છેલ્લા અમુક વરસોથી એક મુહિમ ચાલી છે, આમ તો ઘણાં વરસોથી છે પણ હમણાં સોસીયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના અતિરેકના કારણે વધુ નજરે ચડી રહી છે અને તે છે સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાનો. છેલ્લા એક દાયકાથી આ પ્રયાસમાં મોટા ભાગે કહેવાતા ફેમીનીસ્ટ લાગી પડ્યા છે. તેમને કોઈપણ રીતે અને ખબર નહિ કેવી રીતે સ્ત્રીને પુરુષની સમોવડી બનાવવી છે. અરે અર્ધા મગજ ના માનવીઓ, સાંભળો ! સવાલ સ્ત્રી કે પુરુષ નો છે જ નહિ સવાલ છે માનસિકતાનો ! તમે ‘જેન્ડર બાયસ’ ના બનો. જેન્ડરને નહિ પણ વ્યક્તિને સન્માન આપો.
આજના યુગમાં ઘણી બધી સ્ત્રીઓના દાખલા છે જે ઘર સંભાળે છે, બાળકો સંભાળે છે છતાંપણ તેઓ પોતાની રીતે કોઈને કોઈ ઈતર પ્રવુતિ કરે છે. ઘરકામ કરવું, બાળકો સંભાળવા, પતિને વહેલા ઓફિસે જાય ત્યારે તેમને મનગમતું ટીફીન બનાવી આપવું તેમની મનગમતી પ્રવૃત્તિ છે, તેમના રસનો વિષય છે. અને કહેવાતા નારીવાદીઓ આ સ્ત્રીઓને અબળા, દુઃખ દર્દ સહન કરનારી સાબિત કરવા પર ઉતરી આવ્યા છે. અરે ! તેમને તો પૂછો, પછી નક્કી કરો કે સ્ત્રી પર અત્યાચાર થાય છે કે સ્ત્રી પોતાની શરતો પર કે પોતાની મંજૂરીથી એવું જીવન જીવી રહી છે. દશ ટકામાં તમારી તરફેણમાં જવાબો મળશે પણ ખરા, બાકી નહિ મળે, લખી રાખો. ફરી એકવાર કહું છું તમે ‘જેન્ડર બાયસ’ ના બનો.
જો સ્ત્રી ઘર સંભાળે, રસોઈ કરે, મહેમાન આવે ત્યારે તેમની આગતા સ્વાગતા કરે તે દરેક વસ્તુને તેમના પર થતો ત્રાસ ગણવામાં આવે તો પછી પુરુષ આખો દિવસ નોકરી કરે, બોસની કે ટોપ મેનેજમેન્ટની ગાળો સાંભળે અને મહીને ઘર ચાલે તેટલું કમાતો હોય તો તે પણ પુરુષો પર ગુજારાતો ત્રાસ જ છે.
જો કોઈ સ્ત્રી ઘર સંભાળે અને પુરુષ નોકરી કરે તો આ વસ્તુ તે લોકોની મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડીંગ છે. હવે તો સમય એવો આવી ગયો છે કે મોટા શહેરોમાં આનાથી ઉલટું પણ થાય છે તે પણ તે લોકોની મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડીંગ છે. પર્સનલ લાઈફ છે તેમની. છોડી દો તેમના પર.
