્મોના સ્થાન હવે હાઈકલાસ અર્બન મુવી વિશ્વના લોકોએ પણ અમુક અંશે પચાવી પાડ્યા છે. જે માર્ગ પર સત્વરે છેલ્લો દિવસ જેવી બુમિંગ ફિલ્મ આવી અને એ પછી તો ઘણી બધી ફિલ્મોએ સફળતા મેળવવા સથવારો કર્યો છે. પણ બધા ભાઈ સરખા ન જ હોય ને…? એક જ જોનર પર આખી ઇન્ડસ્ટ્રીએ એવી તે દોટ મૂકી કે આખું ઇન્ડસ્ટ્રી જાણે લાફટર ચેલેન્જ જેવું ફની બની ગયું. ગંભીર વિષયો સાવ હાંસિયામાં ધકેલાઈ ગયા, સારું મુવી આવ્યું તો માર્કેટિંગ અને નબળી રજુઆત દ્વારા એણે કાંઈ હલચલ જગાવી નહિ. પણ હવે ફરી નવા નવા વિષયો અને ફિલ્મીસ્તાનનો સ્કોપ ઉઘડી રહ્યો છે. જે ઇન્ડસ્ટ્રી માટે આનંદનો વિષય છે, અને ઉજવણીનો પણ…
વર્તમાન યુગ જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુવર્ણ યુગ ગણી શકાય એમ છે. એટલે જેમ સોનાને આભૂષણ બનાવવા તપાડવું અને આકાર આપવા ટાપ-ટીપ કરવું પડે એ જ પ્રકારે ગુજરાતી સિનેમાની ચમક વધારવા નક્કર કદમો પણ જરૂરી બની જાય છે. જેમ સોનાને સરસ લાગશે, બિસ્કિટ ગાળામાં બાંધશો તો ખીલી ઉઠશો એવું કહેવાથી કાંઈ નહિ થાય. આ જ પ્રકારે અંતે તો વેચવા માટે એને આભૂષણોમાં ઢાળવું જ પડશે. એ જ પ્રકારે ગુજરાતી ફિલ્મોને પણ માવજતની મોટા પ્રમાણમાં જરૂર પડશે. જેમ સારા રીવ્યુ જ ફિલ્મને ટોપ પર નથી લાવી દેતા એમ અમુક ખરાબ રીવ્યુ પણ કાંઈ ફિલ્મને પછાડી નથી દેતા. પણ હા, તટસ્થ રીવ્યુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભવિષ્યમાં આવનાર સમય સાથે સાંમજસ્ય શાધવાનો માર્ગ જરૂર કરી આપે છે, અને એ અસ્તિત્વ ટકાવી રાખવા કહો કે વિકાસ કરવા જરૂરી છે. જો આ પ્રકારે માવજત ન મળે અને ઉપર છલ્લુ અવલોકન જ કરવામાં આવશે તો ફિલ્મોનો ઇતિહાસ કદાચ બદલાઈ જશે. જેમ આકાર વગરનું સોનુ મૂલ્ય અને સૌન્દર્યહીન હોય છે એ જ પ્રકારે યોગ્ય વિવેચન અને માવજત વગરનું ફિલ્મીસ્તાન પણ બુઠા હાથા જેવું રહી જશે.
આમ પણ ફિલ્મ માટે સૌથી મહત્વનું તત્વ છે એનો કન્સેપ્ટ એટલે કે હાર્દ, અને ડાયરેક્શન. તો પછી શા માટે એવી દિશા તરફ જવું જ્યાં માત્ર ટૂંકા ગાળાનો ફાયદા દેખાય છે, જો કે વાસ્તવમાં તો એ લાંબા ગાળાનું નુકશાન જ છે. આવા ટૂંકા ગાળાના લાભો લાંબા ગાળા માટે આડકતરી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ નુકશાન કરે છે. જેવા કે ગેરમાર્ગે દોરતા રીવ્યુ, સાવ આધારહીન માર્કેટિંગ અને મૂલ્યહીન ખુશામત કરતા વિવેચનો. પ્રીમિયર બાદ થતા વિવેચનો ભવિષ્યના માર્ગને નક્કી કરતા હોવા જોઈએ, ન કે માત્ર જેમ તેમ કરીને ફિલ્મને સારી દેખાડવાના ધમપછાડા…
એટલે માર્કેટિંગ, સ્ટોરીલાઈન અને ડાયરેક્શન પર પૂરતું ધ્યાન અપાશે તો જરૂરિયાત કરતા વધારે માખણ ચોપડાવી વિવેચન પણ નહીં કરાવવું પડે, કે ફિલ્મના પ્રમોશન માટે અંધાધૂંન રૂપિયા પણ નહીં રોકવા પડે… અને આફ્ટર ઓલ ગમે તેવી માર્કેટિંગ કરાવી લેશો તો પણ અંતે તો સામાન્ય લોકો માટે એને સિનેમા ઘરોમાં મૂકવું જ પડશે. હવે જો ત્યાં એમને એ નહીં મળે જેનો વિશ્વાસ તમે અપાવી રહ્યા છો, તો શો ટાઈમ પછી આવતા વાસ્તવિક પ્રતિભાવો તમે ઘડાવેલા માખણ સભર આધારહીન વિવેચનને તત્ક્ષણ તોડી પાડશે… પરિણામ રુપે એ પ્રજાની દ્રષ્ટિમાં આખા જોનર, પ્રોડક્શન હાઉસ, ડિરેકટર, પ્રોડ્યુસર અને એકટર સુધ્ધાંને લાંબા ગાળાની અસરો…
એના કરતાં વાસ્તવિક વિવેચનો એમના આ દ્રષ્ટિકોણને તોડી પાડશે. અમુક કમજોરી જાણતા હોવાથી અવગણી દેશે અને મજબૂતાઈ વાળા પોઇન્ટ પર તમને વાહવાઈ આપશે અને મનોરંજન સભર મને ઇ લોકો ફરી તમારી ફિલ્મની રાહ જોશે… જે તમને લાંબા ગાળાનો લાભ પણ આપશે અને ફિલ્મના રીવ્યુ સિવાયના પ્રતિભાવોમાં પણ સકારાત્મકતા અને ઉત્સાહ બનેલો રહેશે…
બસ એટલું જ…
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply