પહેલા માણસ બદલાઇ જતા. ઉપર હોય તેવો જ હોય. તેમાં કોઇ ફેરફાર ન આવ્યો હોય. માથામાં બે હાથ મારો એટલે ખબર પડી જ જાય હજુ અંદર ટીનનું જ ઘડામણ છે. પણ થોડો સમય માટે તેને આઘોપાછો કરો એટલે કોઇ બીજાના સંપર્કમાં આવી કાળીયો નાગ બની ગયો હોય. કોઇવાર ઉલટુ થાય તો સીધો દોર થઇને પણ સામે આવે, ત્યારે થાય કે શું આજ પેલો જયસુખ હતો? જેણે પાડોશીની ભેંસને ખાટકીવાડે વેચવાનો કારસો ઘડેલો અને હવે વાલિયો-વાલ્મિકી બની ચૂક્યો છે.
માણસ બદલાય તેની ખબર છે, પુસ્તકમાં આપણને ત્યાં સુધીનો ખ્યાલ છે કે, છપાતા સમયે તેનું પૂંઠુ ખાલી ઉલટુ થઇ જાય, ત્યારે પુસ્તક ઉલટુ વાંચી વડિલને મામા બનાવી રહ્યા હોવાના આપણા પ્રપંચો ખુલ્લા પડી જાય. આ તો પછી આપણે પંદર મિનિટ નિરંતર વડિલને ચોખવટ કરવી પડે કે, પુસ્તક ઉલટુ પકડી નથી વાંચતા પણ સરકારે છાપ્યું જ ઉંધુ છે. જોકે આવી પરિસ્થિતિનું સર્જન માત્રને માત્ર પ્રાથમિક શાળાના પુસ્તકોમાં થાય. કારણ કે બાળકો આંદોલન ન કરે! આવુ સરકાર વિચારતી હશે!
જ્યારે અંગ્રેજીની ફિક્શનલ ચોપડીઓ ખરીદતા થયા ત્યારે એ વાતની ખબર નહોતી કે રૂપા પબ્લિકેશન જેવી ચેતન ભગતની ચોપડીઓ છાપતી પબ્લિકેશન આપણને ઉલ્લુ બનાવી દેશે. બન્યું એવું કે એમેઝોન પર ડિસ્કાઉન્ટ સાથે આર.કે.નારાયણની ટ્રાયોલોજી હતી. માલગુડી ડેઇઝ, ઇંગ્લીશ ટીચર અને વેન્ડર્સ સ્વીટ. આપણે મંગાવી. પણ જ્યારે બુક હાથમાં આવી ત્યારે હક્કા બક્કા રહી ગયા. બુકના પૂંઠાની ઉપર તો આર.કે.નારાયણ જ લખેલું હતું એટલે હાશકારો થયો. પણ બહાર જે ચિત્ર હતું તેવું કોઇ દિવસ આર.કેના સગ્ગા ભાઇ લક્ષ્મણે તો દોર્યું જ નહોતું. આપણે તો તેમના તમામ સ્કેચને જોયા એટલે ચિત્ર પરના લિસોટા પણ તેમના લાગતા નહોતા.
અંદર ખોલી જોયું તો લખેલું હતું એમ.એસ.સુબ્બાલક્ષ્મી. આ કોણ? પછી તલાટી મંત્રીની તૈયારી યાદ આવી તે મગજે સાથ આપતા કહ્યું કે, આ તો ભારતરત્ન એર્વોડ વિજેતા એમ.એસ.સુબ્બાલક્ષ્મી છે. જેણે સંગીતમાં પ્રથમ રેમન મેગ્સેસ એર્વોડ પણ જીતેલો. ભજન અને ક્લાસિક સંગીતના શોખીન. વિચાર આવ્યો કે, નારાયણ અને સુબ્બાલક્ષ્મી છે તો તમિલનાડુના જ પણ કંઇ ચોપડીઓ થોડી બદલી નખાઇ? ક્યાં એક લેખક, ક્યાં એક સંગીતકાર. ક્યાં એકના હાથમાં પેન અને ક્યાં એકના હાથમાં વાજીંત્ર… કેટકેટલા તફાવતો હતા. સુબ્બાલક્ષ્મી તો ક્લાસિક અને સેમીક્લાસિક સોંગના રચયિતા. પણ એવું ક્લાસિક ફ્લાસિક આપણને સમજાય તો ને?
