છાપાવાળાઓ પાસે ડૉક્ટરોની કમી હતી કે શું ? આને ઉપાડી લાવ્યા ! વાત હજુ ગઈકાલની જ માની લો, નવું નવું અખબાર શરૂ થયું હતું. છાપામાં બધુ સચવાઈ ગયું હતું. પત્રકારત્વની કોલેજમાં આટો મારી ઈન્ટર્નશિપ કરનારા છોકરાઓને કોડીઓના ભાવે ઉઠાવી લાવ્યા હતા. બીજા અનુભવીઓને એક હજાર રૂપિયા વધારે પગાર આપ્યો હતો. ખબર પડી કે ફેસબુકમાં લખવાવાળાઓની આખી જમાત છે, તો બે કવિ અને પચ્ચીસ જેટલા સારા લખવૈયા મળી ગયા. નૈયા ચાલવા લાગી. બાકી કેટલાક બીજી ફેકલ્ટીના લોકોને બોલાવી લાવ્યા, પણ આવુ નવું છાપુ હોય તો સેક્સની કોલમ કોણ લખે ? કાનમાં કહુ સંદેશમાં આવે, સહિયરમાં પણ આવે, ભાસ્કરમાં પણ એક ડૉક્ટર લખે ! પણ આ નવા છાપામાં કોઈ મફતમાં સેક્સની કોલમ લખી આપે એવું હતું નહીં. ઘણી શોધખોળ કરી… તપાસ કરી. આખરે છાપુ આવી ચિંતનાત્મક અને માહિતીસભર કોલમોની જગ્યાએ સેક્સની કોલમોથી જ તો ચાલતું હોય છે.
તંત્રીએ કહેણ મોકલ્યું, ‘કોઈ એવો જુવાન હોય, જે મેડિકલનું ભણતો હોય અને પ્રસિદ્ધીના શીખરો આંબવા માગતો હોય તેને આપણું છાપુ આવકાર આપે છે.’ આવુ કહી તેમણે એક પ્રેસનોટ પોતાના જ છાપામાં છપાવી દીધી. છપાવ્યા બાદ પણ કોઈ ન આવ્યું. ઈન્ટર્નશિપ કરતા છોકરા મનીષે તંત્રી સાહેબને જોઈ કહ્યું, ‘સાહેબ આમ તો કોઈ નહીં આવે અને સેક્સ માટેની તમારી ઉતેજના જોઈ હું વ્યાકુળ થઈ રહ્યો છું, એટલે કોલેજના કોઈ બેફામીયા જવાનને ઉપાડી લાવીએ તો કેવું રહેશે ?’
તંત્રીને પોતાની ખુરશીનું અભિમાન હતું, તેટલો જ ગર્વ પણ, તંત્રીની ડિમાન્ડને ઉતેજના સાથે સરખાવતા તેનો પીત્તો ગયો, તેણે મનીષને ઉભા ડેસ્કે હાંકી લીધો ! આ વાતને પણ મહિનો વીતી ગયો, પણ કોઈ સેક્સની કોલમ લખનાર ન મળ્યું. તંત્રીને થયું હવે ખોટા તખલ્લુસથી પોતે જ કલમના લિસોટા કાગળના પાના પર મારવા જોઈએ, જ્યારે સબ એડિટરને તેમણે કહ્યું, તો સબ એડિટર તંત્રીથી હોશિયાર હોય તેમ ફિલોસોફી ઝાટકી, ‘હસ્તમૈથુન અને સેક્સમાં ફર્ક સાહેબ, એમ તમે લખોને કોઈ અનુભવી લખે તો જુદુ તરી આવવાનું.’
તંત્રી સાહેબને આ વાત ખૂંચી, સાચી પણ એટલી જ લાગી એટલે તેમણે પોતાની ઉત્તેજનાને ઠંડી કરી દીધી. હવે શરૂ થાય તો બરાબર બાકી આપણે સેક્સની કોલમ નહીં લઈએ. તંત્રીનું ફરમાન સલાખો પર. ડેસ્ક પર જેનો પગાર વધારો ન હતો થઈ રહ્યો અને જે લોકોને પગાર ઓછો મળી રહ્યો હતો, તે લોકો તંત્રીની ખીલ્લી ઉડાવતા, ‘એક કોલમ માટે તંત્રીનો જીરવાતો નથી.’
