રોજ કેટલી બુક્સ બહાર પડે ! કેટલું વાંચવું ? અને તેમાંય તે ધડ માથા વિનાની કૃતિઓ વાંચવાની તૈયારી પણ રાખવાની. શરૂઆતમાં તો દુર્જોય દત્તા અને નીકિતા સિંહ જેવા ફુટી નીકળેલા યુવા અંગ્રેજી રાઇટરોને વાંચતા અને તેમની પોપ્યુલારીટીથી આંખો આંજતા, ત્યારે લાગતું કે લેખકો તો આજ છે.
એમાં કોઇ દિવસ જમવાની થાળીમાં ભીખારીને સોનપાપડી આપી દે તો આખા ગામમાં દેકારો બાલાવે તેમ કોઇએ મને અમિતાવ ઘોષના રવાડે ચડાવી દીધેલો. ત્યારથી ઉપરના ગાલમાં ખાડા પડતા રાઇટરો મારા માટે અમદાવાદના ભૂવા બરાબર છે. આ વખતે પણ એક લવસ્ટોરી હાથમાં આવી ગઇ અને હવે તો નક્કી જ કરી લીધું છે કે કોઇ લેખકડો લવસ્ટોરી લખે એટલે હાથ જ નહીં અડાવવાનો.
સ્થિતિ એવી થઇ છે કે લવસ્ટોરી વાંચુ તો મને ઉબકા આવવા માંડે. કેવી કેવી ફિલોસોફી વાપરી હોય, આપણું મન કહે કે આના કરતા તો એકતા કપૂરની સિરીયલોમાં સારી ફિલોસોફી હોય છે. ત્યારે આ વીકના બે મહારથી અને એક સફળમાંથી નિષ્ફળ રાઇટર બનેલાની બુકનો સંક્ષિપ્ત સાર આ રહ્યો.
સેક્રેડ ગેમ્સ : ભગવાન કો માનતે હો !!!
હવે અંત સુધી તો પહોંચી જ ગયો છું એટલે રિવીલ કરી દેવુ જરૂરી લાગ્યું. (સ્ટોરી નહીં) અંગ્રેજીમાં સેક્રેડ ગેમ્સ ખરીદશો તો એક હજાર રૂપિયા થશે, કારણ કે કમાવવાની લાલચે અને કમાણી પણ કરી રહી છે…. તે રીતે પેંગ્વિને ઇંગ્લીશમાં તેના બે પાર્ટ બહાર પાડ્યા છે. એકની કિંમત 499 એટલે ‘500’ જ ગણો. પણ આપણી હિન્દી ભાષામાં આખો ભાગ માત્ર 499 રૂપિયામાં છે !! સરસ્વતીચંદ્ર કરતા પણ ઓછો ભાવ અને એમેઝોન પર તો ડિસ્કાઉન્ટ સાથે મળશે.
વાર્તા તમને ખબર છે કંઇ કહેવાનું રહેતું નથી, પણ આ બુકને શા માટે વોડાફોન ક્રોસવર્ડ એર્વોડ (એ સમયે 2006માં હચ ક્રોસવર્ડ એર્વોડ) મળ્યો તે આ બુક વાંચશો તો ખ્યાલ આવી જશે. રાઇટરે એક એક વાતનું ડિટેલીંગ અહીં કર્યું છે. મુંબઇને આખેઆખુ ઘુમી લીધું હોય, પોલીસની નોકરીમાંથી નિવૃતિ લીધી હોય, તેની પાર્ટ ટાઇમ જોબ ભાઇલોગની સાથે ઉઠવા બેસવાની હોય એવું ઉપસી આવતું રાઇટરનું અનુભવ અને રિસર્ચનું વિશ્વ.
હવે વેબ સિરીઝ બહાર પડી ગઇ છે એટલે તમે પાત્રોને ઇમેજીન કરી શકશો. તમે ગાયતોંડેને પહેલા પુરૂષમાં વાંચશો તો નવાઝુદ્દિનનો જ અવાજ સંભળાશે. તમને સરતાજ એટલે સૈફ અલી ખાન જેવો નિષ્ફળ પણ નિર્ભય ઇન્સપેક્ટરનો અવાજ સંભળાશે. સલીમ કાકા, બદરીયા બ્રધર્સ અને ત્રિવેદી વિશે તો કોઇ નહીં પૂછતા….
ઘણી જગ્યાએ અનુરાગે વેબ સિરીઝ માટે સ્વતંત્રતા લીધી હોવાનું લાગ્યા કરશે. સરતાજના મનમાં રચાતા સંવાદો, ‘બંગાલીબૂરામાં (હા, બૂરામાં) લાશની કિંમત લાશ હોય છે.’ એ જમાનાની એવરેડી ટોર્ચથી લઇને ચાય પી લો સુધીનું વિક્રમ ચંદ્રાના માઇન્ડમાંથી આવ્યું છે, અલબત ચાય પીલોમાં પાછળ કોઇનું ને કોઇનું નામ તો જોડાશે જ.