મને યાદ આવી ગયું કે, થોડા વર્ષો પૂર્વે મારે કેમેરામેન સાથે એક શાશ્ત્રીય સંગીતના કાર્યક્રમનું રિપોર્ટીંગ કરવા જવાનું હતું. એટલે ચેનલના કામનું કંઇ હતું નહીં. ખાલી આટા મારી બે ચાર કેમેરા ઘુમાવી આવી જવાનું હતું. ગુજરાતી ચેનલોમાં આવું શાશ્ત્રીય સંગીત ચલાવીએ તો જેટલા વ્યૂઅર હોય તે પણ ચેનલ જોવાનું માંડી વાળે. ત્યારે ગાયનક્રિડા કરતા સજ્જન કોણ હતા એ અત્યારે યાદ નથી કારણ કે આગળ ઉસ્તાદ પાછળ લાંબુ એવું નામ જોઇન્ટ કરી દીધેલું હતું.
તેમણે ગાવાનું શરૂ કર્યું. પંદર મિનિટ થઇ એટલે આપણા કેમેરામેન ધીરજ ખોઇ બેઠા. બાજુમાં બેઠેલા સજ્જનને પૂછવા તેમણે ડોકુ ધુણાવ્યું. મને તો પૂછે નહીં કારણ કે આપણે શાશ્ત્રીય સંગીતના જ્ઞાતા નથી તેની તેમને ભારોભાર ખબર હતી.
ગરદન નમાવી તેમણે પૂછ્યું, ‘આ ભાઇ ગીતો ગાવાના ક્યારે શરૂ કરશે? એટલે હું કેમેરો ત્યારે જ તેમના માટે તૈયાર રાખું.’
બાજુમાં બેઠેલા આધેડ સજ્જન નમ્ર ભાવે બોલ્યા, ‘એ ભાઇ પંદર મિનિટથી ગાઇ જ રહ્યા છે.’ આ સાંભળી કેમેરામેન મારી સામે ત્રાટક નજરે જોવા લાગ્યો, ‘જો આ બેન જેવા લાગતા ભાઇ પંદર મિનિટથી ગાઇ જ રહ્યા છે તો આ ગીત આગળ કેટલું ચાલશે?’
સજ્જને ફરી મણકો મૂક્યો, ‘લગભગ અડધી કલાક કે કલાક તો પાક્કી હો…’
પછી મેં શાશ્ત્રીય સંગીતના ઉભેલા એક રસીયાને જગ્યા આપી દીધી. તમ તમારે બેસો, મારા કેમેરામેને પણ એમ જ કર્યુ અને ત્યાંથી ભાગે ઇ ભાયડાની ઉક્તિને અમે સાચી ઠેરવી.
તો શાશ્ત્રીય સંગીત સાથે આપણે આવો ગાઢ સંબંધ છે. આ તો એમેઝોને અત્યાર સુધી સાથ આપેલો એટલે આજે પણ આપશે એ વિચારે મંગાવેલી, પણ ખબર શું હતી કે ધરમ કરતા ધાડ પડશે. હવે આ બુક રિટર્ન કરવાનો કોઇ ઇરાદો નથી. કારણ કે સુબ્બાલક્ષ્મીએ ભારતરત્ન જીતેલો છે તો એ પ્રતિભા પણ એવી જબરી હશે જ. ભારત સરકાર એટલી પણ અભણ નથી કે ગમે તેને એર્વોડ આપી દે અને તેમાં વાત જ્યારે ભારતરત્નની હોય ત્યારે તો બિલ્કુલ નહીં.
આમ પણ ચરિત્રકથનો જાણવાનો આપણને બાળપણથી શોખ છે અને લખવો પણ. એટલે આપણે સુબ્બાલક્ષ્મીને આર.કે.નારાયણ સમજી પૂર્ણ કરીશું. એમ સમજશું કે આર.કે.નારાયણના વિશ્વમાં કોઇ એમ.એસ (ધોની) છે જેનું સફળ જીવનચરિત્ર વાંચી આપણે ભવિષ્યના મજબૂત પુલનું નિર્માણ કરી રહ્યા છીએ. આભાર જૈફ વયના બેઝોસ.
~ મયૂર ખાવડુ
Leave a Reply