આજે કોઈ સ્ત્રીને લગ્ન કરીને સાસરે જવું પડે, સરનેમ બદલવી પડે તે જાણે તેમના પર થતો કોઈ મોટો અત્યાચાર હોય તેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે. તમે ગમે તેટલા ધમપછાડા કરો એ આદિકાળથી ચાલી આવતી પ્રથા છે, જે ક્યારેય નહિ બદલાય. હું તેની તરફેણ નથી કરતો કે નથી તેનો વિરોધ કરતો, પણ મુખ્ય વાત એ છે કે લેટ ઇટ ડીસાઈડ બાય એન ઈન્ડીવીડયુલ. તે વ્યક્તિગત બાબત છે તો વ્યક્તિગત રીતે એમને જ નક્કી કરવા દો, અહિયાં સ્ત્રી સમાજ કે નારી શક્તિ જેવા ભારેખમ શબ્દો વાપરી ને પુરુષ અને સ્ત્રી વચ્ચે અડચણરૂપ ના બનો ! દરેક સ્ત્રી કે પુરુષ પોતે નક્કી કરવા સમર્થ છે, કે તેમની સાથે જે થઇ રહ્યું તે સાચું છે કે ખોટું. તેમણે તે બદલવું જોઈએ કે નહિ. તમે તમારી ટાંગ ત્યાં ના અડાડો.
સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના પુરક છે અને રહેશે. બન્નેને એકબીજાની જરૂર છે અને રહેશે. સ્ત્રી ઘર સંભાળીને કોઈ ત્યાગ નથી કરતી કે પુરુષ નોકરી ધંધો કરીને કોઈના પર ઉપકાર નથી કરતો. રૂઢીચૂસ્ત કે પરંપરાગત ચાલી આવતી માન્યતાઓ બદલાવવી જોઈએ પરંતુ એનો મતલબ એ નથી કે સ્ત્રી માટે કોઈ પુરુષમુક્ત સમાજનું નિર્માણ કરવાની જરૂર છે. ગમે તેવી સ્વતંત્ર સ્ત્રી હોય તેને પુરુષના સાથની અને ગમે તેવો સ્વતંત્ર પુરુષ હોય તેને સ્ત્રીની જરૂરિયાત રહેશે જ.
ફેમીનીસ્ટો, જો તમારે કાંઈ બદલવું જ હોય તો અમુક જુનવાણીઓ વ્યક્તિઓની માનસિકતા બદલો. દુનિયાના કોઈ ચોક્કસ ખૂણે જ્યાં સ્ત્રીને ‘સેક્સ ઓબ્જેક્ટ’ માનવામાં આવે છે, જ્યાં માત્ર ને માત્ર સ્ત્રીની યાદ શારીરિક ભૂખ સંતોષવા માટે આવે છે ત્યાં જઈને લડો. શરૂઆત ત્યાંથી કરો. સ્ત્રીએ કોઈ રમકડું કે જરૂરિયાત સંતોષતું મશીન નથી, જાણ કરો ત્યાં જઈ ને તેમને. ખરેખર ત્યાં સ્ત્રી પર થતી વસ્તુ અત્યાચાર છે, અને ત્યાં જઈને બદલાવ લાવવાની જરૂર છે. ત્યાં તમારા આંદોલનોની જરૂરિયાત છે, ત્યાં જાગૃતિ લાવવાની જરુરીયાત છે.
છેલ્લે એક વાત, સ્ત્રીને તમારા નબળા સાથની જરૂર છે જ નહિ, તે દરેક વસ્તુનો સામનો એકલા હાથે કરી શકે છે. મને મારા દેશની સ્ત્રીઓ પર ગર્વ છે જે સમય આવે એકલા હાથે ઘર સંભાળી શકે છે અને સમય આવ્યે સરહદ પર લડવા પણ જઈ શકે છે. એવીજ રીતે પુરુષો પણ તમારી સામે નાના બાળકની જેમ રડી શકે છે તો તમારા માટે આખી દુનિયા સાથે લડી પણ શકે છે. ફરી એકવાર કહું છુ તમે ‘જેન્ડર બાયસ’ ના બનો. મુક્ત થાઓ આવી માન્યતાઓથી.
જયારે માનસિકતા લિંગપૂર્વગ્રહ થી મુક્ત થશે અને વ્યક્તિગત થશે ત્યારનો સમય દુનિયાનો શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ઠ સમય હશે.
~ હાર્દિક રાવલ
Leave a Reply