પેલો ફેમસ સંવાદ,‘ભગવાન કો માનતે હો’ તે અહીં ‘તુમ્હે ઇશ્વર પે વિશ્વાસ હૈ’ તરીકે છે. જોકે ગણેશ ગાયતોંડેને સાવ શુદ્ધ હિન્દી ભાષાના શબ્દો આપી અનુરાગે એક એજ્યુકેટેડ ગેંગસ્ટર બનાવી દીધો છે. હા, ગાળોની ભરમાર અહીં પણ છે, મબલખ ગાળો, 13 કે 14માં પાનાથી સ્ટાર્ટ થઇ જશે અને રૂઢીચુસ્તોને ન વાંચવા મજબૂર કરશે.
ગુજરાતનું સુરત પણ આવે છે, જોકે તે સિરીઝના પહેલા પાર્ટમાં જ દેખાઇ જવું જોઇતું હતું, પણ સુરતને બતાવીને પણ શું કરવું ? નવલકથા ટોટલ 816 પાનાની છે. ઉપરથી કિડીના ટાંગાથી પણ નાના અક્ષરો છે, જેને મોટા કરી ત્રણ ભાગ કરવામાં આવે તો તે અશ્વિની ભટ્ટની નવલકથા આખેટ, કટીબંધ કે ઓથારની લંબાઇને પણ આંટી મારી દે.
ગણેશ ગાયતોંડે અહીં જે બોલે છે તે જો અનુરાગે સિરીઝમાં લઇ લીધું હોત, તો પણ ડાઇલોગમાં કંઇ ઘટવાનું નહોતું જેમ કે, ‘ગોરે હો મતબલ કી સ્માર્ટ નહીં હો…’ આ સંવાદ સરતાજની સામે ગણેશ ગાયતોંડે બોલે છે.
સિરીઝના પહેલા એપિસોડમાં જે કૂતરુ પડે છે તે પોમેરિયમ છે અને તેનું નામ ફલ્ફી છે,‘યે સાલા ઇશ્ક ભી ગાંડુ ચીજ હૈ !! બેચારા ફલ્ફી.’
ગણેશ ગાયતોંડેના નિવાસસ્થાનને બુલ્ડોઝરથી તોડનાર ડ્રાઇવરનું નામ બશીર છે. નોવેલમાં ઘણું બધું છે, પણ તે પાછું વેબ સિરીઝમાં ન બતાવી શકાયને ? ઇન્ડિયન અંગ્રેજીમાં આવી અને આવી જ ક્રાઇમ કોઇ નથી. એટલે આ અચૂક વાંચજો, વરના મેં બંટી કો બોલુંગા, પતા હૈ ના છત્રી કહાં ખોલતા હૈ…?!
કોઇએ એસ.હુસૈન ઝૈદીની બ્લેક ફ્રાઇડે વાંચી હશે તો તે 1993ના બોમ્બ બ્લાસ્ટ સાથે સેક્રેડ ગેમ્સને ઘણી સાંકળી શકશે. ઉપરથી બ્લેક ફ્રાઇડે ફિલ્મના ડિરેક્ટર પણ અનુરાગ કશ્યપ જ છે. એ ફિલ્મના શરૂઆતના સીનમાં જ સોનપરીનો અલ્તુ અશોક લોખંડે એક વ્યક્તિને રિમાન્ડ રૂમમાં લાફા લગાવતો હોય છે ત્યારે એ ગુંડો બકી બેસે છે, સર તીન દિન મેં બ્લાસ્ટ હોને વાલે હૈ… અહીં 25 દિન મેં સબ ખત્મ હોને વાલા હૈ…
છેલ્લે ગણેશ ગાયતોંડેના એક ડાઇલોગથી જ આ વાતને આટોપીએ, ‘જે રૂપિયાની કિંમત લગાવે તે ઝાડુ લઇ સાફ કરનારા #+-/* સિવાય કંઇ નથી…’
ચેતન ભગત : ધ ગર્લ ઇન રૂમ નંબર 105
યુવા હૈયાઓની મુસ્કાન, તરોતાજા કરતી ધડકન, રાઇટરનો કેમિયો, સાક્ષાત્ત કૃષ્ણ નામધારી નાયક, એક સેક્સી પણ આપણા નાયકથી હોશિયાર છોકરી, છોકરો સ્ટોરી કહે, કેમિયો કરનારા રાઇટર તે સાંભળે અને કથાની શરૂઆત થાય. ચેતનની તમામ કથામાં તે પોતે અર્જુન અને સામેનો વ્યક્તિ કૃષ્ણના જ રોલમાં હોય… એ તો તમને ખ્યાલ છે ને ?
