જીવનનો એક પડાવ ચાલી રહ્યો છે જ્યાં જેટલા માણસો મળી રહ્યા છે/ સંપર્ક માં આવી રહ્યા છે તે દરેક માણસો ‘નકલી’ છે. રીક્ષા વાળો, ચા વાળો, તે ગુડમોર્નિંગ કહેતો ચોકીદારથી લઈ ને, તે માર્કેટીંગ પર્સન, દરેક નકલી છે મારા મુજબ. આવા માણસો જાણે એક નકાબ પહેરીને સામે આવે છે. મને સખત નફરત છે આવા નકલી માણસોથી, આવા લોકોની બોલવા, ચાલવાથી લઈને ઉઠવા-બેસવાની રીતભાત પણ નકલી હોય છે, અને રાફડો ફાટ્યો છે આવા નકલી માણસો નો, આવા નકલી માણસો પોતાના ફાયદા માટે તમારું થુકેલું પણ ચાટી શકે છે, બે કોડીના નકલીઓ.
નકલી માણસો સાલા ! માણસાઈની હદ ભૂલી ચૂકેલા નકલી માણસો ! ઘણા માણસો એ હદ સુધી નકલી હોય છે કે તેઓ પોતાના વ્યવહારથી જાણે ભગવાન ને પણ છેતરવા માંગતા હોય છે. આખો દિવસ ‘રામ રામ’ મુખ માં રાખે છે અને રાત્રે દારૂ ના નશામાં આવા લોકો ‘હેવાનીયત’ની હદ વટાવે છે. આવા ઘણાં માણસો છે મારી આજુબાજુ.
એક કપલ છે , જે સ્વાર્થ માટે જોડાયેલું છે. તે લગ્ન કરવા નથી ઇચ્છતું પરંતુ તેઓ પોતાના નકલી પ્રેમને વટાવી ખાય છે. નથી તે એકબીજા પ્રત્યે વફાદાર કે નથી એમના ઘરના સભ્યો માટે ! બસ કહેવાતા મોજશોખ પુરા કરવા માટે ટકાવી રાખે છે સંબંધ ! આ કપલ રોજ જોવા મળે છે રિવરફ્રન્ટ પર, પણ અલગ અલગ વ્યક્તિઓ સાથે. આ એક પ્રેરણાત્મક જોડી છે બીજા નકલી કપલ માટે.
એક નેતા છે જે લોકોને વચનો આપે છે, મત મેળવે છે અને ભૂલી જાય છે પોતાના દરેક વચનો. આ નેતા લોકો છે ને તે નકલીપણાની સાથે સાથે હલકાઈની પણ હદ વટાવી નાખે છે. કોમ,જાત નો ભેદભાવ બતાવી ને અંદરો અંદર લડાવી મારે છે માણસો ને. રાજકારણ, સ્વાર્થ, લોભ આવા નકલી માણસોના લક્ષણો હોય છે. કૂતરાની મોત મરવાના હરામીઓ.
એક માણસ છે જે રોજ ‘ઈન્સ્યુરન્સ પોલિસી’ વેંચે છે, જેની પોતાની નોકરીની કોઈ ગેરંટી નથી અને પોતે લોકોને ‘મર્યા’ પછીના ફાયદા ગણાવે છે. એનો દરેક શબ્દ નકલી છે, એ પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા ‘નકલી’ બની ને ફરે છે. આ માણસ પોતાના અંગત ફાયદા માટે લોકોને છેતરે છે.
યુવાનો મોટાભાગે નકલી હોય છે. તેઓ પોતાના સપનાં જીવવાની લ્હાય માં પોતાની જાત ને જ છેતરે છે. લોકોને એવું દેખાડે છે કે તેઓ સૌથી શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છે પરંતુ હોય છે તદ્દન ઉલટું. સિગારેટ, શરાબ અને ઐયાસી બધી વાતો તેમની નકલી લાઈફ નું એક નકલી પ્રકરણ હોય છે. મોટાભાગના યુવાનો નકલી હોય છે. બહુરૂપિયાઓ !
રિયાલિટી શો માં આવતા નકલીઓ, જેમને પોતાનો સંઘર્ષ કહેવો છે, ગરીબી બતાવી છે પોતાની. મગરમચ્છ ના આંસુ બતાવી ને હમદર્દી મેળવવી હોય છે. આવા લોકોને બસ કેમેરો મળવો જોઈએ, બાકીની નકલી એક્ટિંગ આ કહેવાતા સ્પર્ધકો કરી જાણે છે. હદ હોય છે યાર લાગણીઓ સાથે રમવાની પણ. આવા નકલી માણસો ને મળતી સફળતા પણ નકલી હોય છે.
મને તો આ ભગવાન પણ નકલી લાગે છે, ક્યારેક લાગે છે કે કોઈ દારૂડિયો ઉપર બેઠો બેઠો મનુષ્ય જાત નું સંચાલન કરે છે અને પોતાની જાત ને ભગવાન ગણાવે છે. એની પાસે કોઈ વાહિયાત ડેવલોપર ની ઇ.આર.પી છે અને એ એમાં આડેધડ સ્વીચો દબાવીને લોકોને આડેધડ મારે છે અને જન્મ આપે છે. અને પૂજાતો રહે છે. આ દારૂડિયા એ લોકોને ભગવાન ની બીક બતાવી ડરાવી રાખવામાં સફળ થયો છે. નકલી ભગવાન.
દિવસ ના અંતે જ્યારે ઘરે આવું છું અરીસામાં જોઉં છું ત્યારે મને ‘હું’ પણ નકલી લાગુ છું. મને ચહેરા વાંચી શકવાનો વહેમ છે પણ હું ખુદ નો ચહેરો પણ નથી વાંચી શકતો, નથી જાણી શકતો કે આ ચહેરાની પાછળ કેટલાં ચહેરા છે.નથી લખી શકતો ખુદના વિશે, હું લખી શકું છું એવો પણ મને વહેમ છે. મને લાગે છે કે હું પણ નકલી માણસો વચ્ચે રહીને નકલી થઈ ગયો છું. હવે નકલમાં અક્કલ નથી હોતી પણ નકલી અક્કલ હોય છે.
~ હાર્દિક રાવલ
Leave a Reply