જો કે તંત્રી સિવાય વધુ એક ભાઈ હતા જેને કોલમ શરૂ થાય તેવી આગવી ઈચ્છા હતી. છાપાના માલિકી મનહર દેસાઈ. તંત્રી સાહેબને પોતાની ચેમ્બરમાં બોલાવી ખીજાયા, ‘વાંઢા છો કે પરણેલા ?’
‘સાહેબ પરણેલો.’
‘તો 22 વર્ષની કન્યા જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન કરે, તો શું લખાય તેની પણ તમને જાણ નથી. અરે શરમાવ… શરમાવ મને કેમ એવું લાગે છે કે તમારા ડેસ્કમાં જેટલા પણ પત્રકારો છે તે કોઈને સેક્સની સમજ જ નથી. કોઈ લખી શકે તેવું છે જ નહીં.’
‘આમા કેવું છે સાહેબ.’ તંત્રીએ ઉમેર્યું, ‘માનો કે ન માનો, સેક્સ વિશે વાતો કરવી સહેલી છે, પણ તેના પર લખવામાં લખનારે મર્યાદા જાળવવી પડે, આપણા રમેશને જ લઈ લો, રમેશને આ કોલમ આપવામાં આવે, તો તે પોતાની સેક્સ લાઈફ દર વખતે અલગ અલગ રીતે વર્ણવે. કારણ કે તેની બૈરી તેને તેના રૂમમાં પ્રવેશવા દેતી નથી. વાંચકોને પણ એવું ફિલ થાય કે, નવલકથાની માફક આ ડોક્ટર પોતાની જ સમસ્યાને અલગ અલગ રીતે લાવી રહ્યા છે. પેલા દર્શનીયાને પણ સોંપાય નહીં, માનીએ કે કોલેજમાં તેણે મૌજ જ કરી છે. આઈ રિપીટ સર મૌજ… પણ તેનો અર્થ એ તો નથીને કે કોલમ તેના હાથમાં દેવાય. છોકરીઓએ તેની સાથે લગ્ન નથી કર્યા એટલે તે સાચા નામ જાહેર કરી દે. પેલો જીગલો….’
‘બસ.. બસ…’ તંત્રીને આગળ બોલતા અટકાવવામાં આવ્યા. નહીંતર તે અહીં જ પોતાની ચરમસીમા ઓળંગી દેત, ‘થાય તો ઠીક છે, સારૂ છે, બાકી રહેવા દો… ઓકે…’
બારણું વાસી તંત્રી બહાર નીકળ્યા. જ્યારે કોઈ પરાયી સ્ત્રીને સ્પર્શ પામ્યા બાદ બહાર આવ્યા હોય તેવી તેમના ચહેરાની ભાવ ભંગીમાઓ અભિવ્યક્ત થતી હતી. પોતાની ચેમ્બરમાં ગયા અને નિરાશ વદને પાછલા પૃષ્ઠને આરામ આપ્યો. તેમના વજનથી ખુરશી હલી ગઈ.
‘સર, પેલો છોકરો આવ્યો છે, જે નવલકથા શરૂ કરવા માગતો હતો, મોકલું અંદર.’ પટ્ટાવાળાએ કહ્યું. તંત્રીએ કોપભવનમાં પ્રવેશવાની પરવાનગી આપી. છોકરો કોપભવનમાં પ્રવેશ્યો, ‘વાંચી તમારી નકલ.’ છોકરાની સામું જીણી આંખ અને ગુસ્સાને ચહેરા પર લાવી કહેતા હતા, ફટકારતા હતા, ‘આવું તે કંઈ લખાય, તમારો નાયક ઘડી બે ઘડી પથારીમાં સુવા તલપાપડ થઈ જાય છે. સાહિત્ય તો સંસ્કાર કહેવાય, તમારા નાયકને આની કંઈ નથી પડી. બાકી બધુ ઠીક, પણ આટલી બધી છોકરીઓના નવા નામ ક્યાંથી લાવ્યા ? અમારે તો અહીં ખોટી સ્ટોરી કરવાની હોય તો પણ નામ મને પૂછવા આવે.’ એટલામાં તંત્રીને જબકારો થયો… તંત્રીને થયું કે જો આ કોલમ લખે તો ?