આ પુસ્તક અને રેવોલ્યુશન 2020ની સ્ટોરી સાવ ધડમાથા વિનાની હતી અને રહેશે. ચેતને 2-સ્ટેટ પછી વાંચકોને હેરાન કરવાનું બીડુ ઝડપ્યું છે. એક સાક્ષર સાહિત્યકારે કહેલું કે, ‘લેખકે કોઇ દિવસ લાઇમલાઇટમાં અને પોપ્યુલારીટીના ચક્કરમાં ન આવવું જોઇએ…’ ચેતન ભગત તેમના વિરોધી છે, એ તો તમને ખ્યાલ છે ને ?
નવલકથામાં કંઇ ખાસ નથી. Said દર બે સેકન્ડે આવશે અને Bhai દર બે મિનિટે આવશે. પ્રોલોગમાં કેમિયો રાઇટર અને કેશવની વાતો છે,‘I Have Story For You Sir…’ અને ભગત સાહેબને દુનિયાના તમામ લોકો કથા સંભળાવવા જ આવે છે તે રીતે તે ડોકુ ધુણાવી, ‘NO, NO…’ કરે છે, પણ ફ્લાઇટમાં ટાઇમ ક્યાં કાઢવો એટલે ટોયલેટમાં જ બધા સારા વિચારો આવે, તેમ આપણા રાઇટરને કોઇ વાર્તા કહે, તો જ લખવાનું મન થાય તેમ તે સાંભળવામાં તલ્લીન થઇ જાય છે. વાર્તા શરૂ થાય છે અને હવે આ બુક તમારે તમારા જોખમે વાંચવી. એ તો તમને ખ્યાલ છે ને ?
જીપ્સીનું વિશ્વ
રોજ અઢળક મેગેઝિનો બહાર પડે છે અને ખૂબ ઓછી ચર્ચાય છે, તેમાંથી ખૂબ ઓછી વંચાય છે, ખૂબ ઓછાને તેના કાયમી રિડર્સ મળે છે, તેમાંથી ખૂબ ખૂબ ઓછાનું લવાજમ ભરાય છે. બુકસ્ટોરની દુકાનો પર કે ક્રોસવર્ડ જેવી આલાદરજ્જાની પુસ્તકપ્રેમીઓની જગ્યા પર માત્ર તેના પાના પર થુંક લગાળેલી આંગળીઓ ફરે છે. જો કે ઉપરની ત્રણ લીટી ગુજરાતની બીજી મેગેઝિનોને લાગુ પડે, સફારી અને નવી બહાર પડેલી જીપ્સીને નહીં.
સફારી વિશે તો ઘણું લખાયું અને ઘણી ચર્ચા થઇ. હવે વારો ગુજરાતની પહેલી સફળ પ્રવાસ મેગેઝિનનો છે. 70 રૂપિયાની કિંમત હોવા છતા ક્રોસવર્ડમાં બે ધક્કા ખાવા પડ્યા. મખમલ જેવા ચમકતા પાના, હેરી પોટરની ફિલ્મી દુનિયાની જેમ અંદર ઘુસી જવાનું મન થાય તેવા ફોટોગ્રાફ, સટ્ટાક કરતું મગજમાં ઉતરી જાય તેવું લાપસીના આંધણ જેવું લખાણ અને આ વખતે હર્ષલભાઇ દ્વારા નવું કરવાની ફિરાકમાં વાચકો અને ગુજરાતના ફોટોગ્રાફરનું અલગ સેક્શન !! આમ તો પ્રવાસ કરનારા અને પછી તે પ્રવાસ વર્ણનને કાગળના પાના પર મઢનારાઓની સંખ્યા ગુજરાતમાં આંગળીના વેઢે ગણાઇ તેટલી જ છે. પરંતુ જીપ્સીના કારણે આ સંખ્યા વધી જાય તો નવાઇ ન પામશો.
બીજુ કે ફોટોગ્રાફર એ સૌથી સારો પ્રવાસી હોય છે. એક એક ચિત્રને કેમેરામાં કંડારતા તેને ખૂદને ખબર નથી હોતી કે, તે કેટલો રખડુ બની ગયો હોય છે. આ રખડુ ફોટોગ્રાફરોને જીપ્સીમાં સ્થાન મળશે. (નોંધ : બાકી પાસપોર્ટ સાઇઝનો ફોટો ખેંચવા તો હજુ દુકાને જ જવાનું છે.)
~ મયૂર ખાવડુ
Leave a Reply