સ્ત્રીઓ મુર્ખ છે કે એવું કહે છે અમે પુરૂષોની સમાન છીએ
ત્યારે બેંગ્લોર બેંગાલુરૂ હતું. સિલિકોન વેલીની સાઉથ સાનફ્રાન્સિસ્કો એટલે કે કેલિફોર્નિયાની માફક ઓળખ ઉભી નહોતી થઇ. નારાયણ મૂર્તિ બિઝનેસમાં કાઠુ કાઢી રહ્યા હતા. આટલો મોટાપાયે વિકાસ થયો હોવા છતા, ત્યારે એક સ્ત્રી આવે છે અને પુરૂષોને ઉપાડી જાય છે તેવી અફવાઓ ચારેકોર ફેલાવા લાગેલી.
ઘરમાં પુરૂષ સૂતો હોય. તેની સાથે તેની પત્ની કે મમ્મી હોય. આ સિવાય તેને એક અજાણી સ્ત્રીનો પણ જ્યારે પરિચિત હોય, જન્મજન્મથી નાતો હોય, તેવો મંત્રમુગ્ધ કરી દેતો અવાજ સંભળાય. એ અવાજ એક સ્ત્રીનો હોય. સંમોહન કરતો હોય. અવાજ સંભળાય એટલે પુરૂષ તે અવાજની દિશામાં દોટ લગાવે એટલે અવાજ પાછળ પાપા પગલી ચાલવું તેના જીવનની લાસ્ટ રાઇડ સમજી લેવાની.
એક ચૂડેલ આવી છે તે બીક માલીકોર ઘર કરી જાય. ઉપરથી 90ના દાયકામાં અંધશ્રદ્ધાળુઓ તો વધારે રહ્યા. આ એ યુગ હતો જ્યારે સૌથી વધુ રામસે બ્રધર્સની હોરર ફિલ્મો ચાલતી.
હોરર અને સાયન્સ ફિક્શનની સિરીયલો દૂરદર્શન પર ધૂમ મચાવતી. (કૅપ્ટન વ્યોમ, ઇન્દ્રધનુષ !!) દૂરદર્શને સામાજીકની સાથે સાથે સાયન્સ ફિક્શન પર પણ હાથ અજમાવેલો. જેને એ સમયના લોકો ભૂતમાં ખપાવી દેતા હતા.
પછી તો આ સ્ત્રીથી બચવા માટે ત્યાંના લોકોએ કન્નડ ભાષામાં દરવાજા અને દિવાલમાં લખાવ્યું COME TOMORROW જોકે તે કન્નડભાષામાં સુવાચ્ય અક્ષરોએ લખેલું હતું. “નલ્લે બા…” જેનો ગુજરાતીમાં અર્થ થાય કાલે આવજે.
આપણા ઘરે મહેમાન આવે તો આપણે તેને કાઢી ન શકીએ. સીધુ રોકડુ ન પરખાવી શકીએ. પણ તેના માટે એવું કહી શકીએ કે કાલે આવજો, આજે મારે કામ છે. લોકોએ દિવાલમાં લખાવી નાખ્યું કાલે આવજે. સંજોગાવશાત જે ઘરની બહાર તે લખેલું હોય ત્યાંથી સ્ત્રી પુરૂષને લઇ ન જતી.