‘પાર્થ આ નવલકથા તો નહીં છપાય ! પણ શું તું એક સેક્સ કોલમ લખી શકીશ ?’
‘સેક્સ કોલમ… ?’
‘હા, તું કહે એટલા રૂપિયા આપું, મારા એક પણ કોલમિસ્ટનો પગાર મેં હજુ શરૂ નથી કર્યો, અને હવે આગામી ત્રણ મહિના સુધી કરવાનો મારો વિચાર પણ નથી, તો શું તું આ નવલકથાની જગ્યાએ સેક્સ કોલમ આપી શકીશ ?’
‘પણ હું કેવી રીતે…. ?’
‘કંઈ નહીં યાર, આ નવલકથામાં તારો નાયક જે વાસનાના ફુફાડા મારે છે, તેવી સત્ય હકિકતો તારે નામ બદલી પાના પર લખવી પડશે, બનાવટી હશે તો પણ ચાલશે.’ તંત્રીએ ધીમેથી કહ્યું.
‘ઓકે… પણ રૂપિયા કેટલા આપશો ?’
‘કેટલા જોઈએ ?’
‘બે હજાર…’ તંત્રીને આઘાત લાગ્યો. વધુ એક ટેન્શન તેમના માથે હતું. દર બુધવારની પૂર્તિમાં બે પાંચ સવાલ પૂછવા અને લખવાના આટલા બધા રૂપિયા, ‘પાર્થ… છોકરા આટલા બધા તો સેક્સ સમસ્યાના દાકતરો પણ નથી લેતા. અરે પેલી B ગ્રેડની કન્યાઓ પણ ફિલ્મ માટે નથી લેતી એનું તને નોલેજ નહીં હોય. બાકી હજારમાં પાક્કુ કરીએ.’
‘પાક્કુ, ચાલો કાલે લખી આપીશ.’
બીજા દિવસે તંત્રીના હાથમાં પાર્થની કોલમ હતી. સૌ પ્રથમ લખેલું હતું, ‘‘હુ 25 વર્ષ નો તરવરીયો યુવાન છુ. મારા શિશ્નની લંબાઈ 6 ઇંચ છે. મે 10 દિવસ પહેલા ખૂબ જ ઝડપથી હસ્ત મૈથુન કરેલું, પણ તે દિવસે મને લાગ્યું કે, આમ કરવાથી શિશ્નની લંબાઈ ઘટી જાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.’’
બીજો સવાલ હતો, ‘‘સર, મારૂ નામ રાજેશ છે. મારી ઉંમર 28 વર્ષની છે, સ્ત્રીને જોતા જ મને ઉતેજના જેવું ફિલ થવા લાગે છે, આ પહેલા મેં એક સ્ત્રી સાથે સંબંધ બાધેલો, પણ પરાકાષ્ટાના માર્ગ સુધી પહોંચતા પહેલા જ મારા દરવાજાની ચાવી નીકળી ગઈ. આપ યોગ્ય રસ્તો બતાવશો તેવી વિનંતી.’’
સીધો ફોન કરી પાર્થને ઓફિસમાં આવવાનું તેડુ મોકલ્યું. પાર્થ ઓફિસમાં, સામે તંત્રી સાહેબ. તંત્રી સાહેબ ખુરશી પર પોતાનો એક પગ ચઢાવી બેઠા હતા. હાથ ડાબા મગજના ભાગ તરફ હતો. થોડા વિચલીત હતા અને થોડા શિથીલ પણ હતા, ‘પાર્થ બેટા આમ હોય… ?’
‘કેમ શું થયું ?’ પાર્થે કપાળની કરચલીઓ ભેગી કરી, પણ યુવાનીના કારણે દેખાય નહીં.
‘બેટા પાર્થ, જે યુવાનને 6 ઈંચ છે, તો પણ તેને એવું ફિલ થાય છે કે, લંબાઈ ઘટી જશે.’ તંત્રીએ ખોટો ખોંખારો ખાધો.
‘હા, તો ?’
‘બેટા, મારે તને કેમ સમજાવવું, તું ઓફિસમાં પથરા મરાવીશ, વોટ્સઅપ અને ફેસબુકમાં મજાકનો વિષય બનાવીશ, આટલું લાંબુ છતા તને…. મને શરમ આવે છે.’
‘કંઈ વાંધો નહીં એને ત્રણ ઈંચ કરી નાખો !’ પાર્થે ઉપાય સુચવ્યો.
તંત્રી તાડુક્યા,‘આ કોઈ કોલમ થોડી છે, મેડિકલની ભાષામાં મને ખબર ન પડે.’
‘તમારૂ ને મારૂ બંન્નેનું સચવાઈ જશે એક કામ કરો, 4 રાખીએ.’ પાર્થે તંત્રી સામે ડિલ મુકી.
‘આ કંઈ હોલસેલની દુકાન થોડી છે ? ચાર રાખીએ.’
‘તો હું લખું તો પણ વાંધો, ન લખું તો પણ વાંધો, હું જાવ છું…’ પાર્થ બારણું ખોલવા ગયો ત્યાં તંત્રીએ તેને રોક્યો.
‘ના, તને મન ફાવે એમ કર જા… તું વધાર ઘટાડ મને કંઈ અફસોસ નહીં થાય.’ પાર્થ લખવા માંડ્યો. તેના જવાબ લખ્યા, ત્રણ પ્રશ્નો હતા તે લખ્યા. છપાવા માટે આપી દીધુ. તંત્રીને હજુ ડર હતો. આ છપાણા પછી ગંદી ગંદી ગાળો ન પડે તો સારૂ. થોડીવાર પછી તંત્રીએ કહ્યું,‘પાર્થ કોલમનું નામ શું રાખવું છે ?’
‘રતિક્રિડાનો રાજા… કે પછી કામદેવની મસ્તી…’
‘આ કોઈ મસાલાની પ્રોડક્ટ થોડી છે !?’
‘તો તમે કહો ?’
‘મધુરજનીની વાતો… કેવું લાગ્યું ?’
‘આજ પ્રથમ વખત સાહેબ મને તમારા પર ગર્વ થાય છે, શબ્દ બરાબર આપ્યો.’ પાર્થે વખાણનો વડો ખવડાવી દીધો. કોલમ છપાતી ગઈ અને બીજા દિવસે પત્રો અને ઈમેલના ઢગલા. તંત્રી ખુશ થયા વાહ, હવે છાપુ ચાલતું હોય તેવું લાગતું હતું. બાકી પેલા આગોશ નામના કવિને તો કોઈ ફિડબેક પણ ન હતા આપતા. ધીમે ધીમે પાર્થને ઓફિસમાં જ રોકી રાખ્યો. માનુની મેનકા, ચીબાવલી ચેતના અને આવા અગણિત નામો તે વાપરતો, તંત્રીને થતું કે, ‘વાહ છાપુ દોડી રહ્યું છે.’ એકવાર તો એક અગડમે પૂછી લીધેલું, ‘શુક્રાણુઓની સંખ્યા કેટલી ?’ આ પત્ર જ્યારે તંત્રીના હાથમાં આવ્યો તો તે લાલઘુમ થઈ ગયા, ‘પાર્થ આ સંખ્યાની તને ખબર છે ?’
‘કઈ સંખ્યા ?’
‘આ…. ઉની….’
‘કોની સાહેબ ?’