તો પછી સ્ત્રી બેંગ્લોરની જગ્યાએ ચંદેરી (ભોપાલની બાજુમાં આવેલું મધ્યપ્રદેશમાં..) ત્યાં કેમ શૂટ કરવામાં આવી? અમર કૌશિક ફિલ્મના ડિરેક્ટર. તેમના જીવનના પંદર વર્ષ ભોપાલમાં હસી ખુશીથી વિત્યા હતા. ફિલ્મ જોવાનો અને પછી બનાવવાનો કિડો તેમનામાં સળવળ્યો ત્યાર સુધીમાં તે અહીં એક ફિલ્મ બનાવવાનું મન બનાવી ચૂક્યા હતા. ત્યાંનું કલ્ચર, હિસ્ટ્રી અને નોર્થ ભારતની ઐતિહાસિક વસ્તુઓ પીલર સમાન છે. જેમાંથી અમર કૌશિક બહાર નહોતા નીકળી શકતા. આખરે તેમના હાથમાં રાજ & ડીકેની સ્ટોરી આવી. આ ફિલ્મનું નરેશન જ્યારે તેમણે અમર કૌશિકની સામે કર્યું ત્યારે તેમના દિમાગમાં બસ ચંદેરીની ગલીઓ જ ઘુમતી હતી.
ગુજરાતમાં જેમ જૂનાગઢ છે, તેમ મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લામાં ચંદેરી આવેલું છે. નાનું છે પણ નાગનું બચ્ચુ છે તેવું કહી શકો. આજુબાજુ અદ્દલ જૂનાગઢની માફક ઘટાદાર વૃક્ષો, ખડખડ વહેતી બેતવા નદી. પક્ષીઓનો એકધારો મધુર અવાજ, કિલ્લાઓ. એક લેખક અથવા તો કવિ માટે પરફેક્ટ જગ્યા બીજુ શું?
બુન્દેલના રાજપૂતો અને માળવાના સુલ્તાનો દ્વારા બનાવવામાં આવેલી ઇમારતોનું અદભૂત નક્શીકામ. જેનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. એટલું ઐતિહાસિક શહેર છે કે પંકજ ત્રિપાઠી ફિલ્મમાં આ શહેર વિશે એક ડાઇલોગ બોલે છે, “તુમ જહાં બેઠો હો વહાં પર અગર ખોદ દેના તો મોહે-જો-દડો નિકલ જાએ.”
ડિરેક્ટર અમર કૌશિકે ચંદેરીના ઇતિહાસથી લોકોને પરિચિત કરાવવાનો એક સારો અવસર પ્રદાન કર્યો છે. જેમ મારા ગામમાં તો આવું છે…. તેવું જ કંઇક અમર કૌશિકે અહીં કર્યું છે.
ચંદેરીમાં છેલ્લુ ક્રૂરતાપૂર્વકનું કામ કર્યું હતું શેરશાહ સૂરીએ. જે દિલ્હીમાં ટનલો બનાવતો હતો અને ટનલ ફાટતા તેનું મૃત્યું થયું. શેરશાહ સૂરીએ ચંદેરીના કિલ્લા પર આક્રમણ કર્યું પણ તે નિષ્ફળ નિવડ્યો. હવે તો બસ સંધી કરવી પડે, આમ વિચારી તેણે પૂરનમલ જાટ સાથે સંધી કરી લીધી.
સંધી થઇ અને શેરશાહ કિલ્લાની નીચે ઉતર્યો કે તેની અંદર રહેલો ક્રૂર યૌદ્ધા જાગૃત થઇ ગયો અને તે મારકૂટ કરવા લાગ્યો. હિંસા આચરી તેણે ચંદેરીના કિલ્લાને પોતાના તાબા હેઠળ લીધો. અને આ કિલ્લાના મુખ્ય દરવાજાને લોહીથી રંગ્યો. એટલે જ કદાચ કિલ્લાના પહેલા દરવાજાને ખૂની દરવાજો કહેવાતો હશે?
કિલ્લાની ઉપર-નીચે એમ ત્રણ દરવાજા છે.ઉપરના દરવાજાને હવાપૂર દરવાજો કહેવામાં આવે છે. કિલ્લાની પૂર્વ દિશામાં ત્રીજો અને છેલ્લો દરવાજો છે જેને કટ્ટી ઘટ્ટી દરવાજો કહેવામાં આવે છે. ખબર છે જૂનાગઢમાં આવા 13 દરવાજા આવેલા છે, પરંતુ સૌથી ફેમસ દરવાજો મજેવડી ગેટ છે. કારણ કે ત્યાં બસ ઉભી રહે છે. એ સિવાયના ઘણા દરવાજા તો તૂટી ચૂક્યા છે.
ચંદેરીની બેતવા નદીમાં પંચમનગર તો હમણાં છેટ દેખાણું. જે 1980માં પાણીમાં ડૂબી ગયું હતું. પાણીનો સ્ત્રોત કોઇ દિવસ ઓછો ન થયો પણ રહી રહીને પાણીની ઇમરજન્સી સર્જાય એટલે તે બહાર આવ્યો. હવે પેલો ડાઇલોગ રિપીટ કરો, તુમ જહાં બેઠો હો વહાં પર ખોદ દેના તો મોહે-જો-દડો નિકલ જાએ. બરાબર છે ને ડાઇલોગ…? ફિલ્મમાં કોઇ બંદુક ટાંગેલી હોય તો તે ફૂટે ખરી, ખાલી તમને ફોડતા આવળવી જોઇએ.
સ્ત્રી સિવાય ચંદેરી ખાસ એટલા માટે પોપ્યુર થયું છે કે ફિલ્મ સુઇ ધાગાનું શૂટિંગ પણ ત્યાંજ થયું છે. સ્ત્રીનો મેઇન પ્રોટોગોનીસ્ટ વિકી દરજી હતો અને સુઇ ધાગામાં વરૂણ અને અનુષ્કા પણ સિવણ કામ કરે છે. કારણ કે ત્યાંની ચંદેરી સાડી અને સિલાઇ કામ દુનિયાભરમાં વખાણાઇ છે.
ફિલ્મના એક સીનમાં જ્યાં સ્ત્રીથી પીછો છોડાવવો મુશ્કેલ હોવાથી પુરૂષો પણ સાડી ધારણ કરી લે છે અને પોતાની પત્નીને કહે છે કે, તું ઘરે વહેલી આવી જજે, સામેથી પત્નીશ્રીનો પ્રત્યુતર મળે છે કે, તમે ઘરની બહાર નહીં નીકળતા.
એક રીતે આ સીન સ્ત્રી-પુરૂષની સમાનતા દર્શાવે છે. એક્ચ્યુલી અહીં સ્ત્રીનું કદ પુરૂષ કરતા પણ મોટું દર્શાવવામાં આવ્યું છે. રાતે સ્ત્રી બહાર જઇ શકે છે, પણ પુરૂષ ઉંબરો નથી ઓળંગી શકતો ! દુનિયાભરમાં ચાલતા સ્ત્રી-પુરૂષની ઘડિયાળના કાંટા ફિલ્મમાં ઉલટા કરી દર્શાવવામાં આવ્યા છે.
ફિલ્મમાં રાજકુમાર રાવ જે રીતે ચંદેરીની સ્ત્રીઓના શરીરનું કાપડ બનાવવા માટે માપ લે છે તે એટલા માટે નથી દર્શાવવામાં આવ્યું કે હિરો તો લાર્જર ધેન લાઇફ છે અને તે આ ફિલ્મનો નાયક છે જેવી બડાશ હાંકવી પડે. પણ એટલા માટે બતાવ્યું છે કે પુરૂષોએ સ્ત્રીની આબરૂનું- ઇજ્જતનું માન રાખવું જોઇએ. બાકી આપણા દરજીઓને છોકરીઓના અંગો અડકવાની કંઇક વધારે જ તાલાવેલી હોય છે અને સિક્સ સેન્સ ધરાવતી સ્ત્રીઓ તે વાતને તુરંત પરખી પણ લે છે. વિકીનું સ્ત્રીઓના શરીરને અડક્યા વિના કાપડનું માપ લેવું તે કોઇ સાઇન્ટિફિક પ્રવૃતિ નહીં, પણ સ્ત્રીઓની ઇજ્જત કરવાના પ્રતીક તરીકે લીધું છે.