‘તુ અનાપશનાપ બોલાવીને જ રહીશ… આ વાંચ આ કોઈ મનજીતનો પત્ર છે.’ પાર્થે પત્ર હાથમાં લઈ વાંચવાની શરૂઆત કરી પછી તંત્રીને જવાબ મળ્યો, ‘સર, આ તો સૌથી સરળ પ્રશ્ન છે, અસંખ્ય હોય છે.’ તંત્રી સાહેબનું મોં વિલાય ગયું. આવું બે ત્રણ વર્ષ ચાલ્યું. કોલમ સડસડાટ દોડતી રહી. તંત્રીને મજા આવતી રહી, ઈમેલ આવતા રહ્યા. પાર્થ લખતો રહ્યો, પણ છાપુ બીજા પ્રમુખ છાપાઓ કરતા અગ્રીમ સ્થાન પર કોઈ દિવસ બીરાજી ન શક્યું. તેમાં આવતી સેક્સ કોલમો પણ ઢાંસુ હતી, છતા આપણી કોલમના આટલા ઈમેલ આવે છે, અને તો પણ છાપુ લોસમાં જાય છે. અને એક દિવસ એ પણ આવી ગયો. છાપુ બંધ થઈ ગયું. ડેસ્ક વિખાઈ ગયું. કેટલાક જૂના છાપામાં ગયા, કેટલાક નોકરી શોધવા હિજરત કરી ગયા. પાર્થ પણ છુટ્ટો પડ્યો.
વર્ષો બાદ પાર્થ અને તંત્રીશ્રી મળ્યા. હવે તંત્રી સાહેબ નિવૃત થઈ ગયા હતા. પાર્થને જોઈ ઓળખી ગયા, ‘અલ્યા એય સેક્સોલોજીસ્ટ…’ તંત્રી હસી પડ્યા. પાર્થને જોયો એટલે મઝા આવી, ‘ક્યાં છે અત્યારે તું ?’ પાર્થ પોતાની કરિયર શરૂ કરનારની પગે પડી ગયો, ‘સાહેબ બસ, ખુશી મજામાં.’ અત્યારે તો તને ક્યાંક નોકરી મળી ગઈ હશે, કે પછી તારી નવલકથાઓ છપાતી હશે, તારા લગ્ન થઈ ગયા હશે !’
‘લગ્ન થઈ ગયા છે, નોકરી લાગી નથી અને હજુ બીજા છાપાઓમાં આવી જ કોલમો લખુ છું.’ તંત્રીના તમામ સવાલોના જવાબ આપ્યા.
‘હજુ તુ ધરાણો નથી ?’
‘હું ધરાયો છું, પણ ગુજરાતની જનતાને હજુ આ કોલમો વાંચવી ગમે છે. એટલે મઝા આવે છે.’ થોડી અલક-મલકની વાતો થઈ. હસવાના ફુંવારા છૂટ્યા અને છુટ્ટા પડ્યા. રાતના તંત્રી સાહેબ સૂતા હતા અને તેમને અચાનક વિચાર આવ્યો. સફાળા જાગ્યા. મનમાં જે વિચાર હતો તેને દાબી બીજા દિવસે પોતાની જૂની ઓફિસે ગયા. ત્યાં ભંડારમાં તેમના છાપાની જૂની આવૃતિઓ પડી હતી. બે ત્રણ નકલો ઉઠાવી. પછી ગુજરાતના પ્રમુખ અખબારોની નકલો લઈ આવ્યા. મેચ કરવા લાગ્યા. પણ તેમને આવેલો વિચાર ખોટો સાબિત થયો. માથા પર હાથ ફેરવ્યા, ધૂળ માથા પર લાગી તેનું તેમને ભાન ન રહ્યું. પાછા ગોડાઉનમાં ગયા અને આ છાપાઓ રાખી દીધા. ત્યાં તેમની નજર એક પ્રમુખ અખબારની પૂર્તિના પાના પર પડી, આગળના પાનાઓનો ફુરચો ઉડી ગયો હતો. તંત્રી સાહેબે એ ઉઠાવી તો તેમાં લખેલું હતું, ‘‘હુ 25 વર્ષ નો તરવરીયો યુવાન છુ. મારા શિશ્નની લંબાઈ 6 ઇંચ છે. મે 10 દિવસ પહેલા ખૂબ જ ઝડપથી હસ્ત મૈથુન કરેલું, પણ તે દિવસે મને લાગ્યું કે, આમ કરવાથી શિશ્નની લંબાઈ ઘટી જાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.’’ ગોડાઉનમાં તંત્રી સાહેબના હાસ્યનો અવાજ ગુંજવા લાગ્યો. જાણે કોઈ ભૂત હોય. હાથમાં બંન્ને છાપાની એડિશન રહી ગઈ.
~ મયુર ખાવડુ
Leave a Reply