એક સ્ત્રીને બીજી સ્ત્રીની ઇર્ષ્યા થવાની જ. શ્રદ્ધા કપૂરે બાકી ચોટલો સાચવવાની શું જરૂર પડી ? તેને એ સ્ત્રી પાસે હતું તે પોતાની પાસે પણ હોવું જોઇએ તેવી અપેક્ષા હતી. અને એ અપેક્ષાની પરીપૂર્તિ થાય છે પણ ત્યાં સુધીમાં ગામના લોકોની માનસિકતા બદલી ચૂકી છે. તેઓ કલ આનાની જગ્યાએ રક્ષા કરો શબ્દનો ઉપયોગ કરે છે.
બીજુ વેશ્યાઓ પ્રત્યેની આપણી માનસિકતા બદલવી જોઇએ. વેશ્યાઓ પર મંન્ટોએ ઘણું લખ્યું અને તમે બધા તેના જાણકાર છો. સ્ત્રીઓ ખુશવંતસિંહ પર ઓળઘોળ હતી કારણ કે ખુશવંત સિંહ સ્રીઓના સ્તનને નહીં તેની અંદરના હ્રદયને જોતા હતા. પણ સ્ત્રી જો વેશ્યા હોય તો તેને પ્રેમ કરવાનો અધિકાર નથી ? એ આપણે નથી વિચારવાનું કે નક્કી કરવાનું. અઢળક પુરૂષોના પડખા સેવ્યા બાદ હવે તેને યોગ્ય પુરૂષ મળી ગયો હોય, અને પુરૂષ પણ રાઝી હોય, તો તેને તેનું જીવન જીવવાનો અધિકાર છે.
વાસ્તવમાં આ હોરર કોમેડી ફિલ્મ નથી. આ ફિલ્મ છે સ્ત્રીઓ પ્રત્યે પુરૂષોની માનસિકતા બદલવાની. જે સાચી હકિકત તો ચંદેરી પુરાણનો લેખક બનેલો, વિજય રાજ પગથિયા પર ઉભા ઉભા કહી દે છે. જોયું હશે તે સમજી ગયા હશે.
ફિલ્મમાં સ્ત્રી બનેલી ભૂત દેખાવે તો ભયંકર લાગે છે, પણ એ સ્ત્રી જ્યારે વિકીમાં સાચો પ્રેમ જુએ છે ત્યારે તેનો ચહેરો કોમળ થવા લાગે છે. ધીમે ધીમે તે સુંદર દેખાવા લાગે છે. તેના આ પરિવર્તન પરથી કહી શકાય કે સ્ત્રી પ્રેમની ભૂખી છે, બીજી કોઇ વસ્તુની નહીં.
વિલિયમ ગોડલિંગ (1911-1993) આ બ્રિટિશ નોવેલિસ્ટ અને પ્લે રાઇટરનું સ્ત્રી અંગેનું ક્વોટેશન તમારા ધ્યાનમાં આવ્યું હશે…”સ્ત્રીઓ મુર્ખી છે કે એવું કહે છે અમે પુરૂષોની સમાન છીએ. ના, એ પુરૂષો કરતા પણ ઘણી આગળ છે. તમે સ્ત્રીને જે આપશો તે તેને મહાન બનાવી તમને સામે આપશે. વીર્ય આપો બાળક આપશે, મકાન આપો ઘર બનાવશે, કરિયાણું આપો જમવાનું આપશે, હાસ્ય આપો હ્રદય આપશે. તેને જે વસ્તુ આપશો તેમાં તે પોતાનું બેસ્ટ આપશે…” આ એક જ માણસ છે જેણે સ્ત્રીની ત્રણ લીટીમાં સાચી વ્યાખ્યા આપી દીધી.
~ મયૂર ખાવડુ
Leave